આને વાલા પલ જાને વાલા હૈ…..
આને વાલા પલ જાને વાલા હૈ,
હો સકે તો ઇસમે જિંદગી બિતા દો
પલ જો યે જાને વાલા હૈ…
આને વાલા પલ જાને વાલા હૈ.
ગુલઝારજીની લખેલી આ પંક્તિઓ કેટલું બધું કહી જાય છે.
જિંદગીની પળે પળને માણી લો, મન ભરીને જિંદગીને જીવી લો કારણ કે જે આજે છે તે કાલે નહીં હોય તે નક્કી છે. પરિવર્તન સદાય થતું રહે છે. જે સત્ય છે, જેને આપણે અનુભવીએ છીએ એ આપણો ધબકતો શ્વાસ છે. જેને આપણે યાદગાર ભૂતકાળ બનાવવાનો છે.
જિંદગી સાચા અર્થમાં જીવી ત્યારે જ ગણાય કે તે કોઈ માટે માર્ગદર્શક બને, કોઈને ઉપયોગી બને.
આજે આપણે એવાં વડીલની વાત કરીશું કે જેમણે બીજા માટે જીવી જાણ્યું છે. પોતાના ભણતરને ઉજાળ્યું છે. તેઓ નેવું વર્ષ પાર કરીને એવું જીવન જીવી રહ્યા છે કે જે આપણા માટે એક આદર્શ ઉદાહરણ છે.
તેમને જીવનમાં કોઈ અફસોસ નથી. એમની જીવન યાત્રા વાંચીને આપણને જરૂર અફસોસ થાય કે આપણે આપણાં દેશ માટે શું કર્યું? ફક્ત “મેરા ભારત મહાન” કહેવાથી ભારતના કોઈપણ નાગરિકની જવાબદારી પૂરી થતી નથી. દેશને વધુ શક્તિશાળી અને મજબૂત બનાવવા આપણે પણ કંઈક તો દેશ માટે કરવું જ રહ્યું. આજે વાત કરવી છે એક એવી સશક્ત નારીની, ગરવી ગુજરાતણની જેમનું નામ છે ઉષા સનતકુમાર પંડિત છે. જેમને આપણે
“ઉજ્જવલ ઉષા” પણ કહી શકીએ.
ઉષાબેનનો જન્મ તા.૧૭/૧૦/૧૯૩૬ના રોજ પોરબંદરમાં થયો છે. તેમનો સંયુક્ત પરિવાર એટલે ત્રણ બહેનો અને એક ભાઈ.
નાનપણથી જ દરેક કામ પોતાની જાતે કરવાનાં તેઓ આગ્રહી હતાં. સમયની સાથે પણ એમનો એ વિચાર બદલાયો નથી. આજે પણ તે પોતાની જાતે પોતાનું કામ કરવાની ઈચ્છા ધરાવે છે. “આરામ હરામ હૈ” તે સૂત્રને જીવનમાં તેમણે ઉતારેલું છે. ઉદ્યમી ઉષાબેન રાજકોટમાં ભણ્યાં. તેમનું બાળપણ સંઘર્ષમાં વીત્યું.
પાંચ ફુટ છ ઇંચની હાઈટ, ગૌરવર્ણ અને પ્રભાવશાળી આંખો સાથે તેઓ સાવજનું કાળજું ધરાવતું ઉમદા વ્યક્તિત્વ છે. તેમનાં
પિતા બજરંગ વ્યાયામ મંડળ રાજકોટના પાયાના સ્થાપક અને સ્વાતંત્ર સેનાની હતા. પિતા એક કટ્ટર આદર્શવાદી હતા. ઘરમાં ભણતર ઉપર ભાર મૂકવામાં આવતો પણ નાણાકીય ખેંચ તો હતી જ. પાછાં પિતા સ્વમાની એવા કે ઉષાબેન આગળ ભણવા માંગતા હતા પણ ‘ફી માફી’ માટે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિની સહી લેવા તેઓ હાથ લંબાવતા નહીં. જે એ જમાનામાં મફત ભણવા માટે જરૂરી હતું. વળી કહેતા કે મારા નામનો ઉપયોગ ન કરવો. આજે જ્યારે પોતાના સંતાનો માટે સાવ ખોટા કામ કરતા પણ લોકો અચકાતાં નથી ત્યારે સાચી રીતે, ફક્ત અભ્યાસ માટે સ્વાતંત્ર સેનાનીના બાળકોને ભણવા આટલી બધી તકલીફ પડતી. ભારત સ્વતંત્ર થયું એમાં ઘણા કુટુંબોનો બહુ મોટો ફાળો છે. ઉષાબેનનું કુટુંબ પણ એમાંનું એક છે. આઝાદી પૂર્વે જ્યારે દીકરીઓને ભણાવવું એ મોટી અને અઘરી વાત હતી ત્યારે, એમણે પોતાની મેળે પોતાની કોલેજ ભણતરનો ખર્ચ ઉપાડ્યો. સવારે કોલેજ અને બપોરે ઇલેક્ટ્રિસિટી બોર્ડમાં નોકરી કરીને સ્નાતક થયા.
ભણતરની સાથે ઘરનાં, ભાગે આવેલાં કામ તો ખરા જ. એ જમાનામાં છોકરીઓ બહાર જાય કે કોલેજ જાય, પણ ઘરનાં વાસીદું વાળવાથી માંડીને જેટલાં કામ હોય તે બધાં કરીને જ જવાનું, એવું કડક શિસ્ત પાળવાનું રહેતું. જીવનની વિષમ પરિસ્થિતિઓમાં પણ, મનોબળને તૂટવા નહીં દઈને નાનકડી ઉષાએ તેનામાં રહેલી શક્તિઓનો પરચો આપી દીધો હતો. સ્ત્રી પોતે તો સશક્ત થાય, પણ પોતાનાં મેડિકલમાં ભણી રહેલા ભાઈ માટે ટેકો થઈને ઊભી રહે, પોતાની માને માટે દુનિયા સાથે લડી શકે, એવી શક્તિ એ ક્યાંથી મેળવતી હશે!
તેમણે સાયકોલોજી વિષય સાથે એમ.એ, બીએડ. કરીને શિક્ષણ કાર્યનો આરંભ કર્યો.
તેમના પતિ સનતકુમાર મોહનલાલ પંડિત,
વિસનગરના વતની હતા. જેમનું જીવન પણ કોઈ સંઘર્ષ ગાથાથી કમ નહોતું અને જે સ્વ બળે આઈ.એ.એસ. જેવી પદવી સુધી પહોંચ્યા હતા. બુદ્ધિશાળી સનતકુમાર પંડિત સાથે લગ્ન કર્યા પછી તેઓ બે બાળકોની પ્રેમાળ મા બન્યા.
બાળકોના અભ્યાસ માટે અમદાવાદમાં સ્થાયી થયા પછી તેમના જીવનમાં એક સરસ વળાંક આવ્યો. અમદાવાદમાં ગુલબાઈ ટેકરા પર ગરીબ વસ્તીની નજીક આવેલી શાળામાં શિક્ષણ કાર્ય કરવાનો પ્રસંગ આવ્યો. એના પછી એમનામાં એક માનસિક પરિવર્તન આવ્યું. સર્વોદયના વિચાર સાથે તેમણે પોતાના જીવનને વણવાનું શરૂ કર્યું. એમણે સમાજસેવાનું કાર્યક્ષેત્ર પસંદ કર્યું. વિનોબા ભાવેના વિચારોથી પ્રભાવિત થઈ એમણે સર્વોદયને પોતાનો જીવનમંત્ર બનાવ્યો અને પછી પાછું વાળીને જોયું નથી. વિનોબા ભાવેના સર્વોદયના આદર્શોને આત્મસાત કરવામાં તેમણે પોતાનું જીવન રેડી દીધું. તેમની કારકિર્દી ‘પંકજ વિદ્યાલય’ની એક શિક્ષિકાથી શરૂ થઈને ‘સર્વ સેવા સંઘ’ નાગપુર વર્ધાના મંત્રી એટલે કે એક મહત્વના વ્યક્તિ સુધી વિસ્તરી. વચ્ચેના સમયગાળામાં તેઓએ ‘પંકજ વિદ્યાલય’ના પ્રિન્સિપાલ, ‘પંકજ પ્રાથમિક શાળા’ના સંચાલિકા , ‘દહેગામ તાલુકા ગ્રામ સ્વરાજ કેન્દ્ર’ના સહસ્થાપક અને ટ્રસ્ટી, ‘એમ. એચ. તીર્થધામ’ ક્રૃષ્ણનગર( કોઠી)ના સહસ્થાપક, ‘વૈદ્ય શ્રી એમ.એમ.પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન’ના મેનેજીંગ ટ્રસ્ટી, ‘પંકજ કેળવણી મંડળ’ અમદાવાદના મેનેજિંગ ટ્રસ્ટી તથા ‘આચાર્ય કૂળ’ના મંત્રી તરીકે પોતાની સેવાઓ અર્પણ કરી.
આ સમય દરમિયાન તેઓએ સ્ત્રી સશક્તિકરણના પણ ઘણાં કાર્યો કર્યા. તેમણે ગ્રામ સ્વરાજ માટે માત્ર ગુજરાત નહીં વિદર્ભ આંદોલનમાં ખેડૂતોને આત્મહત્યા કરતાં રોકવાનું કામ પણ કર્યું જેની ત્યાંના તે વખતના સમાચાર પત્રોએ નોંધ પણ લીધી હતી. મધ્યપ્રદેશમાં લોક આંદોલન કર્યું. જેમાં ગ્રામ્ય વિસ્તારના લોકોને એમની માલિકીની જમીન મળે તે માટે લડત કરી. રાજસ્થાનમાં કોકાકોલા આંદોલનમાં પણ જોડાયા. જ્યાં જ્યાં શક્ય બન્યું ત્યાં પોતાની શક્તિ રેડીને સમાજસેવાના કાર્યો કર્યા.
“સર્વ સેવા સંઘ” માં 13 વર્ષ સુધી મંત્રી તરીકે સેવાઓ આપી. પ્રથમ ત્રણ વર્ષ મહિલા સંયોજક તરીકે, બીજા ત્રણ વર્ષ ગાંધી અંજલિના કાર્યના વડા તરીકે પોતાની સેવાઓ આપી. જેમાં એક લાખ રૂપિયા જેટલો માતબર ફાળો તેમણે એકઠો કર્યો.
સ્ત્રી કેળવણી મંડળ દ્વારા આયોજિત સમારોહમાં પૂજ્ય શ્રી મોરારી બાપુના હસ્તે તેઓને શૈક્ષણિક ક્ષેત્રે ઉત્તમ તેમજ સંનિષ્ઠ સેવાઓ આપવા બદલ ‘ ઇન્દ્રબા ભોગિન્દ્રરાવ દિવેટીયા એવોર્ડ’ થી સન્માનિત કરવામાં આવ્યા હતાં. તેમને ૧૫/૮/ ૨૧ ના રોજ સ્વહસ્તે સાબરમતીના ગાંધી આશ્રમમાં ધ્વજ વંદન કરાવવાનું સદ્દભાગ્ય પણ મળ્યું.
‘કસ્તુરબા ગ્રામ’ કોબા, ઇન્દોર ખાતે અમદાવાદના પ્રતિનિધિ તરીકે તેમણે સેવા આપી છે. હિંદુ મુસ્લિમના તોફાનો હોય કે, અમદાવાદમાં આવી પડેલી કોઈ બીજી મુશ્કેલી હોય ઉષાબેન એમના બુલંદ અવાજ અને પ્રખર વ્યક્તિત્વની આભા સહ હંમેશા સત્યની સાથે રહ્યાં છે. દહેગામ તાલુકાના ગામડે ગામડે ફરીને ગ્રામ સ્વરાજનો પ્રચાર અને પ્રસાર કરવામાં તેમનો સિંહફાળો રહેલો છે. તેમણે શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપી એટલું જ નહીં પણ ગુજરાત રાજ્યના ધરમપુર- વલસાડ, સૌરાષ્ટ્ર એવા દૂરના સ્થળોએ જઈ ગરીબ, આદિવાસી, છેવાડાના લોકોના બાળકોને સારું શિક્ષણ મળે, તેમની ખાવા-પીવાની જરૂરિયાતો પૂરી થાય અને તેઓ સારા માણસ બને તે માટે પણ અથાગ પ્રયત્નો કર્યા. એક સાચા શિક્ષકની ઓળખ કોઈ ઈમારત કે સંસ્થા નથી હોતી, પણ તેમના દ્વારા તૈયાર થયેલા વિદ્યાર્થીઓ, તેમણે આપેલાં સંસ્કારોથી પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી આગળ વધનાર વિદ્યાર્થીઓ હોય છે. એ દ્રષ્ટિએ ઉષાબેન ઘણાં ઘણાં સમૃદ્ધ છે. ગરીબો માટે લડ્યા. દારૂબંધી માટે ગાંધી વિચારો ને ધ્યાને લઇ બહેનોમાં જાગૃતિ લાવવાનું પણ ઘણું કામ કર્યું. પ્રેરણાદાયક વાત એ છે કે તેમને માતા પિતા તરફથી વારસામાં મળેલ નાણાંને એમણે પોતાની માતાના નામે ‘ઇન્દુમતીબેન હરિલાલ પંડ્યા ચેરીટેબલ ટ્રસ્ટ’ તેમજ ‘ઇન્દુમતીબેન હરિલાલ પંડ્યા સમાજ સેવા મંડળ’ બનાવીને લોકસેવામાં વાપરવાનું નક્કી કર્યું. તેમનાં પતિએ પણ માતા-પિતાના વારસાનો ત્યાગ કર્યો. આમ ત્યાગની ભૂમિકા આ દંપતીએ આત્મસાત કરેલી છે.
તેમણે બંને આંખોમાં મોતિયો ઉતરાવ્યો છે. તેમની દ્રષ્ટિને કોઈ તકલીફ નથી. કાન પણ સરસ કામ કરી રહ્યા છે. દાંત પાસે સાચવીને કામ લે છે.
સંધિવાની તકલીફ હોવાથી કેર ટેકર રાખ્યા છે. છતાં તેઓ રોજ પ્રાર્થના કરે છે કે તે પોતાનું કામ પોતાની જાતે કરી શકે તેવી શક્તિ તેમને ભગવાન અત્યારે પણ આપે. હજું પણ તેમને કામ કરવું છે. કુટુંબોમાં થતા ઝઘડા માટે તેઓ કાઉન્સિલિંગ કરવા તૈયાર છે. તેમને જોઈને એવું કહી શકાય કે સિતારો કે આગે જહાં ઓર ભી હૈ… તેઓ પોતે કહે છે કે હું સપના જોઉં છું અને સપના પૂરા કરવા પ્રયત્ન પણ કરું છું.
તેઓ આજની તારીખમાં પણ સ્પષ્ટ બોલી શકે છે. ભારતમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી ફર્યા છે. હજુ પણ પ્રવાસ કરવો ગમે. હાલ તેમની સંભાળ તેમની બે દીકરીઓ ઊર્મિ અને આશા રાખે છે. દીકરાની ઈચ્છા ધરાવતા સમાજ માટે તેમની બે દીકરીઓ દીવાદાંડી સમાન છે.
તેમને આજની તારીખમાં એક જ ફરિયાદ છે કે સતત મોબાઈલ અને ટેકનોલોજી સાથે રહેતો આજનો યુવાન દેશ માટે શું કરશે? તેઓ પણ દુનિયાના સમાચાર જુએ છે, સારી સામાજિક સિરિયલ જુએ છે પણ સતત ટીવી કે ટેકનોલોજીનો ઉપયોગ કરતાં નથી. તેમની ચિંતા પણ યોગ્ય છે, કારણકે તેમણે જોયેલી દેશ દાઝનો અભાવ આજની જનરેશનમાં તેઓ અનુભવી રહ્યાં છે.
આજે છ બાળકોના પરદાદી બન્યા પછી પણ ટટ્ટાર ચાલતા, સરસ અવાજથી ગીતો ગાતાં, હોંશથી ગરબા લેતાં, ઉષાબેન સૌને પ્રેરણા અને જિંદગીની જંગમાં લડવાનો જુસ્સો આપી શકે એટલાં જોરદાર છે. આવાં અડીખમ ઉષાબેન, ઘણી બધી સ્ત્રીઓની પ્રેરણાનું પાત્ર અને કોઈક પુરુષોની ઈર્ષ્યાનું પાત્ર પણ બન્યાં. છતાં આગળ વધવું અને નિષ્ઠાથી, મોજથી જીવન જીવવું જેનું ધ્યેય હોય એને ઈર્ષા, અપમાન, અવહેલના જેવા ક્ષુલ્લક બાબતો રોકી શકે નહીં. આવી શક્તિને માત્ર નારીશક્તિ કહેવું એ ઓછું ગણાશે.
ઉમંગ, ઉત્સાહ અને ઉદ્યમનો ત્રિવેણી સંગમ એવાં ઉષાબેન પંડિત
તો ગુજરાતમાં જન્મેલી માતૃશક્તિ જ કહેવાય. પોતાનાં માબાપનું જીવન ધન્ય થાય તેવું જીવી, અને પોતાના બાળકોને સાચી રીતે જીવવાની સમજ આપી સાથે સમાજને પણ કશું ઉત્તમ પ્રદાન કર્યું, એ માટે ઉષાબેન પંડિત તથા તેમની બંને દીકરીઓને સલામ.