CM શિંદે દ્વારા રૂ.100 કરોડનું કૌભાંડ, મહારાષ્ટ્ર વિધાનસભામાં ધમાસાણ, વિપક્ષે માગ્યું રાજીનામું

CM શિંદે દ્વારા રૂ.100 કરોડનું કૌભાંડ, મહારાષ્ટ્ર વિધાનસભામાં ધમાસાણ, વિપક્ષે માગ્યું રાજીનામું
Image – Twitter

મુંબઈ, તા.20 ડિસેમ્બર-2022, મંગળવાર

મહારાષ્ટ્ર વિધાનસભામાં મંગળવારે વિપક્ષ મહા વિકાસ અઘાડીએ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર 100 કરોડ રૂપિયાના જમીન કૌભાંડનો આરોપ લગાવતા તાત્કાલીક રાજીનામું આપવા માંગ કરી છે. શિવસેના-યૂબીટી અધ્યક્ષ ઉદ્ધ ઠાકરે, કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જયંત પટોલે, વિધાનસભામાં વિપક્ષના નેતા અજીત પવાર અને અંબાદાસ દાનવે જેવા મુખ્ય નેતાઓ અને અન્યોએ શિંદેને પદ છોડવા માંગ કરી.

100 કરોડની જમીન બે કરોડમાં આપી દીધી હોવાનો આક્ષેપ

મહા વિકાસ અઘાડી નેતાઓએ જણાવ્યું કે, જ્યારે મુખ્યમંત્રી શિંદે શહેરી વિકાસ મંત્રી હતા, ત્યારે તેમણે ગરીબો અને ઝૂંપટપટ્ટીમાં રહેનારાઓ માટેની જમીન નાગપુરમાં બિલ્ડરોને માત્ર બે કરોડ રૂપિયાના સસ્તા ભાવે આપી દીધી.

શિંદે વિરુદ્ધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર

બોમ્બે હાઈકોર્ટે પ્રોજેક્ટ પર યથાસ્થિતિનો આદેશ આપ્યા બાદ આ મામલો અચાનક મહત્ત્વનો બની ગયો છે. આજે નેતાઓ અને ધારાસભ્યોએ વિધાનસભા પાસે શિંદે વિરુદ્ધ વિરોધ-પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કર્યા હતા.

શિંદેને એક મિનિટ પણ CM પદ પર રહેવાનો અધિકાર નહીં : પટોલે

પટોલેએ કહ્યું કે મુખ્યમંત્રીને એક મિનિટ માટે પણ પદ પર રહેવાનો કોઈ અધિકાર નથી. તેમણે તાત્કાલિક પદ છોડી દેવું જોઈએ. આટલું મોટું જમીન કૌભાંડ છે તો તે પદ પર કેવી રીતે રહી શકે? મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકાર હતી ત્યારે અનિલ દેશમુખ અને સંજય રાઠોડ જેવા તત્કાલીન મંત્રીઓ પર આરોપો લાગતા તેમને તાત્કાલીક રાજીનામું આપી દીધું હતું.

Share: