×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પૈસો પૈસાને ખેંચે : કોરોના વર્ષમાં દેશના 100 ધનપતિઓની સંપત્તિ 13 લાખ કરોડ વધી!


(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 25 જાન્યુઆરી, 2021, સોમવાર

માર્ચ 2019થી લઈને વર્ષના અંત સુધીમાં દેશના ટોચના 100 અબજોપતિની કુલ સંપતી 12,97,822 કરોડ વધી છે. દેશમાં ભલે સૌનો સાથ સૌનો વિકાસ સુત્ર હોય, પણ વાસ્તવિક સ્થિતિ સાવ વિપરિત છે. આ સ્થિતિ ઓક્સફામના રિપોર્ટ ધ ઈનઈક્વાલિટિ વાઈરસ નામના રિપોર્ટમાં રજૂ થઈ હતી. એ પ્રમાણે કોરોનાકાળમાં ભારતના અને જગતના ધનપતિઓની સંપતિમાં ખાસ ઘટાડો થયો નથી.

ભારતના ધનપતિઓ જેટલી રકમ એક વર્ષમાં કમાણા એટલી રકમ દેશના ગરીબી રેખા હેઠળના 13.8 કરોડ લોકોને વહેંચાય તો દરેકના ભાગે 94 હજારથી વધારે રકમ આવે. સામાન્ય કામદાર દસ હજાર વર્ષ મહેનત કરે ત્યારે 90 કરોડ કમાઈ શકે, એટલી કમાણી મુકેશ અંબાણીએ દર કલાકે નોંધાવી હતી. દાવોસમાં આરંભાઈ રહેલા ઈકોનોમિક ડાઈલોગના પ્રથમ દિવસે આ રિપોર્ટ રજૂ કરાયો હતો.

કોરોનાવાઈરસે સર્જી એ  જગતે 1930 પછી જોયેલી સૌથી  મોટી મંદી છે. ભારતે લોકડાઉન લાગુ કર્યુ પછી એપ્રિલમાં જ દર કલાકે 1.70 લાખ લોકોએ નોકરી ગુમાવી હતી. તો એપ્રિલમાં કુલ 1.7 કરોડ મહિલાઓએ નોકરી ગુમાવી હતી અને મહિલા બેકારીનું પ્રમાણ 15 ટકા ઉંચકાયુ હતુ. 

તેની સામે ભારતના ધનપતિઓની કુલ સંપત્તિમાં 35 ટકાનો વધારો નોંધાયો છે. આરોગ્ય પાછળ ખર્ચો કરવામાં ભારત જગતનો ચોથો સૌથી પછાત દેશ છે. એટલ કોરોના શરૂ થયો ત્યારે ભારતની ખોખલી આરોગ્ય સિસ્ટમના છીંડા સામે આવ્યા હતા.

આખા વિશ્વ માટે રસી ખરીદી શકાય એટલી જગતના ધનપતિઓની કમાણી

આખા વિશ્વના ટોપ-10 ધનપતિ કોરોના વર્ષમાં 540 અબજ ડૉલર કમાયા છે. આ રકમ વડે આખા વિશ્વ માટે કોરોનાની રસી ખરીદી શકાય. ધનપતિઓની સમગ્ર કમાણીનો આંક તો બહુ ઊંચો થાય છે, આ માત્ર એક વર્ષની વાત છે. 

એકલા એમેઝોનના બેઝોસની જ વાત કરીએ તો એ જેટલું સપ્ટેમ્બર 2020માં કમાણા તેનાથી પોતાની કંપનીના પોણા  નવ લાખ કર્મચારીઓને રસી આપી શકે. એ ઉપરાંત 1 લાખ ડૉલરથી વધારેનું બોનસ વહેંચી શકે. તો પણ તેની પાસે એટલી સંપત્તિ રહે જેટલી માર્ચ 2019 પહેલા હતી.