×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી : 4.5ની તીવ્રતાનો આંચકો આવ્યો, ભૂકંપનું કેન્દ્ર બિંદુ દુધઈથી 15 કિમી દૂર

અમદાવાદ, તા.01 સપ્ટેમ્બર-2023, શુક્રવાર

કચ્છમાં અવારનવાર નાના ભૂકંપના આંચકા અનુભવાય છે. કચ્છમાં ભૂકંપના નાના આંચકા તો સામાન્ય બની ગયા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં કચ્છની ધરા ફરી એકવાર ધ્રુજી ઉઠી છે. કચ્છના દુધઈમાં મોડી સાંજે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. પરિણામે સ્થાનિક લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.5ની નોંધાઈ છે. જોકે, ભૂકંપના આંચકાથી કોઇ જાનહાની કે નુકસાન થવાના અહેવાલ મળી રહ્યા નથી. ઉલ્લેખનીય છે કે, કચ્છમાં 24 કલાકમાં બીજી વાર ભૂકંપનો આંચકો આવ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે કચ્છના દુધઈમાં મોડી સાંજે અંદાજે 8:54 વાગ્યે 4.5 ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના આંચકાથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અને ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર બિંદુ દુધઈથી 15 કિલોમીટર દૂર નોંધાયું છે.

અગાઉ 3.3ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો હતો

આ અગાઉ કચ્છમાં 17મી ઓગસ્ટે 3.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની કેન્દ્ર બિંદુ દૂધઈથી 19 કિ.મી. ઉત્તરે જમીનમાં 15 કિ.મી.ની ઉંડાઈએ નોંધાયું હતું. આ પહેલા ખાવડાથી 20 કિ.મી. ઉત્તરે આટલી જ ઉંડાઈએ 3.2ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.

કચ્છમાં વારંવાર આવે છે ભૂકંપના આંચકા

કચ્છમાં કેએમએફ કહેવાતી ભૂકંપની મુખ્ય ફોલ્ટલાઈન આવેલી હોય વારંવાર ધરતીકંપો ઉદ્ભવતા રહે છે. જૂલાઈ માસમાં કચ્છના દયાપર, ફતેગઢ વિસ્તારમાં એક-એક અને ભચાઉ પંથકમાં ત્રણ સહિત પાંચ ભૂકંપો 2.6થી 3.1ની તીવ્રતાના નોંધાયો છે. જો કે જાનહાનિ કે મોટુ નુક્શાન થાય તેવો ભૂકંપ 2001 પછી આવ્યો નથી.

અગાઉ ઉત્તર ગુજરાતમાં 4.2નો આંચકો અનુભવાયો હતો

ગુજરાતમાં ગત 3 માસમાં સૌથી વધુ શક્તિશાળી ભૂકંપ કચ્છમાં નહીં પરંતુ, ઉત્તર ગુજરાતના વાવથી 53 કિ.મી.ની ઉત્તરે, રાજ્યના રાજસ્થાન સીમાડા પાસે    ધનેરા પછી નેનાવા ગામ પાસે તા. 6-8-2023ના 4.2ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. જો કે તે જમીનની ઉપરી સપાટીએ આશરે 10 કિ.મી.ની ઉંડાઈએ હતો. ત્યારે હવે આજે ફરી કચ્છમાં 4.5ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે.