×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અંધવિશ્વાસે લીધો 3 મહિનાની માસૂમ બાળકીનો જીવ, રોગ શું હતો અને સારવાર શું આપી જુઓ

image : Envato 


શહડોલ તા, 4, ફેબ્રુઆરી, 2023

મધ્યપ્રદેશમાં અંધવિશ્વાસના ચક્કરમાં 3 મહિનાની માસૂમ બાળકીના મોતનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. માહિતી અનુસાર આદિવાસી વિસ્તાર શહડોલ જિલ્લામાં એક બાળકીને ન્યૂમોનિયા થઈ ગયો હતો. જોકે અંધવિશ્વાસના ચક્કરમાં બાળકીને સાજી કરવા તેના પેટ પર 51 વખત ગરમ સળીયા વડે ડામ આપી દેવાયા હતા. જેના લીધે બાળકીની હાલત અત્યંત દયનીય થઈ ગઇ અને હોસ્પિટલ ખસેડાતા સારવાર દરમિયાન તે મૃત્યુ પામી ગઈ. 

બાળકીને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી 

શહડોલ જિલ્લાના સિંહપુર કઠૌતિયાની 3 મહિનાની બાળકીને ન્યૂમોનિયાના કારણે શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. અંધવિશ્વાસને કારણે તેના પરિજનો તેને કોઈ ઝોલાછાપ સારવાર કરનાર વ્યક્તિ પાસે લઈ ગયા. તેણે તો બાળકી પર દયા પણ ન કરી અને તેને એક પછી એક 51 વખત ગરમ સળીયા વડે ડામ આપ્યા. જેના લીધે બાળકીની હાલત બગડી અને તેને હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. જ્યાં સારવાર વખતે બાળકીએ અંતિમ શ્વાસ લીધા. 

શહડોલના કલેક્ટર વંદના વૈદ્યએ કહ્યું... 

આ મામલે શહડોલના કલેક્ટર વંદના વૈદ્યએ કહ્યું કે બાળકીની માતાને આંગણવાડી કાર્યકરે બે વખત સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે બાળકીને ડામ ન આપતા. તેમ છતાં આવું કરાયું. જ્યારે મહિલા બાળવિકાસ અધિકારી હોસ્પિટલે ગઈ તો ખબર પડી કે આ ઘટના 15 દિવસ જૂની હતી. ન્યૂમોનિયા પણ વધી ગયો હતો. સંક્રમણને લીધે છેવટે બાળકી મૃત્યુ પામી.