×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મણિપુર મહિનાઓથી સળગી રહ્યું છે અને પીએમ મોદી તેના માટે ફક્ત 2 જ મીનિટ બોલ્યાં : રાહુલ ગાંધી


રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદને સંબોધી હતી. આ દરમિયાન તેમણે સંસદમાં વડાપ્રધાન મોદીએ અવિશ્વાસ પ્રસ્તાવ અંગે આપેલા જવાબ અંગે પણ પ્રતિક્રિયા આપી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે મણિપુર છેલ્લા ઘણા મહિનાઓથી સળગી રહ્યું છે અને પીએમ મોદી તેના વિશે ફક્ત 2 જ મીનિટ બોલ્યા હતા. પીએમ મોદી મણિપુરની આગને ઓલવવા જ નથી માગતા. મણિપુરમાં શાંતિ લાવવા સૈન્યને તહેનાત કરવાની જરુર છે. તે બે જ દિવસમાં શાંતિ સ્થાપિત કરી શકે છે.

 મણિપુર મુદ્દે ફક્ત 2 જ મિનિટ વાત કરી 

પીએમ મોદીએ 2 કલાક ભાષણમાં કોંગ્રેસ વિશે, ભાજપે કરેલા કાર્યો અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી પણ મણિપુર મુદ્દે ફક્ત 2 જ મિનિટ વાત કરી હતી. તેઓ મણિપુરની મુલાકાતે પણ ન ગયા. તેઓ સારા મૂડમાં છે અને તેમના કેબિનેટના સભ્યો પણ સંસદમાં હસી રહ્યા હતા. રાહુલ ગાંધીએ આવા અનેક ગંભીર આરોપો પીએમ મોદી સામે મૂક્યા હતા.

મણિપુરમાં હિંસા રોકવાના અનેક 'હથિયાર' પણ પીએમ મોદી તેનો ઉપયોગ નથી કરી રહ્યા

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે વડાપ્રધાન મોદી મણિપુર ત્રણ મહિનાથી સળગી રહ્યું હોવા છતાં કંઈ કરી રહ્યા નથી. મણિપુરમાં હિંસાને રોકવા માટે તેમણે પહેલાં કાર્યવાહી કરવાની જરૂર હતી. તેમની પાસે અનેક હથિયારો છે પણ તેઓ તેનો ઉપયોગ કરી રહ્યા નથી. તેઓ ફક્ત સંસદમાં હસી રહ્યા હતા. તેમણે હિંસા રોકવા પર ધ્યાન આપવાની જરૂર છે. તેઓ ભારતીય સૈન્યને તહેનાત કરી શકે છે. પછી તેઓ વાતચીતનો માર્ગ અપનાવી શકે છે.

મણિપુરને બે ભાગમાં વહેંચી દેવાયું

રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદી જ્યારે મણિપુર અંગે ગૃહમાં જવાબ આપી રહ્યા હતા ત્યારે હસી રહ્યા હતા. તેમના ભાષણ દરમિયાન નારેબાજી કરવામાં આવી રહી હતી. મણિપુરમાં હિન્દુસ્તાનની હત્યા થઈ છે. ત્યાં ભારતને ખતમ કરી દેવામાં આવ્યો છે. મણિપુરને બે ભાગમાં વહેંચી દેવાયું છે.

મણિપુરમાં હિન્દુસ્તાનની હત્યા કરાઈ

રાહુલ ગાંધીએ કહ્યું કે મણિપુરમાં હિન્દુસ્તાનની, ભારતની વિચારધારાની જ હત્યા કરાઇ છે. આ બધુ કર્યું છે ભાજપે. આ બધું થવા દીધું વડાપ્રધાન મોદીએ. જે મેં મણિપુરમાં જોયું છે તે અગાઉ ક્યારેય જોયું નહોતું.

વડાપ્રધાન મોદીએ સ્પીચમાં ભારત વિશે નહીં પણ પોતાના વિશે ભાષણ આપ્યું

રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન મોદીએ તેમના ભાષણમાં મણિપુરની સ્થિતિનો ઉલ્લેખ કર્યો જ નથી. સંસદમાં ચર્ચા મણિપુર વિશે હતી તેમના વિશે નહોતી. તેઓ ફક્ત તેમના વિશે જ વાતો કરી રહ્યા હતા. વડાપ્રધાન મોદી લોકસભામાં મજાક બનાવી રહ્યા હતા. લોકો હસી રહ્યા હતા. રાહુલ ગાંધીએ એક સવાલના જવાબમાં કહ્યું કે મણિપુરમાં એન.બિરેન સિંહ હિંસા અટકાવી ના શક્યા. હથિયારોની લૂંટ ન રોકી શક્યા. શું અમિત શાહ એવું જ ઈચ્છતા હતા?