×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોટામાં દર 15 દિવસે વિદ્યાર્થીઓના સાયકોલોજિકલ ટેસ્ટ થશે, વધતી જતી આપઘાતની ઘટના વચ્ચે નિર્ણય

image : Envato 


રાજસ્થાનના કોચિંગ હબ ગણાતા કોટામાં અવાર-નવાર વિદ્યાર્થીઓના આપઘાતના અહેવાલ આવતા રહે છે. ક્યારેક અભ્યાસના ભારણ તો ક્યારેક કોઈના કે પરિજનોના દબાણ સહિત વિવિધ કારણો હેઠળ વિદ્યાર્થીઓ આપઘાત જેવું પગલું ભરી જાય છે. આપઘાતની વધતી જતી આ ઘટનાઓ વચ્ચે હવે કોટાના વહીવટીતંત્રએ એક મોટું પગલું ભરવાની તૈયારી કરી છે. 

કોટાના વહીવટી તંત્રએ કર્યો આ નિર્ણય 

વિદ્યાર્થીઓને આપઘાત કરતા રોકવા માટે હવે કોટા વહીવટીતંત્ર દર 15 દિવસે તેમના સાઈકોલોજિકલ ટેસ્ટ કરશે. જેથી જો કોઈ વિદ્યાર્થીના મગજમાં આપઘાત જેવા આત્મઘાતી પગલાં ભરવાના વિચારો આવતા હોય તો પહેલાંથી જ તેની જાણકારી મેળવી તેને અટકાવી શકાય. તપાસ બાદ જે વિદ્યાર્થીઓમાં આ પ્રકારના લક્ષણો જણાશે તેમને કાઉન્સેલિંગ માટે મોકલાશે. 

કલેક્ટરે બેઠક યોજી 

કોટાના કલેક્ટર ઓપી બુનકરે કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ, વિદ્યાર્થીઓ માટેના હોસ્ટેલ અને અનેક પ્રતિનિધિઓ સાથે જિલ્લા સ્તરે બેઠક યોજી હતી. તેમને આ યોજનાથી વાકેફ કરાવ્યા હતા. ત્યારબાદ કલેક્ટરે કહ્યું હતું કે અમે દર 15 દિવસે વિદ્યાર્થીઓના સાયકોલોજિકલ ટેસ્ટ કરવાની તૈયારી કરી રહ્યા છીએ. આ તપાસ કોચિંગ ઈન્સ્ટિટ્યૂટની સાથે હોસ્ટેલ અને પીજીમાં પણ કરાશે. 

નિયમોનું કડક રીતે પાલન કરાશે 

જિલ્લા કલેકટરે અધિકારીઓને કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ, હોસ્ટેલ અને પીજી માટેની માર્ગદર્શિકાનો કડક અમલ કરવા સૂચના પણ આપી છે. તેમણે કહ્યું કે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે દરેક હોસ્ટેલ અને પીજી રૂમમાં સુરક્ષા સાધનો લગાવવામાં આવે જેથી ફાંસીથી થતા મૃત્યુને રોકી શકાય. કલેક્ટરે કોચિંગ સંસ્થાઓમાં રવિવારની રજા ફરજિયાત બનાવવા અને તે દિવસે પરીક્ષા ન લેવા પણ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જાન્યુઆરીથી, કોચિંગ હબમાં કોચિંગ વિદ્યાર્થીઓ દ્વારા આત્મહત્યાના 19 કેસ નોંધાયા છે, જેમાં આ મહિનાના પ્રથમ 10 દિવસમાં 3 કેસનો સમાવેશ થાય છે.