કેન્દ્ર સરકારે નવા વીઝા બહાર પાડ્યા, વિદેશી નાગરિકોને થશે ફાયદો

કેન્દ્ર સરકારે નવા વીઝા બહાર પાડ્યા, વિદેશી નાગરિકોને થશે ફાયદો

નવી દિલ્હી, તા.02 ઓગસ્ટ-2023, બુધવાર

કેન્દ્ર સરકારે આયુર્વેદ અને અન્ય ભારતીય દવાઓની પ્રણાલીઓ હેઠળ ભારતમાં સારવાર મેળવવા માંગતા વિદેશી નાગરિકો માટે આયુષ વિઝા નામની વિઝાની નવી શ્રેણી લોન્ચ કરી છે. આયુષ મંત્રાલયે જણાવ્યું કે, આ વીઝાથી તબીબી સંભાળ, યોગ સહિતની સારવાર કરાવવા માંગતા વિદેશી નાગરિકોની જરૂરીયાતને પૂર્ણ કરશે. આમ વીઝાની શ્રેણીમાં એક નવા વીઝાનો ઉમેરો કરાયો છે, જે ભારતીય દવાઓની પ્રણાલી હેઠળ સારવાર સાથે સંબંધિત છે. આ માટે વિઝા મેન્યુઅલ-2019ના વિવિધ પ્રકરણોમાં જરૂરી સુધારા કરવામાં આવ્યા છે.

કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે આજે જણાવ્યું કે, આયુષ પ્રણાલીઓ અને ભારતીય સારવાર પ્રણાલી હેઠળ સારવાર મેળવવા માંગતા વિદેશી નાગરિકો માટે આયુષ વિઝાની નવી શ્રેણીની જાહેરાત એક મહત્વપૂર્ણ નિર્ણય છે. આમ કરવાથી ભારતમાં મેડિકલ વેલ્યુ ટ્રાવેલને પ્રોત્સાહન મળશે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એપ્રિલ 2022માં ગુજરાતના ગાંધીનગરમાં ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટમાં આયુષ સારવાર માટે આવતા વિદેશી નાગરિકોની સુવિધા માટે વિશેષ આયુષ વિઝા શ્રેણી બનાવવાની જાહેરાત કરી હતી.

તેમણે જણાવ્યું કે, આયુષ વિઝાની નવી શ્રેણીની શરૂઆત એ ‘હીલ ઈન ઇન્ડિયા’ પહેલ માટે ભારતના રોડમેપનો એક ભાગ છે, જેનો ઉદ્દેશ્ય ભારતમાં તબીબી મૂલ્યોને આગળ વધારવાનો છે. આયુષ મંત્રાલય અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ભારતને વિશ્વના મેડિકલ પ્રવાસન નકશા પર મૂકવા માટે વન સ્ટોપ હીલ ઈન ઈન્ડિયા પોર્ટલ વિકસાવવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે.

Share: