જાગૃત જીવન – માર્ચ ૨૦૨૬

Celebrating heritage and connecting communities with rich stories and impactful journalism.

Banner Image

માનવીને વાચાની અપ્રતીમ ભેટ મળેલી છે. હા, અનેક માટે બોલવું મુશ્કેલ પણ હોય છે. તેમને આપણે સહુ મૂંગા- મૂક વ્યક્તિ તરીકે  ઓળખીએ છીએ. આ સાથે જ માનવીએ પોતે વિકસાવેલું ગણતરી પૂર્વકનું શસ્ત્ર મૌન છે! મૌન ક્યારેક ઉપકારક હોય છે, તો ક્યારેક એ પારાવાર મુશ્કેલીઓનું સર્જક બને છે કે ક્યારેક તે વિનાશનું કારણ પણ બને છે. આવા ગણતરી પૂર્વકનાં મૌન પરિવાર, સમાજ અને દેશમાં પણ ગંભીર પ્રશ્નો સર્જે છે. સમયસરનો ઉચિત ઉત્તર ઉપકારક બની રહે છે. વણસતી પરિસ્થિતિને રોકવા નિમિત્ત પણ બની શકે છે.

              વાચા અને વાકપટુતા એકમેક સાથે સંકળાયેલ બાબતો પણ છે. વાચાળ હોવું અને નિરર્થક બાબતો પર સતત બોલતા રહેવું એ કોઈના પણ વ્યક્તિત્વનો વિનાશ કરે છે. તો સામે મર્મ સભર, ઉપયોગી વાતચીત તમારી પ્રતિભાને મુઠ્ઠી ઊંચેરી બનાવે છે. બોલવામાં વિવેક વધુ ઉપકારક બની રહે છે.  તો જુબાનમાં તોછડાપણું, બિભત્સ કે અશ્લીલ બાબતો પરિવાર અને સમાજમાં તમને અળખામણા બનાવી મૂકે છે.

              જાહેર જીવનના નેતાઓમાં બે પ્રકાર જોવા મળે છે. એકને રાજપુરુષ કહી શકાય, તો અન્યને રાજકારણી. બન્નેની ભાષા, વ્યવહાર ને વર્તન તેમનો તફાવત દર્શાવે છે. દીર્ઘદ્રષ્ટા, વિનયી રાજપુરુષ સદૈવ યાદ રખાય છે, જ્યારે અનેયોનું અસ્તિત્વ તેમની નેતાગીરીના કાર્યકાળ પૂરતું જ જીવંત હોય છે. ‘કૂવામાં હોય તો હવાડામાં પાણી આવેને’ કહેવત પ્રચલિત છે. રાજકારણીનું પણ આવું જ કહી શકાય. ભણતર, પારિવારિક સાંસ્કૃતિક ગરિમા, સરળ ભાષા, વર્તન જેવી બાબતો તેમની પ્રતિભા પર અસરકર્તા બને છે. અજ્ઞાન અને વૈજ્ઞાનિક સમજનો અભાવ આવા વ્યક્તિત્વમાં તરત જ દેખાઈ આવે છે. આવા નેતાઓ ભાષણ કરવાનાં હોય ત્યારે કોઈકે લખેલાં ભાષણ જ વાંચી જવાં પડે છે! વક્તવ્ય દરમ્યાન તંતુ તૂટી જાય ત્યારે અ… તો…. અને…. જેવા ગેંગેફેંફે જેવા ખટકા કરવા પડે છે. અટકી અટકીને બોલવું પડે છે.

             મૂળ વાત એ છે કે પોતાની સમજને વિસ્તારવી રહી. જાણકારી ન હોય ત્યાં નિખાલસતાથી તેને સ્વીકારવી રહી. ‘હોઠ સાજા તો ઉત્તર ઝાઝા’ ની જેમ જે તે બાબતો પર પ્રતિભાવ આપવાનું ટાળવું.

              મને ઘણીવાર લાગે છે કે હું ચૂપચાપ મારૂં કામ મારા બે હાથોથી કરતો રહું. મારૂં મૌન જ ઘણા બધા પ્રશ્નોના ઉત્તરોનો પર્યાય છે. બશરત, મારી પ્રતિભા મારા મૌનમાં પડઘાતી હોવી જોઈએ.

 – કૌશિક અમીન.

Share: