×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અખિલેશનો યુ-ટર્ન, કહ્યું- હું પણ લગાવીશ ભારત સરકારની વેક્સિન, વિરોધ BJPની વેક્સિનનો હતો


- મુલાયમ સિંહ યાદવે કોરોના વેક્સિન લીધી હતી અને તેની તસવીર પણ સામે આવી હતી

નવી દિલ્હી, તા. 08 જૂન, 2021, મંગળવાર

કોરોના સામેના યુદ્ધમાં વેક્સિનેશનને ઝડપી બનાવવા માટે કેન્દ્ર સરકારે સોમવારે નવી વેક્સિન પોલિસીની જાહેરાત કરી હતી. ભારત સરકારની નવી નીતિ બાદ હવે વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. તેમાં ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવનું એક નિવેદન પણ સામે આવ્યું છે. 

અખિલેશ યાદવના કહેવા પ્રમાણે તેઓ 'ભારત સરકાર'ની વેક્સિન લગાવડાવશે. તેઓ ફક્ત 'ભાજપ'ની વેક્સિનના વિરોધમાં હતા. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીએ પોતાની ટ્વીટમાં લખ્યું હતું કે, જનાક્રોશને ધ્યાનમાં રાખીને આખરે સરકારે કોરોના વેક્સિનના રાજનીતિકરણના બદલે તેઓ જ વેક્સિનેશન કરાવશે તેવી જાહેરાત કરી. અમે ભાજપની વેક્સિનના વિરોધમાં હતા પરંતુ ભારત સરકારની વેક્સિનનું સ્વાગત કરીને અમે પણ વેક્સિન લગાવીશું અને વેક્સિન શોર્ટેજના કારણે જેમણે રસી નહોતી લીધી તેમને પણ વેક્સિન લેવા વિનંતી કરીએ છીએ.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જાન્યુઆરીમાં જ્યારે વેક્સિનેશનની શરૂઆત થવા લાગી હતી ત્યારે અખિલેશ યાદવે પોતાને બીજેપીની વેક્સિન પર વિશ્વાસ નથી, જ્યારે અમારી સરકાર આવશે તો તમામ લોકોને ફ્રી વેક્સિન આપશે તેવી જાહેરાત કરી હતી. 

મુલાયમ સિંહે લીધી વેક્સિન

હકીકતે અખિલેશ યાદવનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે થોડા દિવસ પહેલા સપા સંરક્ષક અને અખિલેશ યાદવના પિતા મુલાયમ સિંહ યાદવની એક તસવીર સામે આવી હતી. મુલાયમ સિંહ યાદવે કોરોના વેક્સિન લીધી હતી અને તેની તસવીર પણ સામે આવી હતી. ત્યાર બાદ રાજકીય ગરમાવો વ્યાપ્યો હતો.

ભાજપના યુપી યુનિટે અખિલેશ યાદવ સામે કટાક્ષ શરૂ કરી દીધા હતા. ભાજપના તમામ નેતાઓએ મુલાયમ સિંહે વેક્સિન લગાવી તેને આવકારીને હવે અખિલેશ યાદવ અને સપા કાર્યકરો પણ વેક્સિન લગાવશે તેવી આશા વ્યક્ત કરી હતી. 

યુપીના નાયબ સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ ટ્વીટમાં લખ્યું હતું કે, મુલાયમ સિંહ યાદવે વેક્સિન લીધી તે એ વાતનું પ્રમાણ છે કે, અખિલેશ યાદવે વેક્સિનને લઈ અફવા ફેલાવી, અખિલેશજીએ આ માટે માફી માંગવી જોઈએ. કેશવ મૌર્ય ઉપરાંત ભાજપના અન્ય મોટા નેતાઓએ પણ સપાને ઘેરી હતી.