×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

UPની યોગી સરકારને દારૂના કારણે જોરદાર કમાણી, કોરોના કાળમાં પણ રેવન્યુમાં 74 ટકાનો વધારો


- યોગી સરકારના 4 વર્ષ દરમિયાન દારૂની નવી 2,076 દુકાનોને લાઈસન્સ આપવામાં આવ્યું

નવી દિલ્હી, તા. 16 જુલાઈ, 2021, શુક્રવાર

ઉત્તર પ્રદેશની યોગી સરકારને દારૂના વેચાણમાંથી જોરદાર કમાણી થઈ રહી છે. 2020-21ના નાણાકીય વર્ષ દરમિયાન યોગી સરકારને દારૂના વેચાણથી મળતી રેવન્યુમાં 74 ટકાનો ઉછાળો નોંધાયો છે. રાજ્યની કુલ રેવન્યુનો આશરે 10 ટકા ભાગ દારૂના વેચાણમાંથી મળતી રેવન્યુનો છે. એક આરટીઆઈ દ્વારા આ જાણકારી સામે આવી છે. યુપી સરકારની આ કમાણી એટલા માટે પણ ચોંકાવનારી છે કે પાછલા સંપૂર્ણ નાણાકીય વર્ષ દરમિયાન દેશ કોરોના સંકટ સામે ઝઝુમી રહ્યો હતો.

કુલ કેટલી કમાણી થઈ

2020-21ના નાણાકીય વર્ષ દરમિયાન ઉત્તર પ્રદેશ સરકારે દારૂની દુકાન માટેના લાઈસન્સ ચાર્જ અને એક્સાઈઝ ટેક્સમાંથી કુલ 30,061 કરોડ રૂપિયાની રેવન્યુ મેળવી હતી. યુપીમાં છેલ્લા 4 વર્ષમાં દારૂથી મળતી રેવન્યુમાં 74 ટકાનો ઉછાળો નોંધાયો છે. માત્ર છેલ્લા 4 વર્ષમાં જ રાજ્યમાં દારૂમાંથી મળતો રેવન્યુ 17,320 કરોડ રૂપિયાથી વધીને 30,061 કરોડ રૂપિયા થઈ ગયો છે. મતલબ કે દારૂની પ્રત્યેક દુકાનથી રાજ્ય સરકારને વાર્ષિક 1.10 કરોડ રૂપિયાની રેવન્યુ મળી રહી છે. 

અખિલેશ-માયાવતી સરકારની કમાણી

એક્સાઈઝ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે યોગી સરકારના 4 વર્ષ દરમિયાન નાણાકીય વર્ષ 2017-18થી 2020-21 દરમિયાન દારૂની નવી 2,076 દુકાનોને લાઈસન્સ આપવામાં આવ્યું છે. આ લાઈસન્સ 4 અલગ અલગ પ્રકારની છૂટક દુકાનોને આપવામાં આવે છે જેમાં દેશી દારૂ, વિદેશી દારૂ, બિયર શોપ અને મોડલ શોપનો સમાવેશ થાય છે. 

અખિલેશ યાદવના નેતૃત્વવાળી સરકારના 5 વર્ષના સમયની વાત કરીએ તો FY13 to FY17 દરમિયાન પ્રદેશમાં દારૂની નવી 2,566 દુકાનોને લાઈસન્સ આપવામાં આવ્યું હતું. 

આ દરમિયાન રાજ્ય સરકારની રેવન્યુ 22,377 કરોડ રૂપિયાથી વધીને 24,943 કરોડ રૂપિયા થઈ ગઈ છે. મતલબ તેમાં આશરે 11.5 ટકાનો વધારો થયો હતો. 

તેના પહેલા બસપા પ્રમુખ માયાવતીના નેતૃત્વવાળી સરકારે વર્ષ 2007-12 દરમિયાન દારૂની નવી 3,621 દુકાનોને લાઈસન્સ આપ્યું હતું. આ દરમિયાન રાજ્ય સરકારની દારૂમાંથી મળતી રેવન્યુ 106 ટકા વધીને 3,948 કરોડથી 8,139 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. 

દર વર્ષે દારૂની નવી 500 દુકાનોને લાઈસન્સ

સરેરાશની રીતે જોઈએ તો યોગી અને અખિલેશ સરકારે પોતાના કાર્યકાળ દરમિયાન દર વર્ષે દારૂની નવી 500 દુકાનોને લાઈસન્સ આપ્યું જ્યારે માયાવતી સરકારે 724 દુકાનોને. આરટીઆઈ પ્રમાણે પાછલા 15 વર્ષમાં યુપી સરકારની દારૂમાંથી મળતી રેવન્યુ 8,139 કરોડ રૂપિયાથી વધીને 30,061 કરોડ રૂપિયા થઈ ગઈ છે.