'શું પીએચડી કરવાની છે…' રાહુલના સાંસદ પદ બહાલી મુદ્દે સંજય રાઉતનો લોકસભા સ્પીકરને સવાલ

'શું પીએચડી કરવાની છે…' રાહુલના સાંસદ પદ બહાલી મુદ્દે સંજય રાઉતનો લોકસભા સ્પીકરને સવાલ

image : Twitter

મોદી સરનેમ કેસમાં કોંગ્રેસ નેતા અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. હવે તેમની સંસદ સભ્યપદને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે. આ મામલે શિવસેના (UBT)ના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે લોકસભા સ્પીકર ઓમ બિરલા પર કટાક્ષ કર્યો હતો.

રાઉત કહ્યું – સરકાર રાહુલથી ડરી રહી છે 

તેમણે કહ્યું, સરકાર રાહુલ ગાંધીથી ડરી ગઈ છે અને ડરી રહી છે. સુરત કોર્ટના નિર્ણય બાદ તરત જ સ્પીકરે તેમને સસ્પેન્ડ કરી દીધા હતા અને તેમને તેમના ઘરમાંથી કાઢી મૂક્યા હતા. સુપ્રીમ કોર્ટે આ નિર્ણય પર સ્ટે મૂક્યો હતો. આજે એ નિર્ણયને ત્રણ દિવસ થઈ ગયા છે પણ સ્પીકર કહી રહ્યા છે કે સ્ટડી કરવાનું બાકી છે. શું તમે એમને હટાવતાં પહેલાં સ્ટડી કરી હતી? આજે તમે શું કરી રહ્યા છો? શું તમે તે વિષય પર પીએચડી કરવા માંગો છો?”

સંજય રાઉત અયોગ્યતા રદ કરવાની માંગ કરી રહ્યા છે

અગાઉ, સંજય રાઉતે શુક્રવારે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી લોકસભાના અધ્યક્ષે રાહુલ ગાંધીની સંસદના સભ્યપદ માટેની અયોગ્યતાને રદ કરવી જોઈએ. રાહુલ ગાંધી છેલ્લા બે વર્ષથી ભાજપના નેતૃત્વ હેઠળની સરકાર સામે જે રીતે હુમલા કરી રહ્યા હતા તેના કારણે લોકસભાના સભ્ય તરીકે તેમને અયોગ્ય ઠેરવવા સંસદથી તગેડી મૂકવાના ઉદ્દેશ્ય તરફ પહેલું પગલું હતું.  રાઉતે દાવો કર્યો, મને સમજાતું નથી કે રાહુલ ગાંધીને સુરતની ટ્રાયલ કોર્ટ દ્વારા  શા માટે દોષિત ઠેરવવામાં આવ્યા. હાઈકોર્ટે શું કર્યું? હાઈકોર્ટે આ નિર્ણય પર સ્ટેન્ડ લેવું જોઈતું હતું. 

Share: