×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઈમરાન જેલમાં અને શાહબાઝ સરકારે પાક. સંસદ કરી ભંગ, રાષ્ટ્રપતિની મંજૂરી, હવે કોણ સંભાળશે સત્તા?

image  : Twitter


પાકિસ્તાનની સંસદનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો થાય તેના ત્રણ દિવસ પહેલાં જ સંસદને ભંગ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન શાહબાઝ શરીફની નેશનલ એસેમ્બલી ભંગ કરવાની ભલામણને રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ બુધવારે મોડી રાતે મંજૂરી આપી દીધી હતી. તેનાથી વર્તમાન સરકારનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો અને આગામી સામાન્ય ચૂંટણી યોજવાનો માર્ગ પણ મોકળો થયો. હવે પાકિસ્તાનમાં નવી ચૂંટાયેલી સરકારની રચના સુધી કાર્યવાહક સરકાર સત્તા સંભાળશે. 

રાષ્ટ્રપતિએ આપી મંજૂરી 

વડાપ્રધાન શાહબાઝ શરીફે બુધવારે મોડી રાતે સંસદ ભંગ કરવાની ભલામણ રાષ્ટ્રપતિ અલ્વી સમક્ષ મોકલી હતી. રાષ્ટ્રપતિ અલ્વીએ તેમાં વિલંબ કર્યા વિના મંજૂરી આપી હતી. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ કાર્યાલયે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે રાષ્ટ્રપતિએ બંધારણની કલમ 58 હેઠળ વડાપ્રધાનની સલાહ બાદ નેશનલ એસેમ્બલીને ભંગ કરવાનો નિર્ણય લીધો છે. 

નિયમ મુજબ હવે 90 દિવસમાં યોજી શકાશે ચૂંટણી 

ટેક્નિકલ આધારે હવે પાકિસ્તાનમાં ચૂંટણી યોજવાની સમયમર્યાદા બે મહિનાથી વધારી ત્રણ મહિના થઈ જશે. ખરેખર પાકિસ્તાનમાં નિયમ કહે છે કે જો નેશનલ એસેમ્બલી કાર્યકાળ પૂરો કરે તો ચૂંટણી પંચે બે મહિનામાં દેશમાં નવી ચૂંટણી યોજવી પડશે. જો એસેમ્બલી કાર્યકાળ પૂરો કર્યા વિના ભંગ કરે તો પંચ સામે 90 દિવસમાં ચૂંટણી યોજવાની મુદ્દત રહે છે. હવે 30 દિવસનો સમયગાળો વધી ગયો છે. 

ત્રણ દિવસમાં વચગાળાના વડાપ્રધાનની થશે નિમણૂક 

બંધારણ હેઠળ શાહબાઝ શરીફ અને નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના નેતા પાસે કેરટેકર વડાપ્રધાનના નામને અંતિમ રુપ આપવા ત્રણ દિવસનો સમય છે. જો કેરટેકર માટે કોઈ નામ પર સહમતિ ન બને તો એસેમ્બલી સ્પીકર દ્વારા રચાયેલી સમિતિ સામે મામલો મોકલાશે. આ સમિતિ ત્રણ દિવસમાં વચગાળાના વડાપ્રધાનની નિમણૂક કરશે. 

ઈમરાન ખાન તો તોશાખાના મામલે જેલમાં છે 

બીજી બાજુ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન મુશ્કેલીમાં મૂકાયા છે. તેમને તોશાખાના કેસમાં જેલ મોકલી દેવાયા છે. શાહબાઝ સરકારે આ તકનો જ લાભ લીધો છે તેવા દાવા કરવામાં આવી રહ્યા છે. ઈમરાન ખાનને પાંચ વર્ષ સુધી ચૂંટણી લડવાથી અયોગ્ય પણ જાહેર કરાયા છે.