VIDEO : ઓડિશાની ઘટના બાદ છત્તીસગઢમાં એક જ ટ્રેક પર સામસામે આવી ગઈ 2 ટ્રેન, રેલવેએ કરી સ્પષ્ટતા

VIDEO : ઓડિશાની ઘટના બાદ છત્તીસગઢમાં એક જ ટ્રેક પર સામસામે આવી ગઈ 2 ટ્રેન, રેલવેએ કરી સ્પષ્ટતા

બિલાસપુર, તા.11 જૂન-2023, રવિવાર

ઓડિશાના બાલાસોરમાં ભીષણ ટ્રેન અકસ્માત બાદ છત્તીસગઢના બિલાસપુરમાં એક જ ટ્રેક પર 2 ટ્રેનો સામ-સામે આવી ગયાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, જે ટ્રેક પર લોકલ ટ્રેન ઉભી છે, તે જ ટ્રેક પર સામેથી એક ટ્રેન આવી જાય છે. જોકે આ ગંભીર દુર્ઘટના સમયસર ટળતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે.

રેલવેએ સતર્કતા દાખવી મોટી દુર્ઘટના થતા અટકાવી

આ ઘટના દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના બિલાસપુર ઝોનમાં બની છે. અહીં એક ટ્રેક પર પેસેન્જર ટ્રેન અને ગુડ્સ ટ્રેન સામસામે આવી ગઈ હતી, જોકે રેલવેએ પણ સતર્કતા દાખવી મોટી દુર્ઘટના થતા અટકાવી હતી. એક ટ્રેનથી બીજી ટ્રેન ખૂબ જ દૂર હતી, જેને તુરંત રોકી દેવામાં આવી હતી.

લોકલ ટ્રેન-ગુડ્ઝ ટ્રેન એક જ ટ્રેક પર સામસામે આવી ગઈ

વાયરલ થયેલો વીડિયો જયરામનગર અને બિલાસપુર સેક્શન વચ્ચે સામસામે આવેલી ટ્રેનનો છે. મળતા અહેવાલો મુજબ શનિવારે સાંજે બિલાસપુર જિલ્લાના જયરામનગર અને જાંજગીર-ચાંપા જિલ્લાના કોટમીસોનર વચ્ચે લોકલ ટ્રેન (મેમુ) અને ગુડ્સ ટ્રેન એક જ પાટા પર આવી ગઈ હતી. જોકે સમયસર બંને ટ્રેનોને રોકી દેવાતા મોટુ દુર્ઘટના ટળી હતી.

વાયરલ વીડિયો અંગે રેલવે કરી સ્પષ્ટતા

વાયરલ થયેલા વીડિયો અંગે રેલવેએ જવાબ આપતા કહ્યું કે, જયરામનગર-બિલાસપુર સેક્શનમાં ઓટોમેટિક સિગ્નલિંગ બ્લોક સેક્શન છે. રેલવેના પીઆરઓ અંબ્રિશ સાહુએ કહ્યું કે, એક જ ટ્રેક પર એકથી વધુ ટ્રેનોનું સુરક્ષિત સંચાલન એક જ સમયે સિગ્નલના આધારે કરવામાં આવે છે. રેલ્વેના વિવિધ વિભાગોના ઓટોમેટિક સિગ્નલિંગ બ્લોક સેક્શનમાં નિયમ અનુસાર ટ્રેનોનું સંચાલન કરવામાં આવે છે. વાયરલ વીડિયો અંગે પીઆરઓએ કહ્યું કે, મુસાફરોમાં ગેરસમજ ફેલાઈ કે, એક જ ટ્રેક પર બે ટ્રેન સામસામે આવી ગઈ અને જો બંને વચ્ચે ટક્કર થઈ જાત તો… જોકે આવું થતું નથી… ઉલ્લેખનિય છે કે, રેલવે ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ એક એવી ટેકનોલોજી છે, જેનાથી રેલવે સિગ્નલિંગને કંટ્રોલ કરવા ઉપયોગ કરાય છે. આ સુરક્ષા સિસ્ટમ ટ્રેનોની સુરક્ષા સુનિશ્ચિત કરે છે અને સ્વિચ વચ્ચે ઓપરેટિંગ સિસ્ટમને કંટ્રોલ કરે છે.

તાજેતરમાં જ બાલાસોરમાં થઈ હતી મોટો ટ્રેન અકસ્માત

ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં જ ઓડિશાના બાલાસોરમાં ત્રણ ટ્રેનો વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં 288થી વધુ લોકોના મૃત્યુ નિપજ્યા હતા, તો ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ મોટી અકસ્માતની ઘટના બાદ ટ્રેનમાં મુસાફરી કરનારા મુસાફરોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

Share: