×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારત માટે જોખમ વધ્યું : ડ્રેગને અક્સાઇ ચીનમાં અન્ડરગ્રાઉન્ડ બંકરો બનાવ્યા


- અરુણાચલ અમારું, નક્શાનું ભારત ખોટું અર્થઘટન ના કરે : ચીનની શેખી

- રફાલને કારણે ભારતીય એરફોર્સની તાકાત વધતા પોતાની સુરક્ષા માટે ચીન આ બંકરો બનાવી રહ્યું હોવાનું નિષ્ણાતોનું તારણ

- લદ્દાખથી માત્ર 60 કિમી દૂર ચીનના કબજાવાળી ઘાટીમાં 11 સુરંગો જોવા મળી, સેટેલાઇટ તસવીરોમાં ઘટસ્ફોટ

બેઇજિંગ : ચીને ભારતના અરુણાચલ પ્રદેશને પોતાનો વિસ્તાર દર્શાવતો નક્શો જાહેર કર્યો છે, એવામાં હવે એક રિપોર્ટમાં સેટેલાઇટ તસવીરો સાથે દાવો કરવામાં આવ્યો છે કે ચીને પચાવી પાડેલા અક્સાઇ ચીનમાં અન્ડરગ્રાઉન્ડ બંકરો બનાવ્યા છે. જેને કારણે ભારતની મુશ્કેલી વધી શકે છે. લદ્દાખના ડેપસાંગથી માત્ર ૬૦ કિમી દૂર અક્સાઇ ચીનમાં ડ્રેગન પોતાના જવાનો અને યુદ્ધના હથિયારો માટે અન્ડર ગ્રાઉન્ડ બંકરો બનાવી રહ્યું છે. જે સેટેલાઇટ તસવીરો સામે આવી છે તેમાં આ ખુલાસો થયો છે. તસવીરોમાં ભારતની સરહદ પાસે બંકરોનું બાંધકામ થઇ રહ્યું છે તે અને ચીની સૈનિકો પણ જોવા મળી રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય ભૂ-ગુપ્ત નિષ્ણાતોએ સેટેલાઇટ એજન્સી મેક્સર દ્વારા લેવામાં આવેલી સેટેલાઇટની તસવીરોને જાહેર કરી છે. નિષ્ણાતોએ આ સેટેલાઇટ તસવીરોના આધારે અક્સાઇ ચીનની ઘાટીમાં આશરે ૧૧ સુરંગોને પણ શોધી કાઢી છે. જેને ચીન દ્વારા તૈયાર કરવામાં આવી છે. સાથે એવા પણ અહેવાલો છે કે ભારતીય સૈન્ય દ્વારા હવાઇ હુમલાથી બચવા માટે ચીન આ બંકરો બનાવી રહ્યું છે, એટલે કે ચીન ડરને કારણે હવે અન્ડર ગ્રાઉન્ડ બંકરોનો આશરો લેવા લાગ્યું છે. 

તાજેતરમાં જ ભારતીય એરફોર્સને રફાલ વિમાનો મળ્યા છે.  જે ચીન માટે ખતરનાક માનવામાં આવે છે. જેને પહોંચી વળવા માટે ચીન હવે આ પગલુ ભરી રહ્યું હોવાનો દાવો પણ થઇ રહ્યો છે. જે અક્સાઇ ચીનમાં આ બંકરો બનાવવામાં આવી રહ્યા છે તે મૂળ ભારતનો હિસ્સો છે, જેને ચીને પચાવી પાડયો છે અને હવે ત્યાં પોતાના સૈન્યને મજબૂત કરી રહ્યું છે. જે આવનારા દિવસોમાં ભારત માટે ખતરા સમાન માનવામાં આવે છે. આ સેટેલાઇટ તસવીરો પર સંશોધન કરનારા નિષ્ણાત ડેમિયન સાઇમને મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે ભારતીય એરફોર્સની તાકાત વધી છે. જેની સામે પહોંચી વળવા અને પોતાની સ્થિતિને મજબુત કરવા માટે ભારતની સરહદ પાસે ચીન આ બાંધકામ કરી રહ્યું છે. 

ભારતમાં આગામી મહિને જી-૨૦ સમ્મેલન યોજાવા જઇ રહ્યું છે, તે પહેલા ચીન દ્વારા અવળચંડાઇ કરાઇ અને અરુણાચલ પ્રદેશને પોતાનો હિસ્સો ગણાવતો જુઠો નક્શો જાહેર કરી દીધો. જોકે ભારતે આ નક્શાને લઇને ચીન પર આકરા પ્રહાર કર્યા હતા, હવે ચીને પણ વળતો જવાબ આપતા પોતાનું જુઠ્ઠાણુ જારી રાખ્યું હતું. ચીનના વિદેશ મંત્રાલયે બુધવારે એક નિવેદન જાહેર કરીને આ નક્શા અંગે પોતાનો બચાવ કરતા કહ્યું હતું કે વર્ષ ૨૦૨૩ના એડિશનનો નક્શો જાહેર કરવો સામાન્ય પ્રક્રિયા છે. અરુણાચલ પ્રદેશ અમારુ છે અને ચીનની અખંડતાને ધ્યાનમાં રાખીને જ આ નક્શો જાહેર કર્યો છે. એટલુ જ નહીં જુઠા નક્શાનો બચાવ કરતા ચીને ભારતને જ સલાહ આપી દીધી અને કહ્યું કે અમને આશા છે કે સંબંધીત પક્ષ (ભારત) અમારા નક્શાને જાહેર કરવાના હેતુને સમજવાનો પ્રયાસ કરશે, અને તેને ખોટી રીતે લેવાનો પ્રયાસ નહીં કરે. 

લદ્દાખમાં ચીને આપણી જમીન પચાવી પાડયાના રાહુલના આરોપો ખોટા

આપણા જવાનોનું મનોબળ તોડવા કોંગ્રેસ-ચીન વચ્ચે એમઓયુ થયા : ભાજપ

- નહેરુ વડાપ્રધાન હતા ત્યારે ચીને ભારતની જમીન પચાવી હતી, હાલ દેશ સુરક્ષિત હોવાનો ભાજપનો દાવો 

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ચીનને લઇને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા, રાહુલે કહ્યું હતું કે પુરુ લદ્દાખ જાણે છે કે ચીને આપણી જમીન પર કબજો કરી લીધો છે. આ મુદ્દે વડાપ્રધાને નિવેદન આપી સ્પષ્ટતા કરવી જોઇએ. રાહુલના આ નિવેદનને ટાંકીને બાદમાં ભાજપે આરોપ લગાવ્યો હતો કે ચીનની સત્તાધારી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે એમઓયુ થયા છે. જેને કારણે રાહુલ આ પ્રકારના નિવેદનો આપી જવાનોનું મનોબળ તોડી રહ્યા છે. 

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ દાવો કર્યો હતો કે ચીને ભારતના કોઇ પણ હિસ્સા પર કબજો નથી કર્યો, જોકે વડાપ્રધાન જુઠુ બોલી રહ્યા છે. પુરા લદ્દાખને ખ્યાલ છે કે ચીને આપણી જમીન પચાવી પાડી છે અને આ હું ઘણા સમયથી કહેતો આવ્યો છું. રાહુલના આ નિવેદનનો વળતો જવાબ આપતા કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું હતું કે જ્યારે જવાહરલાલ નહેરુ વડાપ્રધાન હતા ત્યારે ચીને આપણો વિસ્તાર પચાવી પાડયો હતો, હાલ કોઇ જ હિસ્સા પર ચીને કબજો નથી કર્યો, રાહુલ ગાંધી જુઠ બોલી રહ્યા છે. 

જ્યારે ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટીયાએ કહ્યું હતું કે કોંગ્રેસ અને ચીનની સત્તાધારી પાર્ટી વચ્ચે એમઓયુ થયા છે, જેને કારણે રાહુલ ગાંધી માટે ભારતીય સૈન્યના જવાનોનું મનોબળ તોડવું જરૂરી છે અને તેથી જ તેઓ આ પ્રકારના નિવેદનો કરી રહ્યા છે. આ કરારોને કારણે જ રાહુલ ગાંધી અને કોંગ્રેસ ચીન માટે ભારતની જાસૂસી કરી રહ્યા છે. સાથે જ દેશની જનતાનું રક્ષણ કરી રહેલા વડાપ્રધાનની હાંસી પણ રાહુલ ચીનના ઇશારે ઉડાવી રહ્યા છે.