જાગૃત જીવન – જાન્યુઆરી ૨૦૨૬

Celebrating heritage and connecting communities with rich stories and impactful journalism.

Banner Image

          સત્વ અને સ્વત્વ વચ્ચે એક પાતળી ભેદરેખા જ છે. આપણા દરેક કદમ પર, આપણી દરેક પ્રવૃત્તિ ઉપર,આપણા રોજબરોજના વ્યવહાર, આપણી વાતચીત, આપણી બોલચાલની ભાષા, આપણા આનંદ, આપણો ગુસ્સો, તિરસ્કાર, અહમ્  આ બધાની રજેરજ નોંધ આપણી આસપાસના જ સ્નેહીજનો સતત લેતા હોય છે. આવી નોંધ લેવાય છે એનો આપણને પોતાને પણ અણસાર હોય છે. પરિણામે ઘણીબધી વાર આપણે પોતે, જે આપણે પોતે નથી તેવા વ્યવહારમાં સરી જઈએ છીએ. અન્યો પર આપણો પ્રભાવ પાડવા, અન્યો પર છવાઈ જવાના આપણા કુંઠિત પ્રયાસો તત્કાળ પૂરતા કારગત નીવડી જાય છે, પરંતુ આપણી તે આભા આપણને જ ઝાંખી પાડે છે. આત્મવિશ્વાસનો અભાવ આમાંનું એક મહત્વનું પરિબળ છે. દંભનો આશરો આવી પરિસ્થિતિમાં તરત જ લેવાઈ જાય છે.

              દંભ અને અભિનયના આપણે બેતાજ સમ્રાટ છીએ. માત્ર વાચાળ હોવાની યોગ્યતા જ ધરાવતા હોઈએ ત્યારે તમારી એ યોગ્યતાનો ખ્યાલ તમારી ફરતે વીંટળાયેલા લોકોમાં સુપેરે હોય છે. તમે નટસમ્રાટ છો અને નિરર્થક ફાંકાબાજીમાં જ રચ્યાપચ્યા રહો છો તે છુપાવાઈ શકાતું નથી. ભલે તમે કોઈ સર્વોચ્ચ સ્થાને હો, પરંતુ જો તમારી વિચારસરણી અને આચરણમાં સત્યનો અંશ નહીં હોય, પારદર્શિતા નહીં હોય તો તમારા વ્યવહાર લાંબા સમય સુધી ટકવાના નથી. લોકોને ટૂંકા સમય માટે ભ્રમિત કરી શકાય, પરંતુ લાંબા ગાળે એ જ ભ્રમણાઓ નાગપાશ બની તમને વીંટળાઈ જાય છે. એક વાત ચોક્કસ છે, જેને તમે તમારા પોતાના માનો છો, તમારા સ્નેહીજન છે, તેમનાથી તમારે કશું છુપાવવાની જરૂર નથી. તમારે કોઈ સ્વપ્રશસ્તિ કે આપવડાઈ કરવાની જરૂર નથી, કે નથી આત્મમુગ્ધતાનો આંચળો ઓઢવાની જરૂર.

               પોતાના જ સ્નેહજનો સાથે થોડો સમય કે થોડી પળો ગાળ્યા પછી તમને પોતાને જ થવું જોઈએ કે એ સ્નેહીજન સાથે વિતાવેલો મારો સમય કેવો રહ્યો? મારાં વાણી ને વ્યવહાર કેવાં હતાં? સામેની વ્યક્તિનું ધ્યાન ખેંચવામાં જ પોતે રત હતા કે પોતે સહજ સરળ રીતે લાગણી સભર સમય તેમની સાથે વ્યતિત કરી રહ્યા હતા.

              સ્વત્વ અને સત્વની જેમ જ સ્વમાન અને સન્માન એકમેક સાથે ગૂંથાયેલાં છે. જીવનની સફળતાની આ જ તો ચાવી છે!

 – કૌશિક અમીન.

Share: