“ત્યાં સ્વર્ગ ન મળે તો મુસીબતનાં પોટલાં,
મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી.”- જલન માતરી
આપણે ખરેખર તો જિંદગીને જ પરમ સત્ય ગણવું જોઈએ કારણકે તે વર્તમાનકાળ છે. મૃત્યુ પરમ સત્ય છે પણ તે ભવિષ્યકાળ છે.
જેને આપણે જોયો જ નથી.
મોટાભાગનાં એ જોવાં માંગતાં પણ નથી.
વાસંતી ફૂલો હાથમાં હોય તો પાનખરની પાછળ દોડવાની આપણે શું જરૂર છે?
બધું જ અહીંયા છે, તો અજાણ્યાં પ્રદેશમાં જવાની ઉતાવળ શા માટે કરીએ?
મૃત્યુની ઝંખના કોને છે?
સ્વર્ગ અને નર્ક એ તો કલ્પના છે. જિંદગી જ વાસ્તવિકતા છે. એને સ્વર્ગ બનાવવી તે આપણાં હાથમાં છે. આ સ્વર્ગનું સુખ લાંબુ ટકે એ માટે આપણે લાંબુ આયુષ્ય પણ ઇચ્છતાં હોઈએ છીએ.
જો તમે જિંદગીને પ્રેમ કરતાં હો, જિંદગીનાં દરેક દિવસને ઉત્સવ માનીને ઉજવણી કરવાની ઈચ્છા ધરાવતા હો તો તમને મારે એવી વ્યક્તિનો પરિચય કરાવવો છે કે જેમણે જિંદગીને પ્રેમ કર્યો છે અને કરે છે. જેણે જિંદગીને ભરપૂર માંણી છે અને માંણી રહ્યાં છે. જિંદગીનાં સોનેરી દિવસો ફક્ત પસાર નથી કરી રહ્યાં પણ તેને પરિવારની સાથે ઉત્સવની જેમ ઉજવે છે.
જીવનનાં પ્રવાસમાં આપણને એવી વ્યક્તિઓ મળે છે કે જે 80 – 85 વર્ષ પૂરાં કરીને જીવનની સદી તરફ આગળ વધી રહ્યી હોય છે.
લાંબુ જીવન સારું છે પણ તે કેવું છે તે અગત્યનું છે. ખાટલામાં પડી રહીને દિવસો પસાર થતાં હોય એને જિંદગી માંણી રહ્યા છે તેવું ન જ કહેવાય.
બીજાંને માટે બોજારૂપ નહીં પણ પ્રેરણા આપતું જીવન હોવું જોઈએ.
તમે કોઈના આદર્શ ત્યારે જ બની શકો કે જ્યારે તમારામાં સકારાત્મકતા હોય, જતું કરવાની વૃત્તિ હોય.
જેનાં જીવનમાં અપેક્ષાઓના પોટલાં નથી અને ઉપેક્ષાનું ભારણ નથી તે વ્યક્તિ નસીબનો બળિયો કહેવાય.
સારું અને લાંબું જીવન જીવવા માટે શીખતાં રહેવું પડે. બાળક જેવી જિજ્ઞાસાવૃત્તિ પણ એક ચાલકબળ છે.
જીવન લાંબું કે ટૂંકું તે અગત્યનું નથી. જેટલું જીવીએ તે ભરપૂર જીવીએ એ અગત્યનું છે. એક સંતૃપ્તિનો ઓડકાર આવી જાય તેવું.
શું એવું શક્ય છે કે લાંબુ પણ જીવાય, સારું પણ જીવાય અને ભરપૂર પણ જીવાય?
આ સવાલનો જવાબ છે, હા.
આપણી આસપાસ જ એવી પ્રેરણામૂર્તિ
હાજરાહજૂર હોય છે, જે એવું જીવન જીવતી હોય છે.
તો ચાલો, આપણે એવી વ્યક્તિને મળીએ જે લાંબુ અને સારું જીવન જીવી રહ્યી છે.
તેમની પાસેથી આપણે પ્રેરણા લઈને લાંબુ અને સારું જીવન જીવીએ.
અહીં એવી વ્યક્તિનાં જીવન ઝરમરની વાત થઈ રહી છે કે જે મને અને તમને ચોક્કસ નવી ઉર્જા આપશે. નવી રીતે જિંદગી જીવવાની દૃષ્ટિ અને દિશા આપશે.
એ પ્રેરણાના સ્તોત્ર એટલે અમેરિકાનાં કનેક્ટિકટ સ્ટેટમાં રહેતાં નટવરલાલ સકળચંદ પટેલ.
જેમનું જીવન કહે છે, એજ ઈસ જસ્ટ એ નંબર.
જેમનો પરિચય આપી રહી છું તે મૂળ અમદાવાદનાં વતની છે પણ વર્ષોથી અમેરિકામાં રહે છે.
તેમનો જન્મ મહેસાણા પાસે જોટાણા ગામમાં થયો છે.
હાલ ૯૮ વર્ષની ઉંમરે તેઓ ગાડી ચલાવે છે.
અરે, આખું ઘર ચલાવી શકે તેવી ક્ષમતા ધરાવે છે.
તેમણે આઝાદીની લડત પણ જોઈ છે.
તેમની પત્નીનો સાથ તો જૂન, ૧૯૮૪માં છૂટી ગયો હતો. પછી એકલા હાથે જીવન નૈયાને હલેસાં મારી આગળ ધપાવી છે.
તેમને નાનપણથી સારાં કપડાં પહેરવાનો શોખ છે. રીલીફ રોડ પર આવેલાં આઇડિયલ ટૅલર પાસે જ કપડાં સીવડાવવાનો તેમનો આગ્રહ આજદિન સુધી જીવંત છે.
રોજ અપ ટુ ડેટ તૈયાર થઈને રહેવું તેમને ગમે છે. પેન્ટ, શર્ટ અને પટ્ટો રોજ પહેરવાનાં જ. એમાં ખોટું પણ શું છે? દરેક પળ ઉત્સવ છે તો તેની ઉજવણી કરવી જ રહી.
ધર્મની વાત કરીએ તો તેઓ ધાર્મિક નથી પણ આધ્યાત્મિક કહેવાય. તેમને ગીતાનું વાંચન કરવું ગમે છે.ગીતાને આદર્શ માનીને કર્મને જ ધર્મ બનાવ્યો છે.
એટલે જ પરિવારની ગ્રોસરી લાવવી કે અન્ય કામો તેમણે ૯૩ વર્ષ સુધી કર્યા છે.
ઘરમાં દીકરો અને વહુ બંને કામકાજ કરે છે. બંનેને મદદ કરવા હંમેશા તેઓ તૈયાર રહે છે.
ટૂંકમાં કોઈને નડવું નહીં એ વાતનો જબરજસ્ત અમલ કરે છે.
તેમણે જિંદગી પાસે બહું અપેક્ષા રાખી નથી એટલે જ તેમને કોઈ અફસોસ નથી. જે છે અને જે મળ્યું છે તેનાથી તેમને સંતોષ છે.
પ્રવાસનાં શોખીન તેમણે ભારતમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી પ્રવાસ કર્યો છે. યુરોપનાં દેશોમાં પણ પ્રવાસ કર્યો છે.
બોલીવુડની ફિલ્મો અનેક વાર જોઈ છે.
એક દિવસમાં બે ફિલ્મો પણ જોઈ છે.
કોઈન કલેક્શન, ટિકિટ કલેક્શન એમનો શોખ છે.
સાચવણીનો ગુણ એમની પાસેથી શીખવા જેવો છે.
તમે જે માંગો એ વસ્તુ પાંચ મિનિટમાં હાજર કરી શકે.
ઉંમર થઈ એટલે યાદશક્તિ નબળી પડે એ વાતને તેમણે ખોટી પુરવાર કરી છે. નાનપણથી લઈને અત્યાર સુધીનું બધું જ તેમને યાદ છે.
તેઓ અમદાવાદ, પ્રીતમનગર અખાડામાં યોગા કરવાં જતાં હતાં.
બાળપણમાં જુનાં શારદામંદિરમાં ભણ્યા ત્યારે મધર ટેરેસાને પણ મળ્યા છે. એ પણ અંબાલાલ સારાભાઈના ઘરે.
અભ્યાસ મેટ્રિકથી આગળ નથી કર્યો છતાં જીવનમાં કોઈ મુશ્કેલી પડી નથી.
જમવામાં ફાવશે અને ભાવશે એ ફોર્મ્યુલા અપનાવે છે. કોઈ સ્પેશિયલ માંગણી તેમના તરફથી થતી નથી. જોકે પુત્રવધુ, જયશ્રી વ્યાસ પટેલ અને પુત્ર હિમાંશુ પટેલ તેમનાં મનની વાત કહ્યાં વગર સમજી જાય છે.
તેમનાં સ્વાસ્થ્યની વાત કરીએ તો સ્નીકર પહેરીને લાકડી વગર ચાલે છે. તેઓ ચશ્મા પહેરે છે પણ મોતિયો આવ્યો નથી.
ટીવી જોવાનાં શોખીન છે.
કોઈ અપમાન કરે તો તેઓ મનમાં તેનો ભાર રાખતાં નથી.
ફાવશે અને ચાલશે એ જીવન મંત્ર છે.
તેમનાં પિતાજી અમદાવાદનાં શેરબજારમાં દલાલ હતાં. તેમનાં
પિતાજી પણ લાંબુ જીવ્યા હતાં. તેમની પાસે માતા પિતાનો સરસ સચવાયેલો ફોટો પણ છે. ન્યુ બ્રહ્મક્ષત્રિય સોસાયટી, પાલડી નજીક તેઓ રહેતા હતાં. છ આઠ મહિના મોટી હમામની પોળ, ઘીકાંટા પણ રહ્યાં છે. પરિવારમાં એક બેન હતી. તેમનો પાંચ બાળકોનો હાલ પરિવાર છે.
ભૂતકાળમાં બાવળનું દાતણ કરતાં હતાં. તે પણ ખૂબ ચાવી ચાવીને.
હજું પણ નિયમિત રીતે છ સાત વાગ્યે ઊઠવાનું અને રાત્રે દસ વાગે સૂઈ જવાનો નિયમ પાળે છે. બપોરે સૂવાનું નહીં.
નિયમિત રીતે સવારે ચા નાસ્તો અને બે ટાઈમ અનુકૂળતા પ્રમાણે જમે છે. ધુમ્રપાન અને દારૂના સેવનથી દૂર રહ્યાં છે. તેમને મુખવાસની પણ ટેવ નથી.
પાર્લેજી બિસ્કીટ મોટેભાગે રોજ ખાય છે. એવો વિચાર આવે કે પાર્લેજી બિસ્કીટ કંપનીએ તેમનાં બ્રાન્ડ એમ્બેસેડર, સૌથી જુનાં ગ્રાહકને મોડેલિંગનો લાભ આપવો જોઈએ.
કોઈ ફરિયાદ કરવાની ટેવ નથી છતાં એક વાત ભૂલી શક્યા નથી કે તેમની જોડે કોઈએ લુચ્ચાઈ કરી હતી. તેમને ફોટોગ્રાફીનો શોખ હતો. તેઓ પંડિત જવાહરલાલ નહેરુ અમદાવાદ આવ્યાં ત્યારે તેમનો ફોટો પાડવા ગયેલાં. ફોટો પાડી તેમણે રોલ ડેવલપ કરવાં આપ્યો હતો. ફોટોગ્રાફરે એ ફોટો ચોરી લીધો. ફોટોગ્રાફ્રર ખોટું બોલ્યો કે ફોટો આવ્યો જ નથી. સમાચાર પત્રમાં એ જ ફોટો જયારે નટવરભાઈએ જોયો ત્યારે તેમને દુઃખ થયેલું.
તેમને બોલવા, ચાલવામાં, સાંભળવામાં કે જોવામાં કોઈ તકલીફ નથી.
હા, વધારે તીખું ખાઈ શકતાં નથી. મરચાં વગરનું ખાવાનું પસંદ કરે છે. શિખંડ ખાવાની ડોક્ટરે છૂટ આપી છે એટલે તેમનાં માટે પરિવાર ઘરે શિખંડ બનાવે છે.
ટૂંકમાં એમનો જીવન પ્રવાસ આપણને પ્રેરણા આપે છે કે વધારે પડતી અપેક્ષા રાખવી નહીં, સરળ રહેવું અને સરળ જીવવું.
હાલ પણ અમેરિકામાં આવતાં સમાચાર પત્રો વાંચે છે. સમાચારો સાંભળે પણ છે. એટલે દુનિયામાં શું થઈ રહ્યું છે તેની તેમને જાણ છે.
જિંદાદિલ નટવરલાલ સકળચંદ પટેલને પ્રણામ.
નોંધ – આ લેખ નટવરભાઈ સાથે થયેલી વાતચીતની ઝરમર છે.
તમે પણ કોઈ એવી વ્યક્તિને ઓળખતાં હો કે જે 90 વર્ષ પૂરાં કરીને ઉંમરનો વિચાર કર્યા વગર આનંદથી જીવે છે. જો તમારી ઈચ્છા હોય કે તેમની જીવન ઝરમર પ્રકાશિત થાય તો જરૂરથી મને મારાં મોબાઈલ નંબર( વોટ્સએપ)કે ઇ-મેલ આઇડી પર કોન્ટેક્ટ કરશો. અમે એને પ્રકાશિત કરવા માટે પ્રયત્ન કરીશું.
લાઘવીકા – પ્રેરણામૂર્તિ
ઊર્જા દીકરીને મળવા અમેરિકા ગઈ. ઠંડીનાં દિવસોમાં તેને ચાલવા જવું ગમતું નહીં.
"મમ્મી, આ ઉંમરે આળસ ન ચાલે. થોડું ચાલવું જોઈએ. ઘરમાં પડી રહેવાથી શરીર બગડે."
દીકરી ઊર્જાને ધક્કો મારતી એટલે તે બગીચામાં આંટા મારવા જતી.
ઊર્જાએ બગીચામાં ફરતા એક નોંધ લીધી. એક ભાઈ નિયમિત રીતે બગીચામાં આંટા મારતા હતા. દસ-બાર આંટા
મારી તે બાંકડા પર બેસતા. ઊર્જા કોઈ વાર સાંજે બગીચામાં આવતી. ત્યારે પણ પેલા ભાઈ તો બગીચામાં આંટા
મારતા જ હોય.
ઊર્જા તેમનાથી પ્રભાવિત થઈ ગઈ. તે ઉંમરમાં પણ તેના કરતાં મોટા લાગતાં હતા.
ઊર્જાએ તેમને પ્રેરણા મૂર્તિ બનાવી દીધાં.
તે બગીચામાં પરાણે આવતી પણ પેલી પ્રેરણામૂર્તિ તેનાં પગને ઉત્સાહથી ચાલતા કરી દેતી.
એક દિવસ ઊર્જા થાકીને બાંકડા પર બેઠી હતી. પેલા ભાઈ પણ બાંકડા પર તેની બાજુમાં બેઠાં. ઊર્જાએ વાતચીત
શરૂ કરી.
પેલા ભાઈ તો જાણે વાત કરવાની રાહ જ હોતા હતા! તેમણે હૈયું ઠાલવી દીધું.
તેમની પત્ની મૃત્યુ પામી હતી. તેમનો આખો પરિવાર અમેરિકામાં હતો. દીકરાઓ પરાણે તેમને અહીં સાથે રહેવા
લાવ્યા હતા.
ઊર્જા તેમને સાંભળતી જ રહી. તે કહેવા જતી હતી કે તમે મારા પ્રેરણામૂર્તિ છો. તમારે કારણે હું નિયમિત ચાલવાની
કસરત કરું છું.
પણ ત્યાં જ પેલા ભાઈ બોલ્યા, "અહીં મારું ઘર એટલે એક ઓરડો. એમાં સાત આઠ જણા ભેગા રહીએ. હવે
દીકરાઓની વહુઓને ટીવી જોવું હોય. હું તેમને આડો આવું. એટલે નક્કી કર્યું કે જમવા પૂરતું ઘરે જવું. બાકી, આ
બગીચો તો છે જ ને…;
અલકા ત્રિવેદી