×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઓનલાઈન ગેમ પર 28% ટેક્સનો રસ્તો સાફ, લોકસભામાં પાસ થયા GST સંશોધનના 2 બિલ

નવી દિલ્હી, તા.11 ઓગસ્ટ-2023, શુક્રવાર

આજે લોકસભાના છેલ્લા દિવસે ઓનલાઈન ગેમ પર 28 ટકા ટેક્સને લગતા 2 બિલો પસાર થઈ ગયા છે. ગેમને લગતા GSTમાં જરૂરી 2 સુધારા પર લોકસભાની મહોર વાગી ગઈ છે. લોકસભામાં આ બંને વિધેયક ‘સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (સુધારા) બિલ, 2023’ અને ‘ઈન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (સુધારા) બિલ, 2023’ પસાર થઈ ગયા છે. આ બિલ પસાર થવાથી ગેમિંગ, કસીનો અને હોર્સ રેસિંગ ક્લબો પર 28 ટકા ટેક્સ લાદી જીએસટી વસુલવાનો રસ્તો સાફ થઈ ગયો છે.

થોડા દિવસો પહેલાં જ મંત્રી મંડળે આપી હતી મંજૂરી

અગાઉ કેન્દ્રીય મંત્રીમંડળે ગત સપ્તાહે જ ઓનલાઈન ગેમિંગ, કસીનો અને હોર્સ રેસિંગ ક્લબોમાં દાવ પર લગાવાતી સંપૂર્ણ રકમ પર 28 ટકા ટેક્સ લગાવવા માટે GST કાયદામાં પ્રસ્તાવિત ફેરફારોમાં સંશોધનને મંજુરી આપી દીધી હતી. જ્યારે તે અગાઉના સપ્તાહે મંત્રીમંડળે સીજીએસટી અને આઈજીએસટીના કાયદામાં સુધારાને મંજુરી આપી હતી.

જીએસટી કાઉન્સિલે કરી હતી ભલામણ

કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા સીજીએસટી અને આઈજીએસટી કાયદામાં સુધારાને મંજુરી મળ્યા બાદ બંને બિલને સંસદમાં રજુ કરાયા હતા. ઉલ્લેખનિય છે કે, બીજી ઓગસ્ટે જીએસટી મંત્રીમંડળની 51મી બેઠક યોજાઈ હતી, જેમાં કસીનો, હોર્સ રેસિંગ અને ઓનલાઈન ગેમિંગ મામલે ટેક્સેશન પર સ્પષ્ટતા કરવા સીજીએસટી કાયદો-2017ની અનુસૂચિ 3માં સુધારાની ભલામણ કરાઈ હતી.

એક ઓક્ટોબરથી લાગુ થશે નવો કાયદો

જીએસટી કાયદામાં સુધારાની જોગવાઈ એક ઓક્ટોબરથી લાગુ થશે... સંસદના બંને ગૃહોમાં મંજુરી મળ્યા બાદ પ્રસ્તાવિત સુધારા પર કાયદો લાગુ પડી જશે. અગાઉ નાણાંમંત્રી નિર્મલા સિતારામને જીએસટી કાઉન્સિલની બેઠક બાદ કહ્યું હતું કે, સીજીએસટી અને આઈજીએસટી સુધારાને ચોમાસા સત્ર દરમિયાન સંસદમાં રજુ કરવામાં આવી શકે છે. સંસદમાં મંજૂરી મળ્યા બાદ તમામ રાજ્યો પોતપોતાની વિધાનસભાઓમાં સ્ટેટ GST એટલે કે SGSTના કાયદામાં સુધારો પસાર કરશે.