×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મુંબઈમાં ચોમાસાનું આગમન, પાણી-પાણી થયું મુંબઈ, હાઈ ટાઈડની ચેતવણી


- મુંબઈ હિંદમાતા ખાતે રસ્તાઓ પર પાણી ભરાયેલા જોવા મળ્યા 

નવી દિલ્હી, તા. 09 જૂન, 2021, બુધવાર

મુંબઈમાં સમય પહેલા જ ચોમાસું શરૂ થઈ ગયું છે. ચોમાસાના આગમન સાથે જ મુંબઈમાં ખતરાની ઘંટડી પણ વગાડી દેવામાં આવી છે અને બુધવારે મુંબઈમાં હાઈ ટાઈડની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન પ્રમાણે શહેરના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા છે. આ સાથે જ દરિયામાં હાઈ ટાઈડ ઉઠવાનું પણ અનુમાન છે. હવામાન વિભાગે 11:43 કલાકે હાઈ ટાઈડની આશંકા વ્યક્ત કરી છે. તે સમયે દરિયામાં 4.16 મીટરની ઉંચાઈ સુધીની લહેરો ઉઠી શકે છે. આ કારણે સાવચેતીના પગલારૂપે દરિયા કિનારાના વિસ્તારોને ખાલી કરાવી દેવામાં આવ્યા છે અને અનેક ટીમો મોનિટરિંગ પણ કરી રહી છે. 

અનેક વિસ્તારોમાં રસ્તા જળબંબાકાર

આઈએમડી મુંબઈના ઉપ મહાનિદેશક ડૉ. જયંત સરકારે ચોમાસું મુંબઈ પહોંચી ગયું હોવાની માહિતી આપી હતી. ચોમાસું 10 તારીખે મુંબઈ પહોંચવાનું હતું પરંતુ આ વખતે ચોમાસાનું આગમન એક દિવસ વહેલું થયું છે. તેના પહેલા મંગળવારે પ્રી-મોનસૂન વરસાદે મુંબઈને પાણી-પાણી કરી નાખ્યું હતું. અનેક વિસ્તારોમાં રસ્તા જળમગ્ન થઈ ગયા હતા જેથી પરિવહનને પણ મુશ્કેલી નડી હતી. મુંબઈ હિંદમાતા ખાતે રસ્તાઓ પર પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. 

મુંબઈમાં રેલવે ટ્રેક પણ જળમગ્ન થઈ ગયા છે જેથી લોકલ ટ્રેન સર્વિસ પર પણ અસર પડી છે. લોકોને વરસાદ અને તેના કારણે સર્જાતી મુશ્કેલીઓમાં મદદ કરવા માટે એમએમઆરડીએ દ્વારા 24 કલાક કાર્યરત ઈમરજન્સી મોનસૂન નિયંત્રણ કક્ષ સ્થાપિત કરવામાં આવ્યો છે. તે અંતર્ગત કોઈ પણ વ્યક્તિ 8657402090 મોબાઈલ નંબર અને 02226594176 લેન્ડલાઈન નંબર પર કોલ કરીને મદદ માટે અપીલ કરી શકશે.

થાણેમાં સરોવર અને બંધ નજીક જવા પર પ્રતિબંધ

મહારાષ્ટ્રના થાણે જિલ્લા પ્રશાસને ક્ષેત્રમાં ચોમાસાની શરૂઆતને ધ્યાનમાં રાખીને લોકોને ઝરણા, સરોવર અને બંધ પાસે ભેગા થવા પર પ્રતિબંધ મુકી દીધો છે. કેટલાક ખતરનાક સ્થળોની યાદી જાહેર કરીને લોકોને ચોમાસા દરમિયાન ત્યાં ન જવા કહેવામાં આવ્યું છે. થાણે તાલુકામાં યેયૂર, કલવા, મુંબ્રા, રેતીબંદર, ગૈમુખ અને ઉત્તાન દરિયા કિનારે લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.