ધૈર્યની ધજા

Celebrating heritage and connecting communities with rich stories and impactful journalism.

Banner Image

“જિંદગી તો સુંદર અને સીધી સટ હતી,

ઈચ્છાની પરિપૂર્તિની તેમાં ખટપટ હતી.”

          હા, ખરેખર જિંદગી તો શાંત વહેતી સરિતા છે પરંતુ આપણી અધીરતા એને તણાવભરી બનાવી દે છે. તણાવ દેખાતો નથી પરંતુ ‘કોરોના’ જેવો છે. તનથી અને મનથી માનવીને પરેશાન કરવામાં સફળ રહે છે. ગુજરાતીમાં કહેવત છે કે ધીરજના ફળ મીઠાં. શું આપણાંમાં ધીરજ છે ખરી? 

          અભ્યાસ કરતાં વિદ્યાર્થીને વેકેશનની અધીરતા હોય છે!

          નોકરી કરવાં ગયેલી વ્યક્તિને પાછાં ઘરે જવાની અધીરતા હોય છે!

          પરીક્ષાર્થીઓને પરિણામની અધીરતા હોય છે!

          આમ, અવિરત અધીર બનેલું મન  વર્તમાનને માણવાની મૌસમ ચૂકી જાય છે. કાલ્પનિક ભવિષ્યનાં સપનામાં વર્તમાન ઢંકાઈ જાય છે. 

          દરેક વસ્તુનો સમય હોય છે. ધીરજનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ પ્રકૃતિ છે. હાથીનું બચ્ચું પૃથ્વી પર આવતાં પહેલાં માતાનાં ગર્ભમાં ૧૮ થી ૨૨ મહિના રહે છે. ખેતરોને ધાન્યથી છલકાતાં  બાર મહિના જેટલો આશરે સમય થાય છે. કેરીના ફળને પાકતા પણ સમય લાગે છે. સંબંધોને મહેકવા માટે પણ સમય જોઈએ કે નહીં? વેકેશનમાં ધીંગામસ્તી કરતાં બાળકોને પરિપક્વ મિત્રતાનો પ્રસાદ મળતાં વર્ષો નીકળી જાય છે. 

          આજનાં માનવીને બધું જ ઝટપટ જોઈએ છે. આ ઝટપટની  ખટપટમાં માનવીનું માનસિક સમતુલન ખોરવાતું જાય છે. ફાસ્ટ ટ્રેકમાં દોડતો માનવી ભૂલી જાય છે કે ફાસ્ટ ટ્રેકમાં અકસ્માત વધુ થાય છે. બોલવામાં પણ આપણે ધીરજ ગુમાવી ચૂક્યા છીએ. બસ, એક ઘા અને બે કટકા. મેગીમાં મૃગ્ધ બનેલાં માનવીને માટલા ઊંધિયાનાં આસ્વાદનો ખ્યાલ જ નથી! માઈક્રોવેવમાં બે મિનિટમાં થતી ચટપટી વાનગીઓ સ્વાસ્થ્ય બગાડે છે તે વાતથી શું આપણે અજાણ છીએ? સમય આવી ગયો છે  Slowdown થવાનો. આપણે ધીરજને જીવનનું અવિભાજય અંગ બનાવવું જ પડશે. કોઈપણ સમયે, સ્થળે કે ઘટના સમયે આપણે અંદરથી વિચારોને ધીમા પાડવા પડશે.

          કોઈપણ ક્રિયામાં ઝડપ પ્રવેશે એટલે મઝામાંથી સજા બનતાં વાર ન લાગે. આપણે એ ભૂલવું ન જોઈએ કે  તમામ ક્રિયાઓ આપણે આંતરિક ખુશી તથા શાંતિ માટે કરીએ છીએ. ધૈય ગુમાવવું આપણને પોસાય તેમ નથી. દરેક ક્રિયા – પ્રતિક્રિયા સમય લે છે. Enjoy as it is.

          ડૉક્ટર આલાપ ત્રિવેદીના  શબ્દોમાં,

          Patience is inversely proportional to anxiety. 

          ધીરજ વધે તો ચિંતા ઘટે અને ધીરજ ખૂટે તો ચિંતા વધે.

          ખાસ કરીને બાળકો, વૃદ્ધો, માંદી વ્યક્તિ જોડે ખૂબ ધીરજથી કામ લેવું પડે. બાળકને કેળવણી આપનાર શિક્ષક તો ધૈર્યની ગંગા જેવા હોવા જોઈએ કારણકે દરેક બાળકની સમજણશક્તિ અલગ અલગ હોય છે. બાળ ઉછેર, બાગકામ, ખેતીકામ, વ્યસનમુક્તિ, રોગનિવારણ, પ્રભુભક્તિ આ તમામ ક્ષેત્રોમાં ધૈર્ય જરૂરી છે. શરીર ઉતારવાં કે શરીર બનાવવાં રાતદિવસ પરસેવો પાડી ધીરજ રાખવી પડે છે.

          સંબંધોનાં તાણાવાણામાં જો ધીરજ હોય તો જ સ્નેહનાં સરવાળા અને શાંતિનાં ગુણાકાર થાય.

          આપણે તો જિંદગીને બહુ જ ગંભીરતાથી લઈ લીધી છે. હળવી ક્ષણોને માણી શકતા નથી કે હળવા ફૂલ બની જીવી શકતા નથી! એક જ જિંદગી મળી છે બધું કરી લઉં તેવો ઈચ્છાઓનો પહાડ આપણી સાથે સાથે ચાલે છે. બધું જ એક સામટું કે એક જ સમયે શક્ય ન હોય એ વાત સ્વીકારવા આપણે તૈયાર નથી. બાળકની જેમ હળવા ફૂલ થઈને જીવવાની મજા કંઈક ઓર છે.     

     જિંદગીનો આટલો બધો ભાર લઈને આપણે ધીરજ કેવી રીતે રાખી શકીશું? જીવન તરફનો દ્રષ્ટિકોણ બદલવાનો સમય આવી ગયો લાગે છે ને? રાતો રાત કંઈ જ થવાનું નથી. તો શું કરવાથી આપણને ધીરજ પ્રાપ્ત થશે? ઈચ્છાઓ અનલિમિટેડ છે.

         હવે take it easy policy જરૂરી છે. એટલે કે દરેક બાબત હળવાશથી લેવી.

          જે છે તેનો સ્વીકાર કરવો જોઈએ. 

સ્વભાવને નવેસરથી કેળવવો પડશે. એ માટે પ્રેક્ટિસ પણ કરવી પડશે. હું ધૈર્ય નહીં ગુમાવું તેવો નિર્ણય લેવો અને તેનું વારંવાર રટણ કરવાથી તેનો અમલ શક્ય બનશે. Try and try ફોર્મ્યુલા અમલમાં મૂકવાથી આપણે મંઝિલ સુધી પહોંચી શકીશું.

          આત્મવિશ્વાસનું અજવાળું જીવનમાં જરૂરી છે.

          બીજાંને સાંભળવાની શક્તિ પણ અગત્યની છે. 

જે સુધારી નથી શકાતું તેમાંથી બહાર નીકળી જવું માનસિક સ્વાસ્થ્ય માટે અગત્યનું છે. જે વિચારથી ગુસ્સો આવતો હોય તે વિચારને દૂર જ રાખવો. 

        વધુ ને વધુ કુદરતને જોવાથી, માણવાથી માનસિક બદલાવ આવે છે.

  સાથે સાથે બીજાના વિચારો પણ જાણવાં જોઈએ.

ખૂબ વાંચન ધીરજ કેળવવામાં મદદ કરે છે.

  આપણે દરેક કાર્યના ઝડપી પરિણામની અપેક્ષા છોડી દેવી પડશે.

સોબત એવી અસર. એટલે શાંત મગજવાળા અને ધૈર્યવાન માણસોનાં સંપર્કમાં રહેવાથી અઘરી પરીક્ષા કેવી રીતે પાસ કરવી તેનું માર્ગદર્શન મળે છે.

     આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે વધુ પડતી લાગણીશીલતા દુઃખી કરે છે. તેથી લાગણીની સાથે સાથે વાસ્તવિકતાનો સ્વીકાર જરૂરી બની જાય છે.

          હઠીલા રોગોને હરાવવા માટે આયુર્વેદિક દવાઓનો ઉપયોગ શરૂ થાય છે. એ દવાના પરિણામ મેળવવા માટે ધીરજ જરૂરી છે. એ આડઅસર વગરની દવા રાતોરાત પરિણામ ન આપે. એ માટે ધીરજ ધરવી જ પડે.

          સ્ત્રીઓ આભૂષણની શોખીન હોય છે અને તેમનાંમાં આ ધીરજનું આભૂષણ થોડું વધારે જોવા મળે છે. ત્યારે તો નવ મહિના બાળકનાં આગમનની તે ધીરજથી રાહ જુએ છે.

          મંદ વહેતા સમીરમાં અને વાવાઝોડોમાં તફાવત ખરો કે નહીં?

          ધીર ગંભીર વહેતી સરિતા અને ધસમસતા ધોધમાં તફાવત ખરો કે નહીં?

          શાંત સિતારવાદન અને ધબકતા ઢોલમાં તફાવત ખરો કે નહીં?

          ટૂંકમાં જેનાં આંગણામાં ધૈર્યની ધજા લહેરાતી હોય ત્યાં સ્નેહ, શાંતિ, સમજણ અને સમર્પણના સાથિયા પુરાય છે. જીવનનાં છોડ ઉપર ધીરજનું પર્ફ્યુમ છાંટીશું તો જ શાંતિની સુગંધ પ્રસરશે. નહીં તો અશાંતિનો અજગર ભરડો લઇને માનસિક સ્વાસ્થ્યને ડામાડોળ કરી નાંખશે. જીવનમાં તણાવ વગર માછલીની જેમ હલકા ફૂલ થઇ જીવવું હોય તો આજથી જ આપણે નિશ્ચય કરીએ કે કોઇપણ પરિસ્થિતિમાં આપણે ધીરજ ગુમાવીશુ નહીં. સ્વસ્થ ચિત્તે વિચલિત થયાં વિના વિજય મેળવીશું. બરાબર ને?અલકા ત્રિવેદી

Share: