×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અંતે ઋષિ સુનાક બનશે બ્રિટનના નવા વડાપ્રધાન: પ્રથમ એશિયન દેશના સર્વોચ્ચ પદે


અમદાવાદ, તા.24 ઓક્ટોબર 2022, સોમવાર  

બ્રિટનમાં સત્તા ઉપર રહેલી કોન્ઝર્વટીવ પાર્ટીના નેતાની વરણી કરવાની મુદ્દત હવે પૂર્ણ થઇ ગઈ છે. નેતાની વરણી થતા જ બ્રિટીશ વડાપ્રધાન તરીકે પ્રથમ વખત એશીયાઇ મૂળના, મૂળ ભારતીય અને દેશની અગ્રણી ઇન્ફર્મેશન ટેકનોલોજી કંપની ઈન્ફોસીસના ફાઉન્ડર નારાયણ મૂર્તિના જમાઈ ઋષિ સુનાકની વરણી થઇ છે. 

બોરીસ જહોન્સન સરકારમાં નાણામંત્રી તરીકેનો કાર્યભાર સંભાળનાર ઋષિ સુનાક પાસે ૧૯૬ જેટલા સાંસદોનો ટેકો છે. બ્રિટનમાં છેલ્લા સાત વર્ષમાં ચાર વખત સામાન્ય ચૂંટણી યોજાઈ છે અને તેના કારણે પક્ષનો એવો અભિપ્રાય છે કે ફરી ચુંટણીઓ યોજવી જોઈએ નહી. વર્તમાન સંસદની મુદ્દત પૂર્ણ થવી જોઈએ. 

ઋષિ સુનાકના દાદા મૂળ પંજાબના રહેવાસી હતા. સુનાકના પિતાનો જન્મ કેન્યામાં થયો હતો જયારે તે પોતે બ્રિટનમાં જ જન્મેલા છે. સુનાક બ્રિટનના વડાપ્રધાન બને તો તે બ્રિટનના દક્ષિણ એશિયાઈ રહેવાસીઓ માટે એક મોટી વાત છે કારણ કે બ્રિટનમાં પ્રથમ વખત કોઈ એશીયાઇ મૂળની વ્યક્તિ વડાપ્રધાન પદે બિરાજશે.

ઋષિ સુનાકને પડકાર આપવા અગાઉ પૂર્વ વડાપ્રધાન બોરીસ જહોન્સન પણ મેદાનમાં હતા અને તેમની પાસે ૧૦૬ જેટલા સાંસદોનો ટેકો હતો. જોકે, છેલ્લી ઘડીએ તેમણે પોતાનું નામ પરત ખેંચી લીધું હતું. ખુદ બોરીસ જોહોન્સને ઋષિ સુનાકને વડાપ્રધાન પદ માટે ટેકો જાહેર કર્યો હતો અને અન્ય સાંસદોને પણ ટેકો જાહેર કરવા માટે ભલામણ કરી હતી. 

આ પછી પેન્ની મોર્ડાટ મેદાનમાં રહ્યા હતા. સુનાક સામે પક્ષની સામાન્ય સભામાં મતદાન થાય અને બન્ને નેતાઓ વચ્ચે ચૂંટણી યોજાય તેના માટે કોઇપણ વ્યક્તિ પાસે ઓછામાં ઓછા ૧૦૦ સાંસદોનો ટેકો હોવો જરૂરી છે. પરંતુ, પેન્ની પાસે છેલ્લી ઘડી સુધી ૨૬ જ સાંસદોનો ટેકો હોવાનું બહાર આવ્યું હતું. બ્રિટનની કોનઝરવેટીવ પાર્ટીના કેટલાક વરિષ્ઠ નેતાઓએ પેન્નીને રેસમાંથી હટી જવાની અપીલ કરી હતી પણ તેમના અભિયાન ચલાવતા નેતાઓએ દાવો કર્યો હતો કે અમારી પાસે ૧૦૦ કરતા વધારે સાંસદોનો ટેકો છે. 

અગાઉ, જોહોન્સને રાજીનામું આપ્યા બાદ ઋષિ સુનાક અને લીઝ ટ્રસ વચ્ચે વડાપ્રધાન બનવા માટે લડાઈ ચાલી હતી. બન્ને વચ્ચે ચાર ડીબેટ અને એક મહિનાના પ્રચાર અભિયાન પછી ટ્રસ વધારે મત સાથે વડાપ્રધાન બન્યા હતા. 

તા. ૨૦ના રોજ બ્રિટનમાં લિઝ ટ્રસનું ૪૫ દિવસમાં જ પીએમ પદેથી રાજીનામું


બ્રિટનમાં આર્થિક કટોકટી વચ્ચે વડાંપ્રધાન લિઝ ટ્રસે પદ સંભાળ્યાના માત્ર ૪૫ દિવસમાં જ તા.૨૦ ઓક્ટોબરના રોજ  રાજીનામું આપી દીધું હતું. આ સાથે તેમણે બ્રિટનમાં સૌથી ઓછો સમય વડાપ્રધાન રહેવાનો વિક્રમ સર્જ્યો હતો. ટેક્સ કાપ સહિતના આર્થિક કાર્યક્રમો મુદ્દે લિઝ ટ્રસે આકરી ટીકાઓનો સામનો કરવો પડયો હતો અને તેમના પર રાજીનામું આપવા દબાણ હતું. ટ્રસના રાજીનામા સાથે બ્રિટનમાં ફરી એક વખત રાજીનામું ગરમાયું છે. ફરી એક વખત બ્રિટનમાં પીએમપદની રેસમાં રિશિ સુનાકનું નામ સૌથી આગળ છે. 

લિઝ ટ્રસ વડાપ્રધાન બન્યા બાદથી જ ટેક્સ કાપના મુદ્દે વિરોધીઓના નિશાના પર હતા. આ કારણે જ તેમણે નાણામંત્રી ક્વાસી ક્વાર્ટેંગની માત્ર છ સપ્તાહમાં જ હકાલપટ્ટી કરવી પડી હતી. એક વરિષ્ઠ મંત્રીના રાજીનામા અને સંસદના નીચલા ગૃહમાં સભ્યો દ્વારા આકરી ટીકા પછી ૪૭ વર્ષનાં લિઝ ટ્રસે ગુરુવારે વડાપ્રધાનપદેથી રાજીનામું આપી દીધું હતું. જોકે, આગામી વડાપ્રધાનની નિમણૂક સુધી તેઓ પીએમપદે ચાલુ રહેશે. હવે એક સપ્તાહમાં નવા વડાપ્રધાનની નિમણૂક થવાની શક્યતા છે.

આ પણ વાંચો : Britain PM: સુનકની દિવાળી ગિફ્ટ લગભગ નક્કી પણ આ બે અડચણો ઉભી છે સામે