×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હીમાં કેનાલમાંથી મિસાઈલ જેવી વસ્તુ મળી આવતા ખળભળાટ, સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી

image : IANS


દેશની રાજધાની દિલ્હીમાં મિસાઈલ જેવી વસ્તુ મળી હોવાના અહેવાલે ખળભળાટ મચાવી દીધો છે. મામલાની ગંભીરતાને જોતાં NSGની ટીમને તાત્કાલિક ધોરણે બોલાવવામાં આવી હતી. અત્યાર સુધીની માહિતી અનુસાર, જે વસ્તુ મળી છે તે એક જૂનો મોર્ટાર શેલ હોઈ શકે છે.

ક્યાંથી મળ્યો આ મોર્ટાર શેલ? 

અધિકારીઓએ જણાવ્યું કે દિલ્હી પોલીસે રવિવારે રોહિણી સેક્ટરમાં આવેલી મુનાક કેનાલમાંથી એક જૂનો મોર્ટાર શેલ મળ્યો હોવાની માહિતી આપી. જેના પછી એનએસજીની ટીમે તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચીને નિરીક્ષણ કર્યું હતું.

ડે.કમિશનરે શું કહ્યું? 

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઉત્તર દિલ્હી, આઉટર) રવિ કુમાર સિંહે જણાવ્યું હતું કે આ શેલ સમયપુર બદલી પોલીસ સ્ટેશન વિસ્તારના રોહિણી સેક્ટર 28માં આવેલી કેનાલમાંથી મળી આવ્યો છે. સિંહે કહ્યું કે, તે જૂનો અને પોકળ અને કોહવાઈ ચૂકેલો શેલ લાગે છે પરંતુ તેના સુરક્ષિત નિકાલ માટે તમામ સાવચેતી રાખવામાં આવી રહી છે.

કેનાલમાં નહાતા વ્યક્તિએ આપી હતી માહિતી 

મળતી માહિતી મુજબ, સાંજે લગભગ 5 વાગે એક વ્યક્તિ કેનાલમાં નહાતો હતો, ત્યારે આ શેલ તેના પગ સાથે અથડાઈ ગયો. જે બાદ પોલીસને તેની જાણ કરવામાં આવી હતી. પોલીસે વિસ્તારને ઘેરી લીધો છે અને તેને નિષ્ક્રિય કરવા NSGને પત્ર લખ્યો છે. જે મોર્ટાર શેલ મળી આવ્યો છે તે ખૂબ જ જૂનો અને કાટ ખાઈ ચૂક્યો છે.