×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દેશના 4 હજાર ધારાસભ્યોની કુલ સંપત્તિ અધધધ રૂ.54,545 કરોડ


- પૂર્વોત્તરના ત્રણ રાજ્યોના કુલ બજેટ કરતા પણ વધુ સંપત્તિ ધારાસભ્યો પાસે

- ભાજપના ધારાસભ્યોની કુલ સંપત્તિ 16,234 કરોડ જ્યારે કોંગ્રેસના ધારાસભ્યોની 15798 કરોડ રૂપિયા

નવી દિલ્હી : દેશના ચાર હજાર ધારાસભ્યોની પાસે કુલ ૫૪,૫૪૫ કરોડ રૂપિયાની સંપત્તિ છે, જે નાગાલેન્ડ, મિઝોરમ અને સિક્કિમ રાજ્યોના મળીને થતા વાર્ષીક બજેટ કરતા પણ વધુ છે. એડીઆર અને એનઇડબલ્યુ સંસ્થા દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટમાં આ ખુલાસો કરવામાં આવ્યો છે. દેશના વર્તમાન ધારાસભ્યો દ્વારા સોગંદનામામાં રજુ કરાયેલા સંપત્તિના આંકડાને ધ્યાનમાં રાખીને આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. 

કુલ ૪૦૩૩માંથી ૪૦૦૧ ધારાસભ્યોના સોગંદનામાને આ રિપોર્ટમાં ધ્યાનમાં રખાયા છે. જે મુજબ ૮૪ પક્ષો અને અપક્ષ સાથે જોડાયેલા  પ્રત્યેક ધારાસભ્ય પાસે સરેરાશ ૧૩.૬૩ કરોડ રૂપિયાની સંપત્તિ છે. આ ૪૦૦૧ ધારાસભ્યોની કુલ સંપત્તિનો આંકડો ૫૪,૫૪૫ કરોડ રૂપિયા છે. જે વર્ષ ૨૦૨૩-૨૪ના નાણાકીય વર્ષના ત્રણ રાજ્યો નાગાલેન્ડ, મિઝોરમ અને સિક્કિમના કુલ મળીને થતા ૪૯,૧૦૩ કરોડ રૂપિયાના બજેટ કરતા પણ વધુ છે. નાગાલેન્ડનું વાર્ષીક બજેટ ૨૩ કરોડ, મિઝોરમનું ૧૪૨૧૦ કરોડ, સિક્કિમનું કુલ બજેટ ૧૧,૮૦૭ કરોડ રૂપિયા છે. 

ભાજપના ૧૩૫૬ ધારાસભ્યોમાં પ્રત્યેક ધારાસભ્યની સરેરાશ સંપત્તિ ૧૧.૯૭ કરોડ રૂપિયા છે, જ્યારે કોંગ્રેસના ૭૧૯ ધારાસભ્યોમાંથી પ્રત્યેકની સરેરાશ સંપત્તિ ૨૧.૯૭ કરોડ, ટીએમસીના ૨૨૭માંથી પ્રત્યેકની ૩.૫૧ કરોડ સંપત્તિ છે. આમ આદમી પાર્ટીના પણ ૧૬૧ ધારાસભ્યોમાંથી પ્રત્યેકની સરેરાશ સંપત્તિ ૧૦.૨૦ કરોડ રૂપિયા છે. ભાજપના ધારાસભ્યોની કુલ સંપત્તિ ૧૬,૨૩૪ કરોડ, કોંગ્રેસના ધારાસભ્યોની કુલ સંપત્તિ ૧૫,૭૯૮ કરોડ રૂપિયા છે. માત્ર કર્ણાટકના જ ૨૨૩ ધારાસભ્યોની કુલ સંપત્તિ મિઝોરમ અને સિક્કિમના વાર્ષીક બજેટ કરતા વધુ છે. સાથે જ જે કુલ ધારાસભ્યોની ૫૪,૫૪૫ કરોડ રૂપિયા સંપત્તિ છે તેના ૨૬ ટકા માત્ર કર્ણાટકના ૨૨૩ ધારાસભ્યો પાસે છે.