×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અયોધ્યામાં 7 દિવસ યોજાશે રામ લલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ, PM કરશે ઉદ્ઘાટન, આ નેતાઓ રહેશે ઉપસ્થિત

અયોધ્યા, તા.02 ઓગસ્ટ-2023, બુધવાર

અયોધ્યામાં ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠાનો સંપૂર્ણ કાર્યક્રમ 7 દિવસનો રહેશે, જેના અંતિમ દિવસે PM નરેન્દ્ર મોદી પૂજા-અર્ચના કરી મંદિર દેશવાસીઓને સમર્પિત કરશે. વડાપ્રધાન પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે દેશવાસીઓને સંબોધન પણ કરશે. સંબોધન પહેલા સંઘ પ્રમુખ મોહન ભાગવત, મહંત નૃત્ય ગોપાલ દાસ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ત્યાં હાજર લોકોને સંબોધિત કરશે. 

અન્ય પક્ષોને આમંત્રણ આપવામાં પર ચર્ચા

રામ જન્મભૂમિ તીર્થના સૂત્રોના જણાવ્યા મુજબ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે અયોધ્યામાં કોઈ જાહેર સભા યોજાશે નહીં... જો કે 16થી 24 જાન્યુઆરી વચ્ચે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ નક્કી કરાયો છે, પરંતુ તારીખનો અંતિમ નિર્ણય વડાપ્રધાનના સમય મુજબ નક્કી કરાશે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના દિવસે આરએસએસના તમામ 36 સંગઠનોના લોકો ઉપસ્થિત રહેશે. સંઘના સંઘચાલક અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. ભાજપ ઉપરાંત અન્ય પક્ષોના લોકોને પણ આમંત્રિત આપવા પર ચર્ચા ચાલી રહી છે.

રામ જન્મભૂમિ પર મંદિરના નિર્માણ કાર્યમાં મજૂરોની સંખ્યા વધારાઈ

રામ જન્મભૂમિ પર નિર્માણાધીન રામ મંદિરના નિર્માણ કાર્યમાં મજૂરોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. હવે 1600 કારીગરો અને મજૂરો રામ મંદિરને આકાર આપવા માટે દિવસ-રાત કામ કરી રહ્યા છે. મંદિરના નિર્માણમાં અત્યાર સુધીમાં 900 મજૂરો હતા, ત્યારે વધુ 700 મજૂરો કામમાં જોડાયા છે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા કેમ્પસમાં ચાલી રહેલી મોટાભાગની કામગીરીઓ પૂર્ણ કરવાના ઉદ્દેશ્ય સાથે મજૂરોની સંખ્યમાં વધારો કરવામાં આવ્યો છે.

મંદિરની ખાસિયત

રામ મંદિર 380 ફૂટ લાંબુ, 250 ફૂટ પહોળુ અને 161 ફૂટ ઊંચુ હશે. કુબેર ટીલે પર શિવ મંદિર અને જટાયુ ભક્તોને આકર્ષિત કરશે. રામ મંદિરમાં સાગના લાકડાના 46 દરવાજા હશે. સાથે જ ગર્ભગૃહનો દરવાજો સુવર્ણજડિત હશે. સાથે જ મંદિરમાં 392 સ્તંભ હશે.

મોટા ભૂકંપ પણ રામમંદિરનું કંઈ નહીં બગાડી શકે, 1000 વર્ષ અડીખમ રહેશે

શ્રી રામ જન્મભૂમિ સંકુલમાં નિર્માણાધીન રામ મંદિર માત્ર ભવ્યતા જ નહીં પરંતુ ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ ટોચ પર રહેશે. રામ મંદિરના નિર્માણ માટે કાર્યકારી સંસ્થાના એન્જિનિયરોએ દાવો કર્યો છે કે રામ મંદિર 8.0 રિક્ટર સ્કેલની તીવ્રતાના ભૂકંપ સામે પણ સુરક્ષિત રહેશે. મંદિરને કુદરતી આફતોથી બચાવવા માટે ખાસ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના કારણે રામ મંદિર ઓછામાં ઓછા એક હજાર વર્ષ સુધી અડગ  રહેશે. મંદિરના નિર્માણમાં ક્યાંય પણ લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

કર્ણાટકના ગ્રેનાઇટ પથ્થરો પાયામાં વપરાયા 

મંદિરના પાયામાં કર્ણાટકના ગ્રેનાઈટ પત્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે પાણીના પ્રવાહને સહન કરવાની ક્ષમતા ધરાવે છે. મંદિરના નિર્માણમાં દેશની આઠ જાણીતી ટેકનિકલ એજન્સીઓની મદદ લેવામાં આવી છે. મંદિરનો પાયો લગભગ 50 ફૂટ ઊંડો છે. તેની ઉપર 2.5 ફૂટનો રાફ્ટ બનાવવામાં આવ્યો છે. રાફ્ટની ઉપર 21 ફૂટ ઉંચો પ્લિન્થ બનાવવામાં આવ્યો છે. મંદિર પ્લીન્થ ઉપર આકાર લઈ રહ્યું છે.