×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ અમારા માટે આશીર્વાદરૂપ : પીએમ મોદી


- કેન્દ્ર સરકારનો ધ્વનીમતથી વિજય, વિપક્ષને 2028માં પૂરી તૈયારી સાથે આવવા પડકાર

- વિરોધ પક્ષનું લોકપ્રિય સૂત્ર 'મોદી તેરી કબર ખુદેગી' : વિપક્ષને ગુપ્ત વરદાન, જેના વિશે દુષ્પ્રચાર કરે તેનું સારું જ થાય છે : મોદી

- બે દાયકા જૂના યુપીએની અંતિમક્રિયા કરી ખંડેર પર નવું પ્લાસ્ટર કર્યું અને નવું નામ રાખ્યું 'ઈન્ડિયા'

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર વિરુદ્ધ વિપક્ષ દ્વારા મંગળવારે રજૂ કરાયેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સાંજે જવાબ આપ્યો. પીએમ મોદીના લગભગ ૨.૧૨ કલાકના ભાષણમાં મહત્વની બાબત એ હતી કે જે મણિપુર મુદ્દે વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ લઈને આવ્યો હતો તે અંગે વડાપ્રધાને છેક ૧.૫૨ કલાક પછી નિવેદન કર્યું હતું, પરંતુ તે પહેલાં વિપક્ષે મણિપુર... મણિપુર...નો સૂત્રોચ્ચાર કરતાં ગૃહમાંથી વોકઆઉટ કરી દીધો હતો. પીએમ મોદીના ભાષણના અંતે ધ્વની મતથી વિપક્ષનો અવિશ્વાસનો પ્રસ્તાવ ફગાવી દેવાયો હતો. વડાપ્રધાને વિપક્ષની ટીકા કરતાં કહ્યું કે આ અવિશ્વાસ પ્રસ્તાવ અમારા માટે શુભ છે. વિપક્ષ ૨૦૧૮માં પણ અમારા વિરુદ્ધ આવો જ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યો હતો અને અમે જંગી બહુમતીથી જીતી ગયા હતા. તેમણે વિપક્ષને ૨૦૨૮માં ફરીથી પૂરી તૈયારી કરીને અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા પડકાર ફેંક્યો હતો.

વડાપ્રધાન નેરન્દ્ર મોદીએ વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ મુદ્દે ગુરુવારે સાંજે સરકાર તરફથી જવાબ આપ્યો હતો. 

2018માં અવિશ્વાસ પ્રસ્તાવ પછી ભાજપનો વિક્રમી વિજય થયો

વડાપ્રધાને ભાષણની શરૂઆતમાં જ વર્ષ ૨૦૧૮માં વિપક્ષ દ્વારા લવાયેલા અવિશ્વાસ પ્રસ્તાવનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, ઈશ્વર કોઈને કોઈ માધ્યમથી તેની ઈચ્છા પૂરી કરે છે. 

આ વખતે ભગવાને વિપક્ષને માધ્યમ બનાવ્યો અને તેઓ આ અવિશ્વાસ પ્રસ્તાવ લઈ આવ્યા. આ જ વિપક્ષ ૨૦૧૮માં પણ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા હતા. તે વખતે પણ મેં કહ્યું હતું કે, આ અવિશ્વાસ પ્રસ્તાવ અમારી સરકારનો ફ્લોર ટેસ્ટ નથી, પરંતુ તે વિપક્ષનો ફ્લોર ટેસ્ટ છે. તે વખતે પણ વિપક્ષનો પરાજય થયો હતો. એટલું જ નહીં ત્યાર પછીની ચૂંટણીમાં જનતાએ પણ વિપક્ષને નકારી કાઢ્યો હતો અને એનડીએને વિક્રમી બહુમતીથી જીતાડી હતી. આ વખતે પણ વિપક્ષને ખબર પડી ગઈ છે કે ભાજપ અને એનડીએ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં જૂના બધા જ રેકોર્ડ તોડીને ભવ્ય વિજય સાથે પુનરાગમન કરશે. હકીકતમાં વિપક્ષનો અવિશ્વાસનો પ્રસ્તાવ અમારા માટે શુભ સાબિત થાય છે.

વિપક્ષ માટે ગરીબોની ભૂખ નહીં સત્તાની ભૂખ મહત્વની

વિપક્ષની ટીકા કરતાં વડાપ્રધાને કહ્યું કે, વિપક્ષના કેટલાક પક્ષોના વર્તને સ્પષ્ટ કરી દીધું છે કે તેમના માટે દેશ, નાગરિકો પ્રાથમિક્તા નથી. તેમના માટે પક્ષ વધુ મહત્વનો છે. તેમને ગરીબોની ભૂખની ચિંતા નથી. તેમના માટે સત્તાની ભૂખ મહત્વની છે. વિપક્ષે ગંભીરતા સાથે ગૃહમાં ભાગ લીધો હોત તો વધુ સારું હોત. છેલ્લા કેટલાક સમયમાં ગૃહમાં અનેક મહત્વપૂર્ણ બિલો પસાર થયા છે. આ બિલો દેશના નાગરિકો માટે ખૂબ જ મહત્વના હતા. પરંતુ વિપક્ષને યુવાનો કરતાં તેના રાજકીય ભવિષ્યની ચિંતા છે.

વિપક્ષ નો-બોલ પર નો-બોલ નાંખી રહી છે ને સરકાર છક્કા મારે છે

વિપક્ષની ટીકા કરતાં પીએમ મોદીએ કહ્યું કે, સરકારને ઘેરવા માટે વિપક્ષ અવિશ્વાસનો પ્રસ્તાવ લઈ આવી, પરંતુ મજાની વાત એ છે કે વિપક્ષ નો-બોલ પર નો-બોલ નાંખી રહ્યો છે અને અહીંથી ચોક્કા-છક્કા મારવામાં આવી રહ્યા છે. અહીં  

અધિર રંજન વિપક્ષના નેતા છતાં બોલવાની તક ના અપાઈ

પીએમ મોદીએ લોકસભામાં વિપક્ષના નેતા અધિર રંજન ચૌધરી પર કટાક્ષ કરતાં કહ્યું કે, અધિર રંજન ચૌધીર ગૃહમાં વિપક્ષના સૌથી મોટા નેતા છે, પરંતુ વક્તાઓની યાદીમાં તેમનું નામ જ નથી. ૧૯૯૯માં વાજપેયી સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ થયો. તે સમયે શરદ પવાર નેતા હતા. તેમણે ચર્ચાનું નેતૃત્વ કર્યું. ૨૦૦૩માં અટલ સરકાર હતી. સોનિયાજી વિપક્ષનાં નેતાં હતા. ૨૦૧૮માં ખડગેજી વિપક્ષના નેતા હતા. તેમણે ચર્ચાનું નેતૃત્વ કર્યું હતું. પરંતુ આ વખતે કોંગ્રેસે તેમના નેતા અધિર રંજન ચૌધરીને બોલવાની તક પણ ના આપી. કદાચ તેમને કોલકાતાથી ફોન આવ્યો હશે. આમ છતાં અમિતભાઈ અને લોકસભા અધ્યક્ષની ઉદારતાએ વિપક્ષનો સમય પૂરો થઈ જવા છતાં આજે અધિર રંજન ચૌધરીને બોલવાની તક આપી, પરંતુ ગુડનું ગોબર કેવી રીતે કરવું તેમાં વિપક્ષ નિષ્ણાત છે.

21મી સદીની અસર 1,000 વર્ષ સુધી રહેશે

વડાપ્રધાને કહ્યું કે, કોઈપણ દેશના ઈતિહાસમાં એક સમય આવે છે જ્યારે તે જૂની પરંપરાઓ તોડીને નવી ઊંચાઈઓ સાથે આગળ વધે છે. ૨૧મી સદીનો આ કાલખંડ ભારત માટે દરેક સપનાં સિદ્ધ કરવા માટે મહત્વપૂર્ણ છે. આ સમયની અસર આપણા દેશ પર આગામી ૧,૦૦૦ વર્ષ સુધી રહેશે. ૧૪૦ કરોડ દેશવાસીઓનો પુરુષાર્થ આ કાલખંડમાં તેના પરાક્રમથી, તેની શક્તિથી જે કરશે તે આગામી ૧,૦૦૦ વર્ષ સુધી મજબૂત પાયો નાંખશે. અત્યારે આપણા બધાનું એક જ ફોકસ હોવું જોઈએ, દેશનો વિકાસ, દેશના લોકોના સપનાં પૂરા કરવાનો સંકલ્પ અને તેને સિદ્ધી સુધી લઈ જવા માટે પ્રયત્નો કરવા. આ જ સમયની માગ છે.

વિપક્ષે એચએએલ, એલઆઈસી, બેન્કિંગ સેક્ટરનો દુષ્પ્રચાર કર્યો

પીએમ મોદીએ કહ્યું જેમના પોતાના ખાતાં બગડેલા છે, તેઓ અમારી પાસે હિસાબ માગે છે. વિપક્ષને એક ગુપ્ત વરદાન મળ્યું છે. તેઓ જેનું ખરાબ ઈચ્છે છે તેનું સારું થાય છે. તેમણે કેટલાક ઉદાહરણ આપતા કહ્યું, વિપક્ષે મારા માટે અનેક દુષ્પ્રચાર ફેલાવ્યો, પરંતુ ૨૦ વર્ષથી મારું સારું જ થયું. વિપક્ષે બેન્કિંગ સેક્ટર અંગે દુષ્પ્રચાર ફેલાવ્યો. એનપીએનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું બેન્કો ડૂબી જશે. વિદેશમાંથી નિષ્ણાતોના મોંઢે બોલાવ્યું, પરંતુ બેન્કોનો નેટ પ્રોફિટ બમણો થઈ ગયો. હિન્દુસ્તાન એરોનોટિક્સ અને એલઆઈસી બરબાદ થઈ જશે તેમ કહ્યું, પરંતુ બંને કંપનીઓ સારા દેખાવ કરી રહી છે.

એનડીએની ત્રીજી સરકારમાં ભારત ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર હશે

વડાપ્રધાને દેશની સિદ્ધિઓ પર વિશ્વાસ જ નથી. ભારતમાં યુવાનો વિક્રમી સંખ્યામાં સ્ટાર્ટઅપ ખોલીને દુનિયાને ચકિત કરી રહ્યા છે. ભારતની નિકાસ ટોચ પર છે. ભારતમાં વિક્રમી રોકાણ આવી રહ્યું છે. દેશમાં ગરીબી ઘટીને પાંચ વર્ષમાં ૧૩.૫ કરોડ થઈ છે. આઈએમએફે કહ્યું છે કે ભારતે અતિ ગરીબી લગભગ ખતમ કરી નાંખી છે. ભારતની ડીબીટી અને અન્ય સામાજિક કલ્યાણ યોજનાઓને અભૂતપૂર્વ ગણાવી છે. અમારી યોજનાઓની કોંગ્રેસ-વિપક્ષે મજાક ઉડાવી. કોંગ્રેસને ક્યારેય દેશના સામર્થ્ય પર વિશ્વાસ નહોતો. તેમણે ઉમેર્યું કે, એનડીએના ત્રીજા કાર્યકાળમાં દેશ દુનિયાની ત્રીજી સૌથી મોટી આર્થિક મહાસત્તા બની ગયો હશે.

યુપીએનું ક્રિયાકર્મ કર્યું, સાથી પક્ષ માટે 'ઈન્ડિયા'નો અર્થ જ નથી

વડાપ્રધાનના નિવેદન વચ્ચે વિપક્ષે મણિપુર મુદ્દે સૂત્રોચ્ચાર શરૂ કરી દીધો હતો. જોકે, પીએમ મોદીએ કહ્યું, વિપક્ષના સાથીઓ પ્રત્યેક હું સંવેદના વ્યક્ત કરું છું. બેંગ્લુરુમાં તમે બધાએ બે દાયકા જૂના 'યુપીએ'નું ક્રિયાકર્મ કરી નાંખ્યું. પરંતુ તેઓ સાથે ઊજવણી પણ કરી રહ્યા છે. તેમણે દાયકા જૂની ખટારા ગાડીને ઈલેક્ટ્રિક વાહન બતાવવાનો પ્રયત્ન કરવા નવું નામ 'ઈન્ડિયા' આપ્યું. પરંતુ તમિલનાડુના તેમના જ એક સાથીના નેતા તમિલનાડુમાં કહે છે કે તેમના માટે 'ઈન્ડિયા'નો કોઈ અર્થ નથી. તમિલનાડુ તો ભારતમાં જ નથી.

દેશના અનેક ભાગોમાં કોંગ્રેસ પ્રત્યે જનતાને અવિશ્વાસ

વડાપ્રધાને કહ્યું કે, દેશના અનેક ભાગોમાં જનતાએ કોંગ્રેસને નકારી કાઢી છે. તમિલનાડુમાં કોંગ્રેસ છેલ્લે ૧૯૬૨માં જીતી હતી. પશ્ચિમ બંગાળમાં ૧૯૭૨, ઉત્તર પ્રદેશ, ગુજરાત, બિહારમાં ૧૯૮૫માં, ત્રિપુરામાં ૧૯૮૮માં, ઓડિશામાં ૧૯૯૫માં અને નાગાલેન્ડમાં ૧૯૯૮માં છેલ્લે કોંગ્રેસ જીતી હતી. ત્યાર પછી જનતાએ તેને ફગાવી દીધી છે. દિલ્હી, આંધ્ર પ્રદેશ, બંગાળમાં તેના એક પણ ધારાસભ્ય નથી. જનતાએ કોંગ્રેસ પ્રત્યે અવિશ્વાસ જાહેર કર્યો છે.

જધન્ય અત્યાચારના દોષિતોને આકરી સજા થશે

મણિપુર તો અમારા કાળજાનો કટકો છે, શાંતિનો સૂર્યોદય થશે : વડાપ્રધાન

- કેટલાક લોકો ભારત માતાના મોતની કામના કરે છે

લોકસભામાં મણિપુર હિંસાના જે મુદ્દા પર વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યો હતો તે હિંસા માટે વડાપ્રધાને કોંગ્રેસની નીતિઓને જ જવાબદાર ઠેરવી હતી. પીએમ મોદીએ ભાષણમાં પૂર્વોત્તરના રાજ્યો પર કોંગ્રેસના અત્યાચારનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારોના પ્રયત્નોથી મણિપુરમાં ફરી શાંતિ સ્થપાશે અને તે વિકાસના માર્ગે આગળ વધશે.

મણિપુર મુદ્દે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હિંસાગ્રસ્ત રાજ્યમાં શાંતિ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને કામ કરે છે. મહિલાઓ પર જધન્ય ગૂનાના દોષિતોને આકરી સજા કરાશે. પીએમ મોદી મણિપુર મુદ્દે બોલે તે પહેલાં વિપક્ષે વોક-આઉટ કરતાં તેમણે કહ્યું વિપક્ષમાં સાંભળવાની ધીરજ નથી. તે અસત્ય બોલીને ભાગી જાય છે, જુઠ્ઠાણાં ફેલાવે છે. ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે મણિપુર મુદ્દે હકીકતો રજૂ કરીને દેશને સાચી સ્થિતિથી માહિતગાર કરી દીધો છે. મણિપુરમાં હાઈકોર્ટના આકસ્મિક ચૂકાદા પછી પરિસ્થિતિ વણસી ગઈ અને હિંસાનો દોર શરૂ થઈ ગયો, પરંતુ રાજ્યમાં ફરી શાંતિ સ્થાપિત થશે અને તે વિકાસના માર્ગે આગળ વધશે.

જોકે, વડાપ્રધાને ઈતિહાસના પાનાં ખોલતા કહ્યું કે મણિપુરને મુદ્દો બનાવીને કેટલાક લોકો ભારત માતાની હત્યાની વાત કરે છે. સત્તા વિના તેમની હાલત કેવી થઈ ગઈ છે તે સ્પષ્ટ જોઈ શકાય છે. તેઓ કેમ ભારત માતાના મોતની કામના કરે છે તે ખબર નથી. પરંતુ પૂર્વોત્તરના રાજ્યોમાં હિંસા માટે કોંગ્રેસ જવાબદાર છે. માર્ચ ૧૯૬૬માં તેણે મિઝોરમ પર આપણી જ વાયુસેના મારફત પોતાના નાગરિકો પર બોમ્બ ફેંકાવ્યા હતા. મિઝોરમ આજે પણ પાંચ માર્ચે શોક મનાવે છે. પૂર્વોત્તરના લોકો પ્રત્યે કોંગ્રેસે દાયકાઓ સુધી સાવકો વ્યવહાર કર્યો છે. જવાહરલાલ નહેરુએ ૧૯૬૨ના યુદ્ધમાં આસામને તેના હવાલે છોડી દીધું હતું. પરંતુ અમે છેલ્લા નવ વર્ષમાં પૂર્વોત્તરના વિકાસ પાછળ કરોડો રૂપિયા ખર્ચ્યા અને આસિયાન દેશો સાથે સંબંધો વધતા પૂર્વોત્તરના રાજ્યોનો પણ વિકાસ થશે.