×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

શિવલિંગ હટાવવાનો આદેશ લખતાં જ બેહોશ થયા હાઈકોર્ટના આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર, જજે તુરંત બદલ્યો ઓર્ડર

કોલકાતા, તા.09 ઓગસ્ટ-2023, બુધવાર

કોલકાતા હાઈકોર્ટમાં સામાન્ય દિવસોની જેમ કાર્યવાહી ચાલી રહી હતી. આજે પણ એક જમીન વિવાદ સંબંધી કેસને લઈ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં બંને પક્ષોના વકીલો તેમના અસીલો વતી દલીલો કરી રહ્યા હતા. જસ્ટિસ જોય સેનગુપ્તાએ બંને વકીલોની દલીલો સાંભળ્યા બાદ વિવાદિત જમીન પર સ્થાપિત શિવલિંગને હટાવવાનો આદેશ આપ્યો... જોકે ત્યારબાદ જે ઘટના બની, તે જોઈ તમામ લોકો આશ્ચર્યમાં મુકાયા...

મીડિયા અહેવાલો મુજબ જસ્ટિસ સેનગુપ્તાનો ચુકાદો નોંધતી વખતે કોર્ટના આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અચાનક બેહોશ થઈ ગયા.... તેમની આ હાલત જોઈ જજ પણ આશ્ચર્યમાં મુકાયા અને તેમણે તુરંત પોતાના નિર્ણયથી પીછેહઠ કરી.... જસ્ટિસ સેનગુપ્તાએ કહ્યું કે, હાઈકોર્ટ આ મામલે દખલ નહીં કરે અને અરજી કરનારાઓને નીચલી કોર્ટમાં જવું જોઈએ.

શું હતો જમીન વિવાદ ?

પ્રાપ્ત માહિતી મુજબ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના ખિદિરપુરના ગોવિંદ મંડળ અને સુદીપ પાલ વચ્ચે જમીનના એક ટુકડા માટે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ મામલે ગત વર્ષે બંને પક્ષો હિંસા પર ઉતરી આવ્યા હતા. આ મામલો આક્ષેપ કરાયો છે કે, ઘર્ષણ બાદ તે જમીન પર ગોવિંદ મંડળે રાતોરાત એક શિવલિંગ મુકી દીધું... ત્યારબાદ આ મામલે સુદીપ પાલે નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જોકે આ સિવિલ મેટર હોવાના કારણે પોલીસે ખાસ કાર્યવાહી ન કરી... તો સુદીપ પાલે કોલકાતા હાઈકોર્ટમાં અરજી કરી... કોર્ટ કાર્યવાહી દરમિયાન સુદીપ પાલના વકીલે દલીલ કરી કે, ગોવિંદ મંડળે ગેરકાયદેરીતે વિવાદિત જમીન પર શિવલિંગ મુક્યું હતું અને પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા આ કેસમાં કોર્ટને દખલ કરવાની જરૂર પડી...

કોર્ટ રૂમમાં હંગામો

સુદીપ પાલના વકીલની દલીલનો જવાબ આપતા ગોવિંદ મંડળના વકીલે ભારપૂર્વક કહ્યું કે, તેમના અસીલે જમીન પર કોઈ શિવલિંગ રાખ્યું નથી અને તે ધાર્મિક પ્રતિક આપોઆપ જમીનમાંથી ઉભરીને બહાર આવ્યું હતું. બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ જસ્ટિસ સેનગુપ્તાએ પોતાનો ફેસલો સંભળાવ્યો અને વિવાદીત જમીન પર શિવલિંગને હટાવવાનો આદેશ આપ્યો... જોકે આ દરમિયાન ફેંસલો નોંધી રહેલા સહાયક રજિસ્ટ્રાર અચાનક બેહોશ થઈ ગયા, જેના કારણે કોર્ટ રૂમમાં હંગામો મચી ગયો... ત્યારબાદ જસ્ટિસ સેનગુપ્તાએ તુરંત પોતાનો નિર્ણય બદલી કહ્યું કે, આ કેસમાં હાઈકોર્ટ દખલ નહીં કરે અને આ કેસને નિચલી કોર્ટ દ્વારા સિવિલ મેટર તરીકે આગળ વધારવી જોઈએ...