×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અંબાજીમાં પ્રસાદનો વિવાદ : VHPનો વિરોધ, શનિવારે ધરણાં કરવાની જાહેરાત

અમદાવાદ, તા.09 માર્ચ-2023, ગુરુવાર

અંબાજીમાં પરંપરાગત મોહનથાળનો પ્રસાદ બંધ કરી ચિક્કીનો પ્રસાદ આપવાના નિર્ણય બાદ સમગ્ર ગુજરાતમાં વિરોધ જોવા મળી રહ્યો છે. ભક્તોની આસ્થા સમાન મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા નેતા, પક્ષો સહિતના લોકો વિરોધના મેદાનમાં આવી ગયા છે. ચારેકોરથી ચિક્કીનો પ્રસાદ વહેંચવાનો નિર્ણય પરત લેવા તેમજ  મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવાની માંગ ઉઠી રહી છે, ત્યારે VHPએ પણ વિરોધમાં જોડાઈ છે. આ ક્રમમાં વિએચપીએ યાત્રાધામ શક્તિપીઠ અંબાજીમાં પરંપરાગત મોહનથાળ પ્રસાદ બંધ કરવાના વિરોધમાં 11મીએ શનિવારે અંબાજીમાં ધરણાં કરવાની જાહેરાત કરી છે. ઉપરાંત બીજા દિવસે એટલે કે 12મીએ રવિવારે રાજ્યના તમામ માતાજીના મંદિરોએ સ્તુતિ કરી મોહનથાળ પ્રસાદ વહેંચવાનો પણ નિર્ણય કર્યો છે.

VHPના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરી વિરોધ નોંધાવ્યો

દરમિયાન આજે અંબાજીમાં ચિક્કીના પ્રસાદને વિવાદને લઈ ભક્તો દ્વારા મોહનથાળ પ્રસાર શરૂ કરી દેવાયો છે તો બીજી તરફ વિએચપી દ્વારા ચિક્કીના પ્રસાદનો વિરોધ કરી મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવા ધરણાનો કાર્યક્રમ ગોઠવાયો છે, જે અંગે VHPના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરાયું છે કે, શક્તિપીઠ અંબાજીમાં પરંપરાગત મોહનથાળ પ્રસાદ બંધ કરવાના નિર્ણયના વિરોધમાં 11/03 શનિવારના રોજ અંબાજીમાં ધરણાં યોજાશે, 11/03 રવિવારે રાજ્યના તમામ માતાજીના મંદિરોએ સ્તુતિ કરી મોહનથાળ પ્રસાદ વહેંચાશે. તેમજ અન્ય ટ્વિટમાં જણાવાયું છે કે, ‘જગતજનની માં અંબાના ધામની મહાન પરંપરાના સમર્થનમાં વિહિપ સાથે જોડાવવા તમામ પગપાળા યાત્રા સંઘો, મંદિરો, પૂજ્ય સંતો તથા ભાવિક ભકતોને આહવાન છે. જય શ્રીરામ... બોલ મારી અંબે.. જય જય અંબે...’

દરમિયાન સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં પ્રસાદ વિવાદ વધુ ઉગ્ર બની રહ્યો છે. તો અંબાજીમાં મોહનથાળના પ્રસાદના સ્થાને ચિક્કીના પ્રસાદનો નિર્ણય કરાતા ભૂદેવો સહિત દેશભરમાં ભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવાના નિર્ણય સામે ભક્તો, નેતાઓ, ભૂદેવો સહિતના લોકોનો વિરોધ જોવા મળી રહ્યો છે. તો મંદિરના સંચાલકો દ્વારા પણ પ્રસાદમાં હવે મોહનથાળના બદલે ચીકીનો પ્રસાદ વિતરણ કરવામાં આવી રહ્યું છે. તો ભક્તોએ ચિક્કીના પ્રસાદનો વિરોધ કરી મોહનથાળનો પ્રસાદ શરૂ કરી દીધો છે. બીજી તરફ તંત્રના આ નિર્ણય સામે ભૂદેવો પણ ગુસ્સે ભરાયા છે અને મોહનથાળના પ્રસાદ સાથે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને તેઓ માં અંબાને ધરાવેલો મોહનથાળનો પ્રસાદ ભક્તો જિલ્લા કલેકટરને આપવાની તૈયારીમાં છે. અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદ બંધ કરાતા હવે અંબાજીમાં ભક્તો દ્વારા મોહનથાળનો પ્રસાદ શરૂ કરાયો છે. 

પ્રસાદનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચવાની સંભાવના

યાત્રાધામ અંબાજીમાં પ્રસાદમાં મોહનથાળના બદલે ચિક્કી આપવાનો નિર્ણય કરાયા બાદ ચારેકોર વિરોધનો સૂર ઉઠ્યો છે. મા અંબાને વર્ષોથી ધરાવાતો મોહનથાળનો પ્રસાદ અચાનક બદલી દેવાતા વિવિધ સંસ્થાઓ, આગેવાનો અને પક્ષો દ્વારા અંબાજી વહિવટી તંત્ર અને કલેક્ટરને આવેદન પાઠવવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ ભક્તોમાં પણ આક્રોષ જોવા મળી રહ્યો છે. દરમિયાન હાલ ભક્તો દ્વારા તંત્રના ચિક્કીના પ્રસાદના નિર્ણયના વિરોધમાં અંબાજીમાં મોહનથાળના પ્રસાદ શરૂ કરાયો છે. તો આ વિવિદ આગામી સમયમાં હાઈકોર્ટ સુધી પણ પહોંચી શકે છે. એવું કહેવાઈ રહ્યું છે કે, હોળીના વેકેશન બાદ અંબાજી પ્રસાદના વિવાદને લઈ હાઈકોર્ટમાં PIL દાખલ શઈ શકે છે.

ચીકીનો પ્રસાદ શરુ કરવાનું કારણ

અંબાજી મંદિરમાં ચીકીનો પ્રસાદ શરુ કરવા પાછળનું કારણ જણાવતા કલેક્ટરે જણાવ્યુ હતું કે, મંદિરના ટ્રસ્ટીઓને અનેક રજૂઆત મળી હતી અને આ રજૂઆત બાદ પ્રશાસને નિર્ણય લીધો છે. ચીકીનો પ્રસાદ સૂકો હોવાથી ભક્તો તેને ત્રણ મહિના સુધી રાખી શકે છે. 

ઉલ્લેખનિય છે કે યાત્રાધામ અંબાજીમાં દેશ-વિદેશમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શને આવતા હોય છે અને માતાને મોહનથાળનો પ્રસાદ ધરાવતા હોય છે. તો રાજ્યભરમાંથી પણ અંબાજીમાં માતાના દર્શન માટે ભક્તોનું સતત આગમન જોવા મળતું હોય છે, ત્યારે વર્ષોથી માતાને ધરાવાતો મોહનથાળનો પ્રસાદ બંધ કરી ચિક્કીનો પ્રસાદ શરૂ કરાતા તમામ ભક્તો સહિત સંસ્થાઓ રોષે ભરાઈ છે. મા અંબાને વર્ષોથી મોહનથાળનો પ્રસાદ ધરાવવામાં આવી રહ્યો છે. મોહનથાળની પરંપરાને તોડી ચિક્કીનો પ્રસાદ શરૂ કરાતા મા અંબાના ભક્તો નિરાશ થયા છે અને તંત્રના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. 

પ્રસાદને લઈ કોંગ્રેસનો પણ વિરોધ

અંબાજીમાં પ્રસાદનો મામલો વધુ વકરી રહ્યો છે, ત્યારે આ મામલે કોંગ્રેસ પણ મેદાનમાં ઉતરી હતી. કોંગ્રેસના ધારાસભ્યોએ અમિત ચાવડાની આગેવાનીમાં યાત્રાધામ વિકાસ બોર્ડમાં સચિવને 6 માર્ચે રજૂઆત કરી હતી. ચીક્કીની જગ્યાએ મોહનથાળનો પ્રસાદ આપવા સચિવને રજૂઆત કરવામાં આવી હતી.  કોંગ્રેસના ધારાસભ્યો ગત મંગળવારે યાત્રાધામ વિકાસ બોર્ડમાં પહોંચ્યા હતાં. જ્યાં તેમણે ચીક્કીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને મોહનથાળ એક વાનગી નહીં પણ ભક્તોની શ્રદ્ધા સાથે જોડાયેલી બાબત ગણાવી હતી.