મિત્રતા

Celebrating heritage and connecting communities with rich stories and impactful journalism.

Banner Image

                                      મિત્રતા

લેખક કલાપી પટેલ                                 7329680652

કુટુંબ દ્વારા તરછોડાયેલા ને ગૃહ ત્યાગ કરવા ફરજ પડાયેલા વૃદ્ધોને સપ્રેમ સમર્પિત

આજે ન જાણે કેમ પણ સવારથી વિનોદરાયનું મન બેચેન હતું. તેઓ રોજના કારણ વગરની, દીકરા હેમંત અને તેની પત્ની કિરણની, તકરારોથી કંટાળી ગયા હતા. એમને થતુ આની માઠી અસર તેમના પૌત્ર અનિકેત, જે માડ 6 વર્ષનો હતો તેના પર થઇ રહી હતી. એવું પણ  ન હતુ કે કિરણનામા સંસ્કાર ન હતા. વિનોદરાયે પોતે જ પુત્રવધુને જેમ માટલાને ટકોર મારીને  ચકાસીને ખરીદાય તે જ રીતે બધી તપાસ કરી કિરણનામાં રહેલી આવડત મળતાવડો સ્વભાવ તેમજ તેના કુટુંબની પશ્ચાદભૂમિકા વિશે સુધા તપાસ કરી હતી. હેમંત પહેલેથી જ સાધારણ બુદ્ધિ ધરાવતો હતો

તે જેમ તેમ કરી ગ્રેજ્યુએટ થયો. વિનોદરાય પોતે તો શેર બજારમાં ઘણું કમાયા  તેમણે એમ હતુ કે હેમંત ભણી પોતાનો શેર બજારનો ધંધો સંભાળી લેશે. પણ તેમનું આમ વિચારવું નિષ્ફળ રહયું. વિનોદરાયે ઘણાય પ્રયત્નો હેમંતને શેર બજારના ધંધાને સમજાવવા કર્યા પણ હેમંત તેમાં સફળ ન રહ્યો.  છેવટે વિનોદરાયે પોતાની લાગવગથી હેમંતને સરકારી નોકરી પર લગાડી દીધો

હેમંત વિનોદરાય અને સાધનાબેનનું  એક માત્ર બાળક હતુ. તે બહુ લાડકોડમાં ઉછરેલો હતો. તેના પરિણામ સ્વરૂપ હેમંત થોડોક બેપરવાહ હતો. તેને એમ જ કે પપ્પા છે જને . તેઓ બધુ કરે છે તો મારે કરવાની શું જરૂર. વિનોદરાય જયારે પણ હેમંતને ઠપકો કરી સમજાવવાનો પ્રયત્ન કરતા ત્યારે સાધનાબેન તેમને આમ કરતા રોકતા ને કહેતા 

“હેમંત હજુ નાનો છે મોટો થઇ બધું સમજી જશે”.

“તારા માટે તો તે હંમેશા નાનો જ રહેવાનો. તું તેના વાયણા લે છે માટે તે તેના બધા જ કાર્યમા ધ્યાન આપતો નથી. હું એનો દુશમન નથી. હું તેને સમજાવી સારી જગ્યા પર ઠરીઠામ કરવા માંગું છું”.

“સમય આવશે તે ઘડીએ કોઇને જાણ થયા વગર એ પોતાનુ કરી લેશે”.

વર્ષોથી પત્નીને  સમજાવતા હોવા છતાય વિનોદરાય ન તો પત્નીને હેમંતના આંધળા પ્રેમમાંથી છુટી કરી શક્યા કે ન તો હેમંતને, તેઓ પોતાના ધારેલા બીબામાં ગોઠવી શક્યા  વિનોદરાયને એનો વસવસો હંમેશાને માટે રહયો.

વિનોદરાય એક સ્વાવલંબી વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ હતા. તેમણે અત્યાર સુધીના જીવનમાં જે પણ કર્યું તે પોતાના બાહુબળ પર કર્યુ. કોલેજમાં પણ તેઓ પોતાના ખિસ્સા ખર્ચ માટેની જોગવાઇ  પોતાની જાતે કરી લેતા. તેમણે તેમના બાપુજી  પાસે કેયારેય ખીસ્સા ખર્ચ માટે હાથ લાંબો કર્યો ન હતો.તેઓ સમજતા કે મોંઘવારીના આ જમાનામાં ઘર ચલાવવું કાંઇ સરળ વાત ન હતી. તેમના બાપુજી કારકુનની નોકરી કરતા. તેમાં ઘર ખર્ચ વિનોદરાયની ફીને પહોંચી વળવા બાપુજી ને કરવા પડતી મહેનત તેમણે જોઇ હતી. તેથી તેમણે મનથી વિચારી લીધેલું કે પોતે નોકરીની જગ્યા પર કોઇ ધંધો શરું કરશે. કોલેજના છેલ્લા વર્ષમાં તેમણે  શેર બજારમાં પોતે બચાવેલી થોડીક મુડીનું રોકાણ કર્યું ને તેમા સફળ રહયા.

કોલેજ પત્યા બાદ વિનોદરાયે શેર બજારને પોતાના જીવનના લક્ષ્ય  સાધવાનું કેન્દ્ર સ્થાન આપ્યું  પોતાની આવડત, સાહસ અને ભણતરના બળ પર તેમણે સમાજમાં જોઇતુ સ્થાન ને મોભો મેળવ્યા તેઓ મુંબઇની ચાલીની એક નાનકડી ખોલડીમાંથી ધનાઢ્ય ગણાતા એવા ઘાટકોપરના ગરુડિયા નગર વિસ્તારમાં 3 બી.એચ.કે ફ્લેટમાં રહેવા ગયા.

વિનોદરાયે લગ્ન પણ  પોતાના ખર્ચે ને પોતાની મનગમતી છોકરી, સાધનાની સાથે પણ બંને પક્ષની મંજુરી  સહિત કર્યા.

સાધના મધ્યમ વર્ગમા કુટુંબમાંથી આવતી હતી. તે ને વિનોદરાય કોલેજ કાળથી જ એકબીજાની નજીક આવ્યા હતા. સાધના ભણવામાં હોંશિયાર હતી પણ કુટુંબની ઓછી પરિસ્થિતિને લઇ ઘણીવાર તે અભ્યાસમાં પાછળ થઇ જતી. વિનોદરાય તેને તેના અભ્યાસમાં એક મિત્ર તરીકે મદદ કરતો. આ મદદ કરવાના કારણસર તેઓ બંને પ્રથમ ઘનિષ્ઠ મિત્ર બન્યા. તેમની આ ઘનિષ્ઠ મિત્રતા તેમના પ્રણયના પ્રથમ પગલામાં પરિવર્તિત થઇ.  પ્રણયના એ દિવસોમાં બનેની વિકટતા કોલેજમાં ચર્ચાનો વિષય બની ગયો. ચર્ચા એ માટે થઇ કે શું વિનોદરાય જે એક સફળ  વ્યક્તિ બનવા અગ્રસર હતો તે સાધના જેવી સાધારણ મધ્યમ કુટુંબની છોકરીને કંયાક અધવચ્ચે છોડી તો નહી દેને. પણ વિનોદરાયે આમ વિચારનારાની ધારણાને ખોટી પાડી. તેમણે તો સાધનાને કહયુ,

“જો સાધના તને એમ લાગતું હોય કે હું તને ભવિષ્યમાં દગો આપીશ તો હું તને સ્ટેમ્પ પેપર પર લખી આપવા રાજી છુ કે હુ તને કોઇ પણ સંજોગોમાં તને મારી પત્ની બનાવીશ”.  

વિનોદરાયના એ શબ્દોએ સાધનાના વિચલિત મનને  ટાઢાશ આપી. છેવટે બંને વિવાહની સપ્તપદી સાથે એકબીજાથી આજીવન માટે જોડાયા.

શરુના દાંપત્ય જીવનના દિવસો સંઘર્ષમય હતા. તેમ છતાય બન્ને તેમના સંઘર્ષના દિવસોમાં પણ એટલા જ ખંત અને આનંદમાં ગુજાર્યા જેમ કે સાધારણ  દિવસો હોય . આમ કરવામાં વિનોદરાય તેમજ સાધનાનું યોગદાન લગભગ સરખા જેવું જ હતું.  જેમ લોઢું ટીપાઇ ટીપાઇને મજબુત થાય તે જ રીતે વિનોદરાય દુનિયાદારીના અનુભવોથી ટીપાઇને મજબૂત વ્યક્તિની માફક ઘડાઇ ગયા. વિનોદરાય તેમની સુજબુઝ ને આવડતના જોર પર એક નામી શેરબજારના દલાલ તરીકે ઓળખાતા થઇ ગયા. માની હયાતીમાં તેમણે જોત જોતામાં ચાલની નાનકડી રુમમાંથી  ફ્લેટનાં સ્થળાંતર કર્યું. 

તેમણે ધંધામાં  જરાકેય અનિતી રાખી નહતી. એના કારણે તેમની શેરબજારમાં એક શાખ હતી. તેમના નામ પર લોકોને પૈસા ધીરાતા એવી તો  એમની બજારમાં શાખ હતી ઇશ્વરે પણ તેંમને માંગ્યા વગર બધુ દઇ દીધું હતું. તેમના મા બાપ પણ તેમને સકુશળ જીવનમાં સ્થાયી મુકામ પર પહોંચેલા જોઇને પરલોક સીધાવ્યા હતા. મા દેવ થયા ત્યારે હેમંત માંડ 2વર્ષનો હશે.બાપુજી તો હેમંતના જનમ્યા પહેલાં જ પોતાનાં અંતિમ પડાવે જવા વિદાય લઇ ચુક્યા હતા.  પણ બાના ગયા પછી સાધનાને થોડીક તકલીફ પડી. પણ સાધનાએ તકલીફ સહીને હેમંતને ઉછેર્યો.       .   હેમંતના જન્મ પછી જ વિનોદરાયને તેમના ધંધામા બરકત આવવા માંડી. સાદનાબેનને તો એમ જ કે હેમંતના પગલે ઘરમાં લક્ષ્મીજીનો વાસ થયો.  પણ વિનોદરાય આ બધામાં માનતા નહી, તેઓ તો એમ જ કહેતા 

“આ બધા લોકોના ઉભા કરેલા ખોટા વહેમ છે. આ કાગનું બેસવું ને ડાળનું પડવું જેવું છે.બાકી બધું પુરૂષાર્થ પર નિર્ભર છે”. 

“તમે ભલે ન માનો પણ મને ખબર છે આપણો હેમંત  શુકનયાળ છે”. સાધનાબેન કહેતા.

કદાચ સાધનાબેનના આમ માનવાને કારણે હેમંતનો વિકાસ વિનોદરાયના  ધાર્યા પ્રમાણે નહી થઇ શક્યો હોય.

જે હોય એ પણ વિનોદરાય અને સાધનાબેનનો ઘરસંસાર કિરણના આવ્યાબાદ પણ જે રીતે ચાલતો હતો તે જ રીતે ચાલતો રહયો. કિરણ સમજુની સાથે ચબરાક પણ હતી. તે જાણતી હતી કે પોતાના પતિમાં સસરા જેટલી આવડત નથી. તેથી ઘરમાં સસરાના વિરૂધ જવામાં નુકશાન થવું નકકી છે. માટે સસરાને દૃઃખ પહોચે એવું કામ નકરવું ને પતિને પણ સસરાની તરફેણમાં રાખવા. આના કારણે તે સાધનાબેનનો બોલ્યો બોલ ગમે કે ન ગમે પણ તે ઉપાડી લેતી.

કુદરતના નિયમાનુસર આ દુનિયામાં કશુય કાયમ રહેતુ નથી. સાધનાબેન એક દિવસ અચાનક બિમાર પડયા. વિનોદરાયે ઘણાય પ્રયત્ન કર્યા પણ સાધનાબેન એ બિમારીમાંથી ઉભા જ ન થયા. તેમના ગયા બાદ વિનોદરાય સાવ એકલા પડી ગયા. તેમને હવે શાંતિની  જરૂર લાગી. તેમણે એટલી તો ગોઠવણ કરેલ કે તેમની પાછલી જીંદગી સારી જાય. 

સાધનાબેનના ગયા બાદ કિરણના હાથમાં ઘરની ભાગદોડ  આવતા જ તેણે  ધીમે ધીમે સસરાને ઘરના નાના મોટા કામ  સોંપી દીધા. આમ કરવા પાછળનો તેનો હેતું ન સમજે એટલા નાદાન વિનોદરાય ન હતા. 

વિનોદરાય હવે તેમનો શેરબજારનો ધંધો ઓછો કર્યો. પરિણામ સ્વરૂપ તેઓ હવે વધુ પડતો સમય ધરે વિતાવતા. જે કિરણને ન ગમતું કેમ કે હવે તે સ્વતંત્ર રહેવા માંગતી હતી. તે કોઇને કોઇ બહાના હેઠળ સસરાને બહાર ઘરની ચીજ વસ્તુ લેવાના બહાના હેઠળ મોકલતી.  એમ કરવામાં એનો બે રીતનો ફાયદો થતો. એક તો સસરા ઘરની બહાર રહેતા ને ઘર ખર્ચમાં વણબોલે મદદ થઇ જતી. વિનોદરાય આ બધુ સમજતા પણ બોલતા નહી. પણ જેમ જેમ દિવસો વિતતા ગયા તેમ તેમ કિરણ વધુ ને વધુ સ્વછંદી થવા માંડી. 

વિનોદરાયે થોડોક વખત તો કિરણની જોહુકમી સહન કરી. પણ તેમણે જોયું અને તેમને લાગ્યું કે કિરણ તેના સ્વભાવને વધુને વધુ સ્વતંત્રતા આધીન કરી સ્વછંદી બની ગઇ હતી. કોઇક દિવસ પોતાના સ્વમાનને આમા ઠેસ પહોંચવાની શક્યતા છે. એ જાણી વિનોદરાય એક દિવસ કોઇને પણ કહયા વિના ઘરેથી ચાલ્યા ગયા.

કિરણને એમ કે હમણાં આવશે. પણ જયારે રાત પડી ત્યારે તેના પેટમાં ફાળ પડી. બાપુજી કંયા ગયા હશે. બાપુજી આમ કહયા વગર કોઇ દિવસ ન જતા ને આજે અચાનક કયાં ગયા હશે. તેણે બાપુજીના  મોબાઇલ પર ફોન કર્યો તો તે બંધ હતો. કદાચ બેટરી પતી ગઇ હશે. સાંજે હેમંત ઓફિસેથી આવ્યો અટલે તેને બાપુજીની શોધમાં મોકલી આપ્યો. હેમંત મોડી રાત્રે બાપજીની જયાં હોઇ શકે એ બધા ઠેકાણે તપાસ કરી ખાલી હાથ પાછો આવ્યો. એને આમ  કાંઇ સમાચાર વગર આવેલો જોઇ કિરણે પુછ્યું

“હેમંત તમે બધે બરાબર તપાસ તો કરી હતીને?’ 

“હા બધે તપાસ કરી. કોઇનેય ખબર નથી કે બાપુજી કયા ગયા””. 

તો તમારે પોલીસ ચોકીએ જઇ તપાસ કરવી હતી. કયાક અકસ્માત થયો હોય તો તેની જાણ થઇ શકે”.

“અત્યારે મોડુ થઇ ગયું છે કાલે જઇશ”.  

કિરણને થયુ કે હેમંતની જગ્યા પર એ હોત તો પોલીસ ચોકીએ જઇ તપાસ કરી બાપુજીને શોધવા પોલીસની મદદ લઇ ચુકી હોત.  

બીજે દિવસે હેમંત અને કિરણ બંને પોલીસ ચોકી પર જઇ બાપુજીના ખોવાયાની ફરિયાદ નોંધાવી ને ઘરે પાછા ફરતા બેંકમા જઇ તપાસ કરી કે બાપુજીના ખાતામાં જે પૈસા હતા તેમાંથી તેમણે ઉપાડ્યા તો નથીને. 

કિરણને બાપુજીના ખોવાયાના કરતા તેઓ  પૈસા લઇને પલાયન તો નથી થયા ને એમા વધુ દિલચસ્પી હતી. તેણે બેંક મેનેજરને બાપુજી કંયાક જતા રહયા હોવાનું કહયુ ને સાથે એમ પણ કહ્યુ જો કોઇ પણ પ્રકાર ખાતામાંથી  લેવડ દેવડ કરવામાં આવે તો જણાવવું જેથી કરી બાપુજીને શોધી શકાય

ઉપરની વાતને  દસેક દિવસ થયા. કિરણ હેમંતને રોજ પોલીસ ચોકીએ તપાસ કરવા મોકલે  ત્યાથી તેને એક જ જવાબ મળતો કે જેવી જાણ થશે એવી જ તમને પણ કરાશે

પણ કિરણ તેને  એમ જ કહેતી કે 

“તમે જયા સુધી પોલીસની પાછળ ન પડો ત્યા સુધી તેઓ તેમની ડ્યુટી સરખી રીતે ન બજાવે”.

આ દરમ્યાન કિરણ વિનોદરાયના બેંકના ખાતા પર નજર રાખી રહી હતી. બેંકના જણાવ્યા પ્રમાણે જે દિવસે વિનોદરાયઘરેથી નીકળ્યા એ દિવસે તેઓ જાતે બેંકમાં ગયા હતા ને  ખાતામાથી દસ લાખ જેવી રોકડ રકમ ઉપાડી હતી. કેશિયરના પુછવા પર તેમણે જણાવેલ કે  ચાર ધામ જાત્રા કરવા જઇ રહયા હતા.  

વિનોદરાય જયારે બેંકમાથી નીકળ્યા ત્યારે તેમને જાત્રા પર જવાનો જ વિચાર કરેલો. એમને એમ જ હતું કે થોડા દિવસ ઘરથી દુર રહીશ તો કિરણની બુદ્ધિ ઠેકાણે આવશે. ને જો નહી આવે તો કોઇ જગ્યા પર નાનકડો ફ્લેટ લઇ પાછલી જીંદગી એકલો રહીશ. આમ વિચારી તેણે રેલ્વે સ્ટેશને જઇ અમદાવાદની ટિકિટ કરાવી. જાત્રાની શરુઆત અંબાજીથી કરવાના ઇરાદે અમદાવાદ જવાનું રાખ્યુ.     

ગાડી પ્લેટફોર્મ આવી. વિનોદરાયને ડબ્બો શોધવામાં વાર ન લાગી. ડબ્બામા ચઢી તે પોતાની સીટ પર બેઠો. તેણે જોયું તો ડબ્બો જોત જોતામાં ભરાઇ ગયો. ત્યા તો ગાડી ઉપડવાની તૈયારી હતી ને એક સ્ત્રી દોડતી આવીને ડબ્બામાં ચઢી. તે સ્ત્રી વિનોદરાયની સીટની સામેવાળી  સીટ પર બેઠી. તે હજુ તો તેની નાનકડી બેગ ગોઠવતી હતી ત્યા જ એને વિનોદરાયે સંબોધી

“અરે રમી તું અહી કંયાથી?” 

વર્ષો પછી કોઇએ આ નામે બોલાવી હતી. સ્ત્રીએ અવાજ જયાથી આવ્યો તે તરફ નજર માંડી. તેણે કોલેજના સહપાઠી મિત્ર વિન્યાને  જોયો. જુના મિત્રને ઓળખવામાં તે સ્ત્રીને જરાક વાર લાગે એ સમજી શકાય. ઓળખી કાઢતાની સાથે તેના મુખમાંથી, વિન્યા ને તરત જ તેને આજુબાજુમાં બેઠેલા યાત્રીઓનો ખ્યાલ આવ્યો. કોઇને પણ આ રીતે સંબોધન કરવું  યોગ્ય ન હતું સામા વ્યક્તિની ઉમરનો તો ખ્યાલ રાખવો જોઇતો હતોને. તેણે તરત પોતાની ભુલ સુધારતા કહયુ, વિનોદ તમે જ ને

“રમીલા, હા હું તારો વિન્યો જ છું,” જરાક હસીને વિનોદે કહયું.

“અમદવાદ જઇ રહયા છો વિનોદ?’

 “હા અને તું?’ 

“કાંઇ નકકી નથી. હાલ તો આ શહેરથી જેટલુ દુર જવાય એટલું જવું છે”. એક ન સમજાય એવો નિસાસો નાખતી હોય એ રીતે તે બોલી.

વિનોદની નજર રમીના આંખમા આવી ગયેલા ઝળઝળિયા જોઇ શકી. એણે ગજવામાંથી પોતાનો હાથ રૂમાલ કાઢી રમીને આપ્યો. રમીએ પણ વિના સંકોચ વિનોદના રૂમાલથી પોતાના આંસુ લુછી કાઢ્યા. તે સાથે જ ગડી પણ ઉપડી. 

સ્ટેશન છુટયું તેની સાથે  બંને મિત્રોએ પોત પોતાની આપવિતીની જાણ એક બીજાને કરી. 

કોલેજકાળથી મનોજ,રમીલા વિનોદ અને સાધના મિત્રો હતા  ત્યારથી જ વિનોદ સાધનાના પ્રેમમાં હતો ને મનોજ રમીલાને પસંદ કરતો હતો. મનોજ ને રમીલા એક જ નાતના હોવાને કારણે તેમના લગ્ન પ્રેમ લગ્નની અડચણોથી અલિપ્ત રહયો  તે સિવાય  તે બંનેના કુટુંબ વિનોદ ને સાધનાના કુટુંબની સરખામણીમા વધુ સધ્ધર હતા. લગ્ન બાદ મનોજ અને રમીલાએ કોલેજમા પ્રોફેસર તરીકે નોકરી સ્વીકારી.. નોકરી એટલે નોકરી. કમાનાર બે હોવા છતાય તેમના સંયુક્ત કુટુંબમાં હંમેશા પૈસાની તાણ રહેતી. જીવનની  આ કારમી  પરિસ્થિતીને કારણે  તેઓ એક ઘર કે ફ્લેટ લઇ ન શકયા. તેમનું કુટુબ ચાલની  નાનકડી રૂમમાંથી બીજે કયાય સ્થળાંતર ન કરી શક્યું.  મનોજને આનો વસવસો હતો. તેના મા-બાપના અવસાન  બાદ તેને લાગતું કે તે કુટુંબ માટે એક ઘર પણ ન લઇ શક્યો.  આના તણાવમા તે પણ તેની છેલ્લી યાત્રાએ સમય પહેલા જ નીકળી પડયો.  રમીલા પર જાણે આભ તુટી પડયુ. સારા નસીબે મનોજનો વિમો હતો  તે પૈસાથી તેણે તેના દીકરાને ભણાવ્યો ને નોકરીએ પણ લગાડી ને  પરણાવ્યો પણ ખરો. સાધનાને એમ હતું કે હવે પોતે નિવૃત થઇ બાકીની જીંદગી પ્રભુ સેવામાં વિતાવશે . પણ જેની જીંદગીમાં સંઘર્ષ લખ્યો હોય તેને નિરાંત ન હોય 

જયા સુધી  રમીલાની નોકરી હતી ત્યા સુધી દીકરાએ ને વહુઓ તેની સાથે સારુ વર્તન રાખ્યુ. પણ જે દિવસથી તે નિવૃત થઇ તે દિવસથી તેના પ્રત્યે દીકરા વહુનુ વર્તન પણ બદલાઇ ગયુ.  મનોજ અને રમીલા બંનેના મળી આશરે મહિને 100000 જેવું પેન્શન આવતું. રમીલા તેમાથી અડધું દીકરાને ઘર ખર્ચમાં મદદરૂપે આપતી. બાકીનુ તે પોતાને માટે રાખતી. આ વાત દીકરાની વહુને ખટકતી. તેણે ધીમે રહીને પતિને સમજાવી ફોસલાવી બાકીની રકમ પણ રમીલા પાસેથી લેવા પ્રેર્યો. પણ રમીલાએ જયારે તેમ કરવાની ધસીને ના પાડી તે સાથે વહુએ કોઇને કોઇ બહાના  હેઠળ રમીલાને ઘરની બહાર ઓસરીમાં રહેવાની ફરજ પાડી. જયારે પાણી ગળા સુધી આવી ગયુ. તે ઘડીએ કોઇનેય કહયા વગર રમીલા ઘર છોડી નીકળી પડી.

આખી રાત બંને  આગળ શું કરવું ના વિચાર કરતા કરતા સુઇ ગયા. સવારના કાલુપુર સ્ટેશન પર બંને ઉતર્યા.

“વિનોદ તું મને કોઇ વૃદ્ધાશ્રમ શોધી મને ત્યા મુકી જા હું હવે પછીનુ મારું જીવન ત્યા વિતાવીશ. “રમીલા અત્યારે તો સૌથી પહેલાં આપણે નહાઇ ધોઇ ફ્રેશ થઇ જઇએ. જો તારે કોઇ સંભંધીને ત્યા જવું હોય તો કહે હું તને ત્યા મુકી જાઉં”. 

“હું અહી કોઇને પણ જાણતી નથી”.

“મારે લોકોને જણાવવુ નથી. તેથી તને જો કોઇ આપતિ ન હોય તો આપણે હોટલમાં  રૂમ રાખીએ”.

રમીલા વિચારમા પડી. પર પુરુષ સાથે હોટલમાં જવુ વ્યાજબી હતુ કે નહી. તેને વિચાર કરતી જોઇ વિનોદ બોલ્યો 

“હું સમજુ છું. તને ખચકાટ થાય. તારી જગ્યા પર કોઇ બીજુ હોત તો તેને પણ વિચાર થાત. પણ.મને આ સિવાય બીજો રસ્તો દેખાતો નથી. તને દેખાતો હોય તો કહે”.

રમીલાને વિનોદની વાત સાચી લાગી. તેણે હોટલમાં જવાનું રાખ્યું. સ્ટેશનની બહાર નીકળી રિક્ષા  કરી. તેણે રિક્ષાવાળાને કોઇ સારી હોટલ હોય ત્યા લઇ જવા જણાવ્યું. રિક્ષાવાળાએ રિલિફ રોડ પર આવેલી  હોટલ સુવીધા પાસે રિક્ષા લાવી  ઉભી રાખી. વિનોદે રિક્ષાના પૈસા ચુકવ્યા. . 

વિનોદ અને રમીલા અંદર દાખલ થયા. વિનોદે રિસેપશન પર જઇ બે રૂમ  સાથે સાથે માંગી. 

રિસેપ્શનીષ્ટે તેના કોંપ્યુટરમાં જોઇ  કહયુ

“માફ કરજો સાહેબ અમારી પાસે બે રૂમ પાસે પાસે તો શું એક માળ પર પણ નથી. તમે કહેતા હોતો એક રૂમ એક માળ પર ને બીજી   બીજા માળ પર કરી આપું”.

વિનોદે રમીલા તરફ જોયું. અજાણ્યા શહેરમા અજાણી જગ્યાએ  આમ જાણીતી વ્યક્તિથી દુર રહેવું મુર્ખામી કહેવાય. એના કરતા વિનોદ સાથે એક રૂમમાં રહેવું વધું સુરક્ષિત છે  આમ વિચારી તેણે રિસેપ્શનીષ્ટને કહયુ, “ભાઇ, તમારી પાસે એક રૂમમા બે અલગ ખાટલા હોય  એવી રૂમ હોય તો તે અમને ચાલશે”.

“એવી રૂમ તમને મળી શકશે. સાહેબ, મારે તમારા બંનેના ઓળખ માટે  આધાર કાર્ડ કે ડ્રાઇવર લાઇસન્સ જોઇશે’.  રમીલાએ પર્સમાંથી પોતાનુ આધાર કાર્ડ કાઢી વિનોદને આપ્યુ ને વિનોદે પોતાનુ તેમજ રમીલાનુ  આધાર કાર્ડ રિસેપ્શનિષ્ટને આપ્યા . આધાર કાર્ડની કોપી કરી બીજી વિગત નોધી કાર્ડ પાછા આપી બોલ્યો 

“સુવિધામાં આપનુ સ્વાગત છે શ્રીમાન વિનોદરાય મહેતા અને શ્રીમતિ રમીલાબેન પરમાર . આ તમારા રૂમની ચાવી . રૂમ 204. તમારા સામાન માટે બોયને કહુ છું”. 

 એની જરૂર નથી અમારી પાસે જે સામાન છે એ અમારી સાથે અમારી હેંડબેગમાં  છે 

 “ભલે સાહેબ.  અહીથી આગળ જઇ ડાબી તરફ લીફ્ટ છે  તમારી રૂમ બીજે માળે છે.. તમારા રોકાણનો  આનંદ માણો”. આમ કહી રિસેપ્સનિશ્ટે વિનોદને ચાવી આપી.

ચાવી લઇ વિનોદ અને રમીલા બીજા માળે આવેલી રૂમ 204મા ગયા. રૂમમાં બે પલંગ હતા. બારીમાંથી રિલીફ રોડની અવરજવર જોઇ શકાતી હતી.એક નાનુ ફ્રીજ હતુ. તેમા પાણીની બોટલોને ઠંડા પીણાની બોટલો રાખેલી હતી ફ્રીજની બાજુમાં એક કેબિનેટ હતુ જેમા ખાવાનુ ગરમ કરવા માટે માઇક્રોવેવ ઓવન ને તેની બાજુમા પાણી ગરમ કરવા કિટલી અને બે કપ રકાબી અને એક નાની છાબડીમાં થોડી કોફી, ચા ને ખાંડની પડીકિઓ પણ  રાખ્યા હતા.

રમીલાને વિનોદે પહેલા નહાયને પરવારવા કહયું. તે પરવારી તે ગાળામા તેણે બે ચાર અગત્યના ફોન પતાવ્યા.  

રમીલાના પરવાર્યા બાદ વિનોદ તૈયાર થઇ બોલ્યો આપણે સૌ પ્રથમ તો નીચે જઇ ચા નાસ્તો કરી આગળનું વિચારીયે.  આમ  કહી બંને નીચે લોબીમાં આવી તપાસ કરી. હોટલના મહેમાનો માટે સવારે 6 થી માંડી 9 વાગ્યા સુધીચા નાસ્તાની વ્યવસ્થા હતી. નવ વાગવાને હજુ વાર હતી તેથી બંને જે તરફ નાસ્તાની વ્યવસ્થા હતી તે તરફ ગયા. 

ચા નાસ્તા સમયે વિનોદે પોતે કરેલા ફોન વિષે વાત કરી 

જો રમીલા મે અહી તપાસ કરી તો મને બે ચાર વૃદ્ધાશ્રમ વિશે માહિતી મળી છે. તો આપણે  ત્યા જઇ તને અનુકુળ આવે છે કે નહી એ તપાસ કરી લઇએ. ને મારો વિચાર અહી એક નાનકડો ફલેટ રાખી તેમા રહેવાનો છે તે માટે મેં એજંટને વાત કરી તો તે સાંજે  આપણને ફ્લેટ બતાવશે     

સારું રમીલાએ કહયું.

 બંને નાસ્તા બાદ રીક્ષા કરી   વૃદ્ધાશ્રમની મુલાકાત લેવા નીકળ્યા. અમદાવાદના ટ્રાફિકને લીધે નારણપુર સ્થિત જીવન સંધ્યા ઘરડા  ઘર પહોંચતા લગભગ બે કલાક જેવો સમય લાગી ગયો.તેઓ જ્યારે ત્યા પહોચ્યા ત્યારે જમણનો સમય થઇ ગયો હતો. વ્યવસ્થાપકે તેમને આવકારતાની સાથે  આશ્રમના અન્ય તેમની જેમ દીકરા દીકરીઓથી  તરછોડાયેલા વૃદ્ધો સાથે જમવા આમંત્ર્યા. બહુ રુચિ ન હોવા છતાય વિનોદના કહેવાથી રમીલા અને વિનોદ બંને જમવા સૌ સાથે બેઠા.

ખાવામાં આખા મગની ઢીલી ખીચડી છાશ ને સાથે બટાકાનું રસાવાળુ  શાક હતા.  વિનોદે માંડ માંડ પિરસેલું ભોજન પતાવ્યું. તેને થયુ કે રમીલાને કદાચ ભોજન  ફાવ્યું હશે કેમ  તેણે રમીલા તરફ જોયું  રમીલા પરાણે  કોળિયા ભરતી હોય એવું વિનોદને લાગ્યુ. રમીલા ખિચડીને ચાવ્યા વગર પાણીના ઘુંટડે ગળી રહી હતી. બટાકા રસાથી બિલકુલ અળગા ફરી રહયા હતા શાકમાં રસાની જગ્યા પર નકરુ પાણી જ હતુ. ભોજનની ગુણવતા જોઇને વિનોદને આશ્રમ રહેવા યોગ્ય ન લાગ્યું તેણે રમીલાને ધીમેથી કહ્યુ 

“મને જગ્યા રહેવા યોગ્ય નથી લાગતી”.

“તમારું કહેવું સાચું છે. પણ અહી સુધી આવી ગયા છીએ તો અન્ય સગવડો પણ જોઇ પારખી લઇએ”. 

“ભલે”. 

વ્યવસ્થાપક તેમને રહેવાની જગ્યા  બતાવવા લઇ ગયો. રુમ કંઇક ઠીક હતો. રૂમમાં બે ખાટલા હતા અને ખુર્સી ને  મેજ હતા. રૂમમા એક તરફ સંડાસ અને બાથરૂમ હતા. રમીલાએ  પુછ્યું 

“આની સાફ સફાય કોણ રાખે?” 

 “જેને રૂમ આપી હોય તેની જવાબદારી સાફ કરવાની ને રાખવાની હોય છે. અઠવાડિયામાં એક દિવસ માણસ આવી સરખી રીતે સાફ કરી દે”.

“જો કોઇનાથી સાફ ન થઇ શકે તો શું?” 

“તેવા લોકો માટે બહાર સાર્વજનિક વ્યવસ્થા પણ છે”.

“માનો કે કોઇ વિકલાંગ હોય તો તેમના માટે અલગ વ્યવસ્થા ખરી કે?’ 

“ના એની જરૂર પડી નથી. કેમકે અમે અમારા આશ્રમમાં  તમારા જેવા જ શરીરથી સક્ષમ  વૃદ્ધોને અહી જગ્યા આપીએ છીએ”.

“આ તો ભેદભાવ કર્યો કહેવાય”. 

“તમારુ કહેવું તમારી જગ્યા પર સાચું હશે. પણ આ કોઇ સરકારી વૃદ્ધાશ્રમ નથી.  અહીં તો ટ્રસ્ટીઓના લેવાયેલ નિયમ લાગુ પડે છે”.

રમીલાને તો બહાનું મળી ગયું પણ તેણે કહયુ 

 “મને વિચારવાનો સમય જોઇએ છે. એમ કરીએ હું ઘરે જઇ ચર્ચા કરી તમને કાલે જણાવું.’ 

વ્યવસ્થાપક સમજી ગયો કે રમીલા સીધી ના પાડવાની જગ્યા પર આ રીતવું બહાનુ બતાવી રહી હતી તેમ છતાં તેણે કહયુ 

“તમારી જેવી મરજી પણ બહું મોડુ ન કરતા કેમ કે મારે બે ત્રણ પાર્ટી તૈયાર જ છે.  આતો ભાઇ લાગવગ લઇ આવ્યા હતા એટલે  નહી તો  તમને સમય પણ ન મળત”.

વિનોદ ને રમીલા આશ્રમની બહાર નીકળ્યા ત્યારે બપોરના 2 થયા હતા.  અમદાવાદની ગરમીને કારણે પરસેવે જાણે નહાઇ રહયા હોય એવું અનુભવિ રહયા હતા. ત્યા જ વિનોદનો ફોન રણક્યો.  વિનોદે ફોન ઉપાડયો સામેથી રિઅલ્ટરનો અવાજ આવ્યો 

“શેઠ, તમે મને 4 વાગે હુ તમને એક સરનામું મોકલું છું ત્યા મળી શકો. એક સરસ મજાનો ફ્લેટ પ્રાઇમ લોકેશન પર છે ને તમારા બજેટમાં આવી જાય એવો છે’.

“તમારી વાત સાચી. અત્યારે હું ને મારી મિત્ર નારણપુરા વિસ્તારમાં છીએ ને અમદાવાદની ગરમીમા પરસેવે નહાઇ રહયા છીએ અમે હોટલ પર જઇ થોડા ફ્રેશ થવા માંગીએ  છીએ”.

“લોકેશન તમારાથી રિક્ષામાં માત્ર વીસ મિનિટની દુરી પર છે. એક કામ કરો તમે ત્યાથી સીધા લોકેશન પર પહોંચો. હું તમને ત્યા અત્યારે જ મળુ. એમ કરવામાં તમારો સંમય બચી જશે. ને તમારે હાથપગ ધોઇ ફ્રેશ થવું હોય તો તેની વ્યવસ્યા એ ફ્લેટ પર કરી આપીશ.લો તો હું ફોન મુકું છુ ને તમને લોકેશન મોકલું. હું તમને લોકેશન પર મળું’.  આમ કહી તેણે ફોન કાપી નાખ્યો 

વિનોદના ફોન પર મેસેજ આવ્યો તેમા સરનામુ આવી ગયુ,સરનામુ હરુ  બી-401 શાલિગ્રામ લેકવ્યુ એસ જી વી પી હાઇવે, વૈષ્ણવદેવી સર્કલ પાસે  એમ જે વી સુપરમાર્કેટની પાછળ અમદાવાદ 382421

વિનોદે રિક્ષા ઉભી રખાવી રિક્ષાવાળાને સરનામુ બતાવી ત્યા લઇ જવા કહયુ. સરનામુ રિક્ષાવાળા માટે પણ અજાણ્યુ હતું તેથી તેણે કહયુ

“સાઙેબ, આ સરનામુ મારે માટે અજાણ છે કેમકે એ જગ્યા પર હમણા હમણા ઘણી બિલ્ડિંગો બંધાઇ છે. હું તમને વૈષ્ણવદેવી સર્કલ સુધી લઇ જાઉ પછી આપણે કોઇ જાણીતી વ્યક્તિને પુછવું પડશે”. 

વિનોદને રિક્ષાવાળાની પ્રમાણિકતા ગમી. તેની જગ્યાએ કોઇ બીજો હોત તો તેમને કહયા વગર જ ગમે ત્યા ફેરવત ને  મિટર વધારત.

રમીલા ને વિનોદ રિક્ષામાં ગોઠવાયા ને રિક્ષા મારી મુકી. વૈષ્ણવદેવી સર્કલે પહોંચી બે ત્રણ જગ્યા પર રિક્ષા ઉભી રાખી પુછી જોયા બાદ તેમના નિર્ધારિત સરનામે   સમય કરતા થોડાક મોડા પહોંચી ગયા.  વિનોદરાયે રિક્ષાવાળાને પૈસા ચુકવ્યાને કહયું જો તને વાંધો ન હોય તો તારો ફોન મને આપ  કોઇ વાર જરૂર પડે ફોન કરીશ    રિક્ષાવાળાએ નામ અને ફોન આપ્યા ને વિદાય થયો.

 હવે વિનોદરાયે રિઅલ્ટરને  ફોન જોડયો. તેનાથી થોડેક દુર ઉભેલ વ્યક્તિનો ફોન રણક્યો  એટલે વિનોદરાયે તેની તરફ નજર કરી પેલી વ્યક્તિએ વિનોદ તરફ હાથ ઉંચો કરી વિનોદ તરફ આવ્યો ને બોલ્યો

 “તમે વિનોદરાય કે હુ વિમલ શાહ રિઅલ્ટર”. આમ બોલી તેણે પોતાનુ વીઝીટીંગ કાર્ડ વિનોદને આપ્યું.  

“અમને જગ્યા શોધવામાં થોડું મોડું થયું”. 

“મને હતું  જ કે તમને જગા શોધવામાં સમય લાગશે. તેથી મે 

તમને બે એંધાણી મોકલી હતી   હું તમારી આગળ જ આવ્યો છું. ચાલો હું તમને ફ્લેટ બતાવું”.  

ત્રમેય લીફટમા પ્રવેશ્યા વિમલે ચોથા માળનું બટન દાબ્યું . થોડીક જ ક્ષણોમાં ચોથે માળ લિફ્ટ ઉભી રગી   વિમલે દરવાજો ખોલી  રમીલા ને વિનોદની પાછળ આવ્યો  વિનોદે જોયું તો તે માળ પર ચાર ફ્લેટ હતા વિમલે પોતાની જમણી બાજું હાથ કરી કહયું 

“સાહેબ આ તરફ”. 

 જમણી તરફના બે ફ્લેટમાનો એક ફ્લેટને તાળું હતુ  તાળુ ખોલતા  વિમલ બોલ્યો

“સાહેબ, તમે નસીબવાળા છો તમને બધી જ સુવિધા સાથેનો ફુલી ફર્નીશ્ડ ફ્લેટ એકદમ વ્યાજબી ભાવે મળશે”.  

 અંદર દાખલ થતા  એક તરફ ભીંતમા પગરખાં માટે ખાનાવાળું કબાટ  ને તેને  અડીને એક નાની પણ મજબુત ખુર્સી જેના પર બેસી પગરખા પહેરી શકાય. આગળ જતા નાનો પણ વ્યવસ્થિત દિવાન ખંડ જેમા એક ત્રણ જણ બેસે ને એક બે જણ બેસે એવા સોફા હતા. વચ્ચે  કોફી ટેબલ. ને દિવાનખંડની શોભા વધારતા હોય એમ બે મજાના  ચિત્રો ભીંત પર લગાડેલા હતા. દિવાનખંડની એક તરફ નાનુ એવુ  ઉભુ રસોડુ હતું જેમા ડિશવોશર થી માંડી રસોઇને લગતા બધા નાના મોટા સાધનો ઉપલબ્ધ હતા ને તે પણ વ્વસ્થિત રીતે તેમની જરૂરીઆતના હિસાબથી ગોઠવેલી હતી.  દિવાનખંડની બીજી બાજુ પર એકબીજાને અડીને બે  શયનખંડ હતા. 

પહેલો શયનખંડ જેને પાશ્ચાત દેશોમાં માસ્ટર બેડરૂમ કહે એ હતો. તે રૂમ મોટો હતો. તેમા એક બાજુએ બાથરૂમ હતી ને એક બાજુએ પલંગ હતો. સામેની તરફ પેટિયો ડોર ને તેની આગળ નાની ગેલેરી. એ ગેલેરી ને બાજુના શયનખંડની ગેલેરી મળી લાંબી ગેલેરી હતી. 

બીજા શયનખંડની ગેલેરીમાથી શયનખંડમાં આવતા એક તરફ  મોટો પલંગ  ને  બીજી તરફ ઓફિસ ટેબલ હતુ. આ રૂમમાં બાથરૂમ ન હતી.પણ આ રૂમમાંથી બહાર આવતાજ સામે વોશબેસીન  હતુ  જમણી બાજુ પર સહિયારું બાથરૂમ ને સંડાસ હતા. બાથરૂમને અડીને નાની સરખી લોંડ્રી રૂમ હતી જેમાં કપડા ધોવાનુ ને સુકવવાનું મશીન હતું 

બધું જોયા પછી વિમલે વિનોદને પુછયું 

“બોલો સાહેબ, તમને ગમ્યું હું ખાત્રી સાથે કહું કે બેનને તો ગમ્યું જ છે. કેમ ખરું ને?’  

“મારે કયા અહીં રહેવાનું છે કે મારા ગમવાનો કે ન ગમવાનો સવાલ આવે. એમને ગમવું જોઇએ”. વિમલને નવાઇ લાગી  કાંઇ બોલ્યો નહી.      

“જો ભાઇ, ઘર જેવું હોય એવું હોય એટલે મારે માટે બસ છે. શહેરથી ઘણુ દુર છે કંઇક લેવા દુર જવું પડે એ પોસાય એમ નથી.” 

“એ શું બોલ્યા તમે સાહેબ. તમારે જે પણ કાંઇ જોઇતુ હોય તે તમને નીચે ઉતરતાની સાથે જ મળી રહેશે.  આ કોંપલેક્સ એ રીતના જ બનાવ્યું છે કે તમારી જરૂરીઆતની વસ્તુ તમને એક જ જગ્યાથી મળી રહે. ચાલો હુ તમને બધી એમ્યુનિટી બતાવી લાવું ત્યા સુધી બેન હાથ પગ ધોઇ સ્વસ્થ થઇ જાય”. વિનોદને વિમલની વાત વ્યાજબી લાગી.  તેણે રમીલાને ફ્રેશ થવા જણાવ્યુ ને પોતે વિમલ સાથે નીચે જઇ આજુબાજુમાં શું શું મળે  છે તેની તપાસ કરવા નીકળી પડ્યો.  

નીચે આવી તેણે જોયું કે વિમલ જે પણ કહી રહ્યો હતો તે તદ્દન સત્ય કહી રહયો હતો જીવન જરૂરિઆતથી માંડી મનોરંજન સુધીની દરેક ચીજ વસ્તુ કોંપલેક્સમા ઉપલબ્ધ હતી. માનો જાણે નાનકડુ ગામ વસ્યુ હોય એવું લાગતુ હતું.  

બંને જ્યારે પાછા ફ્લેટમાં પ્રવેશ્યા ત્યારે રમીલા તેઓની રાહ જોતી સોફામાં બેઠાબેઠા જ આંખ મીંચી સુતી હતી.પણ દરવાજો ખુલવાના અવાજે તે ઝબકીને ઉઠી ગઇ.

અનાયાસે વિનોદે તેને પુછ્યું,” કેવો લાગ્યો ફ્લેટ રમીલા?” 

જવાબના ઉત્તરમા રમીલાએ વિનોદને સામો પ્રશ્ન કર્યો,”મારુ જવા દો તમને ગમવો જોઇએ એ મહત્વનું છે”.

 “વિમલ, ચાલોતો હવે તમે મને આની કિમંત કહો જો તમે સરખો ભાવ કરશો તો આજે જ ફાઇનલ કરી દઇશુ”. 

“સાહેબ, હાલના બજાર પ્રમાણે આ ફ્લેટની કિમંત દોઢ કરોડથી પણ ઉપર ગણાય હુ તમને સાચું કહીશ. જેમનો આ ફ્લેટ છે એ ભાઇ એન આર આઇ છે. તેમને પૈસાની જરૂર પડી છે એટલે તેમણે મને  જેટલું બને એટલુ વહેલી ડિલ કરવા જણાવ્યું છે. તમે જો  આજે જ ડિલ ફાઇનલ કરવા માંગતા હો  તો તમે મને કોઇ રકમ કહો. મને વ્યાજબી લાગશે તો ફાઇનલ કરી દઇશું”.  

વિનોદ વર્ષોથી શેરબજારમાં હતો.તેમા તેણે કેટલીક કનસ્ટ્રકશન કંપનીના શેરોનું ખરીદ વેચાણ  કરેલ એટલે તેને મકાનોના ભાવ તાલની થોડી ઘણી માહિતી ખરી. એના આધારે તેણે ફ્લેટની કિંમત આશરે 13000000 જેવી ધારી. પણ તેણે જાણી કરીને વિમલને  ધારેલી રકમ કરતા 500000 ઓછી કહી જેથી કરી રકઝક કરતા ફાવે

“સાહેબ, તમે જે રકમ જણાવી તે જ રકમ મારા મનમાં પણ હતી.  મને લાગે છે કે તમે નકકી મારી લાઇનના માણસ છો. ખરું કહેજો”.

“મારો ધંધો તો શેર બજારનો છે તેમા કોઇકવાર કનસ્ટ્રકશન કંપની શેરનુ ખરીદ વેચાણ કરવાનું  થાય  તેના આધારે મે ભાવ તને કહયો. બીજું કાંઇ નહી”

“તમે મને બોણા પેટે કાંઇક રકમ આપો તો હું તમારુ કામ આગળ વધારી  શકું મને તમારા નામ પર ટ્રાન્સફર કરવા ત્રણ ચાર દિવસ. એ ગાળામા તમારે પણ પૈસાની જોગવાય કરવા સરળતા  થશે”.

“બોણા પેટે હું તને 2500000 નો ચેક આપું તો કેવું રહેશે?”

 વિમલે બોણા પેટે આટલી મોઠી રકમની અપેક્ષા નહતી રાખી તે બોલ્યો, “તો તો આ ફ્લેટ અત્યારથી જ તમારો થયો સમજો”.

વિનોદે ચેક બુક કાઢી  2500000નો ચેક લખી વિમલના હાથમાં મુક્યો. વિમલે ચેક બરાબર તપાસીને પોતાના પર્સમાં મુક્યો. ને કહયુ

“લો સાહેબ આ રહી ફ્લેટની ડુપ્લિકેટ ચાવી તમે અહી રહી શકો છો. જયારે બધા કાગળો તૈયાર થઇ જશે એટલે હું હાજર  થઇશ ને તમને ઓરિજિનલ ચાવી પણ ત્યારે આપીશ  તમારે હવે હોટલમાં રહેવાની જરૂર નથી. તમે ખુશીથી અહીં રહી શકો છો. તો હવે હું વિદાય લઉં”. 

 “આભાર વિમલ”.  આમ કહી વિનોદે તેને વિદાય કર્યો 

પાછા આવી વિનોદે રમીલાને પુછ્યું 

“રમીલા હવે શુ કરવું છે. હોટલ પર જવું છે કે આજે અહી રાત રહેવું છે?”

‘મારું માનો તો આપણે હોટલ પર જઇએ એ સારુ રહેશે. કેમ કે અહી જયા સુધી રોટલાની વ્યવસ્થા ના થાય ત્યા લગી એકલા ઓટલાથી કામ ન ચાલે. વળી તારે મારે માટે ઓટલાની  વ્યવસ્થા કરવાની બાકી છે જે અહીંથી કરવી કદાચ અઘરી પડે”.

રમીલાની વાત તો સાચી હતી.  વિનોદે કહયુ, “હું હાથ પગ ધોઇ લઉ પછી આપણે નીકળીએ”.   

લગભગ પાંચ વાગે તેઓ બંનેએ હોટલે જવા રિક્ષા કરી  સાડા છએ હોટલ પર પહોંચી ગયા રૂમમાં જઇ બંનેએ વારાફરતી નહાઇ ફ્રેશ થઇ તેયાર થઇ ગયા. વિનોદનો હરખ તેના મોઢા પર સાફ નજર આવી રહયો હતો. તેણે રમીલાને કહયુ

“રમી, ચાલ આજે આપણે કોલેજમાં માણેલા દિવસોની યાદ તાજી કરીએ”. 

રમીના સંબોધને રમીલા શરીરમા આનંદની એક એનોખી લહેર દોડી આવી તેણે હવે  શરમ મુકીને કહ્યુ,”વિન્યા એ કઇ રીતે કરીશું?’

“આજે હું તને જમવા બહાર લઇ જઇશ. કોઇ રેસ્ટોરંટમા નહી પણ લારીએ  જઇ આપણી મનગમતી વાનગીની મજા માણીસું  શું કહેવું છે રમી?”

“તારી વાતમાં દમ છે પણ મને લાગે છે કે મે આપણી દોસ્તીનો ઘણો લાભ અત્યાર સુધી લીધો છે. હવે તેનો બદલો વાળવાનો સમય આવી ગયો છે માટે મારુ કહેવુ એમ છે કે આજનું જમવાનું મારા તરફથી શુ કહેવું છે વિન્યા”.    

“આપકી મરઝી સર આંખો પર જનાબ’, કઙી વિનોદ હસ્યો ને તેની સાથે રમીલા પણ હસી પડી.

લોબીમાં આવી વિનોદે પુછ્યુ કે માણેકચોક કઇ રીતે પહોંચાય. હોટલવાળાએ તેમને પગપાળા વહેલા પહોચાશે કહી રસ્તો બતાવ્યો.

બંને હોટલની બહાર નીકળી બતાવેલ રસ્તે  ધીમે ધીમે કોલેજના દિવસોને જાણે ફરી માણતા હોય એ રીતે માણેક ચોક તરફ, આઝાદ પંખીની જેમ આજુબાજુ લોકો શુ વિચારશે તેની ફિકર વિના 

ચાલી જતા હતા તેઓ કયારે માણેક ચોક પહોંચી ગયા તેની તેમને ખબર ન પડી 

રમી જાણતી હતી કે વિનોદને  કોલેજકાળમાં પાણી પુરી અતિ પ્રિય હતી. તેથી પ્રથમ પાણીપુરીની લારીએ પહોંચી ગઇ. વિનોદ પણ તેની પાછળ જ ત્યા પહોંચ્યો. રમીએ તરત જ તેમે મજાક કરતા પુછ્યું 

“કેમ પાણીપુરી ફાવશેને કે પછી ઉંમરને લીધે દાંતે દગો કર્યો છે”. રમીએ આંખ મીચકારી 

“તારી વાત કરતી હોય તો ઠીક બાકી બંદાના બધાય સાબુત છે”. વિનોદે હસીને કહયું

રમીએ પાણી પુરીની બે પ્લેટ કહી ને પાણીપુરીવાળાને  તાકીદ કર્યો કે બંને પ્લેટની પાણીપુરી એક જ પ્લેટમાં મુકી આપે. આવી માંગ તો નવજુવાનિયાઓને કરતા જોયા છે. આજે પહેલીવાર કોઇ વૃદ્ધ યુગલને આમ કરતા જોયા. નકકી બંનેમાં અતુટ પ્રેમ હશે એવુ વિચારી પાણીપુરીવાળાએ રમીના હાથમાં એક પ્લેટ આપી. વિનોદ અને રમીલાએ જેમ જેમ પુરીઓ મુકાતી તેમતેમ વારાફરતી તે  ખવાતી ગઇ. કયારે બે પ્લેટ પતી તેની ખબર તેમને ન રહી. પણ જયારે લારીવાળાએ પુછ્યું, “બેન તમારે વધુ જોઇએ છે. તમારી બે પ્લેટ થઇ ગઇ”.  રમીલાએ પૈસા ચુકવ્યા. ત્યાથી તેઓ હવે  રમીલાની  ભાવતી વાનગી રગડા પેટીસની લારીએ પહોંચ્યા. ત્યા પણ તેમણે પહેલાની જેમ જ એક પ્લેટમાંથી જ ખાધું. આ રીતે તેમણે જે પણ કાંઇ ખાધુ તે એકજ પ્લેટમાંથી ખાધું. મોડી રાત સુધી બંમે મિત્રો એકબીજના સુખદુઃખની વાતો કરતા હોટલ પર પહોચી રૂમમા પોતપોતાના પલંગ પર  ઘસઘસાટ સુઇ ગયા. બંનેના મુખ પર એક સંતોષ જોઇ શકાતો હતો. બંને મિત્રો પોતપોતાના મનની વાત કરી એકદમ હલકાફુલ થઇ સુતા હતા. જાણે વર્ષોનો બોજ ઠાલવી નિરાંતની નિદ્રા મળી હોય એમ  એક ઉંઘે સવારે જ્યારે રૂમ સાફ કરવા આવનારે દરવાજો ઠોકયો ત્યારે રમીલા હાંફળી ઉઠી દરવાજો ખોલ્યો

રમીલાને આમ ઉંઘમાથી જાગેલી જોઇ સાફ કરનાર બાઇએ દીલગીરી વ્યક્ત કરતા કહહયું “માફ કરજો તમનેં ઉંઘમાંથી જગાડવા બદલ. મને ખ્યાલ નહતો કે તમે હજુ સુતા છો. અમારે તો દસ વાગતામાં  રૂમોની સાફ સફાઇ કરી લેવાની હોય.  હું એવું કરું કે બીજી રૂમો સાફ કરી લઉં ત્યા સુધીમાં તમે પરવારો. હું તમારી રૂમ છેલ્લે સાફ કરવા લઉ’.

રમીલાને તેની વાત સાચી લાગી . તેથી તેણે પેલીને  પછી આવવા જણાવ્યું ને પોતે દરવાજો બંધ કરી નિત્યક્રમથી પરવારવા હેતુ બાથરૂમનાં ગઇ. 

રમીલા તૈયાર  થઇ સ્નાનાગ્રહમાથી બહાર નીકળી રૂમમાં રાખેલ ઘડિયાળમા જોયુ તો સાડા નવ થયા હતા. વિનોદ ઘસઘસાટ ઉંઘતો હતો.  રમીલાને વિચાર આવ્યો કે તેને  નિરાંતે સુવા દઉ. પણ બીજી પળે તેને સાફ કરનારી બાઇ આવી પહોંચશે તેનો  ખ્યાલ આવ્યો 

તેણે ધીમે રહીને વિનોદને ઉઠાડવા, 

“વિનોદ ઉઠો સવારના દસ થવા આવ્યા”.  બોલી

વિનોદ જરાકેય ન હલ્યો  તેથી રમીલાએ ફરીવાર અવાજ થોડો મોટો કરી કહયું 

“વિનોદ ઉઠો”. પણ વિનોદ તો સવારની મીઠી ઉંઘમા પોઢ્યો હતો એટલે જરાક પણ ન હલ્યો     આ જોઇ રમીલાએ  બારીના પડદા ખોલી નાખ્યા. સુરજના કિરણો વિનોદના મુખ પર પડયા એટલે એણે ચાદર ખેચી મોઢા પર લઇ લીધી.રમીલા જે તેને ઉઠાડવા મથી રહી હતી તેને જરાક મજા કરવાનો મોકો મળી ગયો. તેણે વિનોદની ચાદરને તેના મોઢા પરથી ખેંચી લીધી. ઉંધમાં ખલેલ પડવાથી વિનોદે કહયુ

“શું કરે છે રમી સુવા દેને કેવી સરસ ઉઘ આવતી હતી”.

“તારી સગલી રૂમ સાફ કરવા એક વાર આવીને ગઇ ફરી આવશે ત્યારે તારે જવાબ આપવો પડશે.  એટલે હવે ઉઠ ને પરવાર. બીચારીને બીજાય કામ હશે”. 

રમીલાના શબ્દો કામ કરી ગયા. વિનોદ ઉઠી સીધો બાથરૂમમાં ગયો તે પરવારીને બહાર આવ્યો ત્યા જ સાફ કરનારી બાઇએ દરવાજો ખખડાવ્યો 

 રમીલાએ ફરી એકવાર દરવાજો ખોલ્યો પેલીએ અંદર આવી ખાટલા સરખા પાથર્યા ને બાથરૂમ સાફ કરવા લીધી. વિનોદ અને રમીલા તેને તેનુ કામ કરતા મુકી નીચે ચા નાસ્તો કરવા ગયા. એમના નસીબ સારા કે કોઇ કારણસર ચા નાસ્તાની સગવડ આજે કલાક મોડા સુધી ખુલ્લો રાખવામાં આવેલ. ચા નાસ્તો પતાવી તેઓ રૂમ પર પાછા આવ્યા.

 નાસ્તો કરતી વખતે વિનોદે રમીલાને પુછી જોયું કે હવે તે શું કરવા માંગે છે  ને રમીલાએ તેને કહયું 

“હું ઘરેથી નીકળી ત્યારે કયા જવું એનો કોઇ અણસાર નહતો. પણ ઇશ્વરે તારો ભેટો કરાવ્યોને તેં પણ તારી મિત્રતા નિભાવી આટલો સાથ આપ્યો એ બદલ તારો ખુબ ખુબ આભાર મને લાગે છે કે હવે મારે મારું ઠેકાણું શોધી લેવું જોઇએ. એટલે  તું મને કોઇ બીજા વૃદ્ધાશ્રમ લઇ જા જયા હુ મારુ બાકીનુ જીવન  શાંતિથી ગાળી શકુ”.

“ભલે તો આપણે સૌ પ્રથમ હોટલમાંથી ચેક આઉટ કરી વદ્ધાશ્રમ જોવા જઇએ”.

રૂમમા જઇ બંનેએ પોતાની વસ્તુઓ ને થોડોઘણો સામાન હતો તે લઇ નીચે  આવ્યા. રિસેપ્શન પર જઇ વિનોદે રૂમના પૈસા ચુકવ્યા  રમીલાએ અડધા પૈસા આપવા ઘણો પ્રયત્ન કર્યો પણ વિનોદે એમ કહીને પૈસા ન લીધા કે જો રમીલા ન હોત તો પણ તેને તો રૂમ રાખવાની જ હતી.

વિનોદે રિસ્પ્સન પર લક્ષ્મી નારાયણ ફાઉંડેશન સંચાલિત ઘરડા ઘર કઇ રીતે જવાય એ પુછ્યું 

તો જાણવા મળ્યું કે તે ત્યાથી રિક્ષામાં અડધા કલાક દુર હતું . વિનોદે ગઇકાલની રિક્ષાવાળાને  ફોન જોડયો 

વિનોદે પુછ્યું કે જો તે તેમને જયા જવું છે ત્યા લઇ જઇ શકશે 

સામેથી જવાબ મળ્યો કે તે અત્યારે કોઇ  સવારીને માણેક ચોકમાં ઉતારવા જઇ રહયો છે 

વિનોદે તેને સવારીને ઉતારી રિલીફ રોટ પર સ્થિત હોટલ સુવિધા પર આવવા કહયુ

પંદર મિનિટમા તો રિક્ષા આવી ગઇ. વિનોદે રિક્ષાવાળાને સરનામુ કહયું ને રમીલાની સાથે રિક્ષામાં બેઠો.

રિક્ષાવાળાને વિનોદ સાથે કોઇ જુનો સંબંધ હોય એવું રમીલાને લાગ્યુ કેમકે વિનોદ હવે તેને તેના નામ અમર કહી વાત કરતો હતો  રમીલા એટલું તો જાણતી હતી કે વિનોદમા રસ્તે જનારની સાથે પણ જોડાઇ જવાની આવડત હતી. 

વિનોદે અડધા કલાકના ગાળામાં તો અમર વિશે ઘણું જાણી લીધું. જયારે તેઓ ઘરડા ઘર પહોંચ્યા ત્યારે વિનોદે અમરને કહયુ

“અમર હું તને આજની તારી આવકના પૈસા આપીશ. માટે તુ અહીં મારી રાહ જો”.  આમ કહી તેણે પાંચસોની નોટ કાઢી અમરને આપી ને કહયુ, “આ પેટ્રોલ પેટે આપું છું  હું પાછો આવું ત્યા સુધી તારે પેટ્રોલ ભરાવી લેવું હોય તો ભરાવી લેજે”

સાહેબ આની જરૂર નથી મેં ટાંકી હમણા જ ભરાવી છે 

કાંઇ વાંધો નહી ફરી ભરાવાની થાય ત્યારે તારે માંગવા ન પડે. અમરને વિનોદની ઉદારતાનો ખ્યાલ આવી ગયો.  તેણે નોટ પોતાના ગજવામાં સરકાવી  રિક્ષાને છાંયડો શોધી પાર્ક કરી દઇ રાહ જોતો બેઠો.

આ ઘરડા ઘર ગઇકાલે જોએલા ઘરડા ઘરની સરખામણીમાં  કંઇક સારા લાગ્યા. સુવિધાની વાત કરીએ તો અહી રૂમે રૂમે એસી લગાડેલા હતા રૂમ પણ સ્વચ્છ રખાચેલ. રસોડામાં પણ ખાવાનાથી માંડી સાધન સામગ્રી વ્યવસ્થિત હતા. રમીલાને આ બધું પોતાના માટે યોગ્ય લાગ્યું. 

તેણે આ વિશે વિનોદને કહયું  એટલે બંને ઓફિસમાં જઇ જે પણ કાર્યવાહી કરવાની હતી તે કરવા ગયા.

રમીલાએ ફોર્મ ભરી વ્યવસ્થાપકને આપ્યું. વ્યવસ્થાપકે તપાસી કહયુ

“બેન માફ કરજો પણ તમે તમારા પતિની વિગત ભરવાનું ચુકી ગયા છો”. આમ કહી તેણે ફોર્મ વિનોદને આપ્યું  ને.કહયુ, “સાહેબ તમારી વિગત ભરી દો”.

 વિનોદ કાંઇ બોલે તે પહેલા રમીલા બોલી, “એ મારા પતિ નથી. હું વિધવા છું”. 

“મને માફ કરજો તમારી સાથે આવ્યા છે એટલે મને ભ્રમ થયો. મારે દિલગીરી સાથે તમને ના કહેવી પડે છે કેમ કે  અમે વિધવા વૃદ્ધાને તેમના કુટુંબના સદસ્યની મરજી વગર અહી નથી રાખી શકતા.  આ ભાઇ તમારા કુટુંબના હોય એવુ મને  નથી લાગતુ”.   .

રમીલાને  થયુ કે તે જયા હતી ત્યા પાછી આવી પહોંચી. વિનોદે તેના ખભે હાથ ન મુક્યો હોત તો  તે ત્યા જ ડુસ્કે ચઢી હોત.  વિનોદે તેને ટેબલ પર રાખેલા પાણીના પ્યાલો ઉઠાવી  તેની આગળ ધર્યો. પાણી પી ગળેઆવેલા ડુમાને રમીલાએ પાછો ઠેલ્યો ને સ્વસ્થ  થઇ

તેનામાં અત્યારે જાણે હોષ જ ન રહયા હોય એમ સુન થઇ  ગઇ. વિનોદ્ તેને ઉભી કરી સાત્વના આપતા કહયું 

“આ નહી તો બીજા ઘણાય વૃદ્ધાશ્રમો હશે આપણે ત્યા જઇશું. તું જરાય ચિંતા ન કર. હું છું તારી સાથે”. 

રમીલાના પગમાં જાણે તાકાત જ ન રહી હોય તેમ વિનોદના ટેકે માંડ માંડ તે ઓફ્સિની બહાર નીકળી વ્યનસ્થાપક એ બંને જતા જોઇ રહયો ને આશ્રમના કાયદાને લીધે એક વિધવાનો નિસાસાની હાય પોતાને લાગશે કે કેમ  એના વિચારે ચઢયો.

અમરે તેઓને દુરથી આવતા ભાળ્યા. કંઇક અજુગતુ થયાનો ભાસ તેને રમીલાની ચાલ પરથી થયો  એણે રિક્ષા ચાલું કરી વિનોદની જેટલા નજીક જઇ શકાય એટલે ગયો.

“સાહેબ મદદ કરુ બેનને રિક્ષામાં બેસાડવા? બેન સાજા સમા હતા. અંદર કાંઇ થયું કે શું?’ 

“આજે તેનો ભ્રમ તુટ્યો એટલે વિચલિત થઇ છે”. 

અમર કાંઇ સમજ્યો નહી એટલે બોલ્યો, “ સાહેબ બેનને ડોકટર પાસે લઇ જવા છે?’ 

“ના ભાઇ એવી કોઇ જરૂર નથી તું એક કામ કર આટલામાં કોઇ સારી વાતાનુકુલિત (એરકંડિશન) રેસ્ટ્રોરંટ હોય તો લઇ જા”.  

અમરે નજીકમા આવેલી આરોહી એલિસિયમ સાઉથ ઇંડિયન રેસ્ટ્રોરંટ તરફ રિક્ષા લીધી. જમવાનો સમય હતો એટલે દસ મિનિટ જેવી રાહ જોવી પડી. વિનોદે અમરને પણ પરાણે આગ્રહ સહિત અંદર લીધો  પોતાને રમીલા સાથે વાત કરવી હતી તેથી વેઇટરને તાકીદ કર્યો અમરને  પોતે

 જોઇ શકે એ રીતના ટેબલ પર બેસાડે.  તેને જે પણ ખાવુ હોય તે પીરસવું.

અમરને કહયુ, “મારે રમીલા સાથે  વાત કરવી છે નહી તો તને પણ અમારી સાથે જ  જમવા બેસાડત.  અને કિંમતની બિલકુલ પણ ચિચા ન કરતો. તારે જે પણ મંગાવવું હોય તે નિસંકોચ મંગાવજે. તને ખાવાનું મોંઘુ લાગશે  પણ તુ તારે મંગાવજે”.

પોતાને તો ખાશ જમવાની રુચિ ન હતી   તેમ છતાય કંઇક તો મંગાવુ પડે એટલે તેણે પોતાના માટે મેંદુ વડા સંભાર ને રમી માટે ઇડલી સંભાર મંગાવ્યા તેમનો ઓર્ડર આવતા વીસેક મિનિટ જેવો સમય લાગવાનો હતો.  વિનોદે પહેલીવાર રમીનો હાથ પોતાના હાથમાં લીધોને બોલ્યો

“રમી હું જાણું છું તને કેટલું દુઃખ પહોંચ્યુ છે કે તને આશ્રમમા તારા વિધવા હોવાને કારણે ના કહી,

 વિધવા થવું એ તો ભગવાનની મરજી એમા તારો શું દોષ. પણ હું અને તું આ સમજીએ છીએ પણ નાદાન દુનિયા નથી સમજતી. મને ખાત્રી છે કે તું જયારે ઘરેથી નીકળી હોઇશ ત્યારે આનો લેશ માત્રનોય ખ્યાલ નઙી હોય કે આવું કંઇક તારી સાથે થશે”. વિનોદની વાત સાંભળી રમીલાની આંખો ભીની થઇ આવી.

વિનોદે ત્યી રાખેલા ટિશ્યુમાંથી એક કાઢી રમીને આપ્યું ને વાત આગળ ચલાવી

“જો દુનિયા ગમે તે કહે પણ હું આપણી મિત્રતાને જરાય આંચ આવવા નહી દઉ  હું તને બીજી પણ બાહેઘરી આપુ છું કે ભલે કોઇ તારો સાથ આપે કે ન આપે પણ હું તને એક મિત્ર તરીકેનો સાથ જીવનભર આપતો રહીશ અને તે પણ કોઇ અપેક્ષા રાખ્યા વિના”.

વિનોદના શબ્દોએ સંજીવની બુટ્ટીનુ કામ રમીલાના હ્રદય પર કર્યું 

રમીએ પોતાનો બીજો હાથ વિનોદના હાથ પર મુકી બોલી 

“વિનોદ, તુ સાચું કહે છે?’

“અજમાવી ખાત્રી કરી લે એટલે તને સંતોષ થાય”.

“ઓ વિનોદ તારા આ કહેણ મારા ઘાયલ દિલને જે ટાઢક આપી રહયા છે એની અનુભુતિ દર્શાવવા મારી પાસે શબ્દો નચી”. 

ત્યા તો તેમનો ઓર્ડર લઇ વેઇટર આવી પહોચ્યો.  બે પ્લેટ જોઇ તેમને આગલી રાતની માણેક ચોકની મજા યાદ આવી. અહી પણ એવી મજા માણી શકાય તો કેવું રમી વિચારી રહી. વિનોદે જાણે તેના મનમાં ચાલી રહેલા વિચારોને જાણે વાંચી લીધા હોય એમ તેણે રમીની ઇડલીમાંથી એક ટુકડો ચમચીથી લઇ પોતાના  મોંમા મુક્યો. રમી પણ વિનોદને અનુસરી. તેઓ બંને ત્યારે અન્ય ગ્રાહકોને ભુલી  ગયા. વેઇટર આવીને પુછ્યું ત્યારે વિનોદ અને રમીલા તેમની યાદોની દુનિયામાંથી બહાર આવ્યા

 “સાહેબ, તમારે માટે બીજુ શું લાવું?” વિનોદને ભાન થયુ કે લોકો તેમને નિહાળી રહ્યા હચા. ક્ષોભ અનુભવતા તેણે અમર જયાં બેઠો હતો તે બાજું નજર નાખી. તેણે જોંયું કે તે હજુ જમીને પરવાર્યો ન હતો. તેણે રમીને પુછ્યું તારે કાંઇ મંગાવું છે 

રમીએ શરમાતા ઇશારાથી ના કહી.

“એમ કર બે ચીલ્ડ લાઇમ જ્યુસ લઇ આવ”, વિનોદે વેઇટરને કહયું.

લાઇમ જ્યુસ આવે તે દરમ્યાન  વિનોદે મનમાં એક નિર્ણય લીધો. તેને થયું કે રમીલાને આમ અજાણ્યા વાતાવરણમાં રાખવા કરતા તેને પોતાની સાથે પોતાના ઘરના રાખે તો કેવું.  આને માટે રમીને કઇ રીતે રાજી કરવી એના વિચર કરવા લાગ્યો. તેને આ રીતે વિચાર કરતા જોઇ રમીલાએ વિનોદને પુછ્યું 

“શું વિચારે છે? નકકી તુ મારા ભવિષ્યને લઇ ચિંતિત છું ને’?

“તને એવું શા પરથી લાગે છે’? 

“મને એટલા માટે લાગે છે કેમકે જો એવું ન હોત તો આપણે અહીં આવવાની જગ્યાએ કંયાક બીજે ફરતા હોત. કેમ ખરું ને?”

“તારી વાતમાં દમ તો છે. આપણે એકબીજાને સારી એવી રીતે ઓળખીએ ને સમજીએ છીએ. મને થાય છે કે તું વૃદ્ધાશ્રમમા જવાને જગ્યાએ મારી સાથે આપણા ઘરમાં રહે તો સારુ ન પડે. હું તારી સ્વતંત્રતામાં કોઇ પણ રીતે અવરોધ નહી બનું એની ખાત્રી રાખજે. આપણે બંને એક સાથે એક ઘરમાં તો હોઇશુ પણ ઉઠવા બેસવાનુ સ્વતંત્ર રહેશે.

“જો વિનોદ તારો પ્રસ્તાવ તેની જગ્યાએ બરાબર છે. પણ આપણે સમાજમાં રહીએ છે તેનો વિચાર કર્યો છે તેં. કાલ ઉઠી આપણા લીધેલ પગલાની ચુકવણી આપણી આવનારી પેઢીને  કરવી પડે એ તને મંજુર થશે”? 

“રમી આપણે ક્યા સુધી આવનારી પેઢીનું વિચારતા રહીશું. અત્યાર સુધી આપણે એ તો કર્યું છે પરિણામ આપણી સમક્ષ  જોઇ શકાય છે. આપણે આપણી પાછલી જીંદગી તો  આપણી મરજીથી જીવી લઇએ. કોણે જાણ્યું કે પ્રભુની પણ એવી ઇચ્છા હોય”. 

“તારું કહેવું સાચું છે તોય મારુ મન માનવા તૈયાર નથી. ભવિષ્યમા આના કારણે  આપણી મિત્રતા ભંગ થવાના કારણો ઉભા થઇ શકે છે.  હું તારા પર એક પ્રકારનો 

બોજ બની જવા નથી માંગતી”.  રમીલાએ કહયું તે તેની રીતે સાચું કહી રહી હતી.

“હું તારી દુવિધા સમજું છું. તેનો રસ્તો તો થઇ રહેશે  એકવાર તું રાજી થાય એટલે બસ”.

“એક શરતે રાજી થાઉ. મને જે દિવસે એવું લાગશે કે કોઇ  પણ કારણસર મારું માન ભંગ થાય  છે તે દિવસે તારા ઘરમાંથી નીકળી જઇશ બોલ મંજુર છે”. 

“તારી બધી શરતો મને મંજુર છે. તું ખાત્રી રાખજે હું એવી નોબત ક્યારેય  નહી આવવા દઉ”. .વિનોદે રમીલાને આશ્વાસ્થ કરતા કહયુ. તેણે ખિસ્સામાંથી ફોન કાઢ્યો ને ફોન લગાડ્યો . સામેથી ફોન ઉપાડાયાની સાથે  વિનોદે કહયુ. 

“વિમલ, તમને મારે એક તકલીફ આપવી પડશે”. 

“સાહેબ હુકમ કરો”, વિમલે કહયુ. 

“આપણે માલકિયતના નામમાં એક નામ ઉમેરવાનું છે. તમે એ કરી શકશો ને?” 

“જરૂર સાહેબ તમારા નામ સાથે જે નામ ઉમેવાનુ હોય તે મને મેસેજ કરી દો એટલે કોઇ પ્રકારે નામમા ભુલચુક ન થાય”.  

ફોન કાપી નાખી વિનોદે વિમલને મસેજ કર્યો તેને મેસેજ કરતા રમીલાએ જોયું કે તેણે રમીલાનું નામ ફ્લેટની માલકિયતમાં ઉમેરાવડાવ્યુ

“વિનોદ તેં શું કર્યું મારું નામ તારી સાથે કેમ રખાવ્યુ મારી એટલી તાકાત નછી કે તને અડધા પૈસા આપી શકું”.

“કરીને તે નાની વાત મિત્રતાની તોલે પૈસો ગૌણ છે. પૈસા તો આજે છે ને કદાચ કાલે ન પણ હોય પણ આપણી મિત્રતા તો કાયમ રહેશે. મિત્રો વચ્ચે હવે તારું મારં ન રહી આપણુ કહેવાશે”. 

રમીલા ગળગળી થઇ ગઇ.  તે આજે પોતાને સૌથી ધનાઢ્ય વ્યક્તિ માની રહી. જે માણસની પડખે  વિનોદ જેવો નિસ્વાર્થ, કરુણામય મિત્ર ઉભો હોય તેને કોઇની પણ ચિંતા કરવાની ન હોય.

તે જ સમયે હોટલના રેડિયો પર હિંદી ચલચિત્ર શોલેના ગીત  સંભળાયુ     

                    યે દોસ્તી હમ ન છોડેંગે

                       છોડેંગે દમ મગર

                   તેરા સાથ ના હમ છોડેંગે

હોટલમાંથી ત્રણેય બહાર નીકળ્યા. અંદર  એસીમા બેઠા હતા એટલે બહારની ગરમીની ખબર ન હતી. અમર તો આનાથી ટેવાયેલો ગતો પણ રમીલા કે વિનોદ માટે ગરમી અસહનીય હતી. તેથી તેમણે ફ્લેટ પર જવાનું રાખ્યુ  અમરે પણ રિક્ષાને પુર ઝડપે વૈષ્ણવદેવી સર્કલની દિશાએ હાંકી

રસ્તામાં અમરની સાથે વાત કરતા એક  વિશ્વાસુ ઘરકામ કરવા વાળીની ગોઠવણ કરી દીધી. એ કામકરનારી અમરની  દુરની બેન થતી હતી . તે ગામડેથી કોલેજમા ભણવા  શહેર આવી હતી.ભણવાનો ખર્ચો ઉપાડવા તે નાના મોટા કામ કરતી. અમરને ત્યા રાત્રે સુવા પુરતી આવતી. અમરનુ પણ ઘર નાનું હતું જેમા માંડ તેનો પરિવાર સમાતો. ત્યા સુરભી પણ આવી. તેની એવી કોઇ ડખલ ન હતી પણ અમરને વસવસો  સુરભીની મદદ ન કરી શકવાનો હતો.  છોકરી કેટલા અરમાન લઇ આવી હશે પણ ભાઇની લાચારીને કારણે ભણવામા પણ સરખાઇ નહતી.

ફ્લેટ પર આવી વિનોદે મોટો રૂમ રમીલાને આપ્યો જેથી કરી તેને નિત્યક્રમની સ્વતંત્રતા રહે. નીચેથી થોડી ઘણી જરૂરીઆતની જેવી કે ચા, મોરસ દુધ વગેરે લઇ લીધા.  કરિયાણાનો બીજો સામાન સુરભી સાથે જઇ લાવવાનું રાખ્યુ.

વિનોદે અમરને પોતાને ખર્ચે ઇનોવા ગાડી લઇ આપી. આમ કરવા પાછળ તેનો આશય એવો હતો કે અમરને તેના પગ પર ઉભો કરવાનો હતો બીજુ કારણ એ પણ ખરુ કે પોતાને કંયાક જવું હોય તો અમરની ગાડી ભાડે કરાય. 

બીજી બાજુ મુંબઇમા કિરણ પતિને રોજ પોલીસ ચોકીના ફેરા ખવડાવતી. એક દિવસ કિરણ બેંકમાં ગઇ ત્યારે મેનેજરે તેને બોલાવી કહયુ 

“બેન તમારા સસરાએ કોઇ વિમલ શાહને ચેકથી 2500000 આપ્યા છે. 

આ સાંભળી કિરણ મેનેજરને તડુકી, તમને કાંઇ ભાન બાન છેકે  આટલી મોટી રકમ માણસ લાપતા છે તેના ખાતામાંથી કઇ રીતે ચુકવાય”.

“બેન તમે નાહકના ગુસ્સે થાઓ છો. અમો એમનેમ કોઇને પૈસા નથી ચુકવતા . બધી રીતે ચકાસીને ચુકવણી કરીએ છીએ. મારાથી તમને આ કહેવાય પણ નહી તેમ છતા તમને મેં એટલે જાણ કરી કે જો તમે કોઇ વિમલ નામની વ્યક્તિને જાણતા હોતો તેના મારફત તમારા સસરાની ભાળ મેળવી શકો”.

ઘરે આવી કિરણે તો પતિનો કશાય વાંક વગર ઉધડો લેવા માંડયો. 

“તમારા કયા સગલા વિમલને તમારા બાપાએ 2500000 આપ્યા. અહી ઘરમાં પૈસા આપતા ચુંક આવે છે”. 

હેમંત બીચારો વગર વાંકે પત્નીના કડવા વચનોનો ઘુંટડા પી  શાંત રહયો. મામલો માંડ શાંત થયો હતો ત્યા બે દિવસ બાદ પાડોશીએ કિરણને સોશિયલ મિડીયા પર વાયરલ એક ક્લીપ દાખવી.

વિડોયોમાં વિનોદ અને રમીલા  હિંદી ગીતની તાલ પર એકબીજાને   બાથમા લઇ નાચી રહયા હતા.ગીતના બોલ સાંભળીને કિરણ તમતમી ઉઠી

                 એક પ્યાર કા નગમા હૈ

                  મોજો કી રવાની હૈ

                ઝાંદગી ઔર કુછ ભી નહી 

                  તેરી મેરી કહાની હૈ

પછી તો પુછવું જ  શું . કિરણે ઘર આખુય માથે  લીધું.  છેવટે પોલીસની મદદથી એ કલીપ મોકલનારનો  ફોન  નંબર મેળવીને જ છુટકો કર્યો.  તેણે ફોન કર્યો સામેથી સુરભીએ ફોન ઉપાડયો કિરણ હજુ કાંઇ બોલે એ પહેલાજ તેણે સામેથી કહયુ 

“તમે કિરણભાભી બોલો છોને. તમને હું અહીનું સરનામું અને તમારી  અહી આવવા ટ્રેનની ત્રણ ટિકિટ મોકલું છું. આજે રાતની ગાડી છે  તમે સવારના અહીં પહોંચી જશો.  તમે તમારો ફોન જોઇ લેજો  તમારુ સ્લીપરનું કનફર્મ બુકીંગ છે. સુરભીએ કિરણના જવાબની રાહ જોયા વગર જ ફોન કાપી નાખ્યો”. 

કિરણ હવે વિચારમાં પડી. કોણ હશે એ ઉદ્ધત બાઇ  નક્કી પેલી વિડિયોમાં હતી  એ જ હશે. બાપુજીને બરાબર ફાંસ્યા હોય એમ જણાય છે. ત્યા તો તેના ફોન પર મેસેજ આવ્યો જેમા તેમનુ બુકિંગ ને અમદાવાદનુ સરનામું હતા.  કિરણે તરત હેમંતને ફોન કરી ઘરે વહેલા આવી જવા તાકીદ કરી. નસીબે બીજે દિવસે શનિવાર હતો એટલે અનિકેત અને હેમંત બંનેને રજા હતી.

બીજે દિવસે જે સમયે હેમંત,કિરણ અને અનિકેત શાલિગ્રામ લેકવ્યુ પહોંચ્યા બરાબર એજ સમયે રમીલાનો દીકરો વહુ ને પૌત્ર પણ ત્યા પહોંચી ગયા. સુરભીએ સૌને આવકાર્યાને ચા નાસ્તો કરાવ્યા. ત્યા જ રમીલા પોતાની રૂમમાંથી બહાર આવી બધાને મળ્યા  તેની પાછળ જ વિનોદરાય પણ પોતાની રૂમમાંથી આવી સૌને  મળ્યા ને ખબર અંતર પુછ્યા ને  હેમંતને તેમજ બીજા સૌને સંબોઘીને કહયુ,

“તમે અમારા કહયા પર આવ્યા તે બદલ આભાર જે મને નથી ઓળખતા તેમને મારું ઓળખાણ આપું મારુ નામ વિનોદરાય છે ને આ મારા મિત્ર રમીલા છે અમે બંને કોલેજના મિત્રો છીએ. અમે હવે પછીનું જીવન મિત્રો બની રહેવાનું રાખ્યું. હેંમંત અત્યાર સુધી જે કાંઇ હતુ તે મારું હતુ એટલે હવે પછી આપણા મુંબઇમા પ્લેટનો માલિક તું. તેમા તું અને કિરણ તમારો ઘર સંસાર તમારી મરજીથી  ચલાવો . મેં અનિકેતના ભવિષ્યને ધ્યાનમા રાખી અક કરોડની એફ ડી કરાવી છે જે તેને કોલેજ જતો થશે ત્યારે મળશે. આ રકમ તેને કોલેજના ખર્ચામાં મદદરૂપ થશે. અનિકેતને મને  મળવાનું મન થાય ત્યારે કોઇ રોક ટોક વગર આવી શકે છે”.     

રમીલાએ તેના દીકરાને કહયુ

“જો દીકરા મારી પાસે વિનોદ જેટલા તો પૈસા નથી. જે હતુ તે તને ભણાવવા ને લગ્નમા વપરાય ગયા, જે છે એ માર્ ને તારા બાપુજીનુ પેન્શન છે  હું પ.ણ વિનોદની જેમ જ અનિલના ભવિષ્યને ધ્યાનમા રાખી જે કાઇ બચશે  તે તેના નામે  બેંક ખાતામાં મુકીશ જે તેને  કોલેજ જતો થાય ત્યારે મળે”. 

કિરણને લાગ્યુ કે તે જે માટે અહી આવી હતી તેમાં  તે સફળ નહી થઇ શકે. જે નથી મળ્યું એ ભવિષ્યમાં મળી રહેશે. તેણે હેમંતને કોણીથી ગોદો મારી મુંબઇ રવાના થઇ જવા  જણાવ્યું  બપોરના જમણવાર પત્યા બાદ હેમંતે કહયુ 

“અમારે સાંજની ગાડીથી પાછા જવાનું છે. બુકિંગ નથી એટલે વહેલા નીકળ્યે તો બેસવાની જગ્યા મળે”.

“અત્યારે કોઇએ પણ ઘરની બહાર જવાની જરૂર નછી. સાંજે સૌના માટે ખાસ પ્રોગ્રામ કર્યો છે.  માણેક ચોકની મોજ માણવાની છે તમારા બધાની પ્લેનની ટિકિટ બાપુજીએ કરાવી છે.  મોડી રાતની ફ્લાઇટ છે એટલે માણેક  ચોકથી  જ તમને એરપોર્ટ મુકી જવાની પણ વ્યવસ્થા  થઇ ગઇ છે”.   

અમર 6 વાગે ગાડી લઇ આવી પહોંચ્યો. જે મહેમાન હતા તે બધા અમરની ગાડીમાં બેઠા. વિનોદ રમીલાને સુરભી રિક્ષામા માણેક ચોક પહોંચ્યા સૌને ખુભ મજા આવી ખાસ કરી અનિકેત અને અનિલને. તેમને બરફનો ગોળો ખાવાની મોજ પડી ગઇ. એમને તો ગોળાની લારીથી દુર થવું જ ન હતું પણ સમયની માંગ તેમને એમ કરતા રોકતા હતા તેઓને 9 વાગે મોડામાં મોડા વિમાન મથકે પહોંચવાનું હતુ એટલે આખરે સાડા આઠ વાગે બધા છુટા પડયા. અમર મહેમાનને લઇ એરપોર્ટ બાજુ નીકળ્યો ને વિનોદ સુરભી ને રમીલાની ત્રિપુટી શાલિગ્રામ લેકવ્યુ તરફ રિક્ષામા નીકળ્યા   

રિક્ષામાં ગીત ચાલી રહયુ  હતું 

                     જીંદગી  કૈસી હૈ પહેલી હાયે   

                     કભી યે હસાયે તો કભી યે રુલાયે           

સુરભીના મનમા વિનોદ ને રમીલાની મિત્રતાની ઉંડી છાપ પડી .આ જમાનામાં યુવાનોમાં આવી મિત્રતા કદાચ જોવા મળે. પણ આ બેના જેવી નિરમળ, નિસ્વાર્થ, વાસના વિહિન પ્રેમ તેય જીવનના છેલ્લા પડાવ પર જોવો દુર્લભ જ નહી પણ એ અશક્ય હતુ.  શુ પોતાને પણ આવો કોઇ મિત્ર જીવનમાં મળશે કે કેંમ એ પ્રશ્ન તેને મુંઝવી રહયો.                    

Share: