×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ચંદ્ર પરના તાપમાન અંગે ઈસરોએ આપી મોટી અપડેટ, અસહ્ય ગરમી અને હાડથીજવતી ઠંડી વચ્ચે માત્ર એક ડગલાનો ફેર


ઈસરોએ ચંદ્રયાન-3ને લઈને એક નવું અપડેટ બહાર પાડ્યું છે. જેમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર તાપમાન વિશે માહિતી આપવામાં આવી છે. ચંદ્રની સપાટીની નજીક અને સપાટી પરના તાપમાનની સ્થિતિ ગ્રાફ દ્વારા જણાવવામાં આવી છે. આ તાપમાન અલગ-અલગ ઉંડાણમાં નોંધાયું છે. ઈસરોના જણાવ્યા અનુસાર તપાસની એન્ટ્રી દરમિયાન તે રેકોર્ડ કરવામાં આવ્યું છે. ISROએ વધુમાં જણાવ્યું કે, ચંદ્રના દક્ષિણ ધ્રુવ માટે આ પ્રકારની આ પ્રથમ પ્રોફાઇલ છે. હવે તેની નજીકથી નજર રાખવામાં આવી રહી છે.

આમ કરનાર ભારત પ્રથમ દેશ

વિક્રમ લેન્ડર પરનું ChaSTE દક્ષિણ ધ્રુવની આસપાસના ચંદ્રના આવરણનું તાપમાન માપે છે. તેની મદદથી ચંદ્રની સપાટીનું તાપમાન સમજી શકાય છે. ChaSTE એ પેલોડ તાપમાન માપવાનું યંત્ર છે. તે 10 સે.મી.ની ઊંડાઈ સુધી પહોંચી શકે છે અને ત્યાં તાપમાન તપાસી શકે છે. પેલોડમાં 10 અલગ-અલગ તાપમાન સેન્સર છે. ISRO દ્વારા શેર કરવામાં આવેલો ગ્રાફ વિવિધ ઊંડાણો પર નોંધાયેલ ચંદ્રની સપાટી અથવા નજીકની સપાટીના તાપમાનમાં તફાવત દર્શાવે છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર કરવામાં આવેલ આ પ્રથમ તપાસ છે, જેનાથી ભારત આમ કરનાર પ્રથમ દેશ બન્યો છે.

ઈસરોએ તાપમાનને લાગતો ગ્રાફ કર્યો રજૂ

ISRO એ વિક્રમ લેન્ડર પર ChaSTE પેલોડમાંથી મળેલો ગ્રાફ શેર કર્યો છે. આ મુજબ, ચંદ્રની સપાટીનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ છે. તે જ સમયે, ઊંડાણમાં ગયા પછી, ચંદ્રની સપાટીના તાપમાનમાં ઝડપથી ઘટાડો થાય છે. ગ્રાફ પર નોંધાયેલા ડેટા અનુસાર, 80 મીમીની અંદર ગયા પછી, તાપમાન 10 ડિગ્રી સુધી ઘટી જાય છે. આના પરથી એવું લાગે છે કે ચંદ્રની સપાટી ગરમી જાળવી રાખવામાં સક્ષમ નથી.

ઈસરોએ આપી હતી અપડેટ 

અમદાવાદની વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC) અને ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL)ના વૈજ્ઞાનિક દ્વારા સંયુકત રીતે ChaSTE બનાવવામાં આવ્યું છે. ઈસરોએ આના એક દિવસ પહેલા ટ્વીટ કરીને કહ્યું હતું કે, અમે ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગ દર્શાવ્યું છે. રોવરને પણ દોડતું બતાવવામાં આવ્યું છે. હવે બંને એકસાથે કેટલાક ઇન-સીટુ પ્રયોગો કરી રહ્યા છે. જે આગામી 10-11 દિવસ સુધી ચાલુ રહેશે. હાલમાં, લેન્ડર અને રોવરના તમામ પેલોડ સુરક્ષિત છે.