×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભાષણ વખતે 'જય શ્રીરામ', 'ભારત માતા કી જય'ના સૂત્રોચ્ચારથી મમતા લાલઘૂમ


દેશની સંપ્રભૂતાને પડકારવાનો પ્રયાસ કરનારાઓને એલએસીથી એલઓસી સુધી જડબાતોડ જવાબ અપાય છે : વડાપ્રધાન મોદી

(પીટીઆઈ) કોલકાતા, તા. 23 જાન્યુઆરી, 2021, શનિવાર

પશ્ચિમ બંગાળમાં માર્ચ-એપ્રિલમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મ જયંતિની ઊજવણીના કાર્યક્રમમાં પહેલી વખત વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી મમતા બેનરજી એક જ મંચ પર આવ્યા હતા.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી મમતા બેનરજી સામે સૂત્રોચ્ચાર થતાં મોદીની હાજરીમાં જ તેઓ વિફર્યા હતા. તેમણે કહ્યું કે કાર્યક્રમ માટે આમંત્રણ આપીને બોલાવ્યા પછી મારૂં અપમાન કરવું યોગ્ય નથી. આ રાજકીય કાર્યક્રમ નથી. સરકારી કાર્યક્રમની ડિગ્નીટી હોવી જોઈએ. આટલું બોલ્યા પછી તેમણે ભાષણ આપવાનો ઈનકાર કરી દીધો હતો અને બેસી ગયા હતા. 

અગાઉ રાજ્યમાં પીએમ મોદીના આગમન પહેલાં શક્તિપ્રદર્શન કરતાં મમતા બેનરજીએ કોલકાતામાં જંગી રેલી યોજી હતી, જેમાં તેમણે વડાપ્રધાન પર ટોણો મારતા હોય તેમ કહ્યું હતું કે, 'પરાક્રમ' કોને કહેવાય તે મને નથી ખબર? નેતાજી તો દેશપ્રેમી હતા.

પશ્ચિમ બંગાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતાના વિક્ટોરિયલ મેમોરિયલમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જયંતીની ઊજવણી સાથે ભાજપના ચૂંટણી અભિયાનનું બ્યુગલ ફૂક્યું હતું.

જોકે, આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી અને તૃણમૂલ કોંગ્રેસના વડા તથા મુખ્યમંત્રી મમતા બેનરજી એક જ મંચ પર હોવાથી ચકમક ઝરશે તેવી આશંકા હતી. આ કાર્યક્રમમાં મમતા બેનરજી સંબોધન કરવા ઊભા થયા ત્યારે 'જય શ્રી રામ' અને 'ભારત માતા કી જય'ના સૂત્રોચ્ચાર થતાં મુખ્યમંત્રી વિફર્યા હતા. 

મંચ પર વડાપ્રધાન મોદીની હાજરીમાં જ મમતા બેનરજીએ કહ્યું કે મને અહીં બોલાવીને મારૂં અપમાન ન કરશો. આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી. સરકારી કાર્યક્રમની ડિગ્નીટી હોવી જોઈએ. હું કંઈ જ કહેવા માગતી નથી. જય હિંદ, જય બાંગ્લા. આટલું બોલીને મમતા બેનરજી બેસી ગયા હતા.

જોકે, આ બાબતથી જરા પણ પ્રભાવિત થયા વિના વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રીને બહેન મમતા કહીને તેમનું સંબોધન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે, આજનું ભારત નેતાજી સુભાષ ચંદ્ર બોઝના પદચિહ્નો પર ચાલી રહ્યું છે. ભારત મજબૂત અને શક્તિશાળી હોય તેવું નેતાજીનું સ્વપ્ન હતું.

આજે ચીન સરહદે એલએસીથી પાકિસ્તાનની સરહદે એલઓસી સુધી ભારત નેતાજીના પગલાંને અનુસરી રહ્યું છે. આજે ભારતની સંપ્રભૂતાને પડકારવાનો પ્રયાસ કરનારાઓને દેશ જડબાતોડ જવાબ આપી રહ્યો છે અને દુનિયા ભારતના આ અવતારને જોઈ રહી છે. નેતાજીએ એક વખત કહ્યું હતું કે, આઝાદ ભારતની આશા ગુમાવશો નહીં. એ જ રીતે ભારતને આત્મનિર્ભર બનતાં કોઈ અટકાવી શકશે નહીં. 

આજે ભારતને દેશમાં જ ઉત્પાદિત કોરોના રસીઓ મારફત અન્ય દેશોને મદદ કરતાં જોઈને નેતાજી ખૂબ જ ગૌરવ અનુભવતા હોત. તેમણે ઉમેર્યું કે દેશે આજના દિવસને (23મી જાન્યુઆરીને) 'પરાક્રમ દિવસ' તરીકે ઊજવવાનો નિર્ણય કર્યો છે.

અગાઉ વડાપ્રધાન મોદીના બંગાળમાં આગમન પહેલાં શક્તિપ્રદર્શન કરતાં હોય તેમ તૃણમૂલ કોંગ્રેસના વડાં મમતા બેનરજીએ કોલકાતામાં 7 કિ.મી. લાંબી માર્ચની શરૂઆત કરી હતી. વડાપ્રધાન મોદીને ટોણો મારતા હોય તેમ મમતાએ કહ્યું હતું કે, 'પરાક્રમ' શબ્દને હું નથી ઓળખતી? નેતાજી તો 'દેશપ્રેમી' હતા. નેતાજી એક દર્શન છે... એક ભાવના છે... તેઓ ધર્મોની એકતામાં વિશ્વાસ રાખતા હતા. કેટલાક લોકોને ચૂંટણી પહેલાં જ નેતાજીની યાદ આવે છે.

અંગ્રેજોના શાસનમાં કોલકાતા રાજધાની હતી : તૃણમૂલ

દેશમાં રોટેશનના આધારે ચાર રાજધાની હોવી જોઈએ : મમતા

કોલકાતા, તા.23

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ શનિવારે જણાવ્યું હતુ ંકે, ભારતમાં રોટેશનના આધારે ચાર રાજધાની હોવી જોઈએ અને દેશમાં વિવિધ સૃથળો પર સંસદીય સત્ર યોજાવું જોઈએ. બ્રિટિશ યુગમાં કોલકાતા દેશની રાજધાની હતી. આપણા દેશમાં એક જ રાજધાની શા માટે છે? મારૂં માનવું છે કે દેશમાં રોટેશનના આધારે ચાર રાજધાની હોવી જોઈએ. 

દેશમાં સંસદનું સત્ર પણ અલગ અલગ જગ્યાએ યોજાવું જોઈએ. આપણે આપણો કન્સેપ્ટ બદલવો જોઈએ. નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મ જયંતી ઊજવતાં મમતા બેનરજીએ આજના દિવસને 'દેશનાયક દિવસ' તરીકે ઊજવવા હાકલ કરી હતી.

મમતા વિરૂદ્ધ સૂત્રોચ્ચારથી સાંસદ નૂસરત જહાં ખફા

ભગવાન રામનું નામ ગળે મળીને બોલો, ગળું દબાવીને નહીં : નૂસરત

નેતાજી સુભાષચંદ્ર બોઝના 125મી જન્મજયંતી કાર્યક્રમમાં બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સામે 'જય શ્રી રામ', 'ભારત માતા કી જય'નો સૂત્રોચ્ચાર થતાં તૃણમૂલ કોંગ્રેસે નારાજગી વ્યક્ત કરી હતી. તૃણમૂલ કોંગ્રેસનાં સાંસદ નૂસરત જહાંએ  ટ્વીટ કરીને જણાવ્યું કે રામનું નામ ગળે લગાવીને બોલો, ગળું દબાવીને નહીં.

હું સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષચંદ્ર  બોઝની 125મી જયંતી સમારંભમાં રાજકીય અને ધાર્મિક સૂત્રોચ્ચારની આકરી ટીકા કરૂં છું. તેમણે ઉમેર્યું આ એક સરકારી કાર્યક્રમ હતો. નેતાજી એવા નેતા હતા, જેમણે બંગાળને ઉત્પીડન વિરૂદ્ધ લડવાનું શીખવ્યું હતું. ભારતીય સ્વતંત્રતા આંદોલનમાં તેમનું યોગદાન દરેક ભારતીયના મનમાં રહેશે. દેશ નાયક દિવસ પર બંગાળ મહાન નેતાજીને નમન કરે છે.