×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'900 પોલીસકર્મી ફરજ પર હતા, આમ-તેમ થઈ ગયા હશે!' નૂહ હિંસા મામલે SPનું બેજવાબદાર નિવેદન

image : IANS


હરિયાણાના મેવાતના નૂહમાં 31 જુલાઈએ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બ્રજમંડળ શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. જેના પર પથ્થરમારો થયા બાદ હિંસા ભડકી હતી. હવે તેના પર સવાલો ઊઠવા લાગ્યા છે. વિસ્તારમાં કર્ફ્યૂની સાથે ઇન્ટરનેટ બંધ કરવા જેવા તંત્રએ ઉપાયો અપનાવ્યા છે. નૂહની નજીકના ગુરુગ્રામ, ઝઝ્ઝર, ફરીદાબાદ, રેવાડી, સોનીપત, પાનીપત અને મહેન્દ્રગઢમાં કલમ 144 લાગુ કરાઈ છે. આ દરમિયાન આ હિંસા મામલે જવાબદાર એસપી લોકેન્દ્ર સિંહે બેજવાબદારીભર્યું નિવેદન આપ્યું છે. 

હિંસા વખતે પોલીસ ક્યાં હતી? 

હરિયાણાના નૂહમાં આશરે 6 કલાક સુધી તોફાનીઓએ રમખાણો કર્યા હતા, ત્યારે પોલીસ ક્યાં હતી? આ અંગે દરેક વ્યક્તિ સવાલ ઊઠાવી રહ્યો છે. હિંસાના સમયે નૂહના એસપી વરુણ સિંઘલા રજા પર હતા. તેમની જગ્યાએ ચાર્જ પલવલના એસપી લોકેન્દ્ર સિંહ પાસે હતો. જ્યારે પથ્થરમારાની ઘટના બની ત્યારે ઈન્ચાર્જ એસપી લોકેન્દ્ર સિંહ નૂહથી ફક્ત 35 કિ.મી. દૂર હતા. 

એસ.પી.લોકેન્દ્ર સિંહે શું કહ્યું? 

આ દરમિયાન ઈન્ચાર્જ તરીકે ફરજ સંભાળનારા એસ.પી. લોકેન્દ્ર સિંહે કહ્યું કે બ્રજમંડળ શોભાયાત્રા દરમિયાન 900 પોલીસકર્મીઓને ફરજ પર તહેનાત કરાયા હતા. કદાચ તેઓ હિંસાના સમયે આમ-તેમ થઈ ગયા હશે! એસ.પી. દ્વારા આ પ્રકારનું બેજવાબદારીભર્યું નિવેદન કદાચ કોઈને સ્વીકાર્ય નહીં હોય. દરેક લોકો તેમની ટીકા કરી રહ્યા છે. હિંસા અટકાવવામાં નિષ્ફળ રહેલા એસ.પી. લોકેન્દ્ર સિંહથી 31 જુલાઈની રાતે ચાર્જ છીનવી લેવાયો હતો અને તેમની જગ્યાએ ભિવાનીના એસ.પી. નરેન્દ્ર બિજરાનિયાને ચાર્જ સોંપી દેવાયો હતો.