×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સીસીટીવી દ્વારા તોફાનીઓને ઓળખવાના પ્રયાસો, દિલ્હી પોલીસે 15થી વધુ FIR નોંધી


- 150થી વધુ પોલીસને નાની મોટી ઇજા થઇ

નવી દિલ્હી તા.27 જાન્યુઆરી 2021 બુધવાર

પ્રજાસત્તાક દિને ટ્રેક્ટર રેલી કાઢવાના બહાને દિલ્હીમાં કહેવાતા ખેડૂતોએ આચરેલી હિંસા અને આગજનીમાં સંડોવાયેલા તોફાનીઓને ઓળખવા દિલ્હી પોલીસ સીસીટીવી પર તપાસ કરી રહી હતી.

ટ્રેક્ટર રેલીમાં ઘોડેસવાર પંજાબીઓ તલવાર અને લોખંડના સળિયા સાથે દેખાયા હતા અને ઠેર ઠેર હિંસા આચરી રહ્યા હતા. અગાઉથી આયોજન કર્યું હોય એ રીતે જુદા જુદા આઠથી નવ સ્થળે તોફાનીઓએ હિંસા આચરી હતી. એક સ્થળે પોલીસને ટ્રેક્ટર તળે કચડી નાખવાનો પ્રયાસ થયો હતો તો બીજા સ્થળે મહિલા પોલીસને માર મારવામાં આવ્યો હતો. એક સ્થળે પોલીસ પર તલવારથી હુમલો કરવાનો પ્રયાસ થયો હતો. ઐતિહાસિક લાલ કિલ્લામાં ઘુસી જઇને તોફાનીઓએ ભારતીય રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું હતું અને તોડફોડ કરી હતી. અન્યત્ર ટ્રેક્ટરને ગોળાકારે ઝડપભેર દોડાવીને બેરિકેડ તોડી પાડવામાં આવી હતી તો પોલીસ પર પથ્થરમારો અને લોખંડના સળિયાથી પ્રહારો કરાયા હતા. અન્ય એક સ્થળે દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસો પર હુમલો કરીને બસોની બારીના કાચ તોડી નાખવામાં આવ્યા હતા તો કેટલીક બસોમાં સીટ ફાડી નાખવામાં આવી હતી.

આ આખુંય દ્રશ્ય એવું હતું જાણે અગાઉથી હિંસક તોફાનોનું આયેાજન કરાયું હોય. હિંસાખોરો વિવિધ હથિયારોથી સજ્જ હતા ખેડૂત નેતાઓએ ટ્રેક્ટર રેલી શાંતિપૂર્ણ રહેશે એવી મૌખિક ખાતરી ઉચ્ચારી હતી એટલે પોલીસ પાસે લાઠીઓ સિવાય કોઇ શસ્ત્ર નહોતાં. એનો લાભ હિંસક તોફાનીઓએ લીધો હતો અને પોલીસ પર ઠેર ઠેર હુમલા કર્યા હતા. વાતાવરણ તંગ બની જતાં સ્થાનિક વહીવટી તંત્રે ઇન્ટરનેટ અને એસએમએસ સેવા બંધ કરી દીધી હતી. હવે પોલીસ ઠેર ઠેર ગોઠવાયેલા સીસીટીવી દ્વારા હુમલાખોરોની ઓળખ કરવાની કોશિશમાં વ્યસ્ત રહી હતી. દુનિયાભરમાં પ્રજાસત્તાક દિને ભારતને હીણું દેખાડવું હોય એવું આ તોફાન હતું એમ કહી શકાય.