VIDEO: ભારતે બે વર્ષમાં ચીન પાસેથી કેટલો સામાન ખરીદ્યો ? કેન્દ્ર પર આક્ષેપ કરી કેજરીવાલે આપ્યો જવાબ

VIDEO: ભારતે બે વર્ષમાં ચીન પાસેથી કેટલો સામાન ખરીદ્યો ? કેન્દ્ર પર આક્ષેપ કરી કેજરીવાલે આપ્યો જવાબ
Image Source by – Arvind Kejriwal, Twitter

નવી દિલ્હી, તા.18 ડિસેમ્બર-2022, રવિવાર

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પરિષદની બેઠક યોજાઈ હતી, જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પણ ઘણા આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું કે, જ્યારે ચીન ભારત પર હુમલો કરી રહ્યું છે, ભાજપની કેન્દ્ર સરકાર તેને આયાત યથાવત્ રાખવાની મંજૂરી કેમ આપી રહી છે ? તેમણે કહ્યું કે, હું લોકોને ચીનના સામાનનો બૉયકૉટ કરવાની અપીલ કરું છું. આપણે ભારતીય સામાન ખરીદીશું, ભલે તેની કિંમત બેઘણી હોય.

કેજરીવાલે કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યો

કેજરીવાલે કેન્દ્ર સરકાર પર કટાક્ષ કરતા કહ્યું કે, એક તરફ ચીન આપણને બોર્ડર પર આંખો દેખાડી રહ્યું છે, બીજી તરફ આપણે તેની પાસેથી સતત સામાન ખરીદી રહ્યા છે અને દર વર્ષે અગાઉ કરતા વધુ સામાન ખરીદી રહ્યા છીએ.

ભારતે ગત વર્ષે ચીન પાસેથી ખરીદ્યો સાડા સાત લાખ કરોડનો સામાન 

કેજરીવાલે કહ્યું કે, એવું થવું જોઈતું હતું કે આપણે ચીનને તેના ગંદા ઈરાદા માટે સજા આપવી જોઈએ, પરંતુ કેન્દ્ર સરકાર તેની પાસેથી સતત સામાન ખરીદી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી એક ડેટા શેર કરતા કહ્યું કે, 2020માં ભારતે ચીન પાસેથી સવા પાંચ લાખ કરોડનો સામાન ખરીદ્યો હતો. પછીના વર્ષે આ ખરીદી સાડા સાત લાખ કરોડે પહોંચી હતી.

ગત 5-7 વર્ષમાં 12.5 લાખ લોકોએ ભારત છોડ્યું : કેજરીવાલ

તેમણે કહ્યું કે, ભારતીયોને બહાર ભગાડવામાં આવી રહ્યા છે અને ચીનીઓને ગળે લગાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, ચીનથી ભારતમાં આવતા 90 ટકા સામાન ભારતમાં પણ બની શકે છે. જોકે બિઝનેસમેનો ભારત છોડીને ભાગી રહ્યા છે. ભાજપ તેના પક્ષમાં ચોરોને સામેલ કરી રહી છે. સાથે જ બિઝનેસમેન અને અમીર લોકો વિરૂદ્ધ સીબીઆઈ અને ઈડીની કાર્યવાહીઓ કરાઈ રહી છે, એવામાં આ લોકો ભારત છોડી રહ્યા છે. કેજરીવાલે કહ્યું કે, ગત 5-7 વર્ષમાં 12.5 લાખ લોકોએ ભારત છોડ્યું છે. કોઈને પણ યોગ્ય રીતે કામ કરવા દેવાતું નથી.

કેજરીવાલે લોકોને ચીની સામાનની બૉયકૉટની અપીલ કરી

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકોને અપીલ કરતા કહ્યું કે, ચીનનો સામાન ન ખરીદો, તેના સામાનનો બહિષ્કાર કરો. તેમણે લોકોને ભારતની પ્રોડક્ટ્સ ખરીદવાની અપીલ કરી છે, ભલે ભારતના સામાન ચીનના સામાન કરતા મોંઘો હોય.

Share: