×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Cyclone Biparjoy : ગુજરાત સહિત આ 5 રાજ્યોમાં પણ વાવાઝોડાની અસર થવાની સંભાવના

અમદાવાદ, તા.14 જૂન-2023, બુધવાર

વાવાઝોડું બિપરજોય આવતીકાલે ગુજરાત પર આફત બનીને આવી રહ્યું છે... જેમ જેમ સમય જઈ રહ્યો છે તેમ તેમ વાવાઝોડું ખતરનાક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ત્યારે આ બિહામણા વાવાઝોડાની અસર માત્ર ગુજરાત પર જ નહીં... અન્ય 5 રાજ્યોમાં પણ થવાની સંભાવના છે. હાલ ગુજરાતના દરિયાકાંઠાઓ પર ઉછળી રહેલા મોજાઓના ડરમાણા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.... એટલું જ નહીં દરિયામાંથી હડસેલા ભરીને આવી રહેલી લહેરો પ્રચંડ જોવા મળી રહી છે. વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાવામાં 24 કલાકથી પણ ઓછો સમય બચ્યો છે, આવી સ્થિતિમાં એનડીઆરએફ, એસડીઆફ સહિત ત્રણે સેનાઓ લોકોની સુરક્ષાને ધ્યાને રાખી કમરતોડ મહેનત કરી રહી છે.

દરિયાકાંઠાના વિસ્તારોમાંથી 74000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લગભગ 74000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. ચક્રવાતી વાવાઝોડાની અસરને ઘટાડવા માટે ગુજરાત અને મહારાષ્ટ્રમાં લગભગ 33 NDRF ટીમો તૈનાત કરવામાં આવી છે. દરમિયાન બિપરજોય વાવાઝોડાની આફત માત્ર ગુજરાત પર જ નહીં, અન્ય ઘણા રાજ્યો પર તેની અસર જોવા મળશે. હવામાન વિભાગનું કહેવું છે કે ચક્રવાતી તોફાનની અસર ઘણા રાજ્યોમાં જોવા મળશે.

રાજસ્થાનમાં ગાજવીજ સાથે વરસાદ પડશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ત્રાટક્યા બાદ 15 જૂને રાજસ્થાનના જોધપુર અને ઉદયપુર ડિવિઝનમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. 16 જૂને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં 45 થી 55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જોધપુર, ઉદયપુર અને અજમેરમાં 17 જૂન સુધી ભારે વરસાદની સંભાવના છે.

મધ્યપ્રદેશમાં વીજળીના કડાકાભડાકા સાથે વરસાદની શક્યતા

વાવાઝોડું બિપરજોયના કારણે મધ્યપ્રદેશના શહડોલ, જબલપુર, ભોપાલ અને નર્મદાપુરમમાં કડાકાભડાકા સાથે વીજળી પડવાની સંભાવના છે. આગામી 24 કલાકમાં ખંડવા, ખરગોન, બરવાની, બુરહાનપુર, સાગર, ઝાબુઆ, ઉજ્જૈન, રીવા, સતના અને છતરપુર જિલ્લામાં પણ વીજળી પડવાની સંભાવના છે. આ સિવાય કેટલાક શહેરોમાં ભારે પવન સાથે વરસાદ અને વીજળી પડવાની શક્યતા છે.

મહારાષ્ટ્ર અને ગોવાના થઈ શકે છે વાવાઝોડાની અસર

હવામાનશાસ્ત્રીઓનું કહેવું છે કે, વાવાઝોડાની અસર મહારાષ્ટ્રમાં તો જોવા મળશે... ઉપરાંત તેની નજીક આવેલા ગોવામાં પણ વાવાઝોડાની અસર જોવા મળી શકે છે. ગોવાના દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળી રહ્યા છે. આવી સ્થિતિમાં પ્રવાસીઓને બીચ પર જવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે.

દિલ્હીની વરસાદની સંભાવના

હવામાનશાસ્ત્રીઓનું કહેવું છે કે, વાવાઝોડું બિપજોયની દિલ્હી-એનસીઆર વિસ્તારોમાં વધુ અસર થવાની સંભાવના નથી. જોકે, દિલ્હીને અડીને આવેલા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે.

વાવાઝોડાના કારણે ઘણું નુકસાન થવાની શક્યતા

હવામાન વિભાગનું કહેવું છે કે, તોફાની વાવાઝોડું બિપરજોય ઘણું નુકસાન કરી શકે છે. આ દરમિયાન 30 ફૂટ ઊંચા મોજા ઉછળી શકે છે... પવનની ગતિ પ્રતિકલાકે 140થી 150 કિલોમીટરની આસપાસ હોઈ શકે છે... ઉપરાંત પવનની ગતિ પ્રતિકલાકે 170 કિમી સુધી પહોંચવાની સંભાવના છે, જેના કારણે વીજળીના થાંભલા, રેલ્વે, ઓવરહેડ પાવર લાઈનો, સિગ્નલિંગ સિસ્ટમમાં સમસ્યા સર્જાઈ શકે છે. એટલું જ નહીં રાજ્યમાં પાકને પણ ભારે નુકસાન થઈ શકે છે.