×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Aditya-L1 : ઈસરોના સૂર્ય મિશન પેલોડ અંગે વૈજ્ઞાનિકોએ આપ્યું નવું અપડેટ, કહ્યું ‘1 દિવસમાં મોકલશે 1440 તસવીરો’

Image - ISRO Web

શ્રીહરિકોટા, તા.01 સપ્ટેમ્બર-2023, શુક્રવાર

મિશન ‘ચંદ્રયાન-3’ બાદ ‘સૂર્ય મિશન’ એટલે કે Aditya-L1 લોન્ચ થતા નિહાળવા દેશભરના લોકો થનગની રહ્યા છે... તો ઈસરો (ISRO) પણ આ મિશનને લોન્ચ કરવા તમામ તૈયારીઓ સાથે સજ્જ થઈ ગયું છે... આદિત્ય-એલ1ને આવતીકાલે 2 સપ્ટેમ્બરે લોન્ચ કરાશે. સૂર્ય મિશનને લઈ રોજબરોજ નવા નવા અપડેટ સામે આવતા રહ્યા છે... ત્યારે આ મિશન અંગે વૈજ્ઞાનિકોએ ફરી નવું અપડેટ આપ્યું છે...

પેલોડ ઈસરોને પ્રતિ દિવસ 1440 તસવીરો મોકલશે

વૈજ્ઞાનિકોએ આદિત્ય-એલ1 સાથે જનાર 7 પેલોડની ગજબની તાકાત અંગે કહ્યું કે, આ પેલોડ ઈસરોને પ્રતિ દિવસ 1440 તસવીરો મોકલશે. આદિત્ય એલ1માં વિજિબલ એમિશન લાઈન કોરોનાગ્રાફ (VELC) પેલોડ લગાવાયેલ છે. VELC સૌથી મોટું અને ટેકનોલોજી રૂપે સૌથી પડકારજનક પેલોડ છે. આદિત્ય-એલ1ને આવતીકાલે 2 સપ્ટેમ્બરે સવારે 11.50 કલાકે પીએસએલવી-સી57 રોકેટથી લોન્ચ કરાશે. આદિત્ય-એલ1 સૂર્યનો અભ્યાસ કરવા માટે તેની સાથે 7 પેલોડ પણ લઈ જશે... આ પેલોડમાં 4 પેલોડ સૂર્યથી પ્રકાશનું નિરિક્ષણ કરશે જ્યારે અન્ય 3 પેલોડ પ્લાજ્મા અને ચુંબકીય ક્ષેત્રની જગ્યાના માપદંડોનો અભ્યાસ કરશે.

ક્યારે ઉડાન ભરશે? 

સૂર્યનો અભ્યાસ કરવા માટે, 'આદિત્ય-એલ1' મિશન 2 સપ્ટેમ્બરે રાત્રે 11:50 વાગ્યે શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. આ મિશન દ્વારા ISRO એક વેધશાળા મોકલી રહ્યું છે, જે સૂર્યનો અભ્યાસ કરશે. આદિત્ય-એલ1ને શ્રીહરિકોટા સ્પેસપોર્ટથી પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂરના અંતરે આવેલા લાગ્રાન્ગ પોઇન્ટ-1 પર જવા તરતું મૂકાશે.

ભારતનું પ્રથમ સૂર્યમિશન 

આ ભારતનું પ્રથમ સૂર્ય મિશન હશે. આદિત્ય-L1 અવકાશયાન સૂર્યના કોરોનાના દૂરસ્થ અવલોકનો માટે અને L1 (સૂર્ય-અર્થ લેગ્રેંજિયન બિંદુ) પર સૌર પવનનો વાસ્તવિક અભ્યાસ કરવા માટે બનાવાયો છે. આ સ્થળ પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર છે. આ મિશનને લેગ્રાંગિયન પોઈન્ટ-1 (L1) સુધી પહોંચવામાં લગભગ ચાર મહિનાનો સમય લાગશે. લેગ્રાંગિયન પોઈન્ટ-1 એ એવી જગ્યા છે જ્યાં સૂર્ય અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ સમાન છે.

સૂર્યની સપાટીનું તાપમાન 6000 ડિગ્રી કેલ્વિન

ઈસરોનાં સૂત્રોએ એવી માહિતી પણ આપી  હતી કે આદિત્ય-એલ1 નો હેતુ સૂર્યના 3 હિસ્સા- ફોટોસ્ફિયર, ક્રોમોસ્ફિયર, કોરોના (સૂર્યની બાહ્ય કિનારી)નો સંશોધનાત્મક અભ્યાસ કરવાનો છે. આ દ્રષ્ટિએ તો આદિત્ય-એલ1 અવકાશયાન વેધશાળા તરીકે વિશિષ્ટ કામગીરી કરશે. સૂર્યમાં થતી ભયાનક અને અકળ ગતિવિધિની અસર પૃથ્વી પર  કેવી અને કેટલી  થાય છે તેનો અમે અભ્યાસ કરવા ઇચ્છીએ છીએ. ખાસ કરીને સૂર્યની સપાટીનું તાપમાન 6000 ડિગ્રી કેલ્વિન (તારાના તાપમાન માટે કેલ્વિન શબ્દ વપરાય છે) જેટલું તાપમાન હોય છે જ્યારે તેની બાહ્ય કિનારી(કોરોના)નું તાપમાન 10 લાખ ડિગ્રી કેલ્વિન જેટલું અતિ ઉકળતું હોય છે. સૂર્યના જ આ બે હિસ્સાના તાપમાન વચ્ચે આટલો મોટો તફાવત ચોક્કસ કયાં પરિબળોને કારણે રહે છે તે સમજવા વિશ્વના ખગોળશાસ્ત્રીઓ ઘણા દાયકાથી સંશોધન કરી રહ્યા છે.