જાગૃત જીવન – ફેબ્રુઆરી ૨૦૨૬

Celebrating heritage and connecting communities with rich stories and impactful journalism.

Banner Image

ફેબ્રુઆરી એટલે પ્રેમ, આનંદ અને હાસ્યનો મહિનો. જીવનમાં પારાવાર અટપટા સંજોગોને હશવાશથી કોરાણે મૂકી પોતાનામાં અને પોતાના સ્નેહીજનો સાથે ઉષ્મા ભર્યા વાતાવરણમાં રમમાણ થવાનો સમય. વેલેન્ટાઈન ડે તો માત્ર નિમિત્ત બને છે. માનવીય સંબંધોને માણવાનો આ સમય છે. પરંતુ વાસ્તવિકતા જોઈએ તો માનવીના સંકુચિત મન અને માનસિકતા આ ઉષ્માને કોરાણે મૂકે છે. રૂઢિચુસ્ત લોકો ધર્મનો આંચળો ઓઢી “તૈયબ અલી પ્યારકા દુશ્મન હાયે હાયે”ની બાંગ પોકારી આતંકી માહૌલ સર્જી દે છે. જીવનના વિનોદ, હાસ્ય અને પ્રેમના તત્વોને ઉખાડી મૂકે છે. વિનોદ, હાસ્ય કે પ્રેમને જીવનમાંથી દૂર કરનારો માનવી ચાવી ભરેલા રમકડાંનો ડાગલો બની રહે છે. જીવનની દરેક પળે ગંભીર બની રહેવાની જરૂર નથી. કોઈ અજાણ્યા ઓથારમાં આવા માનવી જાણીબૂઝીને “પીઢ” બની રહે છે.

             નિર્ભેળ સાચું હાસ્ય કે સ્મિત વિનોદનું જ પ્રતિબિંબ છે. વિનોદ વાતાવરણને હળવું તો કરે જ છે, સાથે પોતાનું અને આસપાસ વીંટળાયેલા સ્નેહીજનોનાં દિલ પણ બહેલાવી જાય છે. નિર્દોષ વિનોદ એ છેડછાડ કે ચેનચાળા નથી. અન્યથા તે સ્વજનોને તરછોડવાની વૃત્તિથી પીડિત કરે છે.

           હું જેવો છું તેવો દેખાવામાં મને ડર ન લાગે તો ખરેખર હું એક વિનોદી માનવ હોઉં. રમૂજભર્યા પ્રતિભાવ સહજપણે પ્રગટે તો પણ મારી આસપાસના લોકો શું વિચારશે એ માનીને મારું હાસ્ય થીજી જાય છે. પરંતુ આ ડરને અવગણીને પણ વિનોદવૃત્તિ ચાલુ રાખવી આવકાર્ય છે. વિનોદથી લોકોનાં દિલ તરબતર થાય છે. સાચા વિનોદમાં એવી સમજ રહે છે કે વિનોદ સર્વ માટે છે, તેનાથી કોઈને બાકાત કેમ રાખી શકાય? વિનોદવૃત્તિ કોઈ પ્રયાસોથી નથી ઉદ્દભવતી, અનાયાસે જ તે પ્રગટી જાય છે. ક્યારેક આપણને લાગે છે કે વિનોદવૃત્તિથી ક્યાંક લોકો પોતાને વિદૂષક ન માની લે. જીવનની દરેક પળને ગંભીર નથી બનાવવાની. કેટલીક ક્ષણોને હસી કાઢીએ તો પરસ્પર સદ્દભાવ તો રહે જ, મનનો ભાર પણ તે હળવો કરી જાય છે.

            હાસ્ય, રમૂજ, વિનોદ કે હસી કાઢવાની બાબત પોતાનાથી જ શરૂ કરવી રહી.  પોતા પર હસી દેનાર બીજાના પર પણ હસી શકે છે ત્યારે તેમાં દંભ કે ડંખ નથી હોતો. આપણી નબળાઈઓ કે શક્તિઓને આપણા વિનોદનું કેન્દ્ર બનાવી શકીએ તો આપણી વાત અને આપણો સ્વીકાર લોકો સહજતાથી કરશે. ડંખ વગરનો નિર્ભેળ વિનોદ વાતાવરણને હળવું તો કરે જ છે, જીવનને પણ સરળ બનાવે છે!

 -કૌશિક અમીન.

Share: