VIDEO : દિલ્હીના ભજનપુરામાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, ઘટનાસ્થળે નાસભાગ મચી

VIDEO : દિલ્હીના ભજનપુરામાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, ઘટનાસ્થળે નાસભાગ મચી

નવી દિલ્હી, તા.08 માર્ચ-2023, બુધવાર

દિલ્હીના ભજનપુરા વિસ્તારમાં આજે એક બિલ્ડિંગ અચાનક ધરાશાયી થઈ જતાં નાસભાગ મચી છે. વિજયપાર્ક વિસ્તારમાં આ ઘટના બની હતી. ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી હાથ ધરી છે. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલો સાંપડ્યા નથી. આ અંગે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. 9 સેકન્ડના આ વીડિયો ક્લિપમાં બિલ્ડિંગ ધરાશાયી થતી જોવા મળી રહી છે અને ત્યારબાદ સ્થળ પર હાજર લોકોના ગભરાયેલો અવાજ સંભળાઈ રહ્યો છે.

ઘટના અંગે પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, બિલ્ડિંગ ધરાશાયી થવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ફાયર વિભાગને આજે બપોરે 3.05 વાગ્યે આ ઘટનાની જાણ કરાઈ છે. ત્યારબાદ તુરંત જ બચાવ ટીમ આવી પહોંચી હતી અને કામગીરી હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે, અગાઉ 1 માર્ચે ઉત્તર દિલ્હીના રોશનારા રોડ પર ભિષણ આગ લાગી હતી, જેમાં ચાર માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.

5 માળની બિલ્ડિંગ ધરાશાયી

મળતા અહેવાલો અનુસાર, આ બિલ્ડિંગ પાંચ માળની હતી, જે થોડી જ સેકન્ડોમાં ધરાશાયી થઈ ગઈ હતી. બિલ્ડીંગ ધરાશાયી થતાં જ નાસભાગ મચી હતી. મળતા અહેવાલો મુજબ, ધરાશાયી થયેલી બિલ્ડિંગે નજીકના ઘરો અને દુકાનો પણ પોતાની ઝપેટમાં લીધી છે. જો કે આ ઘટનામાં કેટલું નુકસાન થયું છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. હાલ અકસ્માત સ્થળની આસપાસના રસ્તાઓ બ્લોક કરી દેવાયા છે અને કાટમાળ હટાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.

Share: