સુપર સિનિયર સિટીઝનની મઝાની જિંદગી

Celebrating heritage and connecting communities with rich stories and impactful journalism.

Banner Image

   रुक जाना नहीं तू कहीं हार के।

काँटों पे चलके मिलेंगे साये बहार के।

ओ राही, ओ राही…

सूरज देख रुक गया है। तेरे आगे झुक गया है।

जब कभी ऐसे कोई मस्ताना,

निकले है अपनी धुन में दीवाना,

शाम सुहानी बन जाते हैं दिन इंतज़ार के।

ओ राही, ओ राही…

   આ હિન્દી ગીતને જીવનમાં સાચું સાબિત કરનાર શ્રીમતી વર્ષાબેન કિશોરકાંત માંકડની જિંદગીમાં ડોકિયું કરવા જેવું છે.

સંધ્યા ટાણે ભગવાનની આરતી સાથે વાગતી મીઠી ઘંટડી જેવો રણકાર જેમનાં અવાજમાં છે તેવાં વર્ષાબેન માંકડ આજે ૯૩માં વર્ષમાં પ્રવેશ કરીને જિંદાદિલીથી જીવન જીવે છે. સંધ્યા ટાણે ઝગમગતો દીવો એટલે વર્ષાબેન.

    એક સમયે રાજા મહારાજાઓનો વટ હતો. તેમની સેવા કરવા દાસ-દાસીઓ હાજર રહેતાં. વર્ષાબેનનો પણ વટ છે. કારણકે તેમની સંભાળ રાખવા તેમનો પરિવાર સદાય તત્પર હોય છે. તેમનાં પરિવારમાં તેમનો મોટો દીકરો અભ્રકેશ અને પુત્રવધુ નૂતન તથા નાનો દીકરો પિયૂષ તથા પુત્રવધુ અર્ચના સતત તેમનું ધ્યાન રાખે છે. તેમને આનંદિત રાખતાં પૌત્ર (વૃત્તાંત) અને પૌત્રી-જમાઈઓ( ત્વિષા- સિદ્ધાંત અને નિર્વિષા-વિશારદ)નાં વ્હાલમાં તે ભીંજાતા રહે છે. વર્ષોથી આવતી કેરટેકર પણ હવે તેમનાં પરિવારની સભ્ય બની ગઈ છે.

     વર્ષાબેનના જીવનનો અનુભવ, સ્મરણો, શાંતિ તેમનાં પરિવાર પ્રત્યેના પ્રેમને દર્શાવે છે. તેમનો જુસ્સો અને સકારાત્મકતા તેમનાં લાંબા જીવનનાં ચાલક બળ છે.

લાંબુ જીવન અને સારું જીવન ‌એ તો સોનામાં સુગંધ કહેવાય. પરંતુ લાંબુ જીવન પણ મુશ્કેલ જીવન હોય ત્યારે ડગલે પગલે આનંદથી જીવવું એને ઉત્તમ જીવન કહેવાય. આવાં ઉત્તમ જીવનની જીવતી જાગતી ઝલક એટલે શ્રીમતી વર્ષાબેન કિશોરકાંત માંકડ. તેમનાં ઘરે મુલાકાત લો એટલે સાંભળવા મળે, “હાથી, ઘોડા, પાલખી, જય કનૈયા લાલ કી.”

આપણે એવું સમજીએ કે તેઓ ધાર્મિક છે એટલે કનૈયાને યાદ કરે છે. પરંતુ વાત કંઈક અલગ છે. હળવી શૈલીમાં પોતાની ગાથા સંભળાવી સામે ઊભેલી વ્યક્તિનાં મોઢાં પર સ્મિત લાવવાનો આ અસરકારક ઉપાય તેમણે શોધી લીધો છે. તેઓ તમને મીઠી વાણીમાં સમજાવે કે હાથી એટલે મારી પિયરની અટક, ઘોડા એટલે હજુ હું મનથી મજબૂત છું. ભગવાનને ઘેર ઉપર હજુ જગ્યા થઈ નથી એટલે અહીં ભાડાના ઘરમાં રહું છું. પાલખી એટલે બાજુમાં પડેલું ચાલવા માટેનું વૉકર. ટૂંકમાં તેઓ આ રમૂજી રીતે તમારું ઘરમાં સ્વાગત કરે. એવું નથી કે વર્ષાબેનને કોઈ તકલીફ જ નથી. ઉંમરની સાથે થતાં શારીરિક ફેરફારોને કારણે ઘણીવાર તેમને હાથ પગ દુઃખે પણ ખરાં. છતાં ગમે તે પરિસ્થિતિમાં મજાક મસ્તી કરવાનું તેઓ ચૂકતા નથી.  

   વર્ષાબેનના પિતા ડૉક્ટર હાથી, રાજસ્થાનના પ્રથમ આંખના કવોલિફાઈડ સર્જન હતા. પિયર પક્ષે ભણવા ઉપર ખૂબ ભાર મૂકવામાં આવતો એટલે વર્ષાબેને પણ બી.એ. વિથ ફિલોસોફી વિષય સાથે ગ્રેજ્યુએશન કર્યું હતું. 

તેમના લગ્ન 1956માં કિશોરકાંત ભોગીલાલ માંકડ સાથે થયાં. હજુ તો લગ્નજીવનની મઝા માણે એ પહેલાં જ તેમની પર દુઃખનો ડુંગર તૂટી પડ્યો. લગ્નના આઠ મહિના પછી વર્ષાબેનને બ્રેઇન ટ્યુમર છે તેવી ખબર પડી. 

એટલે કે 16/ 2 / 1956માં લગ્ન થયા પછી તરત જ ઓક્ટોબર 1956માં વર્ષાબેનને બ્રેઇન ટ્યુમર છે તેની દંપતીને ખબર પડી. સામાન્ય માણસ તો આ સાંભળીને ભાંગી પડે પણ કિશોરકાંતભાઈએ તરત જ

 વર્ષાબેનનું ઑપરેશન વેલ્લોર-દક્ષિણ ભારતના વિખ્યાત સર્જન ડોક્ટર ચેન્ડીસર પાસે કરાવવાનું નક્કી કર્યુ. વર્ષાબેનનું ઓપરેશન 22/10/1956 ના રોજ સફળ રહ્યું. ટ્યુમરનું નામ સાંભળીને ગભરાઈ જવાને બદલે માંકડ દંપતીએ અડગ મનોબળ સાથે ટ્યુમરને હરાવ્યું, આ નાનીસૂની વાત નથી. 

વર્ષાબેનને નવજીવન મળ્યું. ત્યાર પછી 1963 અને 1965 માં તેમનાં ખોળે વારાફરતી બે બાળકોનો જન્મ થયો.

તેમના માથામાં હજુ પણ ચાંદીનો તાર છે. માથાની સર્જરી થઈ હોવા છતાં આજની તારીખમાં તેમનાં વાળ સુંદર છે.  

    વર્ષાબેને 2009 માં હૃદયમાં સ્ટેન્ટ પણ મુકાવેલ છે. આપણને નવાઈ લાગે કે તેઓ ચાર વાર પડી ગયા છે છતાં એક પણ હાડકું તૂટ્યું નથી. 

હાલ તેમને એક પણ દાંત નથી અને ચોકઠું પણ કરાવ્યું નથી. છતાં મજબૂત પેઢાથી તેઓ બધું ખાઈ શકે છે. નવાઈની વાત એ છે કે કોરોનાની ટ્રિટમેન્ટ દરમિયાન તેમને રેનડેસીવર ઇન્જેક્શન આપવા પડ્યા હતા ત્યારે એક નવો દાંત ફૂટી નીકળ્યો હતો! 

તેમણે વર્ષો પહેલા મોતિયાનું ઓપરેશન કરાવેલ પણ હાલ તેમની આંખો ખૂબ સરસ છે. ખૂબ વાંચન અને લેખન કરે છે. તાજેતરમાં ફક્ત 45 દિવસમાં લગભગ 47,810 જેવા રામ નામ તેમણે લખ્યાં છે. થોડી ઘણી કાનમાં તકલીફ છે છતાં મોબાઇલમાં નિયમિત રીતે બેન અને બેનપણીઓ સાથે વાતો કરે છે. 

ઘરમાં વૉકર લઈને ચાલે છે. મેમરી ખૂબ તેજ છે. એટલે એ માન્યતા ખોટી કહી શકાય કે ઉંમર વધે તેમ યાદશક્તિ ઘટે. તેમને તો લોકોની બર્થ ડે, એનિવર્સરી બધું યાદ છે. સંબંધીઓને જન્મદિવસ ઉપર ફોન કરીને શુભેચ્છા પણ આપે છે. એક બે મહિને ઘરમાં ભજન સંધ્યા પણ રાખે છે. 

  તેમને ગમતી પ્રવૃત્તિની વાત કરીએ તો ભૂતકાળમાં તેઓ સ્કાઉટ /ગાઈડમાં અગ્રેસર હતાં અને વિવિધ સમાજ સેવાના કાર્યો પણ  કરતાં હતાં. રસોઈનો ખૂબ શોખ હતો એટલે નવી નવી વાનગીઓ બનાવતા હતા. નાગરોના પ્રિય, બેઠા ગરબાનો તેમને પણ શોખ છે. 

હાલ તેમને બે પ્રવૃત્તિઓ પ્રિય છે, વાંચવાની અને વાતો કરવાની. 

તેમનામાં એક સરસ આવડત છે, કાઉન્સિલિંગ કરવું. એટલે ઝઘડાનું સોલ્યુશન કેવી રીતે ઝડપથી લાવવું તે આવડતથી તેઓ ઝઘડતી વ્યક્તિઓ વચ્ચે સમાધાન કરાવી શકે છે. 

 વારંવાર નિસાસા નાંખતા અને ફરિયાદો કરતા સિનિયર સિટીઝનને જોઈએ, ત્યારે વર્ષાબેન તેમનાથી તદ્દન અલગ પડી જાય.  એડજસ્ટમેન્ટ એ એમનાં જીવનનો અમૂલ્ય મંત્ર છે. 

   આપણને સવાલ થાય કે શું બીપીની બિમારી મટી શકે? વર્ષાબેને જણાવ્યું કે 2020 પછી તેમની બીપીની બીમારી ભાગી ગઈ છે. તેમને હવે હાઈ બ્લડ પ્રેશરની ગોળીઓ લેવી પડતી નથી. એટલે હાલ તેમને બીપી કે ડાયાબિટીસ નથી.

  તેમની ગમતી યાદોની વાત કરીએ તો કુટુંબના શુભ પ્રસંગો તેઓ વારંવાર યાદ કરે છે. પૌત્ર અને પૌત્રીઓનું ઘરમાં આગમન એ તેમનો યાદગાર ગમતો પ્રસંગ ગણાવે છે. હાલ પણ તેમને ટીવી જોવું ખૂબ ગમે છે. ટીવીમાં સમાચાર, ભજન અને સીરીયલો જુએ છે. 

લાંબી લાંબી વાતો, તેઓ ભાભી બેનપણીઓ અને પૌત્ર પૌત્રી જોડે કરે છે. તેમના રમુજી સ્વભાવને કારણે બધાને વાત કરવી પણ ખૂબ ગમે છે.

   હાલ છાશવારે જુદા જુદા દેશોમાં ફરવા નીકળી પડતા સિનિયર સિટીઝનની વાત કરીએ તો તેઓ કહે છે કે તેમણે કોઈ વિદેશ યાત્રા કરી નથી. ફક્ત ભારતમાં મુંબઈ, માથેરાન  દક્ષિણ ભારત વગેરેનો પ્રવાસ કર્યો છે. તેમને એ બાબતનો કોઈ અફસોસ પણ નથી કારણ કે તેઓ ઘર બેઠા ગંગામાં માને છે.

  તેઓ ગરબા ગવડાવે છે, ભજન ગવડાવે છે. મંદિર અને ટ્રસ્ટમાં દાન પણ કરે છે. મદદ કરતી વખતે તેઓ ધર્મ, આવક કે જાતિ જોતાં નથી. બધાને પ્રેમથી બોલાવે છે અને મદદ કરે છે. 

 તેઓ આપણને સંદેશો આપે છે કે સૌ સાથે હળી મળીને રહેવું. દરેકને સન્માન આપવું અને દરેકને માનથી બોલાવવા. અભિમાન અને અદેખાઈ કરવી નહી. 

વર્ષાબેનનું વ્યક્તિત્વ આપણને બે મહત્વની વાત કરે છે કે હંમેશાં બીજાને મદદ કરવી અને પરિવારને પ્રેમ કરવો. 

     સતત તેમનું ધ્યાન રાખતા બે પુત્રો અને પુત્રવધુઓ પણ આપણને સંદેશો આપે છે કે સંયુક્ત કુટુંબ એ જ શ્રેષ્ઠ કુટુંબ છે. દરેક સમસ્યાનું સમાધાન સંયુક્ત પરિવાર છે.

   આદર્શ સુપર સિનિયર વર્ષાબેન આપણને પણ સંદેશો આપે છે કે તકલીફો તો પડવાની પણ તેનો હિંમતપૂર્વક સામનો કરવો જરૂરી છે. એટલે કે ડર કે આગે જીત હૈ.     

   છેલ્લે એક વાત અચૂક કરવી પડે કે ઘરનો માહોલ સકારાત્મક  હોય તો સુપર સિનિયર સિટીઝનની જિજીવિષા વધુ પ્રબળ હોય છે. વર્ષાબેન પણ કહે છે કે તેમને તેમના પૌત્ર વૃત્તાંતના લગ્ન માણવા છે. હસતાં, બોલતાં,વાંચતાં અને રમુજી વર્ષાબેનને સલામ અને શુભેચ્છાઓ.

Share: