કર્મોનું વળતર
લેખક-કલાપી પટેલ
ડોકટર તથાગત દેસાઇ તેમની સાતમા માળે આવેલી ઓફિસની બારીમાંથી નીચે રસ્તા પર ચાલી રહેલી વાહનોની અવરજવર અને તેના હોર્નના અવાજ સાંભળી રહયા હતા. તે ગાડીઓના શોરગુલને જોઇ પોતાના ભૂતકાળમાં સરી જવા પ્રેરાયા. કેટલાય વર્ષો બાદ તેઓ કોઇ પરિચિત ને મળી આજે વિતી ગયેલા સમયની સારી ને દુઃખતી ક્ષણોને તાજી કરતા ન હોય એવું જણાયું
ડોકટર તથાગત વિચારી રહયા કે શું ઇશ્વરે આને કારણે જ તેને ડોકટર ને એમાય કેન્સરના નિષ્ણાત થવા પ્રેરયો હશે.
વાત ત્રીસ વર્ષ પહેલાની છે. એક નાના શહેરની શાળા જયા વિદ્યાર્થી પોતાના વિચારોને પાંખ આપી શકતા. જયા બાળકો ખુલ્લા મનથી શિક્ષકો સાથે પોતાના મસ્તિષ્કમાં આવતી જિજ્ઞાસાના ઉત્તર મેળવી શકતા, જયા સવારની પ્રાર્થના બાળકોનાં રોમેરોમમાં એક અવનવો ઉત્સાહ ભરી દેતી. આ એજ શાળા હતી જેમા તથાગત અને તેના જેવા અસંખ્ય બાળકો જેમનુ મન કલ્પનાથી ભરેલું લીલુછમ ને કુંણું હતુ, મનમાં અનેક અભિલાષાના તરંગોમાં ઉડવાની શક્તિ પ્રદાન કરતું સ્વચ્છ વાતાવરણ હતું. શાળાનુ નામ એ નાના એવા શહેરમાં આગવું હતું .
વાલીઓ તેમના બાળકને આ શાળામાં દાખલ કરવા આતુર રહેતા. તથાગત આમ તો શ્રીમંત કુટુંબનો છોકરો હતો. પણ તેને તેની શ્રીમંતાઇનું અભિમાન ન હતું . તે જેટલો નમ્ર હતો તેટલો જ ભણવામાં પણ આગળ હતો. તેણે કોઇ દિવસ શાળાની શિસ્તતાનો ભંગ કર્યો હોય એવું એકેય શિક્ષક કહી ન શકે. તથાગત તેના નામને જાણે સાર્થક કરતો હોય એમ શાંત અને સૌમ્ય સ્વભાવનો હતો તે શિક્ષકોનું માન રાખતો. તે શાળાનું ગૌરવ પણ હતો. આ ગૌરવ માત્ર ભણવા સુધી. જ મર્યાદિત ન હતો. શાળાની કોઇ પણ, તે પછી ખેલ કુદ ના મેદાનમાં હોય કે સમાજ સેવાની પ્રવૃતિમાં, તેણે પોતાનુ આગવું સ્થાન સ્થાપિત કરી શાળાને એક નામાંકિત શાળાની સુચીમાં સ્થાન અપાવવામાં બહુ મોટો ફાળો આપ્યો હતો.
એવામાં એક શાળાના ટ્રષ્ટીની સિફારીસથી વિજ્ઞાનના શિક્ષક, જેમનું નામ વિનય રબારી હતું. વિનય તેમના નામ માત્રમાં જ હતો. બાકી સ્વભાવ તેમજ તેમની વર્તણુકમાં વિનયનો એક અંશ સુધ્ધા નહતો. અધુરામાં પુરુ કરવા તેઓ તેમના સુપુત્ર નૈનેશને પણ આ જ શાળામાં લઇ આવ્યા. નૈનેશ એના પિતા કરતા પણ ચાર ડગલા આગળ હતો.
શરુમાં તો બધુ સરસ ચાલ્યું . પણ જેમ જેમ દિવસો વિતતા ગયા તેમ તેમ નૈનેશે સહપાઠીઓને કનડવા માંડયા. ને જયારે પણ કોઇ નૈનેશની ફરિયાદ લઇ વિનય સર પાસે જતું ત્યારે તેઓ તેની ફરિયાદને એમ કહી ફગાવી દેતા કે જરૂર ફરિયાદ કરનારે નૈનેશને ઉશ્કેર્યો હશે. તે વગર મારો નૈનેશ કોઇને પણ પજવે એવો નથી. ઉપરથી ફરિયાદીને ધમકાવે જો ફરી ફરિયાદ કરશે તો તેઓ ફરિયાદીના પરીક્ષામાં અંક ઘટાડી દેશે. આથી વિદ્યાર્થીઓ નૈનેશની કનડગતને અંક ઓછા થવાની બીકે સહન કરી લેતા.
વિનય સર સ્વભાવને આધિન, તથાગત તેમને આંખમા ખુચતો. એનુ કારણ એ હતુ કે તેઓ જાણતા હતા કે તથાગત હોંસિયાર છે. તેઓ તેમના નૈનેશને કોઇ પણ રીતે આગળ લાવવા માંગતા હતા. તેથી તેમણે તથાગત વિશે ખોટી ફરિયાદ કરવા માંડી. પણ કોઇએ પણ તેમની ફરિયાદ સાંભળી નહી. તેથી વિનય સર ખુબ ધુધવાયા ને તેમણે એક નવો પેંતરો ખોળી કાઢયો
પરિક્ષા આવી ત્યારે તેમણે તથાગતના લખેલા પેપરોમાંથી થોડાક ઉતરોને નૈનેસના ઉતરો સાથે જોડી દેવા માંડયા. પરિણામ એ આવ્યુ કે દિવસે ને દિવસે તથાગતના અંક ઘટવા માંડયા.
તથાગતને નવાઇ તો લાગી કે પોતે પરિક્ષામા લખે તો બધુ બરાબર તો પછી અંક કેમ ઘટે. તેણે વિચાર્યુ કે સરને કહેવાથી વાત બગડશે. સમય આવશે ત્યારે વાત આપોઆપ બહાર આવશે
તથાગતના મૌને વિનય સરને ખુલ્લું મેદાન આપી દીધું. કહેવાય છે ને કે ખોટું કામ એક દિવસે બહાર આવે છે. બન્યુ એવું કે છ માસિક પરીક્ષાના પરિણામ તથાગતને આપતી વેળાએ વિનય સરના હાથમાંથી નૈનેશની ઉત્તર પત્રિકા નીચે પડી. તથાગતે પોતાના સ્વભાવને આધિન મદદ કરવા હેતુ તે પત્રિકાથી છુટા પડી ગયેલા કાગળોને ભેગા કરવા માંડયા પણ આમ કરતા તેની નજરે, પોતાના લખેલા ઉત્તરો નૈનેશની પત્રિકામાં જોયા. તથાગત તે સમયે કાંઇજ બોલ્યો નહી . વિનય થોડોક ભોંઠો પડ્યો. પણ તેણે જોયું કે તથાગતે તે વિશે તેને કાંઇજ કહયુ કે પુછ્યું નહી. તેથી તેને એમ જ થયું કે તથાગતની નજરમાં પોતાનું કારસ્તાન આવ્યું નથી.
તથાગતને પોતાના અંક ઘટવાનું કારણ સમજમાં આવી ગયું. તે જાણતો હતો કે વિનય સરને ફરિયાદ કરવી બેમતલબની હતી. તેથી તેણે પ્રિન્સીપલને જઇ બધી હકીકત જણાવી.
પ્રિન્સીપલે તથાગતને કહયુ
/તથાગત, હુ તેં જે કહયું તે વિશે વિનય સર સાથે વાત કરી આનો નિવેડો લાવીશ. હવે તું જા’ બીજે દિવસે પ્રિન્સીપલે વિનય સરને પોતાની ઓફિસમાં બોલાવ્યા ને વિનય સરને તેમના કૃત્ય બદલ ઠપકો આપતા કહયું
‘તમારા જેવા શિક્ષકને આવુ કરવું શોભા નથી આપતી. આ વખતે તો તમને જવા દઉં છું પણ જો ફરી તમારી ફરિયાદ આવી તો મારે તમારી વિરુદ્ધ પગલાં લેવા પડશે’.
‘સાહેબ મારું માનો તો તથાગત ખોટું આળ મારા પર ચઢાવી રહયો છે. એ તો મેં એને પરિક્ષામાં ચોરી કરતા પકડ્યો એટલે તેણે હું ફરિયાદ કરું એ પહેલાં તેણે આવી મારી ફરિયાદ કરી’.
‘તમે જે કહો છો એ મારા માનવામાં નથી આવતું કે તથાગત જેવો હોંશિયાર છોકરો ચોરી કરે’.
વિનય સર તે દિવસથી સાવચેત થઇ ગયા. પણ સાથે સાથે તેમણે તથાગતને પોતાની દાઢમાં રાખ્યો ને તેઓ તકની રાહ જોતા હતા
વાર્ષિક પરિક્ષા આવીને ઇશ્વરે વિનય સરને એ તક આપી. બન્યુ એવું કે છોકરાઓ પરીક્ષાના પેપરો લખી રહ્યા હતા ને વિનય સર કલાસમા નજર રાખી રહયા હતા. તેમની નજરમાં બહાર પ્રિન્સીપલ નિરીક્ષણ કરવા નીકળ્યા તે પર ગયુ.. તેમણે આને એક સરસ તકમા ફેરવી કાઢી. તેમણે અગઉ તથાગતે લખેલા ઉતરોમાંના એક કાગળ કાઢી તેનો લોચા બનાવી નાખ્યો. તેઓ ઉભા થઇ નિરીક્ષણ કરવાના બહાના હેઠળ તથાગત જ્યા બેસી લખી રહયો હતો ત્યા ગયા. તથાગત લખવામાં એટલો તો મશગુલ હતો કે તેની આસપાસ શુ ચાલી રહયું હતું તે તરફ તેનુ ધ્યાન જ ન ગયું. આનો લાભ વિનય સરે લીધો. તેમણે લોચો કરેલ કાગળ તથાગતના પગ પાસે ધીમેથી પાડ્યો. આ બધાથી બેખબર તથાગત તેનું પેપર લખતો રહયો. વિનય સરને ખાત્રી થઇ ગઇ કે તથાગતને તેમણે કરેલા કારસ્તાનની ખબર નથી, તે સાથે વિનય સરે ક્લાસની બહાર આવી બહાર ફરી રહેલા પ્રિવ્સીપલને સંબોધ્યા.
‘સાહેબ, જરા આ તરફ આવજોને, મારે તમને કાંઇક બતાવવું છે’.
પ્રિન્સીપલ જેવા તેમની પાસે આવ્યા એટલે તેમને કહયું
‘આવો સાહેબ હું તમને તથાગતનું સાચું રૂપ બતાવું. તમે મારૂ ન હતા માનતા. આજે તો તમને સાબિતી સહિત બતાવું’.
આમ બોલી તે ક્લાસમાં જંયા તથાગત બેઠો હતો ત્યા આવી ઉભા રહી એક નજર પોતે સરકાવેલ કાગળ સહી સલામત છે કે નહી તે જોઇ લીધું. સાથે સાથે તેમણે એ પણ જોયું કે પ્રિન્સીપલ સાહેબ પણ અંદર પ્રવેશી ચુક્યા હતા કે નહી. જેવી ખાત્રી થઇ કે હવે ખેલમાં કાંઇ અવરોધ નહી આવે એ સાથે વિનય સરે લોચો થયેલો કાગળ તથાગતના પગ પાસેથી લીધો ને સાહેબના હાથમાં મુકી બોલ્યા,
‘જુઓ સાહેબ, હું તમને નહતો કહેતો કે તથાગત પરીક્ષામાં ચોરી કરે છે. તમે ત્યારે તો માનવા તૈયાર જ ન હતા. હવે તો માનશો ને આ સાબિતી જોઇને’,
સાહેબે પેલા ચોળઇ ગયેલા કાગળને સરખો કરી અંદર ના લખાણને જોયું ને બોલ્યા
‘તથાગત, આ તારું છે?’
તથાગત તો તેના પરીક્ષાના ઉત્તર લખી રહયો હતો તેને તો એ પણ ખબર નહતી કે વિનય સર તેને પરીક્ષામાં ચોરી કરતા રંગે હાથ પકડવા માટે જાળ ગુંથી ચુક્યા હતા. ને તે એમની જાળમાં ફસાઇ ચુક્યો હતો.
‘સર., કાગળ અને તેના પર લખેલ અક્ષરોને જોઇ એ મારા જ છે પણ મને ખબર નથી કે એ મારા પગ પાસે ને તે પણ આવી દશામાં કંયાથી આવ્યા’.
આમ કહી તેણે પોતાની નિર્દોષતાની સાબિતી આપી શકે એવા સહપાઠીને શોધવા ક્લાસમાં નજર ફેરવી. પણ કોઇ પણ તેની વાહે આવવા તૈયાર ન થયું. કેમ કે જે વખતે તથાગતની નજર મિત્રને ખોળી રહી હતી, તે જ ઘડીએ વિનય સરની કરડી નજર પણ સૌ વિદ્યાર્થીઓ પણ ફરી હતી. તેમની નજરની બીકે કોઇએ પણ તથાગતનો ચાહીને પણ સાથ ન આપ્યો.
પ્રિન્સીપલ પાસે વિનય સરના તથાગત પરના આરોપનો કોઇ તોડ ન રહયો તેથી તેમણે તથાગતને પરીક્ષાના અધવચ્ચે જ રોકીને પોતાની સાથે ઓફિસમાં આવવા કહયું. તથાગત કાંઇજ બોલ્યા વિના પોતાની વસ્તુને દફતરમાં મુકી તેને લઇ પ્રિન્સીપલની સાથે તેમની ઓફિસમાં ગયો.
પ્રિન્સીપલે આરોપની ગંભીરતાને જોઇ તથાગતને શાળામાંથી બરખાસ્ત કરવાનો નિર્ણય કર્યો. તેમણે ચપરાસીને બોલાવી તથાગતને તેને ઘરે મુકી આવવાનો આદેશ આપ્યો. ચપરાસી સાથે તેમણે તથાગતના વાલી માટે એક પત્ર આપ્યો જેમા તેમણે તથાગતને શાળામાંથી કાઢી મકવાનુ કારણ બતાવ્યું.
ઘરે પહોંચી તથાગત પોતાને થયેલા અન્યાયને લઇ ખુબ વિહવળ બની ગયો. તેને હવે શું થશે તેના વિચારો આવવા લાગ્યા. આમ પરિક્ષામાં ચોરીના આરોપ સાબિત થયાથી તેને કોઇ સારી શાળા તો દાખલો આપશે જ નહી. પિતાજી શું કહેશે. તેને પોતાનું જીવન અંધકારમય થતું. લાગ્યું.
તેને રડવાનું મન થયું. પણ તે રડ્યો નહી.
સાંજે પિતાજી આવ્યા ત્યારે તથાગતને સૂનમુન બેઠેલો જોયો. પત્નીએ જ્યારે પ્રિન્સીપલની ચિઠ્ઠી તેમને આપી ત્યારે તેમણે જાણ્યું કે શું થયું હતું.
તેમણે તથાગતને બોલાવી પુછ્યું કે શું બિના હતી. તથાગતે મહિનાઓથી થતા પોતાના પરના અન્યાયની માડીને વાત કરી. પિતા પોતાના દીકરાને સારી રીતે ઓળખતા હતા. તેમને ખાત્રી હતી કે તથાગત કોઇ દિવસ ખોટુ કાર્ય ન કરે અને તેમાય ભણવાને લઇ તે કોઇ દિવસ પરીક્ષામાં ચોરી કરવા વિચારવાનું તો શું સપનામાય તેવું ન કરે. તેમણે તથાગતને આસ્વસ્થ કરતા જણાવયું કે તેઓ પ્રિન્સીપલને મળી આનો કોઇ તોડ કાઢશે.
બીજે દિવસે તથાગતને લઇ તેઓ પ્રિન્સીપલને મળવા તેની શાળાએ પહોંચી ગયા.
પ્રિન્સીપલ તથાગતને લઇ આવેલા તેના પિતાને ઉમળકાથી મળ્યા. ને સાથે તેણે જે બન્યુ તે બદલ દીલગીરી પણ દર્ષાવી.
તથાગતના પિતાએ પ્રિન્સીપલને તથાગતને અત્યાર સુધીમાં થયેલા અન્યાયની વાત કરી ને ચોરીમા તથાગતને ખોટી રીતે સંડોવામાં આવ્યો હોવાનું જણાવ્યુ.
‘મનસુખભાઇ તમારી વાતથી હું પૂર્ણતહ સમ્મત છું. મને તથાગતે આ પહેલા પણ તેને થતા અન્યાય વિશે વાત કરી હતી. મેં તેના વિશે વિનય સરને વાત પણ કરેલી. પણ તેમણે ઉલ્ટાનો તથાગત પરિક્ષામાં ચોરી કરી વધારે અંક લાવતો હોવાનું જણાવ્યું. એટલે મારાથી કાંઇ થઇ શક્યુ નહતું. પણ ગઇકાલે તેમણે પોતાની વાતની સાબિતી સબુત સાથે આપી તેથી મારે ના છુટકે આ પગલું ભરવું પડયું’.
‘તમારે તથાગતના ભવિષ્યનો તો વિચાર કરવો જોઇતો હતો ને આમ વાર્ષિક પરીક્ષાની મધ્યમાં તેને શાળા છોડવી પડે તો તેનું વર્ષ આખું બગડે એનો તો વિચાર તમારે કરવો જોઇતો હતો કે નહી?’
‘તમારી વાત હું સમજું છું પણ ફરિયાદ કરનાર માસ્તર જો રાજી થાય તો એક કામ કરી શકાય કે’.
‘શું?’
“તથાગતના આટલા વર્ષોની પ્રગતિ અને પરિણામના આધારે તેને આ વર્ષે પરીક્ષામાં ભાગ લીધા વગર ઉતીર્ણ જાહેર કરી દેવામાં આવે. ત્યાર પછી તમે તેને બીજી શાળામાં દાખલ કરાવી શકો’.
‘મને એ મંજુર છે’. મનસુખભાઇએ કહ્યું. મનસુખભાઇ આવતા પહેલા જ તેમનુ મન બનાવીને જ આવેલા કે હવે પછી તેઓ તથાગતને આ શાળામાં ભણવા દેવા માંગતા ન હતા. જે શાળા વિનય સર જેવા વ્યક્તિને તેની કાબિલીયતના આધારે નહી પણ ટ્રસ્ટીની સિફારીસથી નોકરી પર રાખે તે શાળાનું ભલે નામ હોય પણ જયા નૈતિકતાની વાત આવે ત્યા તેનુ સ્તર ઘણું નીચું કહેવાય.
પ્રિન્સીપલે ચપરાસીને બોલાવી વિનય સરને ઓફિસમા મળવા માટે તેડું મોકલાવ્યું.
થોડીકવારમાં વિનય સર આવી પહોંચ્યા દરવાજા પાસે પહોંચી તેમણે ઔપચારિકતા દર્શાવા પુછ્યું
‘સાહેબ, અંદર આવું કે?’
આવો’.
વિનય સરે તથાગતને જોયો તેમના પેટમાં ફાળ પડી કે નકકી કંઇક અજુગતુ થવાનું છે. ‘આમને મળો આ છે તથાગતના પિતા, મનસુખભાઇ દેસાઇ’.
વિનય સરે મનસુખભાઇને નમસ્ત્તે કર્યા. મનસુખબાઇએ જવાબમાં નમસ્તે કર્યા.
‘મનસુખભાઇ આપણે લીધેલા તથાગતના ચોરીના પ્રકરણને લઇ આપણી સમક્ષ રજુ થયા’
પ્રિન્સીપલની અનુભવી નજર વિનય સરની પ્રતિક્રીયાને નિહાળી રહી. તેમણે ધાર્યુ હતું તે પ્રમાણે વિનય થોડી ગભરામણ અનુભવતા હોય એવું જણાયુ.
કહેવું એંમ છે કે આપણે લીધેલ નિર્ણયથી તથાગતનું આખું વર્ષ બગડે. માટે આપણે તથાગતને બાકીની પરીક્ષા પુરી કરવા દઇએ. ત્યારબાદ તે શાળા છોડી દે. આ વિશે તમારે શું કહેવું છે?.’
‘સાહેબ, હું તે સાથે સંમત નથી. આમ કરવાથી બીજા વિદ્યાર્થીઓ પર માઠી અસર પડશે’
પોતાની પોલ ખુલી ન જાય તેની તકેદારી રાખવાના હેતુથી વિનય સરે કહ્યુ.
પ્રિન્સીપલે વિનય સર પાસેથી આવા જ જવાબની આશા રાખેલી. તેથી જ તેમણે બીજો વિકલ્પ પણ તૈયાર રાખેલો. એ વિકલ્પની ધારણા વિનય સર જેવા ખઇબદેલા શિક્ષકે કરી ન હતી
‘તો પછી આપણી પાસે તથાગતને પરીક્ષા આપ્યા વગર તેને પાસ જાહેર કરવા સિવાય બીજો ઉપાય નથી’.
‘સાહેબ, પણ એ કઇ રીતે શક્ય છે? તેણે પરીક્ષા આપી નથી. તો આપણે કઇ રીતે તેને પાસ જાહેર કરીશું?’
‘પ્રિન્સીપલ તરીકે હું તથાગતને તેના વિતી ગયેલા વર્ષોના દરેક વિષયોની અંકોની સરેરાશ કાઢી તેને આ વર્ષના અંકો માની તેને પાસ કરીશ જેથી કરી તેનુ વર્ષ ન બગડે ને તે નવી શાળામા આગલા ધોરણમાં પ્રવેશ મેળવી શકે’. આટલુ બોલી ક્ષણ ભર થોભી તેમણે આગળ કહયુ, ‘મને ખાત્રી છે કે તમે એક શિક્ષક થઇ, કોઇ વિદ્યાર્થીની એક ભુલને કારણે, તેના આખા વર્ષની મહેનતને બરબાદ થવા નહી દેવા માંગતા હો. કેમ ખરુ ને?’
વિનય સરને સાહેબનો જવાબ ગમ્યો તો નહી પણ તે જો આનો વિરોધ કરે તો તે ખોટો દેખાય એમા કોઇ બે રાય ન હતી. તેણે વિચાર્યું કે કંઇ નહી તોય તે તથાગતને શાળામાંથી વિલંબન તો કરવામાં સફળ રહયો હતો.
‘સાહેબ, તમે જે પણ વિચાર્યું હશે તે શાળાના હિતમાં જ ઙશે’. એમ કહી વિનયે રજા લીધી ને ઓફિસની બહાર નીકળી ગયો.
હસમુખભાઇને એટલો સંતોષ થયો કે તથાગતનું વર્ષ બગડશે નહી. ઘરે આવી શાળામાં જે બન્યું તે પત્ની,મુદ્રાને જણાવ્યું,
‘તો હવે આપણો તથાગત નવી શાળામાં જશે એમને?’
‘‘હા. એ સિવાય છુટકો જ નથી’.
/હું શું કહું છુ તમને કે આ નગર જેવડુ ગામ તેમા જો બીજી શાળામાં તથાગત જશે તો કોઇક દિવસ આ વાત બહાર આવશે તે વખતે લોકો ન કહેવાની વાતો કર. ને તેથી તથાગતની સાથે તમારું પણ નામ બગડશે તેના કરતા શક્ય હોય તો આપણે બીજે સ્થળાંતર કરી લેવું’.
‘તારું કહેવું સાચું છે. પણ વ્યવહારિક દ્રષ્ટિએ શક્ય નથી’.
‘તો પછી બીજો એક ઉપાય દાખવું. મારો ભાઇ મોટા શહેરમાં છે તેને ત્યા તથાગતને મોકલાવી દઇએ ને ત્યાની સારી શાળામાં તેને દાખલ કરી દઇએ.. તમારે આમેય ધંધાર્થે ત્યા જવાનું થતું જ હોય છે. એ બહાને આપણે તથાગતની પ્રગતિ પર પણ નજર રાખી શકીશું’.
મનસુખભાઇ પત્ની મુદ્રાના મંતવ્યથી સહેમત થયા. તેમણે તથાગતને પણ સમજાવ્યો. તથાગત આમ પણ પહેલાથી જ મામાનો લાડકો હતો એટલે તેણો પણ રાજીપો દર્શાવ્યો. એટલે મનસુખભાઇએ સાળા સાહેબને વિગતવાર બધી બીનાથી વાકેફ કર્યા. તથાગતના મામા તો ખુશ ખુશ થઇ ગયા. તથાગત પોતાને ત્યા રહી ભણે તેથી રૂડું શું તેમને ખબર હતી કે તથાગત બીજા તેની ઉંમરના બાળકોની સરખામણીમાં તદન જુદો હતો. એની ઉંમરના છોકરાંઓ જેવી ધમાલ મસ્તીથી તે દુર રહેતો. એવું પણ ન હતું કે તેને બીજા છોકરાઓ જોડે હળી મળી રમવું ન ગમતું. પણ તે બીજા છોકરાં કરતા જુદો પડતો. તેની રમવાની રીત ને રમતની સમજણ તેને તેમનાથી જુદો પાડતા. તેનામાં એક ઠરેલપણું હતું. તે રમતમાં પણ જયા આક્રમકતા દાખવાની હોય ત્યા સમજી વિચારીને દાખવતો નહી કે આક્રમકતા દેખાડી સામાની ઉપર છાપ પાડવા. તેના આ ગુણને લીધે તે જ્યારે પણ મોસાળ આવતો ત્યારે ત્યાના તેનાથી ઉંમરના મોટા છોકરાઓ પણ તેને તેમની સાથે રમવા આતુર રહેતા.
શાળાનું નવું સત્ર શરુ થાય એ પહેલા જ મનસુખભાઇ તથાગતને મામાને સોંપી, નવી શાળાના દાખલ કરવાની બધી પ્રક્રિયા પુરી કરી પાછા આવી ગયા. તથાગત પણ મામાની છત્રછાયામાં સારી રીતે ગોઠવાઇ ગયો. શાળા પતાવી કોલેજ ને ત્યાથી મેડિકલ કોલેજ પણ પતાવી આજ તથાગત કેન્સર જેવા જીવલેણ રોગનો નિષ્ણાત બની શહેરની જાણીતી કેન્સર ઙોસ્પિટલ ખોલી લોકોની સેવા કરી રહ્યો હતો. ને આમા તથાગતને સાથ મળ્યો તેની પત્ની લોપાનો.
લોપા હતી તો સાધારણ કુટુંબની પણ તેને જોઇને જરાય એવુ ન લાગે કે તે સાધારણ કુટુંબમાંથી આવતી હશે. તેનું સોમ્ય બોલવું ને સામાને શાંતિથી સાંભળવાના ગુણને લીધે સૌને પહેલી મુલાકાતમાં પોતાના કરી લેતી. કુદરતે તેને માતૃત્વથી વંચિત રાખી હતી.પણ તેણે ફરિયાદ કરવાને બદલે તથાગતની હોસ્પિટલમાં આવનાર દર્દીઓની દેખરેખ રાખવામાં પોતાનુ માતૃત્વ વ્યતિત કરવાનું રાખ્યું. કુદરતે પણ તેને આમા યશ પણ અપાવ્યો. તેની દેખરેખમાં આવતા દર્દીઓ જેમણે આશા મુકી દીધી હોય એ પણ પોતાના પગ પર ઉભા થઇ રજા મેળવી ઘરે પાછા ફર્યા હતા.
લોકો તેને દેવી જેવા જ માનતા. પણ તે હંમેશા વિનમ્ર થઇ કહેતી,
‘આમા કરનાર તો ઉપર વાળો ને તમ સૌના પ્રયત્ન. મે આમાં કાંઇજ કર્યુ નથી’.
લોપા કોઇ દિવસ પણ પોતે હોસ્પિટલની માલિક કે માલિકના પત્ની હોવાનો અહંકાર ન કરતી. તે પોતાને સૌના સમોવડિયા જ સમજતી ને તે રીતનું વર્તન પણ રાખતી.
તથાગતને આજે તેના જ ભૂતકાળે વિહવળ કરી નાખ્યો હતો. પોતે આટલા વર્ષોથી જે યાદ ભુલી આગળ વઘી ચુક્યો હતો તેની કડી તેની સમક્ષ ઉભી હતી ને તેને કહી રહી હતી કે કુદરતે તને થયેલ અન્યાયનો ન્યાય કરવાનો મોકો આપ્યો છે. આવી તક વારે ઘડીએ ન મળે. તે વિચારી રહયો કે પોતાનું તો સમજી શકાય પણ આ રીતે પોતાના સ્વજનને આવી દશામાં નિસહાય એ પણ અજાણાયા શહેરમાં અજાણ્યા લોકો વચ્ચે છોડી જવું કોઇ નિર્દય વ્યક્તિ જ હોવું જોઇએ. તેણે એ વૃદ્ધને હોસ્પિટલમાં દાખલ કરાવતી વખતે તેમની સાથે આવનાર વિષે સ્ટાફને પુછ્યું તો જાણવા મળ્યુ કે આવનાર વ્યક્તિએ પોતાવું નામ ખોટું આપ્યું હતુ પણ સરનામું ખરું આપેલું. તે વ્યક્તિના આપેલ વર્ણન પરથી તથાગતે તે કોણ હોઇ શકે તેની ધારણા બાંધી લીધી હતી. તે વ્યકતિએ ઓળખ આપતી વખતે એમ જણાવેલ તેને માણસાઇ ખાતર દર્દીને અહી લઇ આવ્યો હતો. બાકી તેને ને દર્દીને બીજી કોઇ નિસ્બત નથી. તેણે પહેલા તો પોતાની ઓળખ લખાવાની ના કહી પણ જયારે દાખલ કરનાર સ્ટાફે ઓળખ વિના દાખલ ન કરી શકાય એમ જણાવ્યુ ત્યારે રકઝક બાદ પોતાનુ નામ અને સરનામુ આપેલ. પણ જયારે તથાગતે નોંધાયેલ વિગત તપાસી ત્યારે તેને ખ્યાલ આવ્યો કે તે વૃદ્ધ દર્દી બીજુ કોઇ નહી પણ વિનય સર હતા. એ સરનામું વિનય સરનું હતું ને તેમને લાવનાર બીજું કોઇ નહી પણ તેમનો સુપુત્ર નૈનેશ હતો, નૈનેશે પોતાનું નામ તો ખોટું આપેલ પણ સરનામું ખરુ આપેલું.
તે દિવસે લોપા હોસ્પિટલમાં તેના બધા કામ પતાવી રોજના જેમ પતિની ઓફિસમાં આવી. તથાગતને ઉંડા વિચારોમા ડુબેલો જોઇ લોપાએ ધીમેથી તેની નજીક જઇ પુછ્યું
‘તથાગત, તમે આજે ચિંતીત લાગો છો. શું વિચારી રહયા હતા તમે?’
પત્નીને જોઇ તે બોલ્યો, “તું ક્યારે આવી. આમ તો ખાસ કાંઇ નહી. એક નવા દર્દી વિષે વિચારી રહયો હતો’.
‘મેં જાણ્યું… તમે તેમના વિષે જાણકારી મેળવી રહયા હતા તે વખતે મે તમને જોયા હતા. શું કોઇ ગંભીર વાત છે?.
‘વાત ગંભીર તો નથી તેમને પ્રોસ્ટેટનું કેન્સર થયું છે ને તે બીજા સ્ટેજ પર છે. મને તેનો બહુ વાંધો નથી મને વાંધો એ દર્દીનો છે’.
એમ કહી તેણે લોપાને પોતાના ભૂતકાળ સાથે સંકળાયેલી વાત કરી.
‘તથાગત તમારે તેમની સારવાર ન કરવી હોય તો બીજા ડોકટરને કહો’.
‘મને તેમને સારવાર આપવામાં કોઇ વાંધો નથી. હું એવો માણસ છું જ નહી કે પાછલી વાતને યાદ કરી કોઇની આજ બગાડું. ને તું એ ન ભુલ કે હું લોકોના જીવ બચાવવા કામ કરું :છું નહી કે તેને લેવાનું’.
‘તો પછી વાંધો ક્યાં છે?’ લોપાએ પુ.છ્યું
‘મને જોઇ તે કયાંક સારવાર લેવાનું બંધ કરી દે તો!’.
‘તમને એમ શા પરથી લાગે છે?’
‘મને જોઇ કદાચ તેમને તેમની ભુલ યાદ આવી જાય ને એમને એમનો આત્મા ડંખ મારે’.
‘તમારી વાત તો વ્યાજબી છે. એક કામ થાય તમે પડદા પાછળ રહી તેમની સારવાર કરો તો વાત બને. આપણી પાસે બીજા ડોકટરો છે જે તમારા માર્ગ દર્શન પર કામ કરી તમારા સરને સારવાર આપી શકે. તમારે માત્ર સુઝાવ જ આપવાના રહેશે ને તે પણ પડદા પાછળ રહીને’.
તથાગતે પોતાની ગેરહાજરીમાં, હોસ્પિટલની બધી જવાબદારી સંભાળતા ને તથાગતના હાથ નીચે જ પ્રશિક્ષિત થયેલ ને તેના જેવોજ નિષ્ણાત ડોકટર દયાનંદ શિરોળેને વિનય સરની સારવારનું કામ સોંપ્યુ.
તથાગતે ડોકટર દયાનંદને કહયું કે પોતે પોતાના નિજી કારણસર એ દર્દીને જાતે સારવાર આપવા માંગતા નથી. સાથે સાથે એમ પણ જણાવ્યું કે દર્દીને સારામાં સારી સારવાર મળે એ માટે તેઓ કોઇ પણ હદે જઇ શકે એમ છે પણ પોતે તેમની સમક્ષ આવવા માંગતા નથી.
‘મને ખાત્રી છે કે તમે તેઓને મારાથી પણ સવાઇ સારવાર આપશો જ. તેમ છતાં તમને કોઇ પણ જગ્યા પર મારી જરૂર વર્તાય તો હું તમને સલાહ સુચન આપવા તૈયાર છું જ. મને નથી લાગતું કે તેની તમને જરૂર પડે’.
‘તમોએ મારા પર મુકેલા વિશ્વાસ માટે હું તમારો આભારી રહીશ. હું મારાથી બનતા બધા પ્રયત્ન કરીશ તેઓને કેન્સર મુકત કરવામાં’.
તે દિવસથી જ વિનય સરની સારવાર ડોકટર દયાનંદના દ્વારા શરૂ કરાઇ. દવાની સાથે સાથે દર્દીના મનોબળને ટકાવી રાખવું પડતું હોય છે. આની જવાબદારી હોય છે કોઇ નજીકના સ્વજનની. પણ અહીં તો સ્વજન પોતે જ દર્દીને નિસહાય પારકાને આશરે મુકી ચાલ્યા ગયા હતા.
વિનય સરનું આ શહેરમાં કોઇ ઓળખીતુ પારખીતું હશે કે કેમ એ પ્રશ્ન હતો. અને હોય તો પણ તેમની આવી હાલતમાં તેમની દેખભાળ કરવા આવે ખરા?. જેમનો સગો પુત્ર અહીં કોઇ અજાણી વ્યક્તિની જેમ મુકી ગયો તેંને બીજુ ઓળખતું હોય તોય ના આવે
લોપાએ જેમ તે બીજા દર્દીની દેખરેખ રાખતી એ જ રીતે તેણે વિનય સરની પણ સાર સંભાળ લેવા લાગી.
દિવસ દરમ્યાન તેને જ્યારે પણ મોકળાશ મળતી તે વિનય સરની પાસે આવી બેસતી તેમને સમાચાર પત્ર વાંચી સભળાવતી ને તેમની સાથે વાતો પણ કરતી. વિનય સરને કેન્સરની સારવારને લીધે અશક્તિ આવી જતી. તેમના શરીરને સારવારનો સામનો કરવાની શક્તિ મળે તે માટે લોપા તેમને માટે રોજ ઘરેથી પૌષ્ટિક ખાવાનું ને ગાજર ને રકતકંદ(બિટરૂટ). સાથે અન્ય ફળનો રસ લાવતી. .
વિનય સર તેને કહેતા
‘બેટા, તમે જે રીતની મારી સેવા કરો છો એ જોઇ મને થાય છે કે પ્રભુએ મને દીકરાની જગ્યા દીકરી આપી હોત તો આમ ઓશિયાળાની જેમ પારકાની સેવા લેવાનો તો વારો ન આવત’. આમ બોલતા તેમની આંખમાં ઝળઝળિયા આવી ગયા.
‘તમે મને બેટા કહી સંબોધો છો એ રીતે હું તમારી દીકરી જ કહેવાવ ને તમે ભલે મને પારકી સમજતા હો પણ હું તમને ક્યા પારકા માનું છું. માટે હવે પછી તમે જો મને પારકી સમજશોને તો તમારી સાથે બોલવાનું બંધ કરી દઇશ’. લોપાએ જરાક રીસાતા સ્વરમાં કહયું
‘મને માફ કરી દે હવે પછી એવી ભુલ નહી થાય’.
જેમ જેમ દિવસો વિતતા ગયા તેમ તેમ વિનય સરની તબિયતમાં સુધારો થતો ગયો ને સાથે સાથે તેમને એ પણ ખબર પડી કે લોપા હોસ્પિટલના માલિકના પત્ની હતા ને તેઓ હોસ્પિટલમાં સ્વેચ્છાએ દર્દીઓના મનોબળને પ્રોત્સાહન આપવા ને તેમને ઘરના જેવું વાતાવરણ આપવા આવતી. આ સાંભળી વિનય સરને લોપા તેમજ તેના પતિ પર માન થયું. તેમને થયું આવા સેવાભાવી ડોકટરને મળી તેમનો આભાર તો માનવો જ જોઇએ. તેમણે એક દિવસ લોપાને પોતાની મનની વાત કરી.
‘લોપા બેટા, તેં મને કોઇ દિવસ કહયુ કેમ નહી કે તું હોસ્પિટલની માલિક છું’.
‘તમને કોણે કહયું?’
‘આ તો વાતમાંથી?’વાત નીકળી ને મને જાણ થઇ. માલિક થઇ પૈસા કે હોદાનો લેશ માત્રય અહંકાર તારામાં જણાતો નથી. એ વાત માત્રથી મને તારા ઉછેર કરનાર માતા પિતાને મળી તેમને મારે ધન્યવાદ આપવા છે’.
‘વડીલ હું તમારી એ દરખાસ્તને મંજુરી આપી શકવા માટે અસમર્થ છું. કેમ કે મારા મા-બાપ એક દુર્ઘટનામાં ગુજરી ગયા છે. હવે તો જે છે એ મારા પતિ’’.
‘મને માફ કરજે બેટા, મને આ વાતની જાણ ન હતી. મારી ઇશ્વરને પ્રાર્થના કે તેઓ જ્યા પણ હોય ત્યા તેમનું કલ્યાણ કરે’.
વિનય સરની સારવાર હવે તેના અંતિમ પડાવ પર હતી. તેઓ લગભગ કેન્સર મુક્ત થઇ ગયા . હતા. તેમને હવે હોસ્પિટલમાં રાખવાની કે રહેવાની જરૂર ન હતી જ્યારે ડોકટર શિરોળે તેમના રોજના રાઉંડ પર આવ્યા ત્યારે તેમણે વિનય સરને જણાવ્યું
‘મિ રબારી, તમે હવે સાજા થઇ ગયા છો મને નથી લાગતું કે હવે તમારે અહી રહેવાની જરૂર છે. તમે ઘરે જવા ફ્રી છો. તમે તમારા ઘરનાને બોલાવી તેમની સાથે ઘરે જઇ શકો છો. વર્ષ સુધી દવાઓ લેવાની રહેશે ને દર ત્રણ મહિને લોહી ચેક કરાવી લેવાનું રહેશે. માટે તમારા ડોકટરને હુ ચિઠ્ઠી લખી આપીશ. ને વર્ષ પતે એટલે અહી આવી મળી જવાનું. તમારે કાંઇ પુછવું છે?’.
વિનય સર શું બોલે. આટલા દિવસો અહીં હતો ત્યારે ઘરેથી કોઇ ખબર પુછવા આવ્યું જ નહતું તો તેઓને બોલાવી પોતાનુ અપમાન કરાવવું એના કરતા કોઇ આશ્રમમાં જઇ રહેવું .સારુ. પણ અજાણ્યા શહેરમાં આશ્રમ ક્યા શોઘવો એ વિચારમાં પડ્યા. ત્યા જ રોજના નિયમ પ્રમાણે લોપા આવી. તેણે વિનયને ઉંડા વિચારમા બેઠેલા જોયા. તે જાણતી હતી કે ડોકટરે તેમને ઘરે જવા રજા આપી દીધી હતી. કદાચ તેને લઇ કંઇક વિચારતા હશે એમ વિચારી તેણે પુછ્યું
‘કેમ વડીલ ઘરે જવાની ખુશી નથી તમને?’.
“જાઉં તો પણ ક્યા જાઉં?’, નિસાસો નાખતા તે બોલ્યા
“કેમ વડીલ ઘરે કોઇ નથી?’
“બેટા, તને શું કહુ… દીકરો છે પણ બિલકુલ નપાવટ. મને અહીં દાખલ કરી ગયો તે ગયો હું કેવી હાલતમાં છું એ પણ તપાસ કરવા આવ્યો નથી. તેણે જ્યારથી ખબર પડી છે કે મને કેન્સર છે એ દિવસથી તો તેણે મને ઘરમાં એક કુતરું પડ્યું હોય એવું વર્તન કરવાનું શરુ કર્યું. પહેલાય એવું ખાસ ધ્યાન ન રાખતો. પત્ની હતી ત્યા સુધી તે મારી કાળજી રાખતી પણ તેના ગયા પછી તો તે તેની મન માની કરતો થઇ ગયો. તેની વહુ પણ તેને રવાડે ચઢી ને મારી સાથે કારણ વગર ઝઘડો કરે. મે મારી જાતને કહ્યુ કે હશે છોકરું છે ઘરની બધી જવાબદારી માથે આવી પડી તેથી. આને કારણે હું મારા કામ મારી જાતે કરવા લાગ્યો. પણ થોડાક વખત ઉપર મને આ જીવલેણ બીમારીની જાણ થઇ, વિનય સરે ગળે આવી ગયેલ ડુમાને ગળવા બાજુ પર પડેલ પાણીના પ્યાલામાંથી ઘુંટડો પાણી પી પોતાની વાત આગળ ચલાવી, ‘બીમારીની ગંભીરતા જોઇ મેં મારી કાળજી લેવા મારા કામનો બોજ પુત્રવધુ પર નાખ્યો જે તેને ન ગમ્યું. થોડા વખત સુધી તો તે બોલી નહી પણ મારા દીકરાની જોડે સંતલસ કરી મને અહી મુકી દીધો. મુકી ગયા તો ઠીક પણ આટલા મહિનાઓ થયા તોય મારા ખબર અંતર ન પુછ્યા કે એક ફોન સુધાય કર્યો નથી’. આટલું બોલતા બોલતા તેમણે અત્યાર સુધી રોકી રાખેલા રુદનને તે વધુ રોકી ન શક્યા ને તેઓ ચોધાર આંસુએ રોવા લાગ્યા.
લોપાનું મન દ્રવી ઉઠયું તેણે સરને શાત પાડવા તેમને પાણી આપ્યુ. પણ જેનું રોમેરોમ પુત્ર, કે જેના માટે તેમણે કેટલાયના નિસાસા લીધા, એણે આમ જ્યારે તેમને તેના સાથ કે બે આશ્વાસનના શબ્દોની જરૂર હતી એ ન હતો,તે કઇ રીતે શાંત રહે. લોપાએ ધીમે રહી સરની પીઠ પર હાથ ફેરવતા ફેરવતા કહયુ
‘વડીલ, જે થઇ ગયું એને યાદ કરી દુઃખી થઇ રહેવા કરતા તમે એમ માનો કે તમને ઇશ્વરે દીકરાની જગ્યા આ દીકરી આપી. માટે તમે એનો આભાર માનો લો હવે રડવાનું બંધ કરો’. આટલું કહી તેણે સરના, પોતાની સાડીના છેડાથી, આંસુ લુછ્યા.
લોપાના કથનમાં છુપાયેલી સચ્ચાઇને વિનય જેવો પારખી માણસ, કે જે અત્યાર સુધી અનેક લોકોને પારખીને તેમનો લાભ લઇ ચુક્યો હતો, ના જાણી શકે એ શક્ય ન હતું. લોપાના શબ્દોની સત્યતાનો રણકાર વિનયના મનને જંઝોડી રહ્યું. તેને સમજ ન પડી કે આ દુનિયામાં આવી વ્યક્તિ પણ હોઇ શકે જંયા પોતાના જેવા ઠગો તો અગણિત મળી રહે પણ લોપા જેવી નિશ્વાર્થ તો આંગળીના વેઢે ગણી શકાય એટલાય હોય કે કેમ. તેમ છતા વિનયને લાગ્યુ કે અત્યાર સુધી તો તેણે લોકોનો ઉપયોગ પોતાના લાભ માટે જ કર્યો હતો. પણ લોપા જેવી સેવાભાવીનો લાભ લઇ પોતે જશે ક્યા.
‘લોપા બેટા, તેં તો મારી સગી દીકરી કરતાય વધારે સેવા કરી છે. પણ હવે તો હું તદન સાજો થઇ ગયો છું. ને હવે મારે અહીંથી વિદાય લેવી એ સૌના હિતમાં છે’’.
તમને ડોકટરે ઘરે જવાની સાથે સાથે દવા વગેરેની હિદાયત આપી છે એનું શું?’
‘એ તો હું કરીશ જ ને!’
‘મને કહેશો તમે તે ક્યાં જઇને કરશો? તમે તમારા દીકરાને ત્યા તો જવાના નથી જ એની મને ખાત્રી છે’.
વિનય લોપાના પ્રશ્નનો ઉતર આપવા અસમર્થ હતો કેમ કે અત્યારે તો તે એમ પણ કહી ન શકે કે તે કોઇ આશ્રમનો સહારો શોધી લેશે. લોપા વિનયના જવાબ ના આપ્યાથી બોલી
‘માટે તો હું તમને મારા ઘરે લઇ જવા માંગું છું. એ પણ એક દીકરીની ફરજ તરીકે નહી તેની લાગણીના સંબંધે. તમારી સાથે આટલા મહિનાઓથી સમય વિતાવ્યો છે તેનાથી મને મારા પિતા ફરી મળી ગયાનો આનંદ થયો’.
‘બેટા લોપા, તેં તો મને બોલવા જેવો રાખ્યો જ નહી. મને એમ લાગે છે કે ઇશ્વરે તારા રુપમાં આવી મારી જીંદગીના પાછલા દિવસોમાં સુખની ઘડીઓ મારા ખોળામાં વરસાવી છે’.
બીજે દિવસે લોપા વિનયની હોસ્પિટલમાંથી રજા લેવાની પ્રક્રિયાને સંપન કરી, અજાણ વિનયને તેમના જ ભુતપૂર્વ વિદ્યાર્થી તથાગત દેસાઇના આલીશાન બંગલામા લઇ આવી.
બંગલાના પરિસરમાં એક તરફ નાનો એવો હોજ હતો તેમાં અસંખ્ય સફેદ કમળ ખીલેલા જોઇ શકાતા હતા હોજની મધ્યમા એક ફુવારો જે વારાફરતી જુદી જુદી રીતથી પાણીનો છંટકાવ કરી રહયો હતો. પાણીના કણો ભેગા થઇ નાના પરપોટા બની કમળના પાન પર જાણે તરી રહયા હોય એવો ભાસ આપતા હતા. એ પરપોટા પર સુર્યના કોમળ કિરણો પડી તેને સપ્તરંગી મોતી સમા બનાવી અર્ધ ખિલેલા કમળોને પણ સુશોભિત કરી રહયાનો આભાસ કરાવતા હોય એવું લાગ્યું.
બંગલામાં પ્રેવેશતાં વેંત લોપાએ પુછ્યું
‘વડીલ તમે આ ઘરને તમારું જ ઘર સમજો ને કોઇ પણ પ્રકારનો સંકોચ રાખશો નહી. ચાલો તમને પહેલા તમારો રુમ બતાવું. જ્યા તમે આરામ કરી શકો.’
તેણે વિનયને તેમના ઓરડા તરફ દોર્યા ઓરડો હતો કે એર નાનકડુ ઘર એ વિનય સમજી ન શક્યો પોતે શિક્ષક હતો ત્યા સુધી તો શાળા તરફથી મળેલા ઘરમાં રહેતો. નિવૃત થયા બાદ જે પણ કમાણી કરી હતી તે દીકરાનો મોજશોખમાં વેડફાઇ ગઇ હતી. જે થોડીક બચત હતી તે નાનુ ઘર વસાવી શકાય તેટલી ન હતી. તેમાંથી પાધડી આપી એક નાનકડી ખોલડી ભાડે રાખી. નૈનેશમાં એવી કોઇ આવડત કે ભણતર ન હતું કે તેને સારી નોકરી મળે. તેને જે પણ મળતી તેને ટકાવી રાખવાની આવડત પણ તેનામાં ન હતી. તેથી તો વિનયને નિવૃત થયા બાદ પણ ટ્યુશનો કરી ગુજરાન ચલાવવું પડતું હતું.
ઓરડામાં એક તરફ બેસવા માટે એક સોફો હતો સોફાની પાછળ ભીંતમા જેટલો પહોળો સોફા હતો તેટલી પહોળી અભરાઇ જેવી ખુલ્લી અલનારી હતી. તેમા જુદા જુદા વિષયો પરના પુસ્તકો વ્યવસ્થિત રીતે ક્રમસર ગોઠવેલા હતા. એ જ ભીંતને અડીને એક દરવાજો હતો જે અંદરની તરફ ખુલતો. .તેના પર નિત્યકમ કરતું છોકરુનું ચિત્ર દોરેલુ હતું. એના પરથી વિનયને ખ્યાલ આવી જ ગયો કે તે સવારના નિત્યક્રમ માટે બાથરૂમ હતો. સોફાની બીજી બાજુ એક મોટુ કપડા માટેનું કબાટ હતું. તેને અડીને નાનકડું બે ખાનાનું મેજ હતું તેના પર એક ટેબલ લેમ્પ હતો મેજને અડીને બે જણ સુઇ શકે એવો પલંગ હતો. પલંગની બીજી તરફ પાંચ ફુટના અંતરે એક મોટું ટેબલ ખુરશી હતા જેના પર બેસી માણસ પોતાનુ લેખન વાંચન કરી શકે. મેજ પર એક ટેબલ લેમ્પ પણ હતો.
આ જોઇ વિનયની આંખ ભીની થઇ આવી . તેણે કલ્પના પણ નહી કરી હોય કે તેને આટલી સગવડથી ભરેલી જગ્યા મળશે. તેની આંખમાં આંસુ જોઇ લોપાએ પુછ્યું
‘વડીલ કેમ તમને નહી ગમે અહીં?’
‘ના બેટા એવું નથી, આ તો મને તે સ્વર્ગમાં લાવી મુક્યો હોય એવું લાગે છે. મારા જેવા સાધારણ માણસ માટે તો આની કલ્પના તો શું સ્વપ્નમાં ના જોયું હોય એવું છે. આ બધાનો બદલો કઇ રીતે ચુકવીશ હું’. આમ બોલતા બોલતા તો તે ગળગળા થઇ ગયા.
‘તમારે તેની ચિંતા કરવાની જરૂર નથી કેમ કે તમે તમારી દીકરીની ત્યા છો નહી કે કોઇ પારકાને ત્યા’. વિનયના મોઢામાઁથી લોપા માટે આશીર્વાદના બોલ નીકળ્યા
‘ઇશ્વર તારી બધીr જ મનોકામના પુરી કરે’.
લોપાની આખ ભીની થઇ ગઇ. વિનયને ન સમજાયું કે એ શા કારણથી રડી પડી. તે હજુ તો લોપાને પુછવા જઇ રહ્યો હતો ત્યા તો લોપા પોતાના આંસુને સમેટી રૂમની બહાર દોડી ગઇ.
આ પ્રસંગ બાદ વિનયને લાગ્યું કે જે લોપાને હંમેશા માટે પ્રફુલ્લીત ખુશ મિજાજમાં તે જોતો હતો તેને અંદરથી કોઇ દુઃખ જરૂર હોવું જોઇએ જેનાથી તે અજાણ હતો. વિનયને ઘણુંય મન થતું કે લોપાને પુછે કે તેને શેનું દુઃખ હતું . પણ જયારે પણ તે પુછવા વિચારતો તે ધડીએ તેના મનમાં બીજો વિચાર આવતો કે કયાંક પુછી તે લોપાના દુઃખનુ નિવારણ કરવાની જગ્યા પર તેને વધારી દે તો. આને કારણે તે લોપા સાથે એ બાબતની ચર્ચા ન કરતો.
વિનયે બીજી એક વાત નોંધમાં લીધી કે તેના આટલા સમયથી લોપાના ઘરે આવ્યા બાદ એક પણ વાર તેના પતિને વિનયે જોયો ન હતો. તેને થયું કે કદાચ લોપા તેને અહીં લઇ આવી તે તેના પતિને ન ગમ્યું હોય તેનું દુઃખ લોપાને સતાવી રહ્યુ હોય. પાછો બીજો વિચાર આવ્યો જો એવું હોય તો તેના પતિએ મારી સારવાર કેમ કરાવી હશે. વિનય પાસે પ્રશ્નો હતા પણ જવાબ નહતા. તેની કુતુહલતાનો અંત એક દિવસ અચાનક આવ્યો
બન્યુ એવું એ દિવસ રાત્રીના ભોજન બાદ લોપા વિનયના રૂમમાં તેમને સુતા પહેલાની દવા આપવા આવી. લોપાએ જોયું કે વિનય પોતાના ખાટલામાં કણસી રહયો હતો. લોપાએ વિનયની નજીક જઇ પુછ્યું
‘તમારી તબિયત સારી લાગતી નથી કેમ બરાબરને!’.
“થોડી અશકતિ જેવું લાઘે છે આરામ કરીશ એટલે સવાર સુધીમાં તો સારું થઇ જશે’. પણ આટલું બોલવામા વિનયને એવુ લાગ્યું કે હમણાં જ પોતે બેભાન થઇ જશે.
તેની હાલત જોઇ લોપા થોડીક ગભરાઇ તેણે નોકરને બુમ મારી
‘કાકા જરા સાહેબને કહોને સરને તપાસી જાય’. નોકર વહેલો વહેલો તથાગતની રૂમમા ગયો
‘સાહેબ શેઠાણી મહેમાનને તપાસવા બોલાવે. છે’ તથાગત ત્યારે બીજા દિવસની તેની દર્દી સાથની મુલાકાતની યાદી તપાસી રહેયો હતો .નોકરનો સંદેશ સાંભળી પોતાનું કામ પડતુ મુકી ઉભો થઇ ગયો તેણે પોતાની દર્દીને તપાસવાના સાધનોની બેગ લઇ દોડતો વિનયના રૂમમાં પહોંચી ગયો
તથાગતને જોઇ લોપા જે વિનયની બાજુમાં બેસી તેમના માથે હાથ ફેરવી રહી હતી તે ઉભી થઇ ગઇને કહયું
‘લાગે છે કે તેમને તાવ આવ્યો છે, માથુ ધકધક તપે છે તમે તેમને તપાસો ત્યા, સુધી હું તેમના માથે ઠંડા પાણીની પટ્ટી મુકવાની વ્યવસ્થા કરું,’ આમ કહી તે રૂમની બહાર નીકળી ગઇ.
વિનય આજે વર્ષો બાદ તથાગતને મળી રહ્યો હતો. તેણે તથાગતને જોયો તે સાથે તેને થયું કે ચહેરો પરિચિત હતો. પણ વિનયને ક્યા ખ્યાલ હતો કે એ અત્યારે જે વ્યક્તિને મળી રહ્યો હતો તે એમનો એ જ વિદ્યાર્થી હતો તેને તેમણે પોતાના પુત્રમોહનો ભોગ બનાવ્યો હતો.
તથાગતે ગળે ભરવેલી સ્પંન્દમાપિની (સ્ટેથોસ્કોપ) ને કાનમાં નાખી. તેણે ધીમે રહી વિનયે ઓઢેલું ઉંચુ કરી રપન્દમાપિની બીજા છેડથી વિનયના હ્રદયના ધબકારા તપાસના માંડયા, ત્યાર બાદ તેણે વિનયના મોઢામા ઉષ્ણતામાપક (થરમોમિટર) ધીમે રહી તેમની જીભ નીચે મૂકયું.તથાગત લોહીના દબાણ માપવાના ઇરાદે પોતાની બેગમાં તેનુ યંત્ર શોધવા લાગ્યો. તેને તે ત્યા ન મળ્યું . એટલે તે લોપાના આવવાની રાહ જોવા લાગ્યો.
લોપાએ જેવો રૂમમાં હજુ પગ ધર્યો જ હતો ત્યાં જ તથાગત બોલી પડ્યો
“લોપા દોડ ને મારા ટેબલ પર બ્લડ પ્રેશરનુ મશીન છે એ લઇ આવ’.
‘પણ આ પાણી ને પટ્ટીનુ શું કરું?
“લાવ તે મને આપ હું સરના માથે મુકુ છું”.
લોપાએ વિનયના ખાટલા પાસેના મેજ પર તેના હાથમાં હતું તે બધુ મુકી દઇ ત્યાથી ઝપાટાભેર તથાગતના રૂમમાં ગઇ, લોપા પાછી ફરી તે ગાળામાં તથાગતે બરફવાળા પાણીની પટ્ટી . વિનયના કપાળ પર મુકી. તેણે વિનયના મોઢામાં રાખેલ ઉષ્ણતામાપકને બહાર કાઢી તપાસ્યુ વિનયનો તાવ 101 જેવો હતો.
લોપાએ તથાગતના હાથમા મશીન આપ્યુ. તેના વડે તથાગતે વિનયનું બ્લડપ્રેશર તપાસ્યું. તે તેને છોડુંક વધેલું લાગ્યું
“લોપા સરને તાવ છે એટલે હું તેમને અત્યારે ઇંજેક્શન આપું છું. તેનાથી તેમને ઉંઘ આવી જશે. પણ આપણે તેમનો તાવ ઉતરે નહી ત્યા સુધી તેમને બરફના ઠંડા પાણીની પટ્ટીઓ કરવાની રહેશે. માટે હું અત્યારે તેમને મુકીશ ત્યા સુધી તું થોડોક આરામ કરી લે બારેક વાગે હું તને જગાડીસ’
‘તથાગત તમારે સવારના વહેલા હોસ્પિટલ જવાનુ છે માટે તમે જઇને સુઇ જાઓ. હું સર પાસે જ છું’ . વિનયના કાને લોપાના અનાયાસે ઉચ્ચારાયેલ તેના પતિનું નામ પડ્યું પણ તેનામાં એટલા હોશ જ ન હતા કે તે કાંઇ બોલી શકે. તે તથાગતે આપેલા ઇજેકશનના લીધે ઘેનમાં સરી રહયો હતો.
સવારે વિનયની આંખ ઉઘડી. તેણે જોયું તો લોપા તેના પલંગ પાસે રાખેલી આરામ ખુરશીમાં બેઠા બેઠા ઘાડ નિંદ્રામાં હતી. વિનયને રાતની વાત યાદ આવી. તે વિચારમાં પડયો કે શું તે ખરેખર તથાગતના ઘરમા હતો કે પછી આ તેનો ભ્રમ હતો. તે રાતના બનેલી ઘટનાઓને ક્રમસર યાદ કરવાની કોશિશ કરી રહયો હતો, ત્યા જ તેણે નોકરને રૂમમાં પ્રવેશતો જોયો. તેના હાથમા સવારના ચા નાસ્તની ટ્રે હતી. તેણે ટ્રેને લોપાની આરામ ખુરશીની બાજુમાં મુકેલા કોફી ટેબલ પર મુકી. નોકરના પગરવ અને ચાની પ્યાલાના ખખડાટે કારણે લોપાની નિંદરમાં ખલેલ પહોંચી ને તે ઝબકીને ઉઠી. તેની નજર વિનય પર જતા તે બોલી
‘હવે તમને કેમ લાગે છે?’
“સારું લાગે છે”
‘કાકા તમે એમને બાથરૂમ સુધી લઇ જાઓ તે પરવારે ત્યા સુધી અહી જ રહેજો. ત્યા સુઘી હુ મોઢું ધોઇ આવું પછી ચા પાણી કરીએ’. નોકરને સૂચના આપી તે રૂમની બહાર ચાલી ગઇ..
કાકાના ટેકે વિનય બાથરૂમમાં જઇ નિત્ય ક્રમથી પરવારી બહાર આવ્યો તે તાવને કારણે થોડીક અશક્તિ અનુભવી રહ્યો હતો. જો કાકા ન હોત તો વિનયે અત્યારે ગોરમટું ખાઇ લીધું હોત. કાકાના ટેકે તે ફરી પોતાના પલંગ પર આવી બેઠો. ત્યા લોપા આવી તેણે કાકાને વિદાય કર્યા ને પ્યાલામાં વિનય ને પોતાના માટે ચા કાઢી પ્યાલો વિનયને આપતા બોલી
‘તમે તો અમને ગભરાવી નાખ્યા હતા. તમને જરાક પણ એવું લાગે તો કહી દેવું. અમે ક્યા પારકા છીએ. અમે તો ઘરના જ છીએ’.
‘હું કેટલો ઘરનો છું એ તો મેં ગઇકાલે જોઇ લીધુ’. વિનય થોભ્યો લોપાના બદલાતા ચહેરાને પારખવા. લોપાને ચુપ જોઇ તેણે આગળ વધાર્યું ‘તેં મને છેતર્યો છે. તું જાણતી હતી કે હું કોણ છું તોય તે મને અણસાર સુધા આવવા ન દીધો કે તું મને ઓળખે .છે’.
લોપાને લાગ્યું કે રાત્રે તેનાથી થયેલી ભુલનુ પરિણામ હતું. તેમ છતા પોતે વિનયની વાત સમજી ન શકતી હોય એવો પ્રયાસ કરતા બોલી
‘વડીલ હું તમારી વાત સમજી નહી’.
‘બસ કર હવે મારા જેવા માસ્તરને ઉઠા ભણાવવાનું કે જેણે આખી જીંદગી બધાને ઉઠા ભણાવવાનું જ કામ કરયું છે. જો મને પહેલા ખબર હોત તો કદાચ હું મરવાનું પસંદ કરત પણ અહી ન આવત. મેં તારા વરને જે અન્યાય કર્યો તેનો બદલો તો મને કુદરતે આપી જ દીધો હતો કુદરતના એ બદલાને મેં શિરોમાન્ય કર્યો હોત પણ તેને બદલે હવે મારે તમે કરેલા ઉપકારને માથે લઇ આખી જીંદગી રીબાતા રહેવું પડશે. આ તો તમે મને જીવાડી ને ધીમું ઝેર આપ્યા જેવું જીવન આપ્યું કહેવાય’.
લોપાનાથી વિનયના શબ્દોમા રહેલી કરુણતા ન સાખી શકાય ને તેની આંખો ભીંજાય આવી. .તેણે જેમતેમ હિંમત કરી કહ્યું
‘હું તમારી વાત સમજી શકું છું. મારો ને ખાસ કરીને તથાગતનો ઇરાદો તમને ઠેસ પહોંચાડવાનો બિલકુલ ન હતો. ને બીજું એક કારણ એ છે કે તમને નૈનેશભાઇ હોસ્પિટલ મુકી ગયા ત્યારે જો તમને જાણ થાત કે દવાખાનું તથાગતનું છે તો તમે સારવાર લેવાની ના પાડી દેત ને તથાગતની સ્થિતી કફોડી થાત. કેમકે કોઇપણ દર્દી તેને ત્યા આવે તેને સારવાર આપવી તેનો હેતુંની સાથે તેનો ડોકટર તરીકેનો ધર્મ ને જવાબદારી પણ હતી. એમણે તમારી સારવારનો ભાર ડોકટર શિરોળે પર નાખ્યો એનું કારણ એ કે એ તમને પોતાના ગુરુ માને છે ને તમારી લાગણીને દુભાવવા નહતા માંગતા. તમે જો તથાગતને તે સમયે તમારી સમક્ષ જોયા હોત તો તમે શુ કરત તે એ જાણતા હતા’.
લોપાની વાત સાંભળી વિનયનો ગુસ્સો થોડોક ઓછો થયો.તેણે કહ્યુ
‘તથાગતની મજબુરી તારા કહયાથી મારી સમજમાં આવે છે. પણ તારે તો મને જણાવવું હતું ને. તેં મને પિતા તુલ્ય દરજો આપ્યો છતાય તેં આટલી મોટી વાત મારાથી છુપાવી તે બદલ હું તને માફ નહી કરુ. એટલે હવે હું અહી રહેવા માંગતો નથી. હું અહીથી ચાલ્યો જાઉં એ જ બધા માટે સારુ રહેશે’.
લોપાને થયું કે તથાગતે કરેલી બધી મહેનત નિષ્ફળ જશે જો સર જતા રહેશે તો. તેને કોઇ પણ હિસાબે સર અહીંથી ન જાય તેનો પ્રબંધ કરવો જોઇએ, કંઇ ન થાય તો છેવટે તથાગત પાછા આવે ત્યા સુધી તો સરને રોકવા જ પડશે એમ વિચારી તેણે તહયું
‘સર, તમે જો મારી જગ્યા પર હો તો તમે શું કરો?’
‘હું દર્દીની ભાવનાથી રમત ન રમું’
‘તમે જેને રમત સમજો છો એ મજબુરી પણ હોઇ શકે કે નહી?’.
‘ના બિલકુલ નહી. એવી કોઇ મજબુરી ન હોઇ શકે જે તમને કોઇની ભાવના સાથે ખેલ કરવાની મંજૂરી આપે’.
લોપાને થયું કે તે જવાબમાં કહી શકે સર તમારી મજબુરી હતી એટલે તો તમે તથાગતને અન્યાય કરી સ્કુલમાંથી કાઢી મુકાવડાવ્યો હતો. પણ લોપાના સંસ્કાર એને આમ કરવા દે નહી. તેણે કહયું
‘સર, એક પરણેલી સ્ત્રીની મજબુરી સમજો કે પછી તેનો પતિ ધર્મ તેનાથી પતિની ઇચ્છાને માન આપ્યા વગર છુટકો નછી’.
વિનય લોપાના જવાબથી શાંત થઇ ગયો. પોતે પુરુષ હતો તેથી તેને ખબર હોય કે પત્નીને તેના પતિના કહયામાં રહેવું પડતુ હોય છે
‘તને મારાથી નહી પહોંચાય આવવા દે તથાગતને હું તેને કહીશ એટલે મને જતા રોકી શકશે નહી’.
લોપાને શાંતિ થઇ કે તથાગત આવે ત્યા સુધી તો સર જવાની જીદ નહી કરે. તેણે નોકર પાસે ફરીથી ચા મંગાવી સરને ચા નાસ્તો કરાવ્યો ને પોતે પણ તેમની સાથે બેસી ચા નાસ્તો કર્યા
લોપા અને વિનય બંને તથાગતના આવવાની રાહ જોવા લાગ્યા .
લોપાએ બે ત્રણ ફોન હોસ્પિટલમાં કર્યા કે તે તથાગતને વિનય સર સાથે થયેલ સંવાદથી અવગત કરી શકે. પણ તથાગત આજે કંઇક વધુ પડતો દર્દીઓમા મશગુલ હતો. તેથી તેનો સંપર્ક લોપાને ન થઇ શક્યો. લોપાને બીજી ચિંતા એ હતી કે ન કરે નારાયણ ને સર કોઇને જણાવ્યા વગર જતા રહે તો શું થાય. માટે તેણે કાકાને વિનય પર નજર રાખવાનું પણ કહી દીધું ને સાથે પોતે એકાદ બે વાર વિનયના રૂમમાં કોઇને કોઇ બહાનાથી જઇ ખાત્રી કરી લીધી.
આખરે એ ક્ષણ આવી પહોંચી જેની રાહ વિનય અને લોપા સવારના કરી રહયા હતા. હજુ તો તથાગતની ગાડી બંગલાના પ્રાગણમાં પ્રવેશી તેની સાથે લોપા દોડી આવી ને પતિના ગાડીમાથી ઉતરતા જ કહેવા માંડી
‘મે તમને કેટલા બધા ફોન કર્યા ને મેસેજ પણ મોકલાવ્યા તમે તો ખરા છો એક પણ ફોનનો જવાબ ન આપ્યો’.
‘લોપા તને ખબર તો છે જ કે હું જ્યારે પણ દર્દીઓ સાથે હોઉં છું ત્યારે ઘરેથી આવતા ફોન કોલના જવાબ આપતો નથી સિવાય કે કંઇક ઇમરજન્સી જેવું હોય’.
‘અહીં કંઇક એવું જ હતું ચાલો તમે આવી ગયા એટલે હવે વાતનો નિવાડો થઇ શકશે’. પતિ પત્ની ધીમે દીવાન ખંડમાં આવ્યા ત્યા તથાગતમા આવ્યાની જાણ થતા વિનય પણ ધીમે રહીને પોતાના રૂમમાંથી બહાર આવ્યો. વિનય હજુ કાંઇ બોલે એ પહેલા જ લોપાએ પાળ બાંધતા કહયુ
‘તથાગત આ તમારા સર જવાની જીદ લઇને બેઠા છે. મે તેમને માંડ માંડ અત્યાર સુધી રોકી રાખ્યા છે’, તેણે સરના દેખતા જ સવારની ઘટનાથી ટુંકમા તથાગતને વાકેફ કર્યો. લોપાની વાત સાંભળી તથાગતે વિનયને કહયું
‘સર, તમે મને જે પણ કર્યું તેને હું તમે મને કરેલા અન્યાય નથી માનતો. એને તો હું તમારા આશીર્વાદ જ માનું . તમે જો મને શાળામાં જ રહેવા દીધો હોત તો મારી પ્રગતિ એ નાના ગામમા થાત તો પણ વધુમાં વધુ કોઇ ફેકટરીમાં ઉંચા પદના ઇંજિનિયર તરીકે જ હોત. તમારે કારણે જ હું જે પણ અત્યારે છું તે થઇ શક્યો. માટે તમે મને અન્યાય કર્યો હોવાનુ મનમાંથી કાઢી નાખો. તેનાથી વિપરિત મારુ માનવુ એમ છે કે તમે મારા પર આટલો મોટો ઉપકાર કર્યો છે એની સરખામણીએ અમે જે પણ કરીએ છીએ એ કાંઇ જ નથી. તમારા જેવા ગુરુના ચરણ રજથી મારુ જીવન આખુય ધન્ય બન્યુ છે. જો એવું ન હોય તો અમારા લગ્નને દસ વર્ષે લોપાને સારા દિવસો જાય છે. આ બધું અમારે ત્યા તમે આવ્યાનો પ્રતાપ છે. હું ડોકટર થઇને પણ જેને શક્ય ન કરી શક્યો તે તમારા પગલાએ કરી દાખવ્યું છે’.
તથાગતની વાણીમાં તેની અંતર આત્માનો પડઘો સાંભળી શકાતો હતો. લોપાને પોતાને પણ ખબર નહતી કે તે બે જીવવતી હતી. તેને એટલું યાદ હતુ કે તેણે નિયમિત વર્ષે વર્ષે જે ટેસ્ટ કરાવવાના હોય તે કરાવ્યા હતા. તેણે તથાગત સામે જોયું તથાગતની આંખોમાં એક પિતા થવાનો આનંદ તે જોઇ શકી. તે પોતે પણ એક માતા થવાની છે એ જાણી પ્રફુલિત થઇ. તે પણ હવે પતિના કથનથી સહેમત થઇ.
‘દીકરા, તથાગત, તેં તારા નામને સાચા અર્થમાં સાર્થક કર્યું. મારા સ્વાર્થને આધિન કરેલા મારા પાપને ને આશીર્વાદ માની મને જીવનદાન આપી તેનો શ્રેય ન લેતા તેં તારા બધાજ સારા કર્મોના વળતરનો શ્રેય મને આપ્યો’. વિનય પણ હવે આગળ બોલી ન શક્યો તેને પણ હવે ગળું ભરાઇ આવ્યું.
લોપાએ આગળ આવીને વિનયને પગે લાગતા બોલી, ‘આજ પછી અહીંથી જવાની વાત કરી છે તો તમારી વાત છે. તમારે તો હવે નાનાની પદવી સંભાળવાની છે, બાપુજી’.
બાપુજીના સંબોદને વિનયના મુખમાથી આપોઆપ આશીર્વાદ વરસ્યા,
‘દીકરા તેં જેવા આ બાપના પેટ ઠાર્યા છે એથી સવાયા ઠારનાર તમારે પેટે અવતરે. તમારી તેમજ આવનારની બધી મનોકામના પરમકૃપાળુ પરમાત્મા પુરી કરે ને રહી મારી જવાની વાત તો તે તો હવે ભુલી જ જા .’
વિનયના છેલ્લા વાક્ય સાંભલી લોપા અને તથાગત હસી પડયા