×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભવિષ્યમાં ભગવો ઝંડો બની શકે છે રાષ્ટ્રીય ધ્વજ- BJPના વરિષ્ઠ નેતાનો દાવો


- 'તિરંગાનો બંધારણીય રૂપથી રાષ્ટ્રીય ધ્વજ તરીકે સ્વીકાર કરી લેવામાં આવ્યો છે, તેનું સન્માન થવું જોઈએ અને જે તેનું સન્માન નથી કરતાં તે દેશદ્રોહી હશે'

બેંગલુરૂ, તા. 10 ફેબ્રુઆરી, 2022, ગુરૂવાર

ભાજપના વરિષ્ઠ નેતા અને કર્ણાટકના ગ્રામીણ વિકાસ તથા પંચાયત રાજ મંત્રી કે. એસ. ઈશ્વરપ્પાએ બુધવારે એવો દાવો કર્યો હતો કે, ભગવો ઝંડો ભવિષ્યમાં કદીક રાષ્ટ્રીય ધ્વજ બની શકે છે. જોકે તેમણે એમ પણ કહ્યું હતું કે, હાલ તિરંગો રાષ્ટ્રીય ધ્વજ છે અને સૌએ તેનું સન્માન કરવું જોઈએ. 

ઈશ્વરપ્પાએ કહ્યું હતું કે, 'સેંકડો વર્ષ પહેલા શ્રી રામચંદ્ર અને મારૂતિના રથો પર ભગવા ઝંડા હતા. શું ત્યારે આપણા દેશમાં તિરંગો ઝંડો હતો? હવે આ (તિરંગો) આપણા રાષ્ટ્રીય ધ્વજના રૂપમાં નિર્ધારિત છે. આ દેશનું ભોજન ગ્રહણ કરનારા પ્રત્યેક વ્યક્તિએ તેનું સન્માન કરવું જોઈએ. આના પર કોઈ સવાલ જ નથી ઉઠતો.'

પત્રકારોએ સવાલ કર્યો હતો કે, શું લાલ કિલ્લા પર ભગવો ઝંડો ફરકાવી શકાય? તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, 'આજે નહીં, ભવિષ્યમાં કોઈક દિવસ.' તેમણે કહ્યું હતું કે, 'દેશમાં આજે હિંદુ વિચાર અને હિંદુત્વન ચર્ચા થઈ રહી છે. એક સમયે લોકો હસતા હતા જ્યારે અમે કહેતા કે અયોધ્યામાં રામ મંદિર બનશે, શું આપણે તેને હાલ નથી બનાવી રહ્યા? એ જ રીતે ભવિષ્યમાં કોઈક સમયે 100 કે 200 અથવા 500 વર્ષ બાદ ભગવો ધ્વજ રાષ્ટ્રીય ધ્વજ બની શકે છે. મને નથી ખબર.'

ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું કે, હવે તિરંગાનો બંધારણીય રૂપથી રાષ્ટ્રીય ધ્વજ તરીકે સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. તેનું સન્માન થવું જોઈએ અને જે તેનું સન્માન નથી કરતાં તે દેશદ્રોહી હશે.