કોણ જાણે કેમ પણ આજે જેમ જેમ એ ઘર નજીક આવતું ગયું એમ કેટકેટલી યાદો તાજી થઈ ! કેટલીક વરસાદમાં ફૂટી નીકળેલી લીલીછમ કૂંપળ જેવી તો કેટલીક પાણી વગર ટકી ગયેલા થોર જેવી. કેટલીક ચોમાસાની સીઝનમાં ઊગી આવેલા બિલાડીના ટોપ જેવી જે દૂરથી જોવાની આવે ત્યાં સુધી ઠીક, બાકી દૂરથી ડુંગરા રળિયામણા જેવી.
ગઈ કાલે માહિમનો ફોન આવ્યો હતો.
“અનુ, કાલે સવિતામાસી સાથે વાત થઈ. મમ્મીને ઠીક નથી લાગતું એવું કહેતા હતા. પ્લીઝ, જરા મમ્મીને જોઈ આવીશ?”
માહિમના મમ્મી એટલે અનુના કાકી.
માહિમ અને અનુ, સંયુક્ત પરિવારમાં એક સાથે ઉછરેલા ભાઈ-બહેન. અનુ નાની હતી ત્યારે જ એના પપ્પાનું અવસાન થયું હતું.
પપ્પાના ગયા પછી કાકાએ ઘર-પરિવાર અને બંને ભાઈઓએ વિકસાવેલો બહોળો બિઝનેસ સંભાળી લીધો હતો. વળી મમ્મી તો હતી જ. અનુનું બાળપણ કોઈ અભાવ વગર પસાર થતું રહ્યું.
અને હવે મમ્મી પણ આમ અચાનક ?
બાળપણ વટાવીને કિશોરાવસ્થામાં પ્રવેશતી અનુની એ ઉંમરે મમ્મીના અવસાને ભયાનક સન્નાટો સર્જ્યો હતો. ઉંમરની સાથે બદલાતી શારીરિક-માનસિક અવસ્થા સંભાળનાર મા જ રહી નહીં. નાનપણથી અનુને મમ્મી સાથે અને મમ્મીને અનુ સાથે અતથીઈતિ વાત કરવાની ટેવ. મમ્મી એની બેસ્ટ ફ્રેન્ડ. અચાનક એ બેસ્ટ ફ્રેન્ડનું ચાલ્યા જવું અને તે પણ અનુને કહ્યા વગર?
મમ્મી ગુજરી ગયા પછી કાકીએ જ તો માહિમ કરતાં વધુ હેતથી અનુને ઉછેરી.
અનુના સ્કૂલેથી પાછા આવવાના સમયે જો મમ્મીને ક્યાંક જવાનું હોય તો સવારથી અનુને કહી રાખતી. કદાચે જો કહેવાનું રહી ગયું તો અનુ આખું ઘર માથે લેતી. ત્યારે કાકી એના ટૅન્ટ્રમ્ સાચવી લેતા. આ વખતે મમ્મી ગઈ જ્યાંથી ક્યારેય પાછી આવવાની જ નથી એ વાત સમજતા, સ્વીકારતા અને સહજ થતા અનુને ઘણો સમય લાગ્યો. અનુના ટૅન્ટ્રમ કાકીએ ખૂબ પ્રેમથી સાચવી લીધા. કોઈ ખીલતી કળીની માળી જે રીતે માવજત કરે એમ કાકીએ અનુની નજાકતભરી માવજત કરી.
મમ્મી સાથે દરેક વાત કરતી અનુ કાકી સાથે એટલી સહજ થઈ શકતી નહોતી ત્યારે કાકીએ અનુ સાથે પોતાની અંગત સખી હોય એવી રીતે વાત કરવા માંડી.
“ખબર છે અનુ, પહેલાં તો હું પણ આમ તારી જેમ જ સ્લીવલેસ ડ્રેસ પહેરતી હતી. તારી મમ્મી અને તારા કાકા મને જોવા આવ્યા ત્યારે સાડી તો પહેરી હતી પણ સ્લીવવાળો બ્લાઉઝ ક્યાંથી લાવું? કાકાએ તારી મમ્મીની સાદગી જોઈ હશે એટલે શિફૉનની સાડી અને સ્લીવલેસ બ્લાઉઝ પહેરેલી તારી ફેન્સી કાકીને જોઈને જરા નવાઈ પામી ગયા.”
“પછી …? અનુને રસ પડ્યો.
“પછી શું, તારી મમ્મીએ સમજાવ્યા કે બધા એમની જેમ મીરાંબાઈ ન હોય. આમ પણ કાકાને હું ગમી તો ગઈ જ હતી એટલે મમ્મી લી્લીઝંડી ફરકાવે એટલી જ વાર હતી. પછી તો ચટ મંગની ને પટ બ્યાહ.”
કાકીની વાત સાચી હતી. મમ્મી સાવ સાદી અને કાકીને દુનિયાભરનો શોખ. કાકાનો હરખ અને કાકીના શોખ પૂરા કરવા મમ્મી હંમેશા લીલીઝંડી ફરકાવતી રહી. મમ્મી કાકીને નાની બહેનની જેમ સાચવતી એવું તો કાકીએ અનુને સો વાર કહ્યું હશે.
પપ્પા ગયા પછી મમ્મીને બહાર જવામાં ઝાઝો રસ રહ્યો નહોતો. અનુ અને માહિમ લઈને મમ્મી ઘેર રહેતી ને કાકા-કાકીને ક્યારેય પણ, ક્યાંય પણ જવું હોય તો મોકળાશ આપતી.
કાકીની સ્મરણશક્તિ ખૂબ તેજ હતી. દસ દિવસ બહાર ફરીને આવ્યા પછી દરેક દિવસની, દરેક જગ્યાએ પસાર કરેલી ક્ષણની જે રીતે વાત કરે ત્યારે આંખ સામે એનું ચિત્ર ઊભું થઈ જતું. એ કાકીની યાદશક્તિ હમણાંથી ક્ષીણ થવા માંડી.
અનુના લગ્ન, માહિમ અમેરિકા ગયો ત્યાં સુધી કાકી બરાબર હતા.
કાકા-કાકી બંને જણ પહેલાંની જેમ હરશે ફરશે, સમય મળ્યે અનુને મળવા મુંબઈ અને માહિમને મળવા અમેરિકા જશે, દિવસમાં એકવાર અનુ સાથે ફોન પર અતથીઈતિ વાત કરશે એવું અનુ અને માહિમે પ્રોમિસ લીધું હતું એ નિયમ બે વર્ષ સુધી જળવાયો ને અચાનક કાકા ચાલ્યા ગયા.
અનુ અને માહિમ દોડી આવ્યા. હંમેશા નવા ટ્રેન્ડની સાડી, સ્લીવલેસ બ્લાઉઝ અને નાની અમસ્તી પણ એને મેચિંગ જ્વેલરીમાં જોયેલા કાકીને મમ્મીને જેમ સાદી સફેદ સાડીમાં જોઈને અનુ સ્તબ્ધ.
બંનેના આગ્રહ છતાં કાકીએ અહીં એકલા જ રહેવાનું પસંદ કર્યું. વર્ષોથી ઘર સંભાળતા સવિતામાસી તો હતા એટલે નાછૂટકે એ વિકલ્પ સ્વીકારીને અનુ અને માહિમ પાછા ફર્યા.
ધક્કો મારી મારીને દિવસો પસાર થતા. હવે કાકીના ફોનની રાહ જોવાના બદલે અનુ અને માહિમ જ ફોન કરી દેતા.
અતથીઈતિની વાત કરતા કાકી વાત કરતાં કરતાં ચૂપ થઈ જતા. બેચાર વાર પૂછ્યા પછી કંઈક યાદ આવ્યું હોય એમ વાત આગળ વધારતા તો ક્યારેક વાતની ગાડી એક પાટેથી બીજા પાટે ચઢી જતી.
પહેલાં તો અનુને લાગ્યું કે કાકાની ગેરહાજરીમાં કાકી ઢીલા પડ્યા હશે. ક્યારેક કાકીના બદલે સવિતામાસી ફોન પર આવતા.
“અનુ, તારા કાકા વગર કાકી બહુ સોરાય છે, હોં.
“નથી ખાવામાં ચિત્ત કે નથી ના’વામાં. જમવા બોલાવું તો હમણાં તો ખાધું છે, વારે વારે શું છે? કહીને મારી પર અકળાય છે. કાલે કબાટ ખોલીને અડધો કલાક ઊભા રહ્યા, પણ કેમ કબાટ ખોલ્યું છે એ યાદ જ ન આવ્યું તોયે મારી પર અકળાઈ ગયા.”
આવું કંઈકને કંઈક અવારનવાર બનવા માંડ્યું. ફેમિલી ડૉક્ટર સાથે વાત કરી. અનુની ફરિયાદની સામે એક કારણ અને તારણ નીકળ્યું.
ડિમેન્શિયા.
તીવ્ર યાદશક્તિવાળા કાકીની યાદદાસ્ત ઓછી થતી જાય છે એ સાંભળીને અનુની વિચારશક્તિ બહેર મારી ગઈ હતી.
બીજી સવારે ફ્લાઇટ્માં મુંબઈથી અમદાવાદ પહોંચતા સુધીમાં કાકીની કેટલીય વાતો યાદ આવતી હતી.
“ખબર છે અનુ? તારા કાકા મારા માટે શું લાવતા?”
‘ખબર છે’ એ કાકીની તકિયાકલમ.
“મને ‘CTF’ ની સેન્ડવિચ અને અશર્ફીની મલાઈ કુલ્ફી બહુ ભાવે એટલે કોઈ વાર હું એમની પર ગુસ્સે થઉં તો એ ઘરમાંથી ગાયબ થઈ જાય ને અડધા કલાકમાં તો CTF’ ની સેન્ડવિચ અને અશર્ફીની મલાઈ કુલ્ફી લઈને હાજર.”
“તારા કાકાને ખુલ્લા વાળ રાખું એવું ગમે. પહેલાં તો મને પણ ગમતું. હવે જોને આ ચાર વાળ રહ્યા છે એ ખુલ્લા રાખું તો કેવું લાગે?”
કાકીની વાત સાચી હતી. કાકી સુંદર હતા. કાળા લાંબા વાળ એમની સુંદરતામાં ઉમેરો કરતા. કાકા-કાકીના રૂમમાં બંનેનો એક સરસ ફોટો હતો.
કાકાએ બ્લેક શર્ટ પહેર્યુ હતું ને કાકીએ બ્લેક સાડી. ગળામાં ઝીણકાં મોતીની સેર ને ખુલ્લા વાળ નીચે ઢંકાઈ ગયેલા કાનમાંથી જરા અમસ્તા દેખાતા ટોપ્સ. કાકીના રૂમમાં પેસતા જ દૂર ટેબલ પર મૂકેલો ફોટો આજે કાકીના બેડસાઇડ ડ્રેસર પર હતો એ જોઈને અનુની આંખ ભીની થઈ.
પલંગમાં પડ્યા કાકી એક નજરે છત સામે તાકી રહ્યા હતા. કાકી ચંચળ હતા. વાતો કરતાં કરતાં સતત એમની આંખો, ડોક બધું જ રિધેમેટિકલી હલ્યા કરતું એ કાકીએ પાસે ઊભેલી અનુની હાજરી સુદ્ધાંની નોંધ ન લીધી.
“કાકી….”
કાકીએ અનુની સામે જોયું. એમની આંખનો શૂન્યાવકાશ જોઈને અનુ છળી ઊઠી.
“અનુ, ક્યારની એમને નહાવા જવા વિનવું છું. સાંભળવાની વાત દૂર સામે નથી જોતા. હું પચ્ચીસ વર્ષની હતી ત્યારની આવી છું, પચ્ચીસ વર્ષથી આ ઘરમાં છું. કોને શું જોઈશે કે કોને શું ગમશે એની રગેરગની ખબર છે, પણ અત્યારે એમને શું જઈશે કે શું ગમશે એની મને ગમ નથી પડતી.” સવિતામાસીની આંખની કોર ભીની હતી.
“કાકી, CTF ની સેન્ડવિચ અને અશર્ફીની કુલ્ફી ખાઈશું ને?”
અનુ સામે નજર કરી ત્યારે કાકીની આંખમાં ચમક હતી. અનુએ હાથ પકડીને કાકીને બેઠા કર્યા. આછા થઈ ગયેલા વાળની ચમક અકબંધ હતી. હાથથી જ અનુએ વાળ સરખા કરીને ક્લિપ ભરાવી.
“સવિતામાસી, ડૉક્ટરકાકાને મળીને કાકીની ટ્રીટમેન્ટ સમજી લઈશ. આ સોમવારની આપણાં ત્રણેની મુંબઈની ટિકિટ બુક કરાવું છું. ચાર દિવસમાં બધું આવરી તો લેવાશે ને?”
“અનુ, તું જે જવાબદારી લેવાની વાત કરે છે એ કેટલી કપરી છે એ જાણે તો છે ને? ડૉક્ટર કહેતા હતા કે ધીરેધીરે બધું જ અને કદાચ બધાંને ભૂલવા માંડશે. કાલ ઊઠીને એ તને ઓળખશે પણ નહીં.”
“કાકી મને નહીં ઓળખે,પણ હું તો કાકીને ઓળખું છું ને? કદાચ એ તમને, મને, માહિમને ભૂલી જશે, પણ એ મારી સવાઈ મા છે એ હું કેવી રીતે ભૂલું?
“અને તમે જેને જવાબદારી કહો છો એ એમની સાથેનો મારો જે સ્મૃતિસેતુ છે. એની પર હું એકલી જ નહીં, પણ એમની દરેક ભૂલાતી યાદને હાથ પકડીને પાર ઉતારતી જઈશ. કાકી કદાચ શબ્દો ભૂલી જશે, ચહેરા ભૂલી જશે, પણ સંબંધોનો સ્પર્શ ક્યાંક અંદર તો જીવંત જ રહેશે ને? હું એ સ્પર્શ બનીને એમની પાસે રહીશ.” અનુની આંખોમાં આંસુ નહોતા એક નિર્ણય હતો.
અનુએ કાકીની સામે વહાલથી જોયું. ક્ષણભર માટે એમની આંખમાં ચમક આવી જાણે વિસ્મૃતિના ઘોર અંધકારમાં કોઈ નાનકડી દીવાદાંડી પ્રગટી હોય.
ક્યાંક અંતરમાં કોઈ ઓળખીતી લાગણી હજી બાકી હતી. સવિતામાસી એક ટક બંનેને જોઈ રહ્યા. અહીં શબ્દોથી વધુ ઊંડો એક સંબંધ બોલતો હતો.
ઘરની બહાર સાંજ ઢળી રહી હતી, પણ અનુના મનમાં એક નવો દીવો પ્રગટ્યો હતો—સ્મૃતિઓનો, સંબંધનો અને અવિરત પ્રેમનો.
વાર્તાલેખનઃ રાજુલ કૌશિક