અનુબંધ

Celebrating heritage and connecting communities with rich stories and impactful journalism.

Banner Image

અનુબંધ

“નમસ્તે આંટી, હું અનુશ્રી. સી.યુ.શાહ કૉલેજમાં મને એડમિશન મળી ગયું છે, પણ રહેવા ઘર નથી મળ્યું. તમે સ્ટુડન્ટને રહેવા રૂમ આપવાના છો એવી વાત સાંભળીને અહીં આવી છું.”

થોડી આશા અને ઘણી બધી અધીરાઈ સાથે એકીશ્વાસે અનુશ્રી બોલી.

બપોરના સમયે કોઈ આવે એ સંયુક્તાબહેનને જરાય પસંદ નહોતું એટલે ચહેરા પર થોડો અણગમો છલકાયો, પણ સામે ઊભેલી યુવતીના ચહેરા પર નાની બાળકી જેવી માસૂમિયત જોઈને એ જરા કૂણાં પડ્યાં.

“મહિને બે હજાર ભાડું અને નક્કી કરેલા નિયમોને આધીન રહેવાની હોય તો રૂમ મળશે.” સંયુક્તાબહેને આગળ-પાછળની ઔપચારિકતા વગર કહ્યું.

“રૂમ જોવા મળશે?” 

એડમિશન મળ્યાં પછી સુરેન્દ્રનગર આવવામાં અઠવાડિયું મોડી પડી એટલે શેરિંગવાળા એપાર્ટમેન્ટ મળવાની કોઈ શક્યતા નહોતી એ જાણતી અનુશ્રીએ ડૂબતો તરણું ઝાલે એમ તરત રૂમ જોવાની માંગણી કરી.

બે માળના આ ઘરમાં ગ્રાઉન્ડ લેવલે ડ્રોઇંગ, ડાઇનિંગ, કિચન, એક બેડરૂમ અને ઉપરના માળે ત્રણ બેડરૂમ હતા. નીચેનો રૂમ સંયુકતાબહેનનો હતો. ઉપરના માળના બે બંધ બેડરૂમ છોડીને ત્રીજો બેડરૂમ બતાવ્યો. 

‘મરતા ક્યા ન કરતા’ જેવા ભાવથી આવેલી અનુશ્રીને રૂમ ઓછો ગમ્યો હોત તો પણ એણે એક સેમિસ્ટર પૂરતું ચલાવી લેવાનું વિચારેલું જ હતું. જોકે, સરસ હવા-ઉજાસવાળો રૂમ અનુશ્રીને ખૂબ ગમી ગયો. 

ત્રણ મહિનાનાં એડવાન્સ ભાડાં ઉપરાંત, રૂમ ચોખ્ખો રાખવાનો, રાત્રે નવ વાગ્યા સુધીમાં જ્યાં હોય ત્યાંથી પાછા આવી જવાનું, ઘરમાં કોઈ બોયફ્રેન્ડ નહીં લાવવાના અને હા, જમવાની વ્યવસ્થા બહાર કરી લેવાની…વગેરે..વગેરે…વગેરે નિયમો પાળવાની શરત સાથે અનુશ્રીને રૂમ આપવામાં આવ્યો.

ઘરનાં મુખ્ય બારણાંની સામે જ સીડી હતી એટલે પોતાની આવનજાવન સંયુક્તાબહેનને નડવાની નહોતી સાથે નજર બહાર પણ રહેવાની નહોતી એ જાણતી અનુશ્રીએ ઓછાબોલા સંયુક્તાબહેન સાથે કામ પૂરતું કામ રાખવાનું નક્કી કરી લીધું. આમે એ ભણવા આવી હતી, સંબંધોની પળોજણમાં પડવામાં એને પણ ક્યાં રસ હતો?

જોકે, સવારે કૉલેજ જતા અને પાછી આવે ત્યારે ‘જય શ્રીકૃષ્ણ’ કહેવાનું એ ચૂકતી નહીં.

એકાદ મહિનો આવી જ રીતે પસાર થયો. રોજે ‘જય શ્રીકૃષ્ણ’ કહેતી અનુશ્રી તરફ સંયુક્તાબહેન થોડાં કૂંણાં પડ્યાં હતાં.

“કાલે સત્યનારાયણ ભગવાનની કથા વાંચવાની છું. તને ગમે તો સાંભળવા આવજે અને હા, કથા પછી ભોગ ધરાવીશ એટલે પ્રસાદ પછી જમવાનું અહીં જ રાખજે.” એક શનિવારની સાંજે અનુશ્રી આવી ત્યારે સંયુક્તાબહેને ઝાઝી પ્રસ્તાવના વિના એને આમંત્રણ આપ્યું.

‘હાશ, ઘરનું ખાવાનું તો મળશે.’ વિચારીને અનુશ્રીએ ડોકું હલાવીને હા પાડી.

સવારે વહેલાં ઊઠીને સંયુક્તાબહેને કથામાં ધરાવવાનો પ્રસાદ અને ભોગની તૈયારી કરી લીધી હતી. અનુશ્રી આવી ત્યારે ભગવાનના સ્થાપન માટે બાજોઠ શણગારતાં હતાં.

જીન્સ-ટી શર્ટ કે સ્કર્ટ-ટૉપમાં કૉલેજ જતી અનુશ્રીને ટ્રેડિશનલ આઉટફિટમાં તૈયાર થઈને આવેલી જોઈને સંયુક્તાબહેન રાજી થયાં.

અનુશ્રીએ આવીને ફૂલોથી બાજોઠ અને આસોપાલવના પાનથી કળશ શણગારવામાં, સોપારી, અક્ષત-કંકુનો થાળ તૈયાર કરવામાં મદદ કરવા માંડી. 

‘છોકરી છે તો સમજદાર.’ સંયુંક્તાબહેન વધુ કૂંણાં પડ્યાં. એ પછી કથા વાંચવાથી માંડીને આરતી, ભોગ, બધામાં અનુશ્રી પૂરી શ્રદ્ધાથી જોડાઈ.

“સાથે જમીશ કે ઉપર લઈ જઈશ?” કથા પૂરી થઈ ત્યારે સંયુક્તાબહેને પૂછ્યું.

“આંટી, તમારી સાથે જ..….” 

“માસી કહીશ તો ગમશે, હોં….” 

બંને વચ્ચે આ પહેલો પડાવ હતો જ્યાં ઔપચારિકતાના બદલે આત્મીયતાનો રણકો હતો.

ઘણા સમય પછી ઘરનું ખાવાનું, માસીનો ભાવભર્યો આગ્રહ…અનુશ્રીની આંખ ભીની થઈ.

“જમવાનું તીખું લાગતું હોય તો શીરો વધારે લે.” કહીને સંયુક્તાબહેને ઘી, કેસર ને ડ્રાય ફ્રૂટથી લસલસતો શીરો અનુશ્રીની થાળીમાં પીરસ્યો.

“ના, માસી. અસ્સલ મમ્મી બનાવે છે એવા સ્વાદનું ખાવાનું બહુ વખતે મળ્યું ને…..એટલે.” આંખની સાથે અનુશ્રીનો અવાજ પણ ભીનો હતો. એ દિવસથી સંયુક્તાબહેને અનુશ્રીને સાંજે બહાર જમવાના બદલે એમની સાથે જમવાનું કહી દીધું. 

આ નવો નિયમ અનુશ્રીએ રાજી થઈને સ્વીકારી લીધો. 

એક દિવસ અનુશ્રી પાછી આવી ત્યારે એણે સંયુક્તાબહેનનો અધીરો અને અકળાયેલો અવાજ સંભળાયો. 

“શું કરું હું? શિવુ, તને ખબર તો છે કે, મને આવું મેસેજ-ફેસેજ જોવાનું નથી યાદ આવતું કે નથી આવડતું.  તેં મોબાઇલ અપાવ્યો, પણ જતાં પહેલાં વાત કરવા સિવાય બીજું શું થાય એ તારે સરખી રીતે શીખવાડવું તો જોઈએ ને? 

“ક્યારનો મેસેજ મોકલીને જવાબની રાહ જોવાના બદલે મમ્મી મઝામાં છે એ જાણવા એકાદ મિનિટ માટે ફોન કરી દીધો હોત તો તને આવો ઉચાટ ન થાત ને?” 

પહેલી વાર સંયુક્તાબહેનને તાર સ્વરે વાત કરતા સાંભળીને અનુશ્રી સીધી ઉપર જવાના બદલે ડ્રોઇંગરૂમ તરફ વળી.

અનુશ્રીને જોઈને “લે, શિવાની સાથે વાત કર.” કહીને સંયુક્તાબહેને એના હાથમાં જ મોબાઇલ પકડાવી દીધો.

*********

શિવાની એટલે સંયુક્તાબહેનનું એક માત્ર સંતાન.

દસેક વર્ષ પહેલાં લગ્ન થયાં. પતિની Bhel (Bharat Heavy Electricals Limited) માં ઉચ્ચ પદવી પરની જોબ હતી. શિવાનીની પણ બેંગ્લુરમાં સોફ્ટવેર એન્જિનિઅરની જોબ હતી.

લગ્ન પછી બે બે વર્ષનાં અંતરે દીકરો અને દીકરીના જન્મ સમયે સંયુક્તાબહેન પતિ સાથે બેંગ્લુર જઈ આવ્યા હતા. 

બે વર્ષ પહેલાં પપ્પાના અવસાન થયું એ પછી સમય કાઢીને શિવાની વર્ષમાં બે વાર તો મમ્મીને મળવા આવી જ જતી. પપ્પાના અવસાન પછી મમ્મીને એકલતા ન લાગે એના માટે કૉલેજમાં ભણતી છોકરીને પેઇંગ ગેસ્ટ તરીકે રૂમ ફાળવવાની ભલામણ પણ એણે જ કરી હતી. 

છેલ્લે આવી ત્યારે મમ્મી માટે ઍપલનો સ્માર્ટ આઇફોન લઈ આવી. જોકે, લેન્ડલાઇન અને પછી સાદા મોબાઇલ પર વાત કરવા ટેવાયેલા સંયુક્તાબહેનને ઍપલના સ્માર્ટ ફોનની કરામત પલ્લે પડતી નહોતી.

WhatsApp પર મેસેજ કરવાના બદલે ફોન પર વાત કરવાનું એમને વધુ અનુકૂળ આવતું. બેંગ્લુર જતાં પહેલાં WhatsApp વિડીયો કૉલ કેવી રીતે થાય એ શિવાનીએ સમજાવ્યું હોવા છતાં હજુ એમનાં પલ્લે પડ્યું નહોતું.

સંયુક્તાબહેનના નિયમોને આધીન ‘પેઇંગગેસ્ટ’ અનુશ્રીને સત્યનારાયણની કથા પછી રોજે સાંજે એમની સાથે જમવાની જાહોજલાલી મળી હતી. આજે શિવાની સાથે વાત થયા પછી એમાં જવાબદારી ઉમેરાઈ. 

“માસી, તમે આરવ અને રિયાને વરસમાં કેટલી વાર મળો છો?”

“શિવુ લઈને આવે ત્યારે, એકાદ-બે વાર.” 

“તમારે જ્યારે અને જેટલી વાર એમને જોવા હોય એટલી વાર જોવા મળે તો તમને ગમે?” 

કઈ નાનીને આ લહાવો મળતો હોય એ જતો કરે? સંયુક્તાબહેન તો રાજી રાજી.

એ સાંજથી જમ્યા પછી સંયુક્તાબહેનના ટેક્નૉલોજિના ક્લાસ શરૂ થયા. પહેલાં દિવસે શીખવાડ્યું હોય એ બીજા દિવસે ભૂલી જાય, બીજા દિવસે શીખવાડ્યુ હોય એ ત્રીજા દિવસે ભૂલી જાય.

પણ, ધીમેધીમે અનુશ્રીએ લખીને આપેલા સ્ટેપ પ્રમાણે મેસેજ વાંચીને જવાબ આપવાનું, થમ્સ અપ, સ્માઇલી કે હાર્ટ શેપના ઈમોજી મોકલવાનું ફાવવા માંડ્યું. 

શિવાનીએ ફોટા મોકલ્યા હોય એ કેવી રીતે ફોટો ગેલેરીમાં સેવ કરવાના એ શીખવાડવા અનુશ્રીને ધીરજ રાખવી પડી. શિવાનીનો વિડીયો કૉલ કેવી રીતે લેવાનો એ ફાવતું, પણ જાતે વિડીયો કૉલ કેવી રીતે કરવાનો એમાં જરા માથાકૂટ લાગતી. વળી મોબાઇલનાં ટચૂકડાં સ્ક્રીન પર એમને આરવ-રિયાને જોવાનો સંતોષ નહોતો થતો. છતાં, ‘ના મામા કરતાં કહેણા મામા સારા’ના ન્યાયે સંતોષ માની લેતાં.

“મમ્મી, આ રવિવારે સત્યનારાયણ ભગવાનની કથા વાંચવાની છું. તું પણ જોડાજે અને હા, અનુને સમય હોય અને એને દર્શન કરવા હોય તો કહી રાખજે.” શિવાનીનો ફોન હતો.

સંયુક્તાબહેને અનુશ્રીને શિવાનીનો મેસેજ આપ્યો. 

પણ બળ્યું, આ સાવ હથેળી જેટલા મોબાઇલ પર તો આ બધું જોવાની શી મઝા આવે?” 

એ રવિવારે અનુશ્રી એનું લેપટોપ લઈ આવી. આરંભથી અંત સુધી બંનેએ સાથે બેસીને મોટા સ્ક્રીન પર કથા સાંભળી ને જોઈ.

સંયુક્તાબહેન પ્રસન્ન પ્રસન્ન.

“અનુ, આ તેં ભારે કરી હોં..હવે તો શિવુ આવે ત્યારે આવું મોટા સ્ક્રીનવાળું લેપટોપ જ લઈ લઈશ. તું એ બધું કેવી રીતે કરવાનું એ શીખવાડીશ ને?” 

અનુશ્રીમાંથી એ ક્યારે અનુ બની ગઈ હતી? નહોતી એને ખબર કે નહોતી સંયુક્તાબહેને.

“માસી, શિવુદીદી આવે ત્યાં સુધી મારું લેપટોપ વાપરજો. જ્યારે જોઈએ ત્યારે કનેક્ટ કરી આપીશ.”

શિવાની ક્યારે ‘શિવુદીદી’ બની ગઈ?  નહોતી એને ખબર કે નહોતી શિવાનીને.

રહેવા આવી ત્યારે નક્કી કરેલા નિયમો મુજબ અનુશ્રીએ ત્રણ મહિનાનાં એડવાન્સ પૈસાની સાથે જમવાના ખર્ચો ઉમેરીને કવર ધર્યું. સંયુક્તાબહેને ધરાર ન લીધું તે ન જ લીધું.

“જરા શિવુને પૂછી જો કે, અહીં રહેવા આવે છે ત્યારે એ મને ભાડું આપે છે?”

“પણ માસી શિવુદીદી તો….” 

“પણ ને બણ… જો મારી એક દીકરીના રહેવા-ખાવાનો ખર્ચ ન લેતી હોઉં તો બીજી દીકરી પાસેથી પણ ન જ લઉં ને? અને હા, આ વાત આજે કરી એ કરી, હવે બાકીનાં ચાર વર્ષ ભૂલથીયે  કરતી નહીં…સમજી?” 

આજનો આ નવો નિયમ સંયુક્તાબહેન, શિવાની અને અનુને કયા સંબંધોમાં બાંધી રહ્યો હતો, આ કયો અને કેવો અનુબંધ હતો? 

કોઈને ખબર નહોતી.

વાર્તાલેખનઃ રાજુલ કૌશિક

Share: