‘PM મોદીની સામે કોણ? નિતિશકુમારને જોઈ દયા આવી…’ દિગ્ગજ નેતાના નિવેદનથી રાજકારણ ગરમાયું

‘PM મોદીની સામે કોણ? નિતિશકુમારને જોઈ દયા આવી…’ દિગ્ગજ નેતાના નિવેદનથી રાજકારણ ગરમાયું

નવી દિલ્હી, તા.21 ફેબ્રુઆરી-2023, મંગળવાર

ઉપેન્દ્ર કુશવાહાએ JDUનો સાથ છોડ્યા બાદ સતત નિતિશ કુમાર પર હલ્લાબોલ કરી રહ્યા છે. કુશવાહાએ આજે કહ્યું કે, નિતિશને જોઈને દયા આવી રહી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ ભરપુર પ્રશંસા કરી હતી.

2024ની ચૂંટણીમાં PM મોદી સામે કોઈ પડકાર નહીં : ઉપેન્દ્ર કુશવાહા

પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે, વર્ષ 2024માં સામાન્ય ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કોઈ પડકાર નથી. બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમાર કઈપણ બચ્યું નથી. તેમણે બધુ ગિરવે મુકી દીધું છે. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન પદ માટે ઘણા ઉમેદવારો છે. કુશવાહાએ દાવો કર્યો કે, હવે જનતા JDU સાથે નથી. આવી સ્થિતિમાં ધારાસભ્યો આમ-તેમ જઈ શકે છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં તેજસ્વી યાદવ સરકાર બનાવી નહીં શકે.

ઉપેન્દ્ર યાદવ તેજસ્વીના વધતા કદથી નારાજ

દરમિયાન ઉપેન્દ્ર કુશવાહાએ નીતિશ કુમારનો પક્ષ JDUમાં પરત ફર્યાના બે વર્ષથી ઓછા સમય બાદ 20 ફેબ્રુઆરીએ ફરી એકવાર રાજીનામું આપ્યું હતું. કુશવાહાએ RJD નેતા તેજસ્વી યાદવના કથિત રીતે મહાગઠબંધનમાં વધતા જતા કદથી નારાજ થયા બાદ રાજીનામું આપી દીધું હતું અને તેમણે ‘રાષ્ટ્રીય લોકતાંત્રિક જનતા દળ’ નામના નવા પક્ષની જાહેરાત કરી હતી.

વિવાદ ક્યારથી શરૂ થયો ?

બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમાર હંમેશા વિપક્ષોને એક કરવાના પ્રયાસો કરી રહ્યા છે. આ માટે તેઓ દિલ્હી પણ ગયા હતા. અહીં તેમણે પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ સહિત ઘણા નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે દાવો કર્યો હતો કે, જો વિપક્ષો એક થશે તો તેઓ ભાજપને હરાવી શકશે. બીજી તરફ તેલંગણામાં પણ કેસીઆર પણ વિપક્ષોને એક કરવાના પ્રયાસો કરી રહી છે. વિપક્ષોની આવી સ્થિતિ વચ્ચે ચર્ચા થવા લાગી કે, PM પદ માટે ઘણા ચહેરાઓ છે…

કુશવાહા ભાજપ સાથે ગઠબંધન કરશે ?

પૂર્વ કેન્દ્રીય મંત્રી કુશવાહા અગાઉ નરેન્દ્ર મોદી સરકારમાં હતા, જોકે તેમણે વર્ષ 2019ની લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારમાંથી રાજીનામું આપી દીધું હતું. દરમિયાન કુશવાહાએ ભાજપ સાથે સંભવિત ગઠબંધનના સવાલને ટાળી દીધો હતો. તેમણે કહ્યું કે, મેં મોટાભાઈ નિતિશ પાસેથી પાઠ શીખ્યો છે. કુશવાહાએ સ્વિકાર કરતા કહ્યું કે, તેઓ જેડીયુના અસંતુષ્ટોને એક કરવાનો પ્રયાસ કરશે.

Share: