IPLના ક્રિકેટરો માલામાલ : ઇશાનને રૂ. 15.25 કરોડનો જેકપોટ

IPLના ક્રિકેટરો માલામાલ : ઇશાનને રૂ. 15.25 કરોડનો જેકપોટ


ચાહરને ચેન્નાઇએ 14 કરોડમાં અને શ્રેયસને કોલકાતાએ 12.25 કરોડમાં ખરીદ્યા : રૂ. 20 લાખની બેઝ પ્રાઈઝ ધરાવતા અવૈશ ખાનને 10 કરોડ

આઇપીએલની 10 ટીમમાં 600 ખેલાડીઓમાંથી 217 ખેલાડીઓ ખરીદવા ભારે રસાકસી : આજે પણ હરાજી જારી રહેશે

ગુજરાત ટાઇટન્સની ટીમની રણનીતિથી ચાહકો નિરાશ ફર્ગ્યુસન અને તેવટિયા માટે 19 કરોડ ખર્ચી કાઢ્યા

બેંગ્લોર : આઇપીએલની મેગા હરાજીમાં ઝારખંડનો વિકેટકિપર બેટસમેન ઇશાન કિશન આજનો સ્ટાર ખેલાડી રહ્યો હતો. મુંબઇ ઇન્ડિયન્સે તેના માટે રૂ. 15.25 કરોડ ખર્ચીને તેમની ટીમમાં તેને રીલીઝ કર્યા પછી ફરી જાળવી રાખ્યો છે. હરાજીમાં યુવરાજ સિંઘ (16 કરોડ) પછીનો તે સૌથી મોંઘો ખેલાડી બન્યો છે.

આજની આઇપીએલમાં ભાગ લેનારી 10 ટીમોના માલિક કે તેમના પ્રતિનિિધ, હેડ કોચ, મેન્ટરે પોતપોતાના રાઉન્ડ ટેબલ પર બેસીને હરાજીમાં ભાગ લીધો હતો. ગુજરાત ટાઇટન્સે ફર્ગ્યુસન (10) અને તેવટિયા (9 કરોડ) માટે 19 કરોડ ખર્ચી નાખતા ચાહકો નિરાશ થયા હતા.

ચાહરને ચેન્નાઇએ 14 કરોડ, શ્રેયસ ઐય્યરને કોલકાતાએ 12.25 કરોડમાં ખરીદ્યો હતો.અવેશખાનને લખનૌએ 10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. શાહરૂખખાનને પણ પંજાબે 9 કરોડમાં ખરીદી વાતાવરણમાં રોચકતા ઉમેરી હતી.

ગુજરાતી ખેલાડી ફાસ્ટ બોલર હર્ષલ પટેલને બેંગ્લોરની ટીમે 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો. જો કે વિદેશી ખેલાડીઓમાં સૌથી વધુ આશ્ચર્ય શ્રીલંકાના સ્પીનર ઓલરાઉન્ડર હસારંગાએ સર્જ્યુ . તેને બેંગ્લોરે 10.75 કરોડમાં ખરીદ્યો હતો.

ગુજરાત ટાઇટન્સની ટીમની ખેલાડીની પસંદગી અને ટીમને બનાવવાની રણનીતિ નબળી જણાઇ. તેઓ બુકી ફર્ગ્યુસન જેવા સરેરાશ ફાસ્ટર સેમી ઓલરાઉન્ડર માટે રૂ. 10 કરોડ ખર્ચી કાઢ્યા. ખરેખર તેઓએ ટીમને ગુજરાતની છે તેમ ગૌરવ વધારવા હર્ષલ પટેલને ખરીદ્યો હોત તો ચાહકોનો બેઝ પણ ઉભો થઇ શક્યો હોત. 

ગુજરાત ટાઇટન્સે ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને 6.25 કરોડમાં ખરીદ્યો તે ઠીક પસંદગી કહી શકાય.ચેન્નાઇ સુપર કિંગ્સે સિનિયર ખેલાડીઓ પરનો વિશ્વાસ જાળવી રાખ્યો હતો અને ડ્વેન બ્રાવો (4.40 કરોડ) અને ઉથપ્પા (2 કરોડ) ને જાળવી રાખ્યા હતા.

અનુભવી ખેલાડીઓમાં ધવનને પંજાબે 8.25 કરોડમાં ખરીદ્યો છે અત્યારે તો એવું લાગે છે કે ધવન પંજાબનો કેપ્ટન રહેશે.રાજસૃથાન રોયલ્સે અશ્વિનને રૂ. પાંચ કરોડમાં ખરીદ્યો. અશ્વિનની ઓલરાઉન્ડર ક્ષમતા જોતા તેને વધુ રકમ મળી શકી હોત.પડ્ડીકલને પણ બેંગ્લોર તરફથી રમતા જે ફોર્મ બતાવ્યું હતું તે જોતા રાજસૃથાને 7.75 કરોડમાં ખરીદ્યો હતો.

વિદેશી ખેલાડીઓમાં વિન્ડીઝના વિકેટ કિપર બેટસમેન પૂરણને 10.75 કરોડમાં,  હૈદ્રાબાદે વિન્ડિઝના જ ઓલરાઉન્ડર હોલ્ડરને લખનઉએ રૂ. 8.75 કરોડમાં સાઉથ આફ્રિકાના રબાડાને પંજાબે 9.25 કરોડમાં, વિન્ડીઝના હેટમાયરને રાજસૃથાને 8.75 કરોડમાં ખરીદ્યો હતો.ગયા વર્ષે રૂ. 15 કરોડમાં વેચાયેલ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટર અને ટેસ્ટ કેપ્ટન કમિન્સને કોલકાતાએ જ રૂ. 7.25 કરોડમાં ખરીદીને જાળવી રાખ્યો છે.

કોલકાતાએ નિતિશ રાણાને 8 કરોડમાં ખરીદ્યો તે સચોટ નિર્ણય હતો. બેંગ્લોરે ડુપ્લેસીસને 7 કરોડમાં ખરીદી તેનો ઓપનિંગનો પ્રશ્ન હલ કર્યો હોય તેમ લાગ્યું. લખનઉએ કૃણાલ પંડયાને 8.25 અને બરોડાના હૂડાને 5.75 કરોડમાં ખરીદ્યો છે. અનકેપ્ડ પ્લેયરમાં અભિષેક શર્માએ ધમાકો સર્જતા હૈદ્રાબાદ તરફથી રૂ. 6.50 કરોડ મેળવ્યા છે.

સ્પિનર ચહલને પણ એટલી જ રકમ મળી. જો કે કુલદીપ યાદવ બે કરોડ સાથે તેના કથળેલા ફોર્મ અને ફીટનેસને લીધે નીચી કિંમત મળતા નિરાશ થયો હશે. રાહુલ ત્રિપાઠીને હૈદ્રાબાદે 8.5 કરોડમાં ખરીદતા પણ હરાજી રસપ્રદ બની હતી. શાહરૂખખાન સૌથી વધુ રકમ 9 કરોડ સાથે પંજાબે ખરીદતા હલચલ મચી ગઇ હતી. તેવટિયા માટે 9 કરોડ આપીને ગુજરાતની ટીમે ચાહકોને મોડી રાત્રિ સુધી ચાલેલી હરાજીમાં નિરાશ કર્યા હતા.

હરાજીમાં સ્મિથ અને રૈના સહિતના સ્ટાર્સને કોઈએ ખરીદ્યા નહી !

આઇપીએલની હરાજીના પ્રથમ રાઉન્ડમાં સ્ટાર ખેલાડીઓને કોઈ ખરીદદાર મળ્યા નહતા. જેમાં ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથની સાથે બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબનો પણ સમાવેશ થતો હતો. ચેન્નાઈના રૈનાને પણ કોઈ ખરીદવા તૈયાર થયું નહતુ.  આ ઉપરાંત ઉમેશ યાદવ, મિલર, મોહમ્મદ નાબી , મેથ્યૂ વેડ, સાહા, બિલિંગ, આદિલ રાશિદ, મુજીબ, ઈમરાન તાહીર, ઝામ્પા અને અમિત મિશ્રા અનસોલ્ડ રહ્યા હતા.

આઇપીએલના ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડીઓ

કિંમત

ક્રિકેટર

દેશ

ટીમ

વર્ષ

16.25 કરોડ

મોરીસ

સા.આફ્રિકા

રાજસ્થાન

2021

16.00 કરોડ

યુવરાજ

ભારત

દિલ્હી

2015

15.50 કરોડ

કમિન્સ

ઓસ્ટ્રેલિયા

કોલકાતા

2020

15.25 કરોડ

કિશન

ભારત

મુંબઈ

2022

15.00 કરોડ

જેમીસન

ન્યુઝીલેન્ડ

બેંગ્લોર

2021


ચાલુ હરાજીમાં ઘટના બની

હરાજીનું સંચાલન કરનાર એડમીડ્સ અચાનક બેભાન થઈને પડી ગયા

અધૂરી હરાજી ચારૂ શર્માએ સંભાળી

હ્યુજ એડમીડ્સની હાલત સ્થિર : લો બ્લડ પ્રેશરને કારણે ફસડાયા હતા

આઇપીએલની હરાજી દરમિયાન ઓક્શનિયર હ્યુજ એડમીડ્સ બોલતા-બોલતા બેભાન થઈને ફસડાઈ પડયા હતા. આ પછી તત્કાળ મેડિકલ ઈમરજન્સી જાહેર કરી દેવામાં આવી હતી અને હરાજીની પ્રક્રિયાને ત્યાં જ સ્થગિત કરી દેવામાં આવી હતી. આખરે એડમીડ્સને આરામ આપવાનો નિર્ણય લેવાયો હતો અને ક્રિકેટ પ્રેઝન્ટર ચારૂ શર્માને ઓક્શનિયરની જવાબદારી સોંપવામાં આવી હતી. 

ઓક્શનિયર પડી જતાં ઓક્શન સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો ત્યારે હસારંગા પર બેંગ્લોરે સર્વોચ્ચ 10.75 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. તેની બોલી 1 કરોડથી શરૂ થઈ હતી. ઓક્શનિયર એડમીડ્સને મેડીકલ ટીમે સારવાર આપી હતી અને ત્યાર બાદ તેમની હાલત સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું હતુ. 

જોકે તેમને આરામની જરૂર હોવાથી ઓક્શનને આગળ વધારવાની કામગીરી ક્રિકેટ ટીવી પ્રેઝન્ટર ચારૂ શર્માને સોંપવામાં આવી હતી. થોડા સમયના બ્રેક બાદ ફરી ઓક્શન શરૂ થયું હતુ. જેમાં હસારંગા 10.75 કરોડમાં બેંગ્લોરની ટીમની સાથે કરારબદ્ધ થયો હતો.

Share: