×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અજિત અંગે શરદ પવારે આપી પ્રતિક્રિયા, કહ્યું ‘બળવાખોરો સામે કાર્યવાહી કરાશે, હું ફરી પાર્ટી ઉભી કરીને બતાવીશ’

મુંબઈ, તા.02 જુલાઈ-2023, રવિવાર

મહારાષ્ટ્રમાં મોટો રાજકીય ખેલ છતાં NCP વડા શરદ પવાર ગુસ્સામાં નહીં પણ ખૂબ જ શાંત દેખાઈ રહ્યા છે. એવું લાગે છે કે, તેઓ આ વિશે પહેલેથી જ જાણતા હતા. તેમણે ભત્રીજા અજિત પવારના અનેક ધારાસભ્યો સાથે રાજ્ય સરકારમાં સામેલ થવા બદલ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, તેમના ભત્રીજા અને તેમની પાર્ટીના તમામ ધારાસભ્યો જે NDA સરકારમાં સામેલ થયા છે તેઓ તમામ આરોપોમાંથી મુક્ત થઈ જશે.

આવો બળવો અગાઉ પણ થયો છે : શરદ પવાર

શરદ પવારે પુણેમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, આવો બળવો અગાઉ પણ થયો છે, પરંતુ હું પાર્ટીને ફરી ઉભી કરીને બતાવીશ. થોડા દિવસો પહેલા વડાપ્રધાને ઉલ્લેખ કર્યો હતો કે, મહારાષ્ટ્રની મુખ્ય સહકારી બેંકમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે. આજે ભાજપ સરકારમાં જોડાયેલા NCP નેતાઓ કહે છે કે, ભ્રષ્ટાચાર સાફ થઈ ગયો છે અને હું આ માટે વડાપ્રધાનને ધન્યવાદ આપું છું... આગામી દિવસોમાં લોકોને ખબર પડશે કે NCPના આ નેતાઓએ શા માટે હાથ મિલાવ્યા છે, જે લોકોએ હાજરી આપી છે તેઓએ મારો સંપર્ક કર્યો છે અને કહ્યું છે કે તેમને ભાજપ દ્વારા આમંત્રણ અપાયું છે. પરંતુ તેમણે કહ્યું કે તેનું સ્ટેન્ડ અલગ છે.

પવારે કહ્યું, PM મોદીએ NCP પાર્ટીને ભ્રષ્ટ પાર્ટી ગણાવી હતી

શરદ પવારે જણાવ્યું કે, વડાપ્રધાન મોદીએ એક ભાષણમાં NCP પાર્ટીને ભ્રષ્ટ પાર્ટી ગણાવી હતી. આ દરમિયાન વડાપ્રધાને કહ્યું હતું કે, NCP એક સમાપ્ત થઈ ગયેલી પાર્ટી છે. વડાપ્રધાન મોદીએ પણ પાર્ટી પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. હવે શરદ પવારે તેમના નિવેદન પર કટાક્ષ કર્યો છે. તેમણે ખુલ્લેઆમ કહ્યું કે, અજિત પવાર સાથે તેમની પાર્ટીમાંથી જે પણ સરકારમાં સામેલ થયા છે, તેઓ આ પગલાથી ખૂબ જ ખુશ છે.

‘મેં રાજકારણમાં દગો પહેલીવાર જોયો નથી...’

NCP વડા શરદ પવારે વધુમાં જણાવ્યું કે, જે લોકો તેમની પાર્ટીમાંથી સરકારમાં ગયા છે તેઓ હવે તમામ દોષ અને આરોપોથી મુક્ત થઈ જશે. શરદ પવારે કહ્યું કે, મેં રાજકારણમાં પહેલીવાર દગો જોયો હોય તેવું નથી. જો કે મોટા રાજકીય ઉલટફેરની ઘટના બાદ તેમણે અજિત પવાર, તેમના સમર્થકો તેમજ વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, તેમને અજિત પવારની ચિંતા છે કારણ કે તેઓ નથી જાણતા કે તેમનું ભવિષ્ય કેવું હશે.