×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અજિત પવારના બળવા બાદ હવે NCPના બંને જૂથ પાસે કયા વિકલ્પ ઉપલબ્ધ રહ્યાં? નિયમ શું કહે છે?

image : Twitter


શિવસેનામાં ભંગાણ બાદ કાયદાકીય લડાઈ હજુ ચાલુ છે. દરમિયાન રવિવારે મહારાષ્ટ્રમાં અન્ય એક રાજકીય પક્ષમાં બળવો થયો. આ વખતે શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના ધારાસભ્યોએ બળવો કર્યો. હવે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેનાર NCPના અજિત પવારે વિધાનસભા અને કોર્ટમાં કાર્યવાહીથી બચવા માટે કોઈક રસ્તો શોધી કાઢ્યો હશે. જે રીતે શિવસેનામાં વિભાજન પછી મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પક્ષના નામ અને ચિહ્ન પર દાવો કર્યો હતો તે રીતે અજિત પવારે પણ હવે NCP પર પણ પોતાનો દાવો કર્યો છે.

શરદ પવારે શું કહ્યું?

ભત્રીજા અજિત પવારના એ દાવા કે શરદ પવારનું પણ મને સમર્થન છે તેના પર પ્રતિક્રિયા આપતા શરદ પવારે કહ્યું કે સત્ય ટૂંક સમયમાં સૌની સામે આવી જશે. અજિત પવારે શપથ લીધા બાદ તરત જ મીડિયાને કહ્યું કે, "મેં આવતીકાલે પાર્ટીના નેતાઓની બેઠક બોલાવી છે અને અમે ત્યાં આ મુદ્દે ચર્ચા કરીશું."

નિયમ શું કહે છે?

નિષ્ણાતો કહે છે કે જો અજિત પવાર પાસે પાર્ટીના 53માંથી 50 ધારાસભ્યોનું સમર્થન હોય તો પણ પાર્ટીના વડા તરીકે શરદ પવાર 10મી સૂચિ હેઠળ બળવાખોરોને ગેરલાયક ઠેરવવાની માંગ કરી શકે છે. 2004માં 10મી સૂચિમાંથી વિભાજનની જોગવાઈ દૂર કરવામાં આવ્યા પછી ઉપલબ્ધ વિકલ્પોમાંથી એક અન્ય પક્ષ સાથે વિલય કરવાનો છે. તે કિસ્સામાં પણ, સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચના તાજેતરના ચુકાદા અનુસાર, પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ ગેરલાયક ઠેરવાતા બચવા માટે મૂળ પાર્ટીએ (કોઈ અન્ય પાર્ટી સાથે) વિલય કરવો પડશે. 

શિવસેના કેસમાં કોર્ટે શું કહ્યું હતું?

માર્ચમાં, શિવસેના કેસની સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે પક્ષપલટા વિરોધી કાયદો ત્યારે પણ લાગુ થાય છે જ્યારે કોઈ જૂથ રાજકીય પક્ષથી અલગ થઈ જાય અને પક્ષની અંદર બહુમતી જીતવામાં સફળ થાય. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે સ્પષ્ટ કર્યું હતું કે દસમી અનુસૂચિ હેઠળ એ જૂથ બહુમતીમાં હોય કે લઘુમતીમાં તેનાથી કોઈ ફરક પડતો નથી. જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું હતું કે વિભાજનનો અર્થ એ નથી કે જે લોકો ભાગલાની તરફેણમાં છે તેઓ પાર્ટી છોડી દે. જ્યારે વ્યક્તિઓનું જૂથ, લઘુમતીમાં હોય કે બહુમતીમાં, દાવો કરે છે કે તેઓ એક જ પક્ષના છે ત્યારે પણ દસમી અનુસૂચિ (પક્ષપલટા વિરોધી કાયદો) લાગુ પડે છે.

શું આ વખતે અજિત પવાર ધારાસભ્યોને સાથે રાખી શકશે?

શપથ લીધા બાદ પત્રકાર પરિષદમાં અજિત પવારે કહ્યું કે એનસીપી પાર્ટી સરકારમાં સામેલ થઈ ગઈ છે. અમે ચૂંટણી લડવા માટે NCPના નામ અને ચિહ્નનો ઉપયોગ કરીશું. પાર્ટી અમારી સાથે છે, મોટાભાગના ધારાસભ્યો અમારી સાથે છે. જો કે, 2019 માં, જ્યારે અજિત પવારે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે દેવેન્દ્ર ફડણવીસ સાથે શપથ લીધા હતા, ત્યારે તેઓ NCP ધારાસભ્યોનો મોટો હિસ્સો તેમની સાથે લાવવાના તેમના વચનને પૂર્ણ કરવામાં અસમર્થ હતા. તેમના પ્રયાસો નિષ્ફળ ગયા અને વિપક્ષ મહા વિકાસ અઘાડી સત્તામાં આવી. આ વખતે ભાજપના સૂત્રો દાવો કરી રહ્યા છે કે તેમની પાસે 40થી વધુ ધારાસભ્યોનું સમર્થન છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ટ્વિટ કર્યું છે કે હવે અમારી પાસે 1 મુખ્યમંત્રી અને 2 નાયબ મુખ્યમંત્રી છે. ડબલ એન્જિનવાળી સરકાર હવે ટ્રિપલ એન્જિન બની ગઈ છે. મહારાષ્ટ્રના વિકાસ માટે હું અજિત પવાર અને તેમના નેતાઓનું સ્વાગત કરું છું. અજિત પવારનો અનુભવ આપણને મદદ કરશે.