જાગૃત જીવન – મે ૨૦૨૬

Celebrating heritage and connecting communities with rich stories and impactful journalism.

Banner Image

જેમ જેમ સમાજમાં, સત્તામાં કે ધર્મતંત્રમાં આપની સ્વીકૃતિ વધે છે તેમ તેમ તમારી સમાજ પ્રત્યેની પ્રતિબધ્ધતા, તેમના માટેની સમજ અને સંવેદનશીલતા વધતી જાય છે. પરંતુ સાંપ્રત સમયમાં સામાજિક, રાજકીય કે સાંપ્રદાયિક અગ્રણીઓમાં આ પ્રતિબધ્ધતા અને સંવેદનશીલતાનો સદંતર અભાવ જોવા મળે છે. આ અગ્રણીઓ બેફામ બન્યા છે.  આમ માનવીને તુચ્છ માને છે. આ સર્વે સામાજિક પ્રતિષ્ઠાનો, કરદાતાઓના નાણાંનો અને ભક્તજનોના દાનનો દૂરઉપયોગ કરે છે. વિશ્વની બે શ્રેષ્ઠ લોકશાહી તંત્રના વડા બેફામ વાણીવિલાસના નીતનવા અપકીર્તિમાન પ્રસ્થાપિત કરી રહ્યા છે.

         એ લોકોને ભ્રમ છે કે તેઓ રોકડું પરખાવવામાં માહેર છે. આ ભ્રમણાને  નિર્દોષ જનસમુદાય અભિભૂત બની તેને સ્વીકારી લે છે. પછી ભલે તેમનો વાણી વિલાસ અસંગત હોય, અતાર્કિક હોય. સત્ય બોલવું અને આચરવું આવા અગ્રણીઓ માટે જોજનો દૂર હોય છે.

           સત્ય બોલવું અને તેનું આચરણ એ પ્રામાણિક્તા અને પારદર્શિતાનું પ્રમાણ છે. સત્ય હોય તે પણ પ્રિયકર હોવું અનિવાર્ય છે. પરંતુ આ જમાત કોઈપણ જાતની સમજ વગર શબ્દોનો વ્યભિચાર કરે છે. તર્કબધ્ધ સત્ય બોલનારની વાત હરકોઈ કાને ધરે છે. એક સર્વમાન્ય હકીકત એ છે કે સરેરાશ માનવીની એકાગ્રતા બે કે ત્રણ મિનિટથી વધુ હોતી નથી. આ સત્યથી જોજનો દૂર આ જમાતીઓ એકતરફી વણથંભ્યો લવારો કરતા રહે છે! પરિણામે પેલો સરેરાશ માનવી બીજા જ વિચારોમાં અટવાઈ જાય છે!

           ખરેખર તો વાકપટુતા એ શબ્દોના અર્થપૂર્ણ ઉપયોગ અને શબ્દલાઘવની કળા છે. વાતોની પૂણીને નિરંતર કાંત્યા કરવી અને જેનો છેડો જ ન લવાય, તેવા બોલ-વા નો ઉપાડો લેનાર આ જમાતીઓ સાંભળનારની ઇચ્છા, અનિચ્છા, ગમા કે અણગમા જોયા વિના શબ્દપ્રપાત કરતા જ રહે છે. સાંભળનારની કફોડી થતી માનસિકતા પર કરૂણા ઉપજાવે છે!

          પરંતુ, આપણે સરેરાશ માનવીએ, સત્યનું આચરણ, શબ્દોનું અર્થપૂર્ણ લાઘવ અને યોગ્ય સમયે, યોગ્ય સ્થળે ઉચ્ચારણ, જીવનયાત્રાને સફળ બનાવી જાય છે.

                               – કૌશિક અમીન.

Share: