×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પોલીસ પગલાના ડરથી રાતભર ખેડૂતો જાગતા રહ્યા, દિલ્હીના સીમાડે આખી રાત ફફડતા રહ્યા


- પોલીસે વીજ પુરવઠો ઠપ કર્યાનો ટીકૈતનો આક્ષેપ

નવી દિલ્હી તા.28 જાન્યુઆરી 2021 ગુરૂવાર

પ્રજાસત્તાક દિને ટ્રેક્ટર રેલીના નામે તોડફોડ અને હિંસા આચરનારા કહેવાતા ખેડૂતો મંગળ અને બુધવારે રાત્રે પોલીસ એક્શનના ડરે આખી રાત જાગતા રહ્યા હતા.

ખેડૂત નેતા રાકેશ ટીકૈતે એવો આક્ષેપ કર્યો હતો કે પોલીસે અમારા કેમ્પનો વીજ પુરવઠો કાપી નાખ્યો હતો. ટીકૈતે કેન્દ્ર સરકાર અને પોલી પર એવો આક્ષેપ કર્યો હતો કે અમારા આંદોલનને કચડી નાખવાના પ્રયાસો કરાઇ રહ્યા હતા.

ટીકૈતે એવો પણ આક્ષેપ કર્યો હતો કે વહીવટી તંત્રે માહોલને બિહામણું કરી નાખ્યું હતું. ખેડૂતોમાં ડર પેસી ગયો હતો કે પોલીસ ગમે ત્યારે પગલાં લેશે. વહીવટી તંત્ર ઇચ્છે છે કે અમારું આંદોલન ભાંગી પડે. 

એક સવાલના જવાબમાં ટીકૈતે કહ્યું કે દિલ્હી પોલીસ તપાસ કરવા માગતી હશે અને અમને બોલાવશે તો અમે જરૂર પોલીસને મળવા જઇશું. કેટલાક ખેડૂત સંઘો આંદોલન સમેટીને ચાલ્યા ગયા છે એ તરફ ધ્યાન ખેંચવામાં આવતાં ટીકૈતે કહ્યું કે ગાઝીપુર સરહદે પોલીસે વીજપુરવઠો કાપી નાખતાં એ લોકો અદ્રશ્ય થઇ ગયા.

ટીકૈતે કહ્યું કે અમારું આંદોલન તો ચાલુ રહેશે. લાલ કિલ્લા પર જે થયું અને જેમણે કર્યું તેમની સામે કાયદેસર કાર્યવાહી થવી જોઇએ. અમે એમની સાથે નથી. ટ્રેક્ટર રેલીનો જે રુટ નક્કી થયો હતો એના પર પોલીસે જવા ન દીધા એટલે ખેડૂતોએ બીજો માર્ગ પસંદ કર્યો હતો.

ખેડૂત નેતા ભીમ સિંઘે આંદોલન છોડ્યું એ વિશે બોલતાં ટીકૈતે કહ્યું કે એમનો નિર્ણય કમનસીબ છે.

વાસ્તવમાં પ્રજાસત્તાક દિનની હિંસા પછી કેટલાક ખેડૂત સંઘો આંદોલન છોડી રહ્યા હતા. ખાસ કરીને ચીલ્લા બોર્ડર પર આંદોલન કરી રહેલા ભારતીય કિસાન યુનિયન (ભાનુ)એ આંદોલન પૂરું કરવાની જાહેરાત કરી હતી. મજદૂર કિસાન યુનિયને પણ આંદોલનથી અલગ થવાનો નિર્ણય જાહેર કર્યો હતો. ત્યારબાદ પોલીસે ચીલ્લા સરહદેથી બેરિકેડ હટાવી લીધા હતા.