×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

યોગી રાજમાં 183 એન્કાઉન્ટર, સુપ્રીમે રિપોર્ટ માગ્યો


- ઉત્તર પ્રદેશમાં મોટાભાગના એન્કાઉન્ટર ફેક હોવાના દાવા સાથે સુપ્રીમમાં અરજી

- એન્કાઉન્ટરમાં કોણ મર્યું, શું તપાસ કરી, કેટલા કેસોમાં ચાર્જશીટ ફાઇલ થઇ, ટ્રાયલ સહિતની વિગતો રજુ કરવા આદેશ

- અમે એન્કાઉન્ટરોની તપાસ નથી કરી રહ્યા, માત્ર ગાઇડલાઇનનું પાલન થયું કે નહીં તે ચકાસવા માગીએ છીએ તેવી સ્પષ્ટતા

- 10 લોકો સુરક્ષા કરી રહ્યા હતા છતા અતિક, અશરફની હત્યા કેવી રીતે થઇ, કોની સાંઠગાંઠ છે? સુપ્રીમ

નવી દિલ્હી : યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા તે બાદ રાજ્યની પોલીસ દ્વારા ૧૮૩ એન્કાઉન્ટર કરવામાં આવ્યા છે. જેમાં મોટા ભાગના એન્કાઉન્ટર ફેક હોવાના દાવા સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી થઇ છે. એવામાં સુપ્રીમ કોર્ટે યોગી આદિત્યનાથ સરકાર પાસેથી આ બધા જ ૧૮૩ એન્કાઉન્ટરનો રિપોર્ટ માગ્યો છે. આ એન્કાઉન્ટરની તપાસ રિપોર્ટ, ચાર્જશીટ, અને ટ્રાયલ સહિતની માહિતી સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર પાસેથી માગી લીધી છે. આ માહિતી રજુ કરવા માટે યોગી સરકારને સુપ્રીમ કોર્ટે છ સપ્તાહનો સમય આપ્યો છે. 

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એસ રવિન્દ્ર ભટ અને ન્યાયાધીશ અરવિંદ કુમારની બેંચે આ સાથે જ ગેંગસ્ટર અતિક અહેમદ અને તેના ભાઇ અશરફની હત્યા અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ બન્ને ભાઇઓની સુરક્ષામાં પાંચથી ૧૦ લોકો તૈનાત હતા, તેમ છતા કોઇ આવીને આ રીતે ગોળી મારીને હત્યા કરી જાય. આવુ કેમ થયું?ંકોઇની તો સંડોવણી હશે. અતિક અહેમદની બહેન આઇશા નૂરીએ આ હત્યા પર સવાલ ઉઠાવતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી. સાથે જ સ્વતંત્ર તપાસની પણ માગણી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે અતિક અહેમદ અને અશરફની હત્યાની તપાસ સહિતનો રિપોર્ટ માગ્યો છે.  

આ ઉપરાંત સુપ્રીમ કોર્ટમાં એક પીઆઇએલ થઇ હતી જેમાં યોગી રાજમાં થયેલા એન્કાઉન્ટરની પણ સ્વતંત્ર તપાસ કરવા આદેશ આપવાની માગણી કરાઇ હતી, જોકે આ માગણીને સુપ્રીમ કોર્ટે નકારી દીધી છે. પણ સરકાર પાસેથી આ તમામ એન્કાઉન્ટરનો સ્ટેટસ રિપોર્ટ માગી લીધો છે. જેને કારણે યોગી સરકારની મુશ્કેલીઓ વધે તેવી શક્યતાઓ છે. સુપ્રીમ કોર્ટે વર્ષ ૨૦૧૭ બાદ ઉત્તર પ્રદેશમાં થયેલા તમામ એન્કાઉન્ટરમાં શું તપાસ કરી? ચાર્જશીટ દાખલ થઇ હોય તેવા કેસોમાં ટ્રાયલ ક્યાં સુધી પહોંચી વગેરે વિગતો માગી છે. રાજ્ય સરકાર દ્વારા જે સોગંદનામુ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવે તે ડીજીપી રેંકના અધિકારી દ્વારા કરવામાં આવશે તેવી પણ સ્પષ્ટતા કોર્ટે કરી હતી. 

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે અમે આ એન્કાઉન્ટરોની તપાસ કરવા નથી આવ્યા, અમે માત્ર કાયદો વ્યવસ્થા ઠીક છે કે કેમ તે જ જોવા માગીએ છીએ. આ દરમિયાન અતિક અને અશરફના મોત અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે આવા હાઇપ્રોફાઇલ મામલાઓમાં જ નહીં, જેલોમાં પણ અપરાધ થતા હોય છે. જે ચિંતાજનક બાબત છે, કોઇ સાંઠગાંઠ છે. અમે જાણવા માગીએ છીએ કે આ સાંઠગાંઠ તોડવામાં કોને રસ છે? ઉત્તર પ્રદેશ સરકાર વતી વરીષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ દલિલ કરી હતી અને કહ્યું હતું કે અતિક અહેમદ અને તેના પરિવારજનોની હત્યા મામલે તપાસ માટે બે ન્યાયિક આયોગની રચના કરવામાં આવી છે. હવે આ મામલે છ સપ્તાહ બાદ સુપ્રીમ કોર્ટમાં ફરી સુનાવણી કરવામાં આવશે. 

દર 15 દિવસે 1 એન્કાઉન્ટર, 96 સામે પોક્સો, હત્યાનો ગુનો હતો

ઇન્ડિયન એક્સપ્રેસની એક રિપોર્ટ અનુસાર યોગી આદિત્યનાથના શાસનમાં ઉત્તર પ્રદેશમાં દર ૧૫ દિવસે એક એન્કાઉન્ટરને અંજામ આપવામાં આવ્યો છે. માર્યા ગયેલા અપરાધીઓમાં ૯૬ અપરાધીઓ એવા હતા કે જેમના પર હત્યા, પોક્સો સહિતના કાયદાઓની કલમો હેઠળ ફરિયાદો દાખલ કરાઇ હતી. ઉત્તર પ્રદેશ પોલીસ રેકોર્ડ મુજબ રાજ્યમાં દર ૧૫ દિવસે આશરે એક એન્કાઉન્ટર થયું છે.  સાથે એવો પણ દાવો કરાયો છે કે વર્ષ ૨૦૧૬થી ૨૦૨૨ દરમિયાન ઉત્તર પ્રદેશમાં અપરાધમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. હત્યાના મામલાઓમાં ૩૭ ટકાનો ઘટાડો થયો, જોકે સ્થાનિક ડીજી પ્રશાંત કુમારે દાવો કર્યો હતો કે પોલીસ એન્કાઉન્ટર ક્યારેય પણ જઘન્ય અપરાધોને નિયંત્રિત કરવા કે કઠોર અપરાધીઓ પર નજર રાખવાની અમારી રણનીતિનો હિસ્સો નથી રહ્યા. 

5046 અપરાધીને પગમાં ગોળી વાગી, 13 પોલીસ શહીદ થયા

દરેક એન્કાઉન્ટરમાં એક મેજિસ્ટ્રેટ તપાસ થાય છે. ઉત્તર પ્રદેશના એન્કાઉન્ટરના ૧૬૧ મામલામાં મેજિસ્ટ્રેટ તપાસ પૂર્ણ થઇ ગઇ છે. એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા અપરાધી સામે જે કેસ દાખલ કરાયા હોય તેવા ૧૫૬ મામલામાં પોલીસ દ્વારા ક્લોઝર રિપોર્ટ ફાઇલ થઇ ગઇ છે. કોર્ટો દ્વારા ૧૪૧ મામલામાં રિપોર્ટનો સ્વીકાર થઇ ચુક્યો છે. 

આ ઉપરાંત વર્ષ ૨૦૧૭થી ૨૦૨૩ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણમાં ૫૦૪૬ અપરાધીઓને પગમાં ગોળી વાગી છે. જેમાં ૧૭૫૨ સાથે મેરઠ ટોચના સ્થાને છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં અપરાધ વધુ હોવાથી મેરઠમાં એન્કાઉન્ટર પણ વધુ થયા હોવાનો દાવો પોલીસ અધિકારી કરી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન ૧૩ પોલીસકર્મીઓ પણ માર્યા ગયા જ્યારે ૧૪૪૩ ઘાયલ થયા છે.