×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પાકિસ્તાની PM શાહબાઝ શરીફનું મોટું નિવેદન, કહ્યું ‘સેનાના સમર્થન વિના સરકાર ચલાવવી મુશ્કેલ’

ઈસ્લામાબાદ, તા.11 ઓગસ્ટ-2023, શુક્રવાર

પાકિસ્તાનના વિદાય લેતા શાહબાઝ શરીફે અગાઉ ઈમરાન ખાન સરકારમાં સેનાના હસ્તક્ષેપનો આરોપ લગાવ્યો હતો. જોકે હવે તેમના બોલ બદલાઈ ગયા છે... હવે તેમણે કબુલ્યું છે કે, સેનાના સમર્થન વિના સરકાર ચલાવવી મુશ્કેલ છે. શાહબાઝ શરીફે આજે કહ્યું કે, તેમની સરકાર પણ શક્તિશાળી સેનાના સમર્થન વિના ચાલી શકે નહીં. આ બાબત સરકાર બદલાવાની આશંકા ધરાવતા દેશના રાજકારણમાં સેનાની મહત્વપૂર્ણ ભૂમિકા દર્શાવે છે. 

શાહબાઝે સેનાના હસ્તક્ષેપ અંગે ઈમરાનની ટીકા કરી હતી

શાહબાઝ શરીફ જ્યારે વિપક્ષના નેતા હતા ત્યારે  તેમણે સત્તામાં સેનાના હસ્તક્ષેપ અંગે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ટીકા કરી હતી, પરંતુ સત્તામાં આવ્યા બાદ તેમણે ઈમરાન ખાન જેવી જ પેટર્ન અપનાવી લીધી છે.

‘ઈમરાનને પણ તેમના કાર્યકાળ વખતે સેનાનું સમર્થન મળ્યું હતું’

જિયો ન્યૂઝ સાથેના એક ઈન્ટરવ્યૂમાં શરીફને પૂછવામાં આવ્યું કે, શું પાકિસ્તાન વિશ્વમાં ‘હાઈબ્રિડ શાસન’ના સૌથી મુખ્ય ઉદાહરણોમાંથી એક છે ? જેનો જવાબ આપતા તેમણે કહ્યું કે, ઈમરાન ખાને પૂર્વ સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા પર વિશ્વાસ કર્યો હતો. શાહબાઝે કહ્યું કે, ઈમરાનને પણ તેમના કાર્યકાળ વખતે સેનાનું સમર્થન મળ્યું... ખાને ભલે બીજા પર આરોપો કર્યા, પરંતુ તેમની સરકાર જુદા જુદા પક્ષોનું મિશ્રણ હતી... તમામ સરકારને સેના સહિત મુખ્ય ક્ષેત્રોમાંથી સમર્થનની જરૂર પડતી હોય છે.

પાકિસ્તાનમાં સૈનિક શાસન કોઈ નવી વાત નથી

પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યા બાદ દેશમાં અડધો સમય સુધી સેનાનું શાસન રહ્યું છે.... આ સમય દરમિયાન સેનાએ પડદા પાછળ દેશના રાજકારણને નિયંત્રણમાં રાખવાનું કામ કર્યું છે... પાકિસ્તાની સેનાએ વારંવાર કહ્યું છે કે, તેઓ દેશના રાજકારણમાં હસ્તક્ષેપ નહીં કરે, પરંતુ નીતિગત બાબતોમાં તેમનો પ્રભાવ હજુ પણ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. તેઓ નાણાંકીય નિર્ણય લેવાની પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા છે અને વડાપ્રધાન શાહબાઝ શરીફે કોઈ વિરોધ કર્યા વગર તેમની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપ્યું...

મુખ્ય સેક્ટરમાં રોકાણ માટેની પરિષદમાં સેનાના પ્રમુખ પણ સામેલ

તેમણે મુખ્ય સેક્ટરોમાં રોકાણને પ્રોત્સાહન આપાવ માટે એક ઉચ્ચ સ્તરીય વિશેષ રોકાણ સુવિધા પરિષદની સ્થાપના કરી અને તે પરિષદનો વડાપ્રધાન ઉપરાંત સેનાના પ્રમુખ પણ હિસ્સો હતા... શાહબાઝે એપ્રિલમાં કહ્યું હતું કે, સેના પ્રમુખ જનરલ અસીમ મુનીરે સાઉદી અરેબીયા પાસેથી ભંડોળ મેળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી, જે આર્થિક સંકટ સામે ઝઝુમી રહેલા દેશ સાથે બેલઆઉટ કરાર પર મહોર મારવા માટેની આઈએમએફની પૂર્વ શરત હતી.